ગુજરાતમાં 5 હજાર કરોડ રૂપિયાનું કોકેન કેવી રીતે પકડાયું?

ગુજરાતની સૌથી મોટી રેડમાં અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત એક કંપનીમાંથી 518 કિલોગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું છે, જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી માત્રામાં આટલું ડ્રગ્સ પકડાયું છે. કબજે કરવામાં આવેલાં કોકેનની બજાર કિંમત 5 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત રેડ દરમિયાન આટલી મોટી માત્રામાં કોકેન મળી આવ્યું હતું.દિલ્હી પોલીસની સ્પેશયલ સેલ દ્વારા રવિવારે મોડી રાત્રે આ રેડ કરવામાં આવી હતી, જે વહેલી સવાર સુધી ચાલી હતી. હાલમાં કંપનીને સીલ મારીને તપાસ કરવામાં આવી રહી છે.

બીબીસી સહયોગી સાજીદ પટેલે જણાવ્યું કે, ''મોડી રાત્રે આ રેડ કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર જીઆઈડીસીની પ્લૉટ નંબર 3708માં આવેલી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમીટેડમાંથી કોકેન કબજે કરવામાં આવ્યું હતું. હાલમાં પણ કંપનીની અંદર તપાસ ચાલી રહી છે. કંપનીના ત્રણ ડિરેક્ટર અને બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.''

''હાલમાં પાંચેય આરોપીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કંપની કોના માટે ઉત્પાદન કરતી હતી, માલ ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.''

સોમવાર બપોરે બધા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દિલ્હી પોલીસે ટ્રાન્ઝીટ રિમાન્ડની માગ કરી હતી.

મોટી માત્રામાં કોકેન પકડાવાના કારણે અંકલેશ્વર જીઆઈડીસીના હોદ્દેદારો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. અંકલેશ્વર નોટીફાઈડના ચૅરમેન અનુસાર આવકાર ડ્રગ્સ કંપની વિશે વધુ જાણકારી મેળવીને તેની તપાસ કરવામાં આવશે.

કેવી રીતે પડી રેડ?

દિલ્હીમાં થોડા દિવસો પહેલાં 700 કિલોગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. તેની તપાસ કરતી વેળા દિલ્હી પોલીસને અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ વિશે માહિતી મળી હતી અને કંપનીમાં રેડ પાડવામાં આવી હતી.

બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા સાથેની વાતચીત દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન અંકલેશ્વરની ફૅકટરીમાં મોટાં પ્રમાણમાં ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી જે બાદ રેડ કરવામાં આવી હતી. ડ્રગ્સ વિદેશોથી આવ્યું હતું અને અહીં સ્ટોર કરીને રાખવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે 10મી ઑક્ટોબરના રોજ દિલ્હીના રમેશનગર વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી 200 કિલોગ્રામ કોકેન દિલ્હી પોલીસે જપ્ત કર્યું હતું. ભાડાના મકાનની અંદર વેફરના પૅકેટના બૉક્સમાં કોકેન છુપાવવામાં આવ્યું હતું.

2જી ઑક્ટોબરે મહિપાલપુર વિસ્તારમાંથી 560 કિલોગ્રામ કોકેન અને 40 કિલોગ્રામ હાઇડ્રોફોનિક મેરીજુઆના જપ્ત કર્યું હતું. દિલ્હી પોલીસ અનુસાર આ કેસમાં અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએથી 1289 કિલોગ્રામ કોકેન અને 40 કિલોગ્રામ હાઇડ્રોફોનિક મેરીજુઆના જપ્ત કરવામાં આવ્યું છે જેની બજાર કિંમત 13 હજાર કરોડ રૂપિયા જેટલી છે.

આ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વર્ષોથી કાર્યરત છે કંપની

અંકલેશ્વરની પ્લૉટ નંબર 3708માં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (જીઆઈડીસી) અનુસાર 3708 પ્લૉટ કે જેનું ક્ષેત્રફળ 4733.50 ચોરસમીટર છે, તે સાલ 1992માં લીઝ પર આપવામાં આવી હતી.

