You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'એકબીજાના ઘરે જવું પણ મુશ્કેલ થઈ ગયું', કૅનેડામાં રહેતા ભારતીયો શું કહે છે?
- લેેખક, ખુશહાલ લાલી
- પદ, બીબીસી સંવાદદાતા, બ્રૅમ્પ્ટન
ભારત અને કૅનેડા વચ્ચે તાજેતરમાં સર્જાયેલા તણાવને કારણે કૅનેડામાં રહેતા ભારતીય મૂળના લોકોમાં ચિંતાનું વાતાવરણ છે.
ભારત અને કૅનેડા બન્નેએ એકમેકના હાઈ કમિશનના છ રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ 14 ઑક્ટોબરે આપ્યો હતો.
2023માં ભારતે કેટલાંક વિઝા નિયંત્રણો લાદ્યાં અને કૅનેડિયન હાઈ કમિશનના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યા પછી જે પરિસ્થિતિ સર્જાઈ હતી, તેવી જ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ હોવાનું કૅનેડામાં રહેતા મોટા ભાગના ભારતીયો માને છે.
બીબીસીની એક ટીમે કૅનેડામાં રહેતા ભારતીય મૂળના નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે વર્તમાન પરિસ્થિતિ બાબતે તેમનાં મંતવ્યો જાણવા વાત કરી હતી, પરંતુ બહુ ઓછા લોકો જવાબ આપવા તૈયાર થયા હતા.
બન્ને દેશ વચ્ચેના તણાવથી ભારતીય મૂળના લોકોની રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં કેટલી અડચણ સર્જાઈ છે તેનો અંદાજ ઉપરોક્ત હકીકત પરથી લગાવી શકાય.
કૅનેડામાં રહેતા ભારતીયોએ કૅમેરા સમક્ષ વાત કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારત જવું પડશે. તેથી તેઓ બન્ને દેશો વચ્ચેના રાજકારણ બાબતે વાત નહીં કરે.
બીજી તરફ નાગરિકત્વની અરજી માટે ભારતથી કૅનેડા આવેલા વિદ્યાર્થીઓ પણ આ બાબતે વાત કરવા તૈયાર ન હતા.
આ જ કારણસર અનેક લોકો ભારત અને કૅનેડા વચ્ચેના વિવાદ બાબતે વાત કરવા રાજી ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાની ગંભીરપણે તપાસ કરવા બદલ કેટલાક લોકોએ કૅમેરા પાછળ જસ્ટિન ટ્રુડો સરકારનાં વખાણ પણ કર્યાં હતાં.
હવે વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે?
હકીકતમાં કૅનેડાના રાજદ્વારી સંદેશ સામે ભારતે અત્યંત આકરો પ્રતિભાવ આપ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેમને કૅનેડા તરફથી એક ડિપ્લોમેટિક મૅસેજ મળ્યો છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારી અધિકારીઓ કૅનેડામાંના એક કેસમાં સંડોવાયેલા હોવાનું કૅનેડા સરકાર માને છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સરકાર પ્રસ્તુત આક્ષેપોને હાસ્યાસ્પદ માને છે અને તેને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
પ્રસ્તુત આક્ષેપો અને કૅનેડાના વલણને ટ્રુડો સરકારના ઍજન્ડા સાથે સંબંધ છે, જે “મતના રાજકારણ”થી પ્રેરિત છે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
એ સિવાય રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ પણ એક પત્રકારપરિષદ યોજી હતી.
આરસીએમપીએ આક્ષેપ કર્યો હતો કે “ભારતીય એજન્ટો કૅનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યામાં, ખંડણીની અને હિંસક પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે તેમજ તેમણે ખાલિસ્તાન ચળવળના ટેકેદારોને નિશાન બનાવ્યા છે.”
આરસીએમપીએ સોમવારે કૅનેડામાં હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 'ભારત સરકારના એજન્ટ્સ' અંગે પત્રકાર પરિષદ કરી હતી, જેમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅંગનો ઉલ્લેખ કર્યો હતો.
