કૅનેડાએ ભારતને આપ્યો ‘ઝટકો’, શું બંને દેશો વચ્ચેના સંબંધો કથળી રહ્યા છે?

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કૅનેડા અને ભારતના સંબંધોનો તણાવ ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે.

જી20 શિખરસંમેલનમાં ભાગ લેવા આવેલા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાનું ખાનગી વિમાન ખરાબ થવાના કારણે બે દિવસ સુધી ભારતમાં જ ફસાયેલા રહ્યા હતા.

પરંતુ તેમના કૅનેડાની ધરતી પર પગ મૂકતાં જ સમાચાર આવ્યા કે કૅનેડાએ ભારત સાથેના ટ્રેડ મિશનને અટકાવી દીધું છે.

કૅનેડિયન વાણિજ્ય મંત્રી મૅરી એનજીના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે કૅનેડાએ દ્વિપક્ષીય મુક્ત વેપારની સમજૂતી અંગે વાતચીત અટકાવી દીધી છે.

જી20 સંમેલન દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વચ્ચે ‘કટુ’ વાતચીત થઈ હતી.

ભારતના વડા પ્રધાન કૅનેડામાં શીખ અલગાવવાદીઓના ‘આંદોલન’ અને ભારતીય રાજદ્વારી વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહિત કરતી ઘટનાઓ અંગે નારાજ હતા. જ્યારે જસ્ટિન ટ્રુડો પ્રમાણે ભારત કૅનેડાના આંતરિક રાજકારણના મામલામાં દખલ કરી રહ્યું છે.

અલગતાવાદી આંદોલનના કારણે બગડતા જતા સંબંધો

ખરેખર તો પાછલા અમુક સમયથી કૅનેડામાં ‘ખાલિસ્તાન’ સમર્થક સંગઠનોની પ્રવૃત્તિઓને કારણે ભારત સાથેના તેના સંબંધોમાં તણાવ દેખાઈ રહ્યો છે.

આ વર્ષે જુલાઈ માસમાં કૅનેડામાં ‘ખાલિસ્તાન’ સમર્થક સંગઠનોએ અમુક ભારતીય રાજદ્વારીઓનાં પોસ્ટર લગાવીને તેમને નિશાન બનાવવાની અપીલ કરી હતી.

તે બાદ ભારતે કૅનેડાના રાજદૂતને બોલાવીને તેમના દેશમાં ‘ખાલિસ્તાન’ સમર્થક પ્રવૃત્તિઓ પર આપત્તિ વ્યક્ત કરી હતી.

જૂન 2023માં ‘ખાલિસ્તાની’ નેતા હરદીપસિંહ નિજ્જરની કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં સરાજાહેર હત્યા કરી દેવાઈ હતી.

ત્યારપછી શીખ અલગતાવાદીઓ અને ભારત સરકાર વચ્ચે વધેલા તણાવની અસર અનેક દેશોમાં વર્તાતો જોવા મળ્યો.

ખાલિસ્તાન સમર્થકોએ નિજ્જરની હત્યાનો વિરોધ કરવા માટે ટોરન્ટો સિવાય લંડન, મેલબર્ન અને સાન ફ્રાન્સિસ્કો સહિત ઘણાં શહેરોમાં પ્રદર્શન કર્યાં હતાં.

નિજ્જર પહેલાં ભારત સરકાર તરફથી ચરમપંથી જાહેર કરવામાં આવેલા પરમજીતસિંહ પંજવાડની પણ મે મહિનામાં લાહોરમાં હત્યા કરી દેવામાં આવી હતી.

ખાલિસ્તાન સમર્થક નેતાઓના મોત અને ભારત પર આરોપો

અવતારસિંહ ખાંડાનું જૂન મહિનામાં બ્રિટનમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. તે 'ખાલિસ્તાન લિબરેશન ફૉર્સ'નો પ્રમુખ હોવાનું કહેવાય છે.

શીખ અલગતાવાદીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમની હત્યા ઝેર આપીને કરવામાં આવી છે.

અલગતાવાદી શીખ સંગઠનોએ તેમના મૃત્યુને ટાર્ગેટ કિલિંગ ગણાવ્યું હતું. તેમનો આરોપ હતો કે ભારત સરકાર શીખ અલગતાવાદી નેતાઓની હત્યા કરાવી રહી છે.

જોકે, ભારત સરકારે હજુ સુધી આ આરોપો પર કંઈ કહ્યું નથી.

ભારતમાં શીખોની વસ્તી બે ટકા છે. કેટલાક શીખ અલગતાવાદીઓ શીખો માટે અલગ દેશ 'ખાલિસ્તાન' બનાવવાની માગ કરી રહ્યા છે.

ભારતનો આરોપ છે કે ટ્રુડો સરકાર કૅનેડામાં કાર્યરત શીખ અલગતાવાદીઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.

ભારત સરકારનું કહેવું છે કે આ અલગતાવાદીઓ કૅનેડા, બ્રિટન અને અમેરિકામાં ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યા છે.

હાલમાં ભારત અને કૅનેડાના સંબંધોમાં જે તણાવ જોવા મળી રહ્યો છે તેનું એક મોટું કારણ કૅનેડામાં શીખ અલગતાવાદીઓની વધી રહેલી પ્રવૃત્તિ છે.

કૅનેડામાં ખાલિસ્તાન તરફી આંદોલનનો પ્રભાવ એટલો વધારે છે કે શીખો માટે અલગ ખાલિસ્તાન દેશ અંગે જનમત પણ યોજવામાં આવ્યો છે.

આ વખતે પણ જે દિવસે જી20 સંમેલન દરમિયાન ટ્રુડો અને મોદીની નવી દિલ્હીમાં ટૂંકી મુલાકાત થઈ રહી હતી તે જ દિવસે પંજાબને ભારતથી અલગ કરવા શીખ અલગતાવાદીઓએ કેનેડાના વૅનકુવરમાં જનમત સંગ્રહ કર્યો હતો.

જી20 સંમેલન દરમિયાન સંબંધોમાં તિરાડ ઊડીને આંખે વળગી

ભારત અને કૅનેડાના સંબંધોમાં કડવાશ ત્યારે વધી ગઈ જ્યારે જી20 સંમેલન દરમિયાન વડા પ્રધાન મોદીએ શીખ અલગતાવાદીઓ સામે ખૂલીને નારાજગી વ્યક્ત કરી.

સંમેલન વખતે સત્તાવાર અભિવાદન દરમિયાન પણ ટ્રુડો નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવીને ઝડપથી ત્યાંથી નીકળી જતા જોવા મળ્યા હતા.

આ તસવીરને બંને દેશોના સંબંધો વચ્ચેના 'તણાવ' તરીકે જોવામાં આવી હતી.

આ પછી પણ ટ્રુડો સાથેની વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ કૅનેડામાં ખાલિસ્તાન તરફી તત્ત્વો અને સંગઠનોની ગતિવિધિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ આ મુદ્દે ખૂલીને નારાજગી વ્યક્ત કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું હતું કે ખાલિસ્તાન તરફી તત્ત્વો ભારતીય રાજદ્વારીઓ પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેરી રહ્યા છે. તેઓ લોકોને ભારતીય દૂતાવાસ પર હુમલો કરવા માટે પણ ઉશ્કેરી રહ્યા છે. તેમ છતાં પણ કૅનેડા તેમને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

જો કે, એવા પણ અહેવાલો છે કે જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે કૅનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શન અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરશે.

તેમના મતે આ એવી વસ્તુ છે જે કૅનેડા માટે ખૂબ જ મત્ત્વપૂર્ણ છે. એ સમયે હિંસા થતી રોકવા અને નફરત ઘટાડવા માટે કૅનેડા હંમેશા તૈયાર છે.

ટ્રુડોએ કહ્યું, " આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે અમુક વ્યક્તિઓની ગતિવિધિઓ સમગ્ર કૅનેડિયન સમાજનું પ્રતિનિધિત્વ કરતી નથી."

શું ટ્રુડો બૅકફૂટ પર ધકેલાઈ ગયા છે?

ટ્રુડોનું નિવેદન ભારત સરકારને ગમ્યું ન હતું અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશ હમણાં ઓછી થાય તેમ લાગતું નથી.

તેનાથી વિપરીત ટ્રુડોએ ભારત પર ત્યાંના સ્થાનિક રાજકારણને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભારતીય થિંક ટૅન્ક ‘ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ના વાઇસ પ્રેસિડેન્ટ અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત હર્ષ વી. પંત કહે છે, “આ ટ્રુડોનો કાઉન્ટર ઍટેક છે. કૅનેડા એવું કાઉન્ટર નેરેટિવ ચલાવવા માગે છે કે તે એકમાત્ર દેશ નથી જેણે ખાલિસ્તાની તરફી તત્ત્વો પર કાર્યવાહી કરવા માટે પગલાં ભરવાના છે, બીજા દેશોએ પણ પગલાં ભરવા જોઈએ. ભારતની પણ એ જવાબદારી છે કે એ કૅનેડામાં તેનો કથિત હસ્તક્ષેપ બંધ કરે.

અમે હર્ષ વી. પંતને પણ પૂછ્યું કે કૅનેડા દ્વારા દ્વિપક્ષીય મુક્ત વ્યાપાર કરાર પર મંત્રણા અટકાવવી એ શું બંને વચ્ચેના સંબંધોમાં નવી તિરાડ છે કે પછી સ્થિતિ હજુ પણ વધુ ખરાબ થઈ શકે છે?

આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, “જ્યાં સુધી ટ્રુડો સરકારમાં છે ત્યાં સુધી પરિસ્થિતિ સુધરશે એવું જણાતું નથી. મને લાગે છે કે ટ્રુડોએ તેને વ્યક્તિગત મુદ્દો બનાવી લીધો છે. તેમને લાગે છે કે તેમના પર અંગત રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે.”

તેમણે કહ્યું, "ભારત ખાલિસ્તાન મુદ્દે અવાજ ઉઠાવી રહ્યું હતું અને વેપાર પર પણ વાતચીત થઈ હતી. પરંતુ ટ્રુડોના નવા વલણથી એવું લાગે છે કે તેઓ પોતે બૅકફૂટ પર હોય એવું તેમને લાગે છે. તેથી તેઓ ભારત સાથેના તણાવ અંગે પણ વધુ મુખરતાથી અવાજ ઉઠાવી રહ્યા છે.”

વેપાર સંબંધો પર અસર

કૅનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ વચ્ચે કૅનેડા સરકારને એફટીએ( ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ) પરની વાતચીતમાં પણ રસ રહ્યો નથી એવું લાગે છે.

લગભગ એક દાયકા પછી બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધી હતી. આ કરારને લઈને બંને દેશો વચ્ચે છ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે.

માર્ચ 2022માં, બંને દેશોએ ઇપીટી (વેપાર કરાર પર વાટાઘાટોમાં પ્રારંભિક પ્રગતિ) પર વચગાળાના કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરી હતી.

આ કરારો હેઠળ, બે દેશો પરસ્પર વેપારની મોટાભાગની વસ્તુઓ પરની જકાત નોંધપાત્ર રીતે ઘટાડે છે અથવા દૂર કરે છે.

ભારતીય કંપનીઓ કૅનેડાના બજારોમાં તેમના કાપડ અને ચામડાની વસ્તુઓ માટે ડ્યુટી ફ્રી ઍક્સેસની માગ કરી રહી છે.

આ સાથે જ ભારત તરફથી કૅનેડામાં પ્રૉફેશનલ્સ માટેના વિઝા નિયમોને સરળ બનાવવાની પણ માગ છે.

બીજી તરફ કૅનેડા તેના ડેરી અને કૃષિ ઉત્પાદનો માટે ભારતીય બજાર ખોલવાની માગ કરી રહ્યું છે.

કેટલો મોટો છે ભારત-કૅનેડા દ્વિપક્ષીય વેપાર

વર્ષ 2022માં ભારત કૅનેડાનો દસમો સૌથી મોટો વેપાર ભાગીદાર હતો. 2022-23માં ભારતે કૅનેડામાં 4.10 અબજ ડૉલરના માલની નિકાસ કરી હતી. જ્યારે 2021-22માં આ આંકડો 3.76 અબજ ડૉલર હતો.

જ્યારે કૅનેડાએ 2022-23માં ભારતમાં 4.05 અબજ ડૉલરના માલની નિકાસ કરી હતી. 2021-22માં આ આંકડો 3.13 અબજ ડૉલર હતો.

જ્યાં સુધી સર્વિસ ટ્રૅડની વાત છે ત્યાં સુધી કૅનેડિયન પેન્શન ફંડ્સે ભારતમાં 55 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. કૅનેડાએ 2000ની સાલથી ભારતમાં 4.07 અબજ ડૉલરનું સીધું રોકાણ કર્યું છે.

ભારતમાં ઓછામાં ઓછી 600 કૅનેડિયન કંપનીઓ કાર્યરત છે. જ્યારે 1000 વધુ કંપનીઓ અહીં તેમના વ્યવસાયની તકો શોધી રહી છે.

બીજી તરફ ભારતીય કંપનીઓ કૅનેડામાં આઈટી, સૉફ્ટવેર, નેચરલ રિસોર્સિસ અને બૅન્કિંગ સેક્ટરમાં સક્રિય છે.

ભારત દ્વારા કૅનેડામાં નિકાસ કરવામાં આવતી મુખ્ય વસ્તુઓમાં ઝવેરાત, કિંમતી પથ્થરો, ફાર્મા ઉત્પાદનો, તૈયાર વસ્ત્રો, કાર્બનિક રસાયણો, હળવા ઍન્જિનિયરિંગનાં ઉત્પાદનો, લોખંડ અને સ્ટીલ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

જ્યારે ભારત વિવિધ દાળ, ન્યૂઝપ્રિન્ટ, લાકડાનો માવો, ઍસ્બેસ્ટોસ, પોટાશ, આયર્ન સ્ક્રેપ, ખનીજો, ઔદ્યોગિક રસાયણો જેવી ચીજો કૅનેડામાંથી આયાત કરે છે.