You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉરેન્સ બિશ્નોઈનું નામ કૅનેડામાં 'હત્યા અને ખંડણી' મામલે આવ્યું, 'ભારતીય અધિકારીઓ સાથે સાઠગાંઠ'નો કૅનેડા પોલીસનો દાવો
- લેેખક, ગુરજોતસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને કૅનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ચાલુ અઠવાડિયે ફરી એક વખત ખટાશ આવી છે. આ દરમિયાન ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.
આરસીએમપીએ સોમવારે કૅનેડામાં હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 'ભારત સરકારના એજન્ટ્સ' અંગે પત્રકાર પરિષદ કરી હતી, જેમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅંગનો ઉલ્લેખ કર્યો હતો. આરસીએમપી કહ્યું કે આ ગૅંગ કથિત રીતે કૅનેડામાં વ્યાપક નેટવર્ક ધરાવે છે અને કૅનેડામાં કથિત ગુનાહિત ગતિવિધિઓમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅંગનો હાથ છે.
રૉયલ કૅનેડિયન માઉન્ટૅડ પોલીસે (આરસીએમપી) આરોપ મૂક્યો હતો કે ભારત સરકારના ઍજન્ટ્સ અને બિશ્નોઈ જૂથ સાંઠગાંઠ ધરાવે છે.
આરસીએમપીના પ્રવક્તાએ કહ્યું હતું, "કૅનેડામાં દક્ષિણ એશિયન મૂળના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, વિશેષ કરીને, જેઓ ખાલિસ્તાનની હિમાયત કરે છે."
"આરસીએમપીના દૃષ્ટિકોણથી જોઈએ તો તેમણે સંગઠિત ગૅંગોનો ઉપયોગ કર્યો છે. તેઓ સાર્વજનિક રીતે આ બિશ્નોઈ ગૅંગ સાથે જોડાયેલા છે તથા આ ગૅંગે જવાબદારી પણ લીધી છે. અમારું માનવું છે કે ભારત સરકારના ઍજન્ટ્સ આ સંગઠન સાથે સંબંધ ધરાવે છે."
કૅનેડાની પોલીસે બિશ્નોઈનું નામ લીધું
અન્ય એક પ્રશ્નના જવાબમાં આરસીએમપીએ ગુનાહિત સંગઠનોની ભૂમિકામાં લૉરેન્સ બિશ્નોઈ ગૅંગનું નામ લીધું હતું.
આરસીએમપીના પ્રવક્તાના કહેવા પ્રમાણે, "લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ કૅનેડામાં ખંડણી અને ડ્રગ્સસંબંધિત ગુનાઓમાં સંડોવાયેલી છે અને તે ભારતમાંથી ઑપરેટ કરે છે."
"આ ગૅંગે અનેક પ્રવૃત્તિઓની જવાબદારી સ્વીકારી છે અને તેની માહિતી સાર્વજનિક છે. આ સિવાયની ગૅંગો પણ છે, પરંતુ મારે એમનાં નામો નથી લેવાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરસીએમપીનું કહેવું છે, "આઠ શખ્સોને હત્યાઓના આરોપમાં, જ્યારે 22ને ખંડણી ઉઘરાવવાના આરોપસર પકડવામાં આવ્યા છે."
સોમવારે ભારત અને કૅનેડાએ એકબીજાના છ-છ રાજદ્વારીઓને દેશ છોડી દેવા કહ્યું હતું.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું કહેવું છે કે કૅનેડાની ધરતી ઉપર કૅનેડાના નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય ઍજન્ટ્સની સંડોવણી વિશે "વિશ્વસનીય પુરાવા" છે.
કૅનેડા દ્વારા ભારતને રાજદ્વારી સંદેશ મોકલવામાં આવ્યો હતો, જેમાં હરદીપસિંહ નિજ્જર હત્યાકેસમાં કૅનેડાસ્થિત ભારતીય હાઈકમિશનર સંજય કુમાર વર્મા તથા અન્ય ડિપ્લોમેટ્સને 'પર્સન ઑફ ઇન્ટ્રેસ્ટ' જણાવવામાં આવ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે કૅનેડાના આરોપોની કડક શબ્દોમાં ટીકા કરી હતી અને તેને 'પાયાવિહોણા' ગણાવ્યા હતા. વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું કે ટ્રુડો સરકારના ક્રિયાને કારણે ભારતીય હાઈ કમિશનર તથા અન્ય રાજદ્વારીઓના જીવ ઉપર જોખમ ઊભું થયું છે.
ભારત સરકારે કહ્યું હતું કે ત્યાં રહેલા ભારતીય ડિપ્લોમેટ્સની સુરક્ષા માટે તેમને કૅનેડાની ટ્રુડો સરકાર ઉપર ભરોસો નથી.
આ પહેલાં ભારત સરકારે દિલ્હીસ્થિત કૅનેડા ઍમ્બેસીના ઉચ્ચઅધિકારી સ્ટુઅર્ટ વ્હીલરને બોલાવ્યા હતા. વ્હીલરે આ બેઠક બાદ કહ્યું હતું કે કૅનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારના ઍજન્ટોની સંડોવણી વિશે ભારત સરકારને પુરાવા આપવામાં આવ્યા છે.
લૉરેન્સનું આંતર'રાષ્ટ્રીય' નેટવર્ક
આરસીએમપી દ્વારા આપવામાં આવેલી માહિતી પછી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈની ગૅંગ કેટલે સુધી ફેલાયેલી છે, તેના વિશે ચર્ચા જાગી છે.
લૉરેન્સનો જન્મ ફાજિલ્કા જિલ્લાના ધત્તરાંવાલી ગામ ખાતે થયો હતો. પોલીસ રેકૉર્ડ પ્રમાણે, લૉરેન્સનું સાચું નામ સતવિંદરસિંહ છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લૉરેન્સનો વાન નાનપણમાં સફેદ હતો, જેના કારણે પરિવારજનો લાડમાં તેને 'લૉરેન્સ' કહીને બોલાવતા. આગળ જતાં એ નામ જ તેના વાસ્તવિક નામ કરતાં વધુ લોકપ્રિય બની ગયું.
લૉરેન્સ ઉપર અનેક ક્રિમિલ કેસ ચાલી રહ્યા છે, જેના કારણે તે છેલ્લાં અનેક વર્ષોથી જેલમાં બંધ છે. છતાં અનેક 'હાઈપ્રૉફાઇલ' ગુનામાં તેનું નામ ચર્ચામાં આવ્યું હતું.
જેમાં વિખ્યાત પંજાબી ગાયક શુભદીપસિંહ ઉર્ફ સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસનો (મે-2022) પણ સમાવેશ થાય છે. મુસેવાલાની તેમના જ ગામમાં (જવાહરકે, માનસા) ખાતે હત્યા કરી દેવાઈ હતી.
લૉરેન્સ બિશ્નોઈ તથા તેના સાથી ગૉલ્ડી બરારે આ હત્યાની જવાબદારી લીધી હતી. ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે ગૉલ્ડી વિદેશમાં રહીને ગૅંગ ચલાવે છે.
સલમાન ખાનને ધમકીઓ આપવાના કેસમાં પણ લૉરેન્સ બિશ્નોઈનું નામ ચર્ચાતું રહે છે. એપ્રિલ-2024માં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું, જેમાં પણ બિશ્નોઈ ગૅંગનું નામ ઊછળ્યું હતું.
મુંબઈના રાજકારણી બાબા સિદ્દીકીની તા. 12મી ઑક્ટોબરે હત્યા કરી દેવામાં આવી, જેમાં પણ બિશ્નોઈનું નામ હોવાનું ચર્ચાય છે.
