કૅનેડામાં આગામી સમયમાં 14 લાખ નોકરી માટે લોકોની જરૂર પડશે

    • લેેખક, બીબીસી
    • પદ, ન્યૂઝ વર્લ્ડ

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાંથી અનેક લોકો કૅનેડા અભ્યાસ માટે જતા હોય છે અને ગુજરાતમાંથી જવાનું તેનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ગુજરાતીઓ કૅનેડામાં ભણીને અહીં જ સ્થાયી થવાનું વધુ પસંદ કરતા હોય છે.

“જુઓ, એક સરળ વાત છે : અમને વધુ લોકોની જરૂર છે.”

ઉપરોક્ત શબ્દો સાથેે કૅનેડાના ઇમિગ્રેશન મંત્રી સૉન ફ્રૅસરે આગામી ત્રણ વર્ષ દરમિયાન 14 લાખ લોકોને આવકારવા માટેનો પ્લાન રજૂ કર્યો.

ફ્રૅસરની જાહેરાત અનુસાર, વર્ષ 2023માં કૅનેડા 4,65,000 કાયમી નિવાસીઓને આમંત્રિત કરવાનું ધારે છે, જ્યારે વર્ષ 2024 અને 2025માં અનુક્રમે આ સંખ્યા 4,85,000 અને 5,00,000 થઈ શકે છે.

આનો અર્થ એ છે કે આ જાહેરાત કૅનેડાની સરકાર દ્વારા અગાઉ રજૂ કરાયેલ લક્ષ્ય કરતાં 13 ટકા વધુ છે.

આ જાહેરાતનો મુખ્ય હેતુ લેબર ગપને ભરવાનો છે. નોંધનીય છે કે દેશમાં હજારો ખાલી પદોને ભરવા માટે ઉમેદવારોની જરૂર છે.

આ પગલાં બ્રિટન અને અમેરિકાની સરકારો કરતાં તદ્દન વિપરીત છે.

બ્રિટનની સરકારની તેની ઇમિગ્રેશન પૉલિસીના કારણે ટીકા થઈ રહી છે, જ્યારે અમેરિકાએ તાજેતરમાં જ ઇમિગ્રેશન કંટ્રોલ અંગે વધુ નિયંત્રણો લાદ્યાં છે.

ફ્રૅસરે કહ્યું, “આ ઇમિગ્રેશન પ્લાનથી પૂરતા પ્રમાણમાં કામદારોનો પુરવઠો મળી રહેશે.”

નવી નોકરીની તકો સામે આવવા પાછળ એ કારણ પણ જવાબદાર છે કે કોરોનાકાળ દરમિયાન સર્જાયેલ નવી તકો માટે ઉમેદવાર નહોતા મળ્યા.

પરંતુ અહીં થોડો વિરોધાભાસ પણ જોવા મળે છે. દેશમાં વિભિન્ન સૅક્ટરોમાં એક તરફ જ્યાં તેઓ 9.5 લાખ પદો ખાલી હોવાની વાત કરે છે, તો બીજી તરફ આ જે દેશમાં દસ લાખ લોકો બેરોજગાર પણ છે.

આવું એટલા માટે છે કારણ કે આવી વ્યક્તિઓ પાસે ઉપલબ્ધ નોકરી કરવા માટેનાં સાધન કે કૌશલ્ય નથી હોતાં, તેમજ ઘણી વખત એવું પણ બને છે કે જે પ્રદેશોમાં કામદારોની જરૂર હોય છે ત્યાં તેમની ઉપલબ્ધતા નથી હોતી.

સરકાર પ્રમાણે આ વલણમાં એટલા માટે પણ વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા કૅનેડાવાસીઓ પોતાની નોકરીમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે, જેના કારણે અર્થતંત્રમાં નોકરીઓ સર્જાઈ છે.

આ પ્રોગ્રામ હાલ સરકારી સહાય પર નભી રહેલા રૅફ્યુજીઓના પુનર્વસનને પણ કેન્દ્રમાં રાખવા માગે છે.

પરંતુ કૅનેડાની સરકાર કોના માટે તકો સર્જી રહી છે?

કૅનેડા આગામી ત્રણ વર્ષમાં કેમ લાખો કામદારોને આમંત્રિત કરી રહ્યું છે?

  • કૅનેડાના ઇમિગ્રેશન મંત્રીએ તાજેતરમાં નવો ઇમિગ્રેશન પ્લાન જાહેર કર્યો હતો
  • જે અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં દેશમાં 14 લાખ કામદારોની જરૂર પડશે
  • ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કૅનેડા અને અન્ય વિકસિત દેશોમાં જવા માટે ઘણા ઉમેદવારો તલપાપડ હોય છે
  • આ જાહેરાતની ભારત અને ગુજરાત પર કેવી અસર પડશે?
  • કયાં ક્ષેત્રોમાં લોકોની જરૂરિયાત હોવાનું જાહેર કરાયું છે?

આરોગ્ય સૅક્ટર, સૉફ્ટવૅર અને રેસ્ટોરાં

આ પહેલી વાર નથી બની રહ્યું કે કૅનેડાએ લોકોને આમંત્રિત કરવા માટે પોતાનાં દ્વાર ખોલી દીધાં હોય, પરંતુ આટલા મોટા પાયે આ પ્રથમ વખત થઈ રહ્યું છે.

નવા પ્લાનની જાહેરાત વખતે ફ્રૅસરે કહ્યું કે, “કૅનેડિયનો એ વાત સમજે છે કે જો આપણે કામદારોનો પુરવઠો જાળવી રાખવો હોય તો આપણે વસતિ વધારવાની જરૂર છે, જો આપણે ચિંતાજનક વસતિના વલણને સંતુલિત કરવો હોય અને પરિવારોને એક કરવા હોય તો આવું કરવું જ પડશે.”

જોકે સરકાર એ વાત તરફ ઇશારો કર્યો હતો કે કૌશલ્યરહિત શ્રમપુરવઠો કૅનેડાના અર્થતંત્રના દરેક ક્ષેત્રને અસર કરે છે, સરકારી આંકડાના વિશ્લેષણથી એ વાતની ખબર પડે છે કે મેડિકલ સર્વિસને આ વાતની સૌથી વધુ અસર થાય છે.

તે બાદ આ યાદીમાં બાંધકામક્ષેત્ર, ઉત્પાદન, હોટલ, ટૂરિઝમ અને રેસ્ટોરાં સૅક્ટર આવે છે.

ફ્રૅસર અનુસાર, કૅનેડા પાસે નિવૃત્ત થતાં દરેક કર્મચારીદીઠ ત્રણ કામદારો છે, તેથી ‘ઇકૉનૉમિક માઇગ્રેશન’ના આ હેતુઓ પ્રાથમિકતા છે.

તેમણે કહ્યું, “અમને દેશનાં બધાં સૅક્ટરોમાં તેમજ બધાં ક્ષેત્રોમાં કામદારોની જરૂર છે, પછી ભલે તે ફ્રન્ટ-લાઇન હેલ્થ કૅર વર્કર હોય, ટ્રક ડ્રાઇવર હોય, ઘર બનાવનારા હોય કે સૉફ્ટવૅર ઇજનેર હોય.”

આ બાબત કૅનેડા માટે કેટલી જરૂરી છે એ વાતનો ખ્યાલ એ વાત પરથી આવી જાય છે કે કૅનેડાના વિરોધ પક્ષ કૅનેડિયન કંઝર્વેટિવ પાર્ટીએ આ અઠવાડિયે કરાયેલ જાહેરાતની ટીકા કરી હોવા છતાં ઇમિગ્રેશન વધુ મુક્ત બનાવવા માટેની જરૂરિયાતને સ્વીકારી છે.

પરંતુ નિષ્ણાતો એ વાતે ધ્યાન દોરે છે કે આ પગલું કૅનેડા અને વિશ્વનાં તમામ મોટાં અર્થતંત્રો સામે રહેલી આર્થિક મુશ્કેલીઓને જોતાં સરળ નહીં રહે. જેમાં વધતા વ્યાજના દરો અને ભાવવધારો સામેલ છે.

યુનિવસર્સિટી ઑફ વૉટરલૂના અર્થશાસ્ત્રી મિકાલ સ્કટેરડ જણાવે છે કે, કૅનેડામાં ઇમિગ્રન્ટની સંખ્યા વધારવા માટેનાં ઘણાં કારણો હોવા છતાં, દેશની હાલની પરિસ્થિતિ આ માટે વધુ ઉત્તેજક નથી.

રૉયટર્સ ન્યૂઝ એજન્સીને તેમણે જણાવ્યું કે, “વધતા વ્યાજના દરો જે લોકો દેશમાં આવશે તેમના માટે વધુ મુશ્કેલીઓ સર્જશે.”

“આપણે હાલ સાવ અણીએ છીએ. હાલ ખૂબ જ અનિશ્ચિતતા છે.”