ચાર પાણી બૉટલ અને ચાર બિસ્કિટનાં પૅકેટ સાથે હજારો કિમીનો પ્રવાસ કરવાનો પ્રયાસ, અંતે શું થયું?

    • લેેખક, બ્લૅન્કા મુનોઝ, ક્રિસ આલ્કૉક અને મામે ચેખ ઍમબાય
    • પદ, બીબીસી આફ્રિકા આઈ માટે

સેનેગલના ખેડૂત મોહમ્મદ ઔલી ક્યારેય સમુદ્રમાં ગયા નથી, પરંતુ તેઓ એક ખતરનાક દરિયાઈ પ્રવાસ ખેડવા માટે નીકળવાના છે. એક એવો પ્રવાસ, જેણે ઍટલાન્ટિક મહાસાગરને વિશાળ સામૂહિક કબરમાં ફેરવી નાખ્યો છે.

ઔલી કહે છે, “બોટના લોકોએ મને બોલાવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે મારે તૈયાર રહેવું જોઈએ. તમે મારા માટે પ્રાર્થના કરજો. હવે સમય આવી ગયો છે.”

પશ્ચિમ આફ્રિકા અને સ્પૅનના કેનેરી ટાપુઓ વચ્ચેના ખતરનાક ક્રૉસિંગ મારફત યુરોપ પહોંચવા ઇચ્છતા સ્થળાંતરકર્તાઓની ગુપ્ત દુનિયામાં બીબીસી આફ્રિકા આઈએ પ્રથમ વખત પ્રવેશ મેળવ્યો.

મોહમ્મદ ઔલી દ્વીપસમૂહ સુધી પહોંચવા માટે સ્થળાંતર કરનારા પૈકીના એક બનવા ઇચ્છે છે. એવા લોકોની સંખ્યા હવે સર્વકાલીન ઉચ્ચસ્તરે પહોંચી ગઈ છે.

ત્યાંની પ્રાદેશિક સરકાર ચેતવણી આપે છે કે દ્વીપસમૂહના ખડકાળ દરિયાકિનારા પર “તૂટી પડવાની અણીએ પહોંચી ગયેલી એક ઉભરાતી” સિસ્ટમ સ્થળાંતરકર્તાઓની રાહ જોઈ રહી છે, પરંતુ મોહમ્મદ ઔલીના દૃઢનિશ્ચયને કશું ડગમગાવી શકે તેમ નથી.

લાકડાની માછીમારી માટેની લોકોથી છલકાતી નૌકા પિરોગમાં બેસીને મોહમ્મદ ઔલીએ વિશ્વના સૌથી ક્રૂર સમુદ્રની દયા પર દિવસો કે કદાચ અઠવાડિયાં સુધી પ્રવાસ કરવાનો છે.

તમે ક્યાંથી નીકળ્યા છો તેના આધારે સેનેગેલથી ખુલ્લા સમુદ્રમાં તે 1,000 કિલોમીટરનું અંદાજે અંતર છે. ભૂમધ્ય સમુદ્રને પાર કરતાં અન્ય માઇગ્રન્ટ રૂટ્સ કરતાં તે લગભગ દસ ગણું અંતર છે.

સમુદ્રનાં તોફાનો અને શક્તિશાળી દરિયાઈ કરન્ટ્સનો સામનો કરતા સ્થળાંતરકર્તાઓ જોરદાર માંદગીનો અને ભયનો સામનો કરતા હોય છે ત્યારે ઘણી વાર તેમની પાસે પીવાનું પાણી ખૂટી પડે છે.

રાતના સમયે અંધારિયા પાણીથી ઘેરાયેલા લોકોનું ચિત્ત ઘણી વાર ભમી જાય છે, તેઓ ફફડી ઊઠે છે અને તેમને ડિહાઇડ્રેશન થઈ જાય છે.

મોહમ્મદ ઔલીની મુશ્કેલી

દરિયાકાંઠાથી દૂર સેનેગેલના પૂર્વીય પ્રદેશ ટામ્બાકાઉન્ડામાં મોહમ્મદ ઔલીનાં બાળકો અને વિસ્તારિત પરિવારનો ગુજારો મોહમ્મદ ખેતી વડે જે કમાય છે તેમાંથી ચાલે છે.

40 વર્ષના મોહમ્મદ એક વર્ષ પહેલાં દરિયાકિનારા નજીકનાં પ્રસ્થાન સ્થળો પૈકીના એકની નજીક ગયા ત્યારથી તેમણે તેમના પરિવારના સભ્યોનું મોં જોયું નથી.