આતંકવાદ અને અંડરવર્લ્ડ કનેક્શન
માર્ચ-2023માં નૅશનલ ઇન્વૅસ્ટિગેશન એજન્સીએ (એનઆઈએ) લૉરેન્સ બિશ્નોઈ અને ગૉલ્ડી બરાર ઉપરાંત 12 શખ્સો ઉપર બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ જેવા સંગઠનોની સાથે સંબંધ હોવાનું આરોપનામું અદાલતમાં રજૂ કર્યું હતું.
એનઆઈએ પોતાની પ્રેસ વિજ્ઞપ્તીમાં જણાવ્યું હતું, "લૉરેન્સ બિશ્નોઈ વર્ષ 2015થી પોલીસ કસ્ટડીમાં છે. તે કૅનેડાસ્થિત ગૉલ્ડી બરારની મદદથી દેશની અલગ-અલગ જેલોમાં બંધ હોવા છતાં "આતંક અને ગુનાની સિન્ડિકેટ" ચલાવે છે."
"નવેમ્બર-2022માં ડેરા સચ્ચા સાથે જોડાયેલા પ્રદીપ કુમારની ફરિદકોટમાં હત્યા કરી દેવાઈ હતી. જેમાં ગૉલ્ડી બરાર આરોપી છે."
પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યા મુજબ, ડિસેમ્બર-2022માં મોહાલીસ્થિત પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હૅડક્વાર્ટર ઉપર રૉકેટ પ્રૉપેલ્ડ ગ્રૅનેડથી હુમલો થયો હતો. જેમાં પણ બિશ્નોઈની સંડોવણી હતી.
એનઆઈએ દ્વારા જાન્યુઆરી-2024માં વધુ એક પ્રેસ વિજ્ઞપ્તી બહાર પાડવામાં આવી હતી, જેમાં જણાવ્યા મુજબ, "એનઆઈએ દ્વારા લૉરેન્સ બિશ્નોઈ તથા તેમના સાગરિતોની ગૅંગ વિરુદ્ધ ઑગસ્ટ-2022માં યુએપીએ (અનલૉફૂલ ઍક્ટિવિટીઝ (પ્રિવૅન્શન) ઍક્ટ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે."
એનઆઈએનું કહેવું છે કે બિશ્નોઈ ગૅંગ ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિકો પાસેથી મોટાપાયે ખંડણી ઉઘરાવે છે.
જેલમાં બંધ હોવા છતાં લૉરેન્સ બિશ્નોઈ કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી શકે છે, તેના વિશે અનેક રાજનેતા અને કર્મશીલો સવાલ ઉઠાવી ચૂક્યા છે.
'અંદર' રહીને પણ ઇન્ટરવ્યૂ?
લૉરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. આ પહેલાં તે પંજાબ, દિલ્હી તથા રાજસ્થાન સહિત દેશની અલગ-અલગ જેલમાં બંધ હતો.
લૉરેન્સ જેલમાં બંધ હોવા છતાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપે છે. એટલું જ નહીં, ઇન્ટરવ્યૂ આપ્યા હોવાના આરોપ પણ લાગ્યા છે.
માર્ચ-2023માં લૉરેન્સ બિશ્નોઈના બે ઇન્ટરવ્યૂ ખાનગી ચૅનલોએ પ્રસારિત કર્યા હતા, જેમાં લૉરેન્સે પોતાના ગુનાહિત કૃત્યોનો બચાવ કર્યો હતો.
પંજાબ સરકાર દ્વારા લૉરેન્સ બિશ્નોઈના ઇન્ટરવ્યૂ વિશે સ્પેશિયલ ઇન્વૅસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. જેણે જુલાઈ-2023માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટને પોતાનો રિપોર્ટ સુપ્રત કર્યો હતો.
રિપોર્ટ મુજબ પહેલો ઇન્ટરવ્યૂ પંજાબના ખરાડ ખાતે, જ્યારે બીજો સાક્ષાત્કાર રાજસ્થાનમાં શૂટ થયો હતો. બંને ઇન્ટરવ્યૂ પ્રસારિત થયા, તેના અનેક મહિના પહેલાં તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
કૉર્ટમાં જણાવ્યા મુજબ, "આ વ્યક્તિ સામે 71 કેસ ચાલી રહ્યા છે. ચાર કેસમાં તે દોષિત ઠર્યો છે. જેમાં યુપીએપીએ-1967 તથા આઈપીસીની (ભારતીય દંડસંહિતા) કલમ 302 (હત્યા) હેઠળના કેસોનો પણ સમાવેશ થાય છે."
"લૉરેન્સે આ ઇન્ટર્વ્યૂ દરમિયાન ટાર્ગેટ કિલિંગ તથા ગુનાહિત પ્રવૃત્તિઓનો બચાવ કર્યો હતો. તેણે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ધમકી આપી હતી અને તેનો પણ બચાવ કર્યો હતો."
ઇન્ટર્વ્યૂમાં લૉરેન્સ બિશ્નોઈએ પોતાને રાષ્ટ્રવાદી ગણાવીને પાકિસ્તાન અને ખાલિસ્તાન વિરોધી હોવાનું જણાવ્યું હતું.
સુખી અને સમૃદ્ધ ઘરનું સંતાન
ઉપલબ્ધ સાર્વજનિક માહિતી પ્રમાણે, લૉરેન્સ બિશ્નોઈનો જન્મ વર્ષ 1992 કે '93માં થયો હતો. બીબીસી સંવાદદાતા સુરિન્દર માન જ્યારે બિશ્નોઈના ગામે ગયા, ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે બિશ્નોઈનો પરિવાર 110 એકર જેટલી જમીન ધરાવે છે.
લૉરેન્સના પિતા લવિન્દરસિંહ હરિયાણા પોલીસમાં કૉન્સ્ટેબલ હતા, પરંતુ એ પછી નોકરી છોડીને ખેડૂત બની ગયા હતા. તેમનો પરિવાર ખૂબ જ ધાર્મિકવૃત્તિ ધરાવે છે.
લૉરેન્સ વર્ષ 2011માં ચંદીગઢની ડીએવી કૉલેજમાં જોડાયો હતો, અહીંથી જ તેણે વિદ્યાર્થીકેન્દ્રિત રાજકારણની શરૂઆત કરી હતી. લૉરેન્સ વિદ્યાર્થી સંગઠન એસઓપીયુ સાથે સક્રિયપણે જોડાયેલો હતો.
પંજાબ પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા અને પડતર કેસોના આધારે ગૅંગસ્ટરોને અલગ-અલગ શ્રેણીમાં વહેંચવામાં આવે છે. જેની ઉપર અનેક ગંભીર કેસ પડર હોય, તેમને 'એ' શ્રેણીમાં મૂકવામાં આવે છે.
પંજાબ પોલીસના રેકોર્ડ્સ પ્રમાણે, લૉરેન્સ બિશ્નોઈ 'એ' શ્રેણીનો ગૅંગસ્ટર છે. બિશ્નોઈ વર્ષ 2014માં પહેલી વખત જેલમાં ગયો હતો.
લૉરેન્સ બિશ્નોઈ એપ્રિલ-2023થી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીઆરપીસીની (ક્રિમિનલ પ્રૉસિજર કોડ) કલમ 268 હેઠળ, લૉરેન્સની હેરફેર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે દેશના અન્ય કોઈપણ ભાગમાં અદાલતી કાર્યવાહી માટે લૉરેન્સને હાજર કરવાનો હોય, તો વીડિયો કોન્ફરન્સિંગથી જ રજૂ કરવામાં આવે છે.
એ પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 303 હેઠળ લૉરેન્સની હેરફેરને વધુ એક વર્ષ માટે અટકાવી દીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન