તાતા કંપનીની ટાઇટન બ્રાન્ડની કહાણી શું છે, કંપની કઈ રીતે બની અને તેનું નામ પહેલાં શું હતું?

    • લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન
    • પદ, બીબીસી તમિલ

તાતા જૂથ અને તામિલનાડુ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (ટિડકો) એ સંયુક્ત રીતે કાંડા ઘડિયાળ બનાવતી કંપની ટાઇટન શરૂ કરી હતી.

હવે તે ભારતમાં એક અગ્રણી ઘડિયાળ કંપની તરીકે નામ ધરાવે છે. ઝવેરાત, સાડી અને ચશ્માના ધંધામાં પણ આ કંપનીએ પોતાની ઓળખ બનાવી છે. તે 'ગ્લોબલ બ્રાન્ડ' બની ગઈ છે.

ચાલો જાણીએ કે આ કંપનીની સફળતાની સફર કેવી રીતે શરૂ થઈ.

ટાઇટન અને તનિષ્કનું નામ ન સાંભળ્યું હોય એવું ભાગ્યેજ કોઈ હશે. આ બ્રાન્ડ્સ પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે.

પત્રકાર વિનય કામથનું પુસ્તક 'ટાઇટન – ઇનસાઇડ ઇન્ડિયાઝ મોસ્ટ સક્સેસફુલ કન્ઝ્યૂમર બ્રાન્ડ' અને ટાઇટનના મૅનેજિંગ ડિરેક્ટર સી.કે. વેંકટરામનનું પુસ્તક 'ધ તનિષ્ક સ્ટોરીઃ ઇનસાઇડ ઇન્ડિયાઝ નંબર વન જ્વેલરી બ્રાન્ડ' આ બે બ્રાન્ડ્સની સફરની વિગતો આપે છે.

1970ના દાયકામાં જ્યારે 'લાઇસન્સ રાજ' સિસ્ટમ અમલમાં હતી, ત્યારે માત્ર કેન્દ્ર સરકારની કંપની હિન્દુસ્તાન મશીન ટૂલ્સ પાસે કાંડા ઘડિયાળ બનાવવાનું લાઇસન્સ હતું. નાની કંપનીઓ સ્થાનિક રીતે તેનું ઉત્પાદન કરી શકતી હતી. અન્ય કોઈ મોટી કંપનીને કાંડા ઘડિયાળ બનાવવાની મંજૂરી નહોતી.

તમિલ સનદી અધિકારી ઇરાવથમ્ મહાદેવનને સિંધુ ખીણની સંસ્કૃતિમાં ખૂબ રસ હતો. 1977માં દિલ્હીમાં કામ કરતી વખતે તેઓ સિંધુ ખીણની માહિતી એકત્ર કરવા તાતા પ્રેસમાં ગયા હતા.

અનિલ કચંદા તે સમયે તાતા પ્રેસમાં ટોચના અધિકારી તરીકે કામ કરતા હતા. તે સમયે મહાદેવન અને અનિલ કચંદા વચ્ચે દોસ્તી થઈ હતી.

એક દિવસ અનિલ કચંદા દિલ્હીના ઉદ્યોગ ભવનમાં મહાદેવનની ઑફિસમાં ગયા હતા. તે સમયે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં નવી પ્રોડક્ટ બનાવવાની મંજૂરી માટે વાતચીત ચાલી રહી હતી. બંનેએ વિવિધ ઉત્પાદનોના બનાવવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. એ પછી અનિલ કચંદાએ તાતા પ્રેસના કારોબારી ઝેરક્સેસ દેસાઈ સાથે આ બાબતે ચર્ચા કરી.

તેમણે વિચાર્યું કે કાંડા ઘડિયાળ બનાવવી વધારે અનુકૂળ રહેશે. તાતા કંપનીએ પણ તે સમયે કાંડા ઘડિયાળ બનાવવાનું વિચાર્યું હતું. પરંતુ, કેન્દ્ર સરકારનું કોઈ લાઇસન્સ નહોતું.

કાંડા ઘડિયાળના વ્યવસાયમાં તાતાના પ્રવેશને બે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

સૌથી પહેલા સરકાર પાસેથી પરવાનગી લેવાની હતી. બીજું, ઘડિયાળ બનાવવાની ટેકનૉલૉજી તેમની પાસે નહોતી. તે સમયે વિશ્વમાં એ વિશેની ટેકનૉલૉજી ધરાવતી માત્ર પાંચ કંપનીઓ હતી.

પાંચમાંથી એક સિટિઝન હતી જેણે કેન્દ્ર સરકારની એચએમટી કંપની સાથે સમજૂતી કરાર કર્યો હતો. સેઇકો કંપની ઍલ્વિન સાથ વાટાઘાટ કરી રહી હતી. ટાઇમૅક્સ આર્થિક સંકડામણમાં હતી. કેસિયો કંપનીએ ઘડિયાળ બનાવવા ઉપરાંત ડિજિટલ ઘડિયાળના ધંધામાં પણ ડોકિયું કરી રહી હતી. સ્વચ્છ નામની એક કંપની પોતાની ટેકનૉલૉજી અન્ય કોઈ સાથે સાંકળવા તૈયાર નહોતી.

તાતાએ કેવી રીતે શરૂ કર્યું ઘડિયાળ બનાવવાનું કામ

ટિડકો એ જ વખતે રાજ્યમાં નવા ઉદ્યોગોને આમંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

ટિડકોના પ્રમુખ અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે મહાદેવનની બદલી એ વખતે તામિલનાડુમાં થઈ હતી.

તે વખતે ટિડકો કાંડા ઘડિયાળની કંપની સ્થાપવા માટે ટેકનૉલૉજી ટ્રાન્સફર માટે એક કંપની સાથે પણ વાતચીત પણ કરી રહી હતી.

મહાદેવન્ પહેલેથી જ જાણતા હતા કે તાતાને પણ કાંડા ઘડિયાળ બનાવવામાં રસ છે. આ અંગે ઝેરક્સેસ દેસાઈ સાથે વાત કરી.

મહાદેવને ઝેરક્સેસ દેસાઈને પૂછ્યું કે ફ્રાન્સમાં ઘડિયાળની કંપની સાથે વાત કરી છે અને તેઓ તમિલનાડુમાં ભાગીદાર ઈચ્છે છે, શું તાતાને રસ છે?

તાતા તો ઘડિયાળ માટે એ જ ઘડીની રાહ જોઈ રહ્યા હતા. મોકો મળી ગયો.

ત્યાર બાદ ટિડકોએ લાઇસન્સ મેળવવા કેન્દ્ર સરકારને અરજી કરી હતી. જેમાં તાતાનો ભાગીદાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે માત્ર ટિડકોને જ લાઇસન્સ આપવામાં આવશે અને તેમાં તાતાનો સમાવેશ થઈ શકશે નહીં.

ટાઇટન નામ કેવી રીતે પડ્યું?

એ પછી તાતાનું નામ લીધા વગર ટિડકોએ ક્વેસ્ટર ઇન્વેસ્ટમેન્ટના નામે ફરી અરજી આપી હતી. તે કંપની પણ તાતા જૂથ સાથે જ સંકળાયેલી હતી. એ પછી લાઇસન્સ મળી ગયું હતું.

ઘડિયાળના નામ માટે તેમણે નામ વિચાર્યા અને ટાઇટન નક્કી થયું હતું. નામ પાછળ પણ રસપ્રદ કહાણી છે. તાતા ઇન્ડસ્ટ્રીઝના અક્ષર ટી અને આઈ તેમજ તમિલનાડુના અક્ષર ટી, એ અને એન મેળવીને ટાઇટન નામની બ્રાન્ડ જન્મી હતી.