તેઓ ત્યાં એક મોટરબાઇક ટૅક્સી ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યા છે અને કેનેરી ટાપુ માટે રવાના થતાં વહાણો પૈકીના એકમાં સવાર થવા માટેની 1,000 ડૉલરની ફી ચૂકવવા તેમણે દોસ્તો પાસેથી પૈસા ઉઘાર લીધા છે.

પોતાની સાથે છેતરપિંડી ન થાય એટલા માટે તેમણે માનવતસ્કરો સાથે એવી શરત કરી છે કે તેઓ કેનેરી ટાપુ પહોંચશે પછી જ પૈસા ચૂકવશે.

તેઓ બીબીસીને કહે છે, “આ પાણીમાં મારું શું થશે, એ કોઈ જાણતું નથી. સમુદ્રના દુષ્ટ આત્માઓ મારી હત્યા કરી શકે છે.”

“બોટ ઊંઘી વળે તો બધાનું મોત થાય. તમે પાણીમાં પડી જાઓ તો કોને પકડી રાખો? મોત એકમાત્ર શક્યતા છે, પણ જોખમ તો લેવું જ પડશે.”

હજારો લોકોને લઈને ડઝનેક બોટ્સ રવાના થઈ ગઈ છે. યોગ્ય નૅવિગેશન સિસ્ટમ વિનાની આવી બોટ પૈકીની કેટલીક ખોટા માર્ગે ફંટાઈ જાય છે અને આખો ઍટલાન્ટિક ક્રૉસ કરીને બ્રાઝીલના દરિયાકિનારે પહોંચી જાય છે.

આ પ્રવાસમાં મોહમ્મદ ઔલી બચી જશે તો તેમના વિસ્તારિત પરિવારની દેખભાળ માટે થોડા પૈસા કમાઈ શકશે, પરંતુ ચિંતાથી બચવા માટે તેઓ પોતાની યોજના ગુપ્ત રાખે છે.

લાંબો અને જોખમી રૂટ

બીબીસી આફ્રિકા આઈ સાથેની એક ખાસ મુલાકાતમાં કેનેરી આઇલૅન્ડ્સ સરકારના પ્રમુખ ફર્નાન્ડો ક્લાવિજોએ જણાવ્યું હતું કે તેમની ઇમર્જન્સી સિસ્ટમ તૂટવાની અણી પર આવી ગઈ છે. એ સિસ્ટમમાં સમુદ્રી બચાવદળ, પોલીસ અને રેડક્રૉસના સ્વયંસેવકોને સીમા પર તહેનાત કરવામાં આવ્યા છે.

ક્લેવિજોએ કહ્યું હતું, “પરિણામ એવું આવશે કે વધારે લોકો મરશે. અમે સ્થળાંતરકર્તાઓની એટલી મદદ નહીં કરી શકીએ, જેટલી મદદના તેઓ હક્કદાર છે.”

“યુરોપે હવે ભૂમધ્ય સમુદ્રને બ્લૉક કરી દીધો છે. તેનો અર્થ એ થાય કે વધારે ખતરનાક અને ઘાતક ઍટલાન્ટિક રૂટ ભાગી છૂટવાનો માર્ગ બની ગયો છે.”

બીબીસીએ સ્પૅનની ઇમર્જન્સી સર્વિસના સભ્યો સાથે પણ વાત કરી હતી. તેમણે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી.

એ પૈકીના એકે કહ્યું હતું, “કર્મચારીઓ મોત અને વિનાશ હવે જોઈ શકતા નથી.”

દ્વીપસમૂહના સૌથી નાના ટાપુ એલ હિયરોમાં 2023ની શરૂઆતથી આવેલા સ્થળાંતરકર્તાઓની સંખ્યા સ્થાનિક વસ્તીથી લગભગ બમણી, 30,000 થઈ ગઈ છે.

ક્લેવિજોના કહેવા મુજબ, સ્થાનિક નાગરિકો સાર્વજનિક બસોનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તેનો ઉપયોગ સ્થળાંતરકર્તાઓને લઈ જવા માટે કરવામાં આવે છે. એ કારણે સ્થાનિક લોકોમાં ઉદ્વેગ વધી શકે છે અને સામાજિક અશાંતિ ફેલાઈ શકે છે.

તેમણે કહ્યું હતું, “યુરોપિયન સંઘથી માંડીને સ્પૅનિશ સરકાર સુધીના બધાએ જવાબદારી લેવી પડશે, કારણ કે આ કટોકટીનો સામનો કરી રહેલા કેનેરી આઇલૅન્ડ્સને એકલા છોડી ન શકો.”