ઑગસ્ટ 2018માં મૅસર્સ આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડે આ પ્લૉટ પોતાના નામે ટ્રાન્સફર કરવા માટે જીઆઈડીસીને અરજી કરી હતી, જે માન્ય રાખવામાં આવી હતી.

સાજીદ પટેલ કહે છે, ''સાલ 2016માં આ કંપની હાલમાં જે સંચાલકો છે તેમના દ્વારા ખરીદવામાં આવી હતી. નવા સંચાલકોએ કંપનીના નામમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આ કંપની બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન કરે છે. હાલમાં જે માહિતી ઉપલબ્ધ છે તે પ્રમાણે તે બીજી કોઈ કંપની માટે કૉન્ટ્રેક્ટ પર કામ કરે છે.''

હાલમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડના ત્રણ ડિરેક્ટરો છે, અશ્વિન રામાણી, બ્રીજેશ કોઠીયા અને વિજય ભેસાણીયા. પોલીસે ત્રણેય ડિરેક્ટરોની ધરપકડ કરી છે.

કંપની મોટા પ્રમાણમાં એપીઆઈ (ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ) બનાવે છે, જે કેટલીક દવાઓમાં ઉપયોગી થાય છે. કેટલીક દવાઓ દુઃખાવો મટાડવા માટે છે. 2020માં કંપનીએ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે જીપીસીબી (ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ) પાસે મંજૂરી પણ માગી હતી.

બીબીસી સાથે વાત કરતા અંકલેશ્વર નૉટીફાઈડ બોર્ડના ચૅરમેન હર્ષદ પટેલ કહે છે, ''આવકાર ડ્રગ્સ નૉટીફાઈડ બોર્ડનો સભ્ય છે. અમારી જાણ પ્રમાણે આ કંપની અન્ય કંપની માટે જૉબવર્ક કરે છે. આવકાર કંપનીના ડિરેક્ટરો દાવો કરે છે કે જે દવાનું ઉત્પાદન કરવામાં આવે છે તે નાર્કોટિક્સની શ્રેણીમાં આવતી નથી.''

''આવકાર કંપનીએ જૉબવર્ક માટે કરાર પણ કર્યો છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે એટલે આ વિશે વધુ કંઈ કહી શકાય નહીં. આવકાર ડ્રગ્સ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની સત્તા નૉટીફાઈડ એરિયા પાસે નથી.''

હર્ષદ પટેલ કહે છે કે, ''બીજી કોઈ કંપની આ પ્રકારનું ઉત્પાદન ન કરે તે માટે અમે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી દરેક કંપનીને આ બાબતે સજાગ કરીશું. અમે ફાર્મા પ્રોડક્ટસ્ અને તેનાં ઉત્પાદન વિશે પણ ઉદ્યોગકારોને જાગૃત કરીશું. કંપનીઓને કહેવામાં આવશે કે જૉબવર્કનું કામ લેતા પહેલાં સંપૂર્ણ તપાસ કરે જેથી આવી ઘટનાથી બચી શકાય.''

અંકલેશ્વર નૉટીફાઈડ એરિયા પ્રમાણે જીઆઈડીસી વિસ્તારમાં 1500 જેટલી કંપનીઓ આવેલી છે, જેમાં 100થી 150 ફાર્મા કંપનીઓ છે.

ધ નારકૉટીક્સ કંટ્રોલ બ્યૂરો (વેસ્ટ ઝોન)ના ડિરેક્ટર રહી ચૂકેલા મનિષ ભલ્લા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, ''દક્ષિણ ગુજરાતમાં એવી ઘણી નાની ફૅક્ટરીઓ છે જ્યાં આજે સિન્થેટિક અને સેમી-સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવે છે.''

''સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરનાર સામાન્યતઃ નાની ફૅક્ટરીઓ છે જ્યાં ગેરકાયદેસર રીતે કેમિકલ લાવીને ડ્રગ્સ બનાવવામાં આવે છે. દરેક કંપની શું ઉત્પાદન કરી રહી છે અને તેમના દ્વારા કેમિકલના જથ્થાનો કોઈ દુરુપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની તપાસ કરવા માટે કોઈ એવી સિસ્ટમ નથી.''

સાલ 2002માં વાપીની એક કંપનીમાંથી એનસીબીએ 2.5 ટન મેથાક્વુલોન (Methaqualone) પાવડર કબજે કર્યો હતો. તે વખતે આ સૌથી મોટી રેડ હતી. મનિષ ભલ્લા પણ એ ટીમમાં સામેલ હતા.

જ્યારે ગુજરાતમાં પકડાયું મોટાં પ્રમાણમાં ડ્રગ્સ

રવિવાર રાત્રે દિલ્હી પોલીસ અને ભરૂચ પોલીસની કાર્યવાહી એ ગુજરાતનું સૌથી મોટું ઑપરેશન કહી શકાય છે. ગુજરાતમાં અગાઉ પણ મોટાં પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

2021માં મુંદ્રા બંદર ખાતેથી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) અદાણી પૉર્ટ દ્રારા સંચાલિત કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી 2988 કિલો હેરોઇન જપ્ત થતા આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો. ડીઆરઆઈએ આ ડ્રગ બે કન્ટેનરમાંથી જપ્ત કર્યું હતું જેની બજાર કિંમત લગભગ 21 હજાર કરોડ રૂપિયા હતું.

વર્ષ 2023માં કચ્છના ગાંધીધામ નજીક મીઠી રોહર ગામના દરિયાકાંઠેથી સ્થાનિક પોલીસને 80 કિલો કોકેન મળી આવ્યું હતું. પેટ્રોલિંગ કરી રહેલ કચ્છ (પૂર્વ) પોલીસને પાણીમાં તરતાં ઘણાં સંદિગ્ધ પૅકેટ નજરે પડ્યાં હતાં. જેની તપાસ કરતાં દરેક પૅકેટમાં એક-એક કિલો એમ 80 કિલોગ્રામ ડ્રગ્સ હોવાનું માલૂમ પડ્યું હતું. કબજો કરવામાં આવેલ કોકનની કિંમત 800 કરોડ રૂપિયા હતી.

21 એપ્રિલ 2022 ગુજરાત એટીએસ અને ડાઇરક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઈ) આ સંયુક્ત ઑપરેશન હાથ ધરીને કંડલા બંદરેથી 250 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. એક કન્ટેનરમાંથી જપ્ત કરવામાં આવેલા હેરોઇનની ઇન્ટરનેશનલ માર્કેટમાં આશરે 2500 કરોડ રૂપિયાની કિંમત આંકવામાં આવી હતી.

29 એપ્રિલ 2022માં ઇન્ડિયન કૉસ્ટગાર્ડ અને એટીએસના સંયુક્ત ઑપરેશનની મદદથી કથિત રીતે કરાચીની મનાતી 'અલ હજ' નામની બોટમાંથી 280 કરોડનું 56 કિલો હેરોઇન ઝડપી પાડ્યું હતું.

15 નવેમ્બર 2021ના રોજ આશરે 120 કિલો હેરોઇન, જેની ગ્લોબલ માર્કેટમાં 600 કરોડ કિંમત આંકવામાં આવે છે તે ગુજરાત એટીએસે મોરબીના ઝીંઝુડા ગામના એક અન્ડર કન્સ્ટ્રકશન મકાનમાંથી જપ્ત કર્યું હતું. પોલીસના દાવા અનુસાર, આ કેસના તાર પાકિસ્તાનના ડ્રગ ડીલર ઝાહીદ બલોચ નામની એક વ્યક્તિ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

10 નવેમ્બર 2021ના રોજ દેવભૂમિ દ્વારકા પાસેના સલાયા ગામથી ધરપકડ કરી હતી, અને તેમનાથી 46 પૅકેટમાં પૅક કરેલું હેરોઇન મળી આવ્યું હતું. આ હેરોઇનની કિંમત ગ્લોબલ માર્કેટમાં આશરે 300 કરોડની આંકવામાં આવી હતી.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.