આરસીએમપી કહ્યું કે આ ગૅંગ કથિત રીતે કૅનેડામાં વ્યાપક નેટવર્ક ધરાવે છે અને કૅનેડામાં કથિત ગુનાહિત ગતિવિધિઓમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅંગનો હાથ છે.
ભારતે આ આક્ષેપોને “પાયાવિહોણા” ગણાવીને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે ટ્રુડો સરકાર તેનાં રાજકીય હિત સાધવાં માટે કૅનેડામાંના શીખ સમુદાયને “ખુશ કરવા”ના પ્રયાસ કરી રહી છે.
કૅનેડા સરકારને આક્ષેપોને નકારી કાઢતાં ભારતીય વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે કૅનેડાના દિલ્હીમાંના હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર સહિતના છ રાજદ્વારી અધિકારીઓને 19 ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપ્યો છે.
‘ટ્રુડો સરકારને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ’
ભારત અને કૅનેડા વચ્ચે સર્જાયેલા તણાવને સમજવા માટે અમે જસવીરસિંહ શમિલ સાથે વાત કરી હતી. જસવીરસિંહ કૅનેડામાં છેલ્લા દોઢ દાયકાથી પત્રકારત્વ કરી રહ્યા છે.
શમિલે આ મુદ્દે અલગ દૃષ્ટિકોણથી વાત કરી હતી. તેમણે કહ્યું હતું, “હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ભારત પર આક્ષેપ કર્યા હતા એવું સરકાર કહેતી હોય તો બન્ને દેશો વચ્ચેનો સંબંધ ખરેખર બગડ્યો છે.”
“જોકે, મને એવું લાગે છે કે હવે પરિસ્થિતિ વધારે બગડી છે. તેનું કારણ એ છે કે કૅનેડામાં માત્ર ભારતનો જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોનો હસ્તક્ષેપ પણ હતો. આ હસ્તક્ષેપ બાબતે કૅનેડામાં જાહેર તપાસ ચાલી રહી છે.”
શામિલે કહ્યું હતું, “જસ્ટિન ટ્રુડો આ અઠવાડિયે તપાસપંચ સમક્ષ હાજર થવાના છે. એ વખતે તેમને તેમણે આ સંદર્ભે લીધેલાં પગલાં બાબતે સવાલ કરવામાં આવશે.”
“આ બાબતે કશુંક કરવા સરકાર પર રાજકીય દબાણ પણ છે. ટ્રુડોએ સંસદમાં નિવેદન કર્યું તે પહેલાંથી જ કૅનેડિયન મીડિયાએ દેશમાં વિદેશી હસ્તક્ષેપ બાબતે સમાચાર પ્રકાશિત કર્યા હતા.”
તેમના કહેવા મુજબ, “વડા પ્રધાન ટ્રુડોની કૅનેડામાં વિદેશી હસ્તક્ષેપ વિશેના તપાસપંચ સમક્ષ ઉપસ્થિતિ તથા આ સંદર્ભે સરકારના નરમ વલણ બાબતે વિરોધપક્ષની ટીકા વર્તમાન પરિસ્થિતિ પાછળનાં મુખ્ય કારણો છે, એવું હું માનું છું.”
“એ ઉપરાંત આરસીએમપી, હરદીપસિંહ નિજ્જરની હત્યા તથા સંગઠિત ગુનાખોરીના કેસો સાથે ભારતીય રાજદ્વારીઓને સાંકળવા માટે નિયમિત રીતે પત્રકારપરિષદ યોજી રહી છે.”
ખાલિસ્તાન સમર્થકોનો કેટલો પ્રભાવ છે?
બ્રૅમ્પ્ટનના જાણીતા સામાજિક કાર્યકર હરમિંદરસિંહ ધિલ્લોન ભારત અને કૅનેડા વચ્ચેના તણાવને ઘટાડવા માટે લાંબા સમયથી પ્રયાસ કરતા રહ્યા છે. તેઓ માને છે કે નરેન્દ્ર મોદી સરકાર અને ટ્રુડો સરકાર એકમેકથી નારાજ છે.
વર્તમાન પરિસ્થિતિમાં સમસ્યાના નિરાકરણને બદલે બન્ને દેશો તંગદિલી વધારી રહ્યા છે. તેનાથી બન્ને દેશો વચ્ચેના સંબંધને માઠી અસર થઈ રહી છે.
