You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરદીપસિંહ નિજ્જર કોણ છે જેની હત્યા પર ભારત અને કૅનેડાના સંબંધમાં ખટાશ આવી ગઈ
ભારત અને કૅનેડા વચ્ચે શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે વિવાદ ફરી વકર્યો છે.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદ ભરીને આરોપ મૂક્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસની તપાસમાં ભારતે સહયોગ નથી આપ્યો. સાથે જ ઉમેર્યું હતું કે તે ભારતની 'સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા'નું સન્માન કરે છે.
ભારતે કૅનેડાના એક 'ડિપ્લોમેટિક કૉમ્યુનિકેશન'ને ફગાવીને તે અંગે કડક જવાબ આપ્યો છે અને કૅનેડાના દિલ્હીસ્થિત રાજદૂતને સમન્સ કાઢ્યું હતું.
અગાઉ 2023માં કૅનેડા સરકારે નિવેદન આપ્યું હતું કે ભારતના એજન્ટો એ હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સામેલ હતા કે જેમની બ્રિટિશ કોલંબિયાના પશ્ચિમી કૅનેડિયન પ્રાંતમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ભારત સરકારે કૅનેડાના વડા પ્રધાને લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણીને ફગાવ્યા હતા.
તે સમયે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં જણાવ્યું હતું કે જૂનમાં થયેલા જીવલેણ ગોળીબાર પાછળ ભારત સરકારનો હાથ હોવાના "વિશ્વાસપાત્ર આરોપો" અમારી પાસે છે.
પરંતુ જેની હત્યા થઈ એ હરદીપસિંહ નિજ્જર કોણ હતા, તે શેના માટે પ્રચાર કરી રહ્યા હતા અને તેના કેસને કારણે આટલો મોટો રાજદ્વારી વિવાદ શા માટે થયો છે?
હરદીપસિંહ નિજ્જર કોણ હતો?
હરદીપસિંહ નિજ્જર એક અગ્રણી શીખ અલગતાવાદી હતા જે ભારતના પંજાબ અને આસપાસના શીખ ધાર્મિક લઘુમતીઓ માટે એક સ્વતંત્ર દેશ ખાલિસ્તાન માટેની ચળવળમાં સક્રિય હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં 45 વર્ષની વયે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
નિજ્જરનો જન્મ પંજાબના ભરસિંહપુર ગામમાં થયો હતો અને તે 1997માં કૅનેડા ગયા હતા.
કૅનેડામાં તેમણે શરૂઆતમાં પ્લમ્બર તરીકે કામ કર્યું હતું અને પછીથી તેઓ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક અગ્રણી શીખ નેતા તરીકે ઊભરી આવ્યા હતા.
પંજાબથી સ્વતંત્ર શીખ દેશ માટે ઝુંબેશ ચલાવતા જૂથ 'ખાલિસ્તાન ટાઇગર ફોર્સ' સાથે તેમના કથિત સંબંધો હતા. આ માટે ભારત સરકારે તેમને 2020માં 'આતંકવાદી' જાહેર કર્યા હતા.
ભારતે તેમના પર 'દેશદ્રોહ અને બળવાખોરીને પ્રોત્સાહન આપવાનો' અને 'દેશમાં વિવિધ સમુદાયો વચ્ચે નફરતનું વાતાવરણ પેદા કરવાનો પ્રયાસ' કરવાનો આરોપ મૂક્યો હતો.
તેમના સમર્થકો આ આરોપોને નિરાધાર ગણાવતા રહ્યા છે અને કહેતા રહ્યા છે કે તેઓ સક્રિય ઍક્ટિવિસ્ટ હોવાને કારણે તેમને ધમકીઓ મળતી રહી છે.
ભારતીય મીડિયાના અહેવાલો કહે છે કે તેઓ મૃત્યુ સમયે સ્વતંત્ર શીખ દેશ માટે ભારતમાં બિનસત્તાવાર જનમત સંગ્રહનું આયોજન કરવા પર માટે પ્રયાસ કરી રહ્યા હતા.