આ ઘડિયાળ કંપનીની ફેકટરીનો પાયો 1986માં હોસુરમાં નાખવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 1987માં ઉત્પાદન શરૂ થયું. ટાઇટન કાંડા ઘડિયાળનું ઉત્પાદન શરૂ થયું એ મહિનાથી વેચાણ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. એપ્રિલ 1989 સુધીમાં 10 લાખ ઘડિયાળ વેચાઈ ગઈ હતી.

જેઆરડી તાતા પછી રતન તાતાએ 1991માં ગ્રૂપના પ્રમુખ પદ સંભાળ્યું હતું. તેમણે સૌપ્રથમ 1992માં હોસુરમાં ટાઇટન ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. શરૂઆત થઈ ત્યારથી જ ટાઇટને ભારતીય ઘડિયાળના બજારમાં પોતાની ઓળખ બનાવી છે.

જેમ જેમ ટાઇટન એક સફળ બ્રાન્ડ બની, તનિષ્ક બ્રાન્ડે પણ તેનું અનુકરણ કર્યું.

1990ના દાયકામાં ઝેરક્સેસ દેસાઈ મુંબઈમાં જ્વેલરી ઍક્ઝિબિશનમાં ગયા હતા. તેમણે વિચાર્યું કે યુરોપના બજારોમાં નમૂનેદાર ઝવેરાત અને ઊચ્ચ ગુણવત્તાવાળી ઘડિયાળ વેચવામાં આવે તો? એ રીતે તનિષ્કનો જન્મ થયો હતો.

ઘડિયાળથી ઘરેણાં સુધી

અનિલ કચંદા જેઓ ટાઇટનની શરૂઆતથી ઝેરક્સેસ દેસાઈ સાથે હતા તેમને તે વિભાગના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે ઝવેરાતનું વેચાણ સારું થશે. જો કે, એવું ન થયું ત્યારે તેમણે તે જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું હતું.

પરંતુ, ઝેરક્સેસ દેસાઈ આ પ્રોજેક્ટને લઈને અડગ હતા. 65 કરોડના રોકાણ સાથે હોસુરમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં, તેમણે યુરોપ અને અમેરિકામાં ઘરેણાંની નિકાસ કરવાની યોજના બનાવી હતી. ભારતમાં પણ તેને મર્યાદિતઢબે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

1994માં ઉત્પાદન શરૂ થયા પછી ઝેરક્સેસ દેસાઈને લાગ્યું કે યુરોપ અને અમેરિકાની બજારોમાં મોટાપાયે નિકાસ કરવું શક્ય નથી. તેમણે સ્થાનિક બજાર પર ફોકસ કર્યું.

સ્થાનિક બજારમાં તો ગળાકાપ સ્પર્ધા હતી જ. ઘરેણાંની બ્રાન્ડને સૌ પ્રથમ સેલેસ્ટે નામ રજૂ કરવામાં આવ્યા હતા. 1996માં નામ બદલીને તનિષ્ક કરવામાં આવ્યું હતું.

1996માં ચેન્નાઈના કૅથેડ્લ રોડ પર પહેલો શોરૂમ શરૂ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના ભારતિયો 22 કેરેટના ઘરેણા પસંદ કરે છે એ જાણતા હોવા છતાં પ્રારંભમાં તનિષ્ક બ્રાન્ડ દ્વારા ફક્ત 18 કેરેટ સોનાના આભૂષણ વેચાતા હતા. પછી 22 કેરેટના ઘરેણાનું ઉત્પાદન પણ શરૂ કર્યું હતું.

હાલમાં, ઘડિયાળથી માંડીને ઝવેરાત, હીરા, ચશ્મા, કપડાં, હૅન્ડબેગ અને પરફ્યુમના વેચાણમાં ટાઇટન દેશની બ્રાન્ડ નંબર વન છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.