ભારત સરકારના આક્ષેપ મુજબ, આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરીને ટ્રુડો સરકાર શીખ સમુદાય ઉપયોગ કરવા ઇચ્છે છે, જેથી તેઓ તેમનાં રાજકીય હિત સાધી શકે.
જોકે, હરમિંદર ધિલ્લોન આ દલીલ સાથે સહમત નથી.
તેમણે કહ્યું હતું, “આ દલીલમાં ખાસ દમ નથી. ભારતમાંના લોકોને એવું લાગે છે કે અહીંની મોટી ખાલિસ્તાન તરફી લૉબીને આ વાતનો ખ્યાલ નથી. હકીકતમાં આવું બ્રૅમ્પ્ટનમાંના બે કે ચાર મતવિસ્તારની બાબતમાં જ કહી શકાય. કૅનેડામાંનો મોટા ભાગનો શીખ સમુદાય ખાલિસ્તાન તરફી નથી.”
“કૅનેડા જેવા મોટા દેશમાં જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનના ટેકેદારોને રાજી કરીને હારને જીતમાં પલટી શકે તેમ નથી.”
કૅનેડામાંના ભારતીય મૂળના લોકો શું કહે છે?
કૅનેડામાં છેલ્લાં 24 વર્ષથી રહેતા કરમજિતસિંહ ગિલ પંજાબનાં સામાજિક સંગઠનોને મદદ કરે છે.
ગિલે કહ્યું હતું, “મેં આ સમાચાર સાંભળ્યા ત્યારે બહુ દુઃખ થયું હતું. કોઈએ મને વીજળીનો આંચકો આપ્યો હોય તેવું લાગ્યું. ભારત અમારી માતૃભૂમિ છે, કૅનેડા અમારું ઘર છે. અમે બન્ને દેશને સમાન રીતે પ્રેમ કરીએ છીએ.”
“બન્ને દેશ વચ્ચે જ્યારે તણાવ સર્જાય છે, ત્યારે અમને બહુ ખરાબ લાગે છે. આ પ્રકારની પરિસ્થિતિ કાયમ ત્રાસદાયક હોય છે. એવા સમયે કૅનેડાથી ભારત જવું અને ભારતથી કૅનેડા આવવું મુશ્કેલ બની જાય છે.”
ખાસ કરીને કૅનેડાના નાગરિક બનેલા ભારતીય મૂળના લોકો માટે પરિસ્થિતિ મુશ્કેલ બની જાય છે. ભારતમાંના તેમના પરિવારજનોના સુખદુઃખના પ્રસંગે સામેલ થવાનું તેમના માટે મુશ્કેલ બની જાય છે.
વિક્રમસિંહ કૅનેડામાં વિદ્યાર્થીઓના અધિકાર માટે લડતા એક સંગઠનના નેતા છે. તેઓ અને સંગઠનમાંના તેમના સાથીઓ છેલ્લા દોઢ મહિનાથી કૅનેડા સરકાર સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
વિક્રમસિંહ માને છે કે વર્તમાન પરિસ્થિતિ રાજકીય કારણસર સર્જાઈ છે. તેમના જણાવ્યા મુજબ, ભારત અને કૅનેડા બન્ને સરકારનો પોતપોતાનો રાજકીય ઍજન્ડા છે, પરંતુ સામાન્ય લોકો રાજકારણથી વાજ આવી ગયા છે.
કૅનેડામાંના ભારતીય મૂળના લોકો આ મુદ્દે ખૂલીને વાત કરવા તૈયાર નથી. આ બાબતે વિક્રમસિંહે કહ્યું હતું, “કૅનેડામાંના ભારતીય મૂળના લોકો અને ખાસ કરીને પંજાબીઓ ભારતમાંના તેમના ઘરે નિયમિત રીતે જતા હોય છે. ઍરપૉર્ટ પર કોઈ સંભવિત વિવાદ કે સંઘર્ષ ન સર્જાય એટલા માટે તેઓ આ મુદ્દે બોલવાનું ટાળે છે.”