નિજ્જરનું મૃત્યુ કેવી રીતે થયું?
18મી જૂનના રોજ સાંજે કૅનેડાની પોલીસને એવા સમાચાર મળ્યા હતા કે નિજ્જર તેમના પિક-અપ ટ્રકમાં મળી આવ્યા છે અને તેમને અનેક ગોળીઓ મારવામાં આવી છે.
આ ટ્રક કૅનેડાના બ્રિટિશ કૉલંબિયાના સરે વિસ્તારમાં આવેલા ગુરુ નાનક શીખ ગુરૂદ્વારાના પાર્કિંગમાં પાર્ક કરેલો હતો.
ગુરુદ્વારા પ્રમુખ નિજ્જરનું ઘટનાસ્થળે જ ગોળીઓ વાગવાથી મૃત્યુ થયું હતું અને સ્થાનિક પોલીસે બાદમાં જણાવ્યું હતું કે તેને બે માસ્ક પહેરેલા માણસોએ ગોળી મારી હતી. પોલીસ રિપોર્ટમાં કારમાં રાહ જોઈ રહેલા સંભવિત ત્રીજી વ્યક્તિનો પણ ઉલ્લેખ છે.
મહિનાઓ પછી પણ તેની હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી.
નિજ્જરના પુત્ર બલરાજ નિજ્જરનું કહેવું છે કે તેઓ આ મામલે કૅનેડાના વડા પ્રધાન ટ્રુડોના હસ્તક્ષેપથી આશ્ચર્યચકિત થયા હતા.
કૅનેડાના ‘ગ્લોબલ ન્યૂઝ’ અનુસાર તેઓ ઇચ્છે છે કે "ટ્રુડો અને બાકીના કૅનેડિયન નેતાઓ આ મુદ્દે સ્પષ્ટ સ્ટૅન્ડ લે."
ખાલિસ્તાન શું છે?
ભારતમાં બ્રિટિશ રાજના અંતના દિવસો દરમિયાન જ શીખો માટે અલગ દેશની માગ શરૂ થઈ હતી.
1970 અને 1980ના દાયકામાં આ અભિયાન વધુને વધુ લોહિયાળ બનતું ગયું.
જ્યારે સશસ્ત્ર શીખ ઉગ્રવાદીઓએ શીખ ધર્મના સૌથી પવિત્રસ્થળ અમૃતસરના સુવર્ણમંદિર પર કબજો જમાવ્યો અને તેને કિલ્લામાં ફેરવી નાખ્યું ત્યારે આ મામલાની ગંભીરતા સામે આવી હતી.
ભારતના વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો અને જૂન 1984માં સુવર્ણ મંદિરમાં કબજો જમાવી બેઠેલા ઉગ્રવાદીઓનો સફાયો કર્યા હતા.
ભારત સરકારના જણાવ્યા અનુસાર સુવર્ણમંદિરની અથડામણો દરમિયાન લગભગ 400 શીખ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં 87 સૈનિકોનો સમાવેશ પણ થાય છે. પરંતુ શીખ જૂથો આ આંકડાને ખોટો ગણાવે છે અને તેઓ કહે છે કે આ ઘટનામાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા.
અથડામણો દરમિયાન મંદિરના અનેક ભાગોને નુકસાન થયું હતું અને શીખોને લાગ્યું હતું કે આ તેમના ધર્મ પર હુમલો છે.
કેટલાક મહિનાઓ પછી ઇન્દિરા ગાંધીના પોતાના જ શીખ અંગરક્ષકોએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી. જેનાથી દિલ્હી અને ઉત્તર ભારતના ઘણાં શહેરોમાં શીખો વિરુદ્ધ હિંસક પ્રતિક્રિયાઓ રમખાણોની સ્વરૂપમાં સામે આવી હતી.
1980 અને 1990ના દાયકાના વિદ્રોહમાં કુલ મળીને 30 હજાર લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. પરંતુ સફળ લશ્કરી કાર્યવાહીએ પંજાબમાં ઉગ્રવાદને અસરકારક રીતે દબાવી દીધો અને આજે રાજ્ય મોટાભાગે શાંતિપૂર્ણ સ્થિતિમાં છે.
આ વર્ષની શરૂઆતમાં જ પોલીસે 30 વર્ષીય અલગતાવાદી નેતા અમૃતપાલ સિંહની ધરપકડ કરી હતી. તે અલગ ખાલિસ્તાનની માગને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમની સક્રિયતાને કોઈ મોટા સામૂહિક અસંતોષના સૂચક તરીકે જોવામાં આવી ન હતી.
ભારત ખાલિસ્તાન ચળવળનો સખત વિરોધ કરી રહ્યું છે અને પંજાબ રાજ્ય સહિત તમામ મુખ્યધારાના રાજકીય પક્ષોએ હિંસા અને અલગતાવાદની નિંદા કરી છે.
પરંતુ આ માગને હજુ પણ ભારતની બહાર વસતા શીખોમાં વ્યાપક સમર્થન છે. આ વર્ષની શરૂઆતમાં જ પશ્ચિમી દેશોમાં શીખોએ વિરોધ દરમિયાન ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો હતો.
ભારત સરકાર કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટનની સરકારો પર પગલાંં લેવા માટે દબાણ કરી રહી છે. આ દેશોમાં મોટા પ્રમાણમાં શીખોની વસ્તી છે. ભારત સતત કહી રહ્યું છે કે ‘શીખ ઉગ્રવાદ’ પર પગલાં નહીં લેવામાં આવે તો એ દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડશે.
ભારતીય મૂળના શીખોએ કરેલી હિંસા
શીખો ભારતની કુલ વસ્તીના લગભગ બે ટકા છે. તેઓ મુખ્યત્વે પંજાબ રાજ્યમાં કેન્દ્રિત છે જ્યાં શીખ ધર્મનો ઉદ્ભવ થયો છે અને તેમનું મુખ્ય આસ્થાસ્થાન સુવર્ણમંદિર પણ આવેલું છે.
કૅનેડા લગભગ સાડા સાત લાખથી વધુ શીખોનું ઘર છે. જે ભારતની બહાર શીખોની સૌથી વધુ વસ્તી છે. અને આ દેશમાં શીખ ઉગ્રવાદને કાબૂમાં રાખવો એ ભારત માટે એક મુખ્ય મુદ્દો રહ્યો છે.
ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, "ભારતીય ટાર્ગેટ્સ પર થઈ રહેલા હિંસક હુમલાઓ પાછળ વિદેશમાં રહેતા ભારતીય મૂળના જ કેટલાક લોકો છે."
સૌથી મોટી ઘટના જૂન 1985માં કૅનેડાથી ભારત જતી ઍર ઈન્ડિયા બોઈંગ 747માં થયેલો બૉમ્બ વિસ્ફોટ છે જેમાં વિમાનમાં સવાર તમામ 329 લોકો માર્યા ગયા હતા.
2012માં શીખોના એક જૂથે 1984માં સુવર્ણમંદિરમાં પકડાયેલા ઉગ્રવાદીઓ સામે લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ કરનાર ભારતીય સેનાના નિવૃત્ત જનરલને મારવાનો પ્રયાસ કર્યો હતો.
લૅફ્ટનન્ટ-જનરલ કુલદીપ સિંહ બરાર બચી ગયા હતા તેમને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવાના ઇરાદા બદલ ચાર લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા.
ભારત ઇચ્છે છે કે પશ્ચિમી દેશો સક્રિયપણે અલગતાવાદીઓ પર કાર્યવાહી કરે પરંતુ કૅનેડામાં સંસદસભ્યો વારંવાર શીખ અલગતાવાદી જૂથો દ્વારા આયોજિત બેઠકોમાં હાજરી આપે છે અને ખાલિસ્તાન ચળવળ સાથે જોડાયેલા શીખો ત્યાંની સંસદમાં પણ ચૂંટાયા છે.