તાજેતરના મહિનાઓમાં સ્થળાંતરકર્તાઓની સંખ્યામાં થયેલા મોટા વધારાને કારણે સ્પૅનમાં, તેને રોકવા માટે જોરદાર રાષ્ટ્રીય ચર્ચા શરૂ થઈ છે. અહીં આવતા એકલા સ્થળાંતરકર્તા બાળકોની સારસંભાળ માટે વધારે સરકારી સહાયની માગણી કેનેરી આઇલૅન્ડ્સ કરી રહ્યું છે.

મોહમ્મદ ઔલીનો મહામુશ્કેલ પ્રવાસ

સેનેગલમાં પાછા ફરીએ. મોહમ્મદ ઔલીને માનવતસ્કરોએ અન્ય સ્થળાંતરકર્તાઓ સાથે જોડાવા માટે એક ગુપ્તસ્થળે બોલાવ્યા છે. હવે તેમના નસીબની દોરી માનવતસ્કરોના હાથમાં છે.

ઔલી કહે છે, “અમારા જેવા અનેક લોકો છે. માલે અને ગુયાનાના લોકો પણ છે. તેઓ અમને 10થી 15 લોકો માટેની નાની હોડીમાં બેસાડીને મોટી બોટ સુધી પહોંચાડે છે. પછી અમે રવાના થઈએ છીએ.”

લાંબા પ્રવાસમાં ટકી રહેવા માટે ઔલી પાણીની કેટલીક બૉટલ્સ અને થોડાં બિસ્કિટ લાવ્યાં છે.

પહેલા બે દિવસથી તેઓ સતત બીમાર છે. જગ્યા ઓછી હોવાને કારણે તેમણે મોટા ભાગનો સમય ઊભા રહેવું પડે છે અને ઈંધણ-મિશ્રિત ખારા દરિયાઈ પાણીમાં સૂવું પડે છે.

તેમની પાસેનું પાણી ખૂટી પડ્યું છે. હવે તેમણે દરિયાનું પાણી પીવું પડશે.

બોટ પરના કેટલાક લોકો ચીસો પાડવા લાગ્યા છે અને ચિત્તભ્રમિત થઈ ગયા છે. ચાલકદળના સભ્યો એવા લોકોને પકડી રાખવા અન્ય લોકોને કહે છે, જેથી તેઓ પોતે દરિયામાં ન પડી જાય કે કોઈને ધક્કો ન મારે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના માઇગ્રેશન બૉડી (આઈઓએમ)ના ડેટા મુજબ, ઍટલાન્ટિક રૂટ બહુ ઝડપથી વિશ્વનો સૌથી ઘાતક માઇગ્રેશન પ્રવાસ રૂટ બની રહ્યો છે.

2024માં અત્યાર સુધીમાં અંદાજે 807 લોકો મૃત્યુ પામ્યા છે અથવા ગાયબ થઈ ગયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 76 ટકા વધારો દર્શાવે છે.

જાનહાનિનો આંકડો વધારે હોવાની પાક્કી શક્યતા છે, કારણ કે આ રૂટ પર થતા જીવલેણ અકસ્માતોની કદાચ જ નોંધ થાય છે.

આમના માટે માણસ માત્ર જણસ

સ્પૅનિશ રાઇટ્સ ગ્રૂપ વૉકિંગ બૉર્ડર્સ પાસેથી પ્રાપ્ત માહિતી ટાંકતા ક્લેવિજોએ કહ્યું હતું, “દર 45 મિનિટે એક સ્થળાંતરકર્તા અમારા દરિયાકિનારા સુધી પહોંચવાના પ્રયાસમાં મૃત્યુ પામે છે. તેનો અર્થ એ થાય કે માનવતસ્કરી માફિયા વધારે ને વધારે શક્તિશાળી બની રહ્યા છે.”

સંયુક્ત રાષ્ટ્રસંઘની ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમ ઑફિસના અંદાજ મુજબ, આ માર્ગ પરના ગુનેગારો દર વર્ષે આશરે દોઢસો મિલિયન ડૉલરની કમાણી કરે છે.

માનવતસ્કરોના સામના માટે રચવામાં આવેલી સ્પૅનની ગાર્ડિયા સિવિલ ટીમના લેફ્ટનન્ટ ઍન્ટોનિયો ફ્યુએન્ટેસ બીબીસીને કહે છે, “આ સફરનું આયોજન કરતા માફિયાઓને સમજાઈ ગયું છે કે આ તો ડ્રગ્સની દાણચોરી જેવું છે. આમાં પકડાઈ જવાની શક્યતા બહુ ઓછી છે.”