વિક્રમસિંહે ઉમેર્યું હતું, “ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કૅનેડા આવે છે. એ પૈકીના મોટા ભાગના પંજાબના હોય છે. ભારત અને કૅનેડા વચ્ચેનો સંબંધ બગડે તો કૅનેડિયન વિઝા મેળવવાનું તેમના માટે મુશ્કેલ બની જાય. કૅનેડા એ તક અન્ય દેશોને આપી શકે અને તેનાથી ભારતીયોને જ નુકસાન થાય.”
વિક્રમસિંહના મતાનુસાર, સામાન્ય લોકો મીડિયા કે સોશિયલ મીડિયા દ્વારા સરકારની નજરે ચડીને પોતાના માટે સમસ્યાઓ સર્જવા ઇચ્છતા નથી.
શમિલના કહેવા મુજબ, સામાન્ય લોકો આ પ્રકારના વિવાદ કે રાજકીય સ્તરના મુદ્દાઓને સમજી શકતા નથી. તેથી શું કહેવું તેની મોટા ભાગના લોકોને ખબર નથી. એ ઉપરાંત લોકો ક્યારેક રાજકીય અને ગંભીર મુદ્દાઓ વિશે બોલવાનું ટાળતા હોય છે.
હરમિંદરસિંહ ધિલ્લોન પણ માને છે કે કોઈ રાજકીય પક્ષ સાથે ન જોડાયેલા કે રાજકારણ વિશે કશું જ ન જાણતા લોકોને એવું લાગે છે કે તેઓ મીડિયા સાથે આ સંદર્ભે કોઈ વાત કરશે તો તેમણે ભારત અથવા કૅનેડા સરકારની નારાજગીનો સામનો કરવો પડશે.
કૅનેડામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે અને સરકાર તેમાં હસ્તક્ષેપ કરતી નથી, પરંતુ કૅનેડામાંના ભારતીય મૂળના લોકો માને છે કે તેઓ આવા મુદ્દે કોઈ મંતવ્ય આપશે, તો તેમને ભારત જવા માટેના વિઝા નહીં મળે.
હરમિંદરસિંહે કહ્યું હતું, “સંગઠિત ગુનાખોરી ભારતમાં હોય કે કૅનેડામાં, તેની સામે આકરા હાથે કામ લેવું જોઈએ, એવું હું માનું છું.”
તેમણે ઉમેર્યું હતું, “ભારત સરકારે સમજવું જોઈએ કે ગયા વર્ષની માફક તે વિઝા પર નિયંત્રણ જેવાં પગલાં લેશે તો તેનાથી લોકોને નુકસાન થશે.”
કરમજિતસિંહ ગિલે પણ જણાવ્યું હતું કે બન્ને દેશોની સરકારોએ રાજદ્વારી વિવાદનું નિરાકરણ સરકારીસ્તરે કરવું જોઈએ. તેનાથી સામાન્ય લોકોને કોઈ અસર થવી ન જોઈએ.
બન્ને દેશો વચ્ચે સંઘર્ષ કેવી રીતે શરૂ થયો?
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બર 2023માં કૅનેડાની સંસદમાં એવી શંકા વ્યક્ત કરી હતી કે એ વર્ષે જૂનમાં થયેલી કૅનેડાના નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોઈ શકે છે.
ટ્રુડોના એ નિવેદન પછી કૅનેડાએ ભારતના સિનિયર રાજદ્વારી અધિકારી પવનકુમાર રૉયની કૅનેડામાંથી હકાલપટ્ટી કરી હતી. કૅનેડાના એ પગલાના જવાબમાં ભારત સરકારે પણ કૅનેડાના વરિષ્ઠ રાજદ્વારી અધિકારીઓને પાંચ દિવસમાં ભારત છોડવાનો આદેશ આપ્યો હતો.
કૅનેડાએ કરેલા આક્ષેપોને ભારત સરકારે સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.
એ પછીના થોડા દિવસોમાં ભારત સરકારે કૅનેડાના નાગરિકો માટેની વિઝા સેવા, દૂતાવાસના અધિકારીઓ પર જોખમ હોવાનું કારણ આપીને રદ્દ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન