You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડા ગયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ પર ડિપોર્ટ થવાનું જોખમ, ભાવિ અંધકારમય કેમ?
કૅનેડામાંથી ડિપોર્ટ થવાના ભયનો સામનો કરી રહેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ માટે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદને આશા જન્માવી છે.
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, “અમારો ઉદ્દેશ ગુનેગારની ઓળખ કરવાનો છે, નહીં કે પીડિતોને દંડિત કરવાનો.”
ટ્રુડો દેશની સંસદમાં એનડીપી નેતા જગમીત સિંહ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપી રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ પર કૅનેડા આવવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ છે, તેથી તેમને કૅનેડામાં સ્થાયી નિવાસ (પીઆર - પરમેનન્ટ રેસિડેન્સી) આપવામાં આવતો નથી.
આ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, તેમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
આ વિદ્યાર્થીઓ કૅનેડાના એજન્ટોની છેતરપિંડી અને તેમના ભવિષ્યને લઈને વિરોધ પણ કરી રહ્યા છે.
કૅનેડાની સંસદમાં ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દા
એનડીપી નેતા જગમીત સિંહે સવાલ કર્યો હતો કે શું વડા પ્રધાન આ છેતરપિંડીનો ભોગ બનેલા ભારતીય વિદ્યાર્થીઓને સ્થાયી નાગરિકતા આપવા પર વિચાર કરશે?
આ સવાલના જવાબમાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, “તમામ કેસનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પીડિતોને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ છેતરપિંડીનો ભોગ બનેલાં લોકોને સજા આપવાનો નહીં, પરંતુ ગુનેગારોને ઓળખવાનો છે.
ટ્રુડોના આ નિવેદન બાદ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને થોડી રાહત મળવાની આશા છે.
આ પહેલાં કૅનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બ્રૅડ રેડકોપે પણ કહ્યું હતું કે દેશમાં ઇમિગ્રેશન કમિટી તરફથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી આપતા તેમણે એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે આ પ્રસ્તાવ પસાર થવાથી કૅનેડામાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓને રાહત મળશે અને દેશની નાગરિકતા લેનારાઓ માટે પણ સરળતા રહેશે.
આંતરરાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થીઓનો કેસ
કૅનેડામાં એવા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમના પર નકલી દસ્તાવેજોના આધારે ઇમિગ્રેશન કરવાનો આરોપ છે. આમાંના મોટા ભાગના કેસ 2016-17ના છે.
અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા આ વિદ્યાર્થીઓને કૅનેડામાંથી ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
વિદ્યાર્થીઓએ પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સ્ટડી વિઝા માટે અરજી કરવામાં તેમની મદદ કરનારા એજન્ટોએ તેમની સાથે છેતરપિંડી કરી હતી.
કૅનેડામાં ડિપોર્ટ ન થાય તે માટે ભારતીય વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.
આવા જ કેસ સાથે સંકળાયેલા એક વકીલના જણાવ્યા અનુસાર, નકલી દસ્તાવેજોના કેસમાં સામેલ વિદ્યાર્થીઓની સંખ્યા 150થી 200 હોઈ શકે છે.
પંજાબનો આવો જ એક વિદ્યાર્થી લવપ્રીત સિંહ છે, જેને 13 જૂને ડિપોર્ટ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓનું કહેવું શું છે?
આ વર્ષે માર્ચ મહિનામાં જ બીબીસી સંવાદદાતા વિનીત ખરેએ પંજાબી વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી, જેમને કૅનેડામાંથી ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
આ વિદ્યાર્થીઓ પોતાને નિર્દોષ ગણાવતા હતા. તેમનો દાવો છે કે જાલંધરમાં એક ઇમિગ્રેશન કન્સલ્ટેશન એજન્સીએ તેમની સાથે કથિત રીતે છેતરપિંડી કરી છે.
જે વિદ્યાર્થીઓએ બીબીસી સાથે વાત કરી હતી તેમનું કહેવું છે કે, તેઓ નિર્દોષ છે અને જાલંધરની એક ઇમિગ્રેશન કન્સલ્ટેશન એજન્સી દ્વારા કથિત રીતે તેમને છેતરવામાં આવ્યા છે અને તેમણે જ આ દસ્તાવેજો આપ્યાં હતાં. જોકે અન્ય એજન્સીઓ પણ આ કેસમાં સામેલ છે કે કેમ તે સ્પષ્ટ નથી.
આ પહેલા અમેરિકાની એક નકલી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા બદલ 100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડના અહેવાલો વધુ ચર્ચાઈ રહ્યા હતા.
બીબીસી સાથે આ વિદ્યાર્થીઓમાંથી એક ડિમ્પલે કૅનેડાથી ફોન પર વાતચીતમાં કહ્યું હતું કે, “મારી આંખો સામે અંધારુ જ અંધારું છે. હું ન તો આગળ વધી શકું છું અને ન તો પાછળ જઈ શકું છું.”
તેઓ ડિસેમ્બર 2017માં સ્ટુડન્ટ વિઝા પર કૅનેડા આવ્યાં હતાં. હવે તેમનાં લગ્ન થઈ ગયાં છે અને