“તેમના માટે સ્થળાંતરકર્તા એક કૉમૉડિટી માત્ર છે. પોતાની સાથે ડ્રગ્સ અથવા શસ્ત્રો લઈ જઈ શકે તેવા લોકોને માફિયાઓ લઈ જાય છે. એવા લોકો માત્ર પીડિતો છે.”

ગુનેગારોના આ નેટવર્ક્સને વધુ સારી રીતે સમજવા માટે બીબીસીએ બોટ ટ્રિપ્સનું આયોજન કરતા સેનેગલના એક દાણચોર સાથે વાત કરી હતી. તેમણે પોતાની ઓળખ ગુપ્ત રાખવા વિનંતી કરી હતી.

તેણે કહ્યું હતું, “તમે એક મોટી બોટ લો તો તેમાં 200થી 300 લોકોને લઈ જઈ શકાય. એ પૈકીની પ્રત્યેક વ્યક્તિ લગભગ 500 ડૉલર ચૂકવે છે. એટલે આ તો પૈસાનો બહુ મોટો ખેલ છે.”

એક પ્રવાસમાં તેના સમુદાયના ઘણા લોકો માર્યા ગયા હતા. એ પ્રકરણમાં એક માનવતસ્કર તરીકે તેની ગુનાહિત જવાબદારી વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે એ દાણચોરને જરાય પસ્તાવો થયો ન હતો.

તેણે બીબીસીને કહ્યું હતું, “આ એક ગુનો છે. જે પકડાય તેને જેલમાં જ નાખવો જોઈએ, પરંતુ તેનો કોઈ ઉકેલ નથી.”

“તમને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પાણીમાં તરતા દેખાશે, પરંતુ બોટનો પ્રવાસ ચાલુ રહે છે.”

મોહમ્મદ ઔલી પરત ફર્યા

બીબીસીને પાંચ દિવસથી મોહમ્મદ ઔલીના કોઈ સમાચાર મળ્યા નહીં. પછી એક દિવસ સાંજે તેમનો ફોન આવ્યો.

ઔલીએ કહ્યું, “મોટર ગરમ થઈ રહી હતી અને પવન જોરદાર હતો. કેટલાક માછીમારોએ મોરોક્કો તરફ આગળ વધવાનું સૂચન કર્યું હતું, પરંતુ કૅપ્ટને ના પાડી. તેણે કહ્યું કે આપણે ધીમે-ધીમે આગળ વધીશું તો સવારે છ વાગ્યા સુધીમાં સ્પૅન પહોંચી જઈશું.”

મોહમ્મદ ઔલી કેનેરી આઇલૅન્ડ્સ પહોંચવાથી એક દિવસ કરતાં ઓછો સમય દૂર હતા ત્યારે તેમની બોટના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. ઍટલાન્ટિક મહાસાગરમાં વધુ અંદર ગયા પછી ફૂંકાતા જોરદાર પવનથી ડરતા કેટલાક સ્થળાંતરકર્તાઓએ નાખુદા સામે બળવો કર્યો હતો.

ઔલીએ કહ્યું, “બધાએ એકમેકની સામે દલીલો શરૂ કરી હતી એકમેકનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું. અંતે કૅપ્ટને હાર માની લીધી હતી અને અમે સેનેગલ પાછા ફર્યા હતા.”

મોહમ્મદ ઔલી આ પ્રવાસમાં બચી ગયા, પરંતુ તેમના ઈજા અને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. તેમને સતત પીડા થાય છે અને તેઓ ધીમા પગલે ચાલે છે.

સફરની યોજના બનાવ્યાના એક વર્ષ પછી મોહમ્મદ ઔલી જ્યાં હતા ત્યાં પાછા ફર્યા છે, તેમના પરિવાર પાસે પાછા ફર્યા છે અને બીજા પ્રવાસ માટે પૂરતાં નાણાં બચાવી રહ્યા છે.

તેમણે કહ્યું, “હું વધુ એક પ્રયાસ કરવા ઇચ્છું છું. પ્રામાણિકપણે કહું તો એ મારી માન્યતા છે. તે મારા માટે બહેતર છે. હું મરી જઈશ તો તે ઇશ્વરની ઇચ્છા હશે.”

મોહમ્મદ ઔલી યુરોપ પહોંચશે તો શક્ય છે કે તેમના પરિવારના સભ્યોનું મોં વર્ષો સુધી જોઈ શકશે નહીં. તેઓ સમુદ્રમાં મૃત્યુ પામશે તો પરિવાર તેમના કાયમ માટે ગુમાવી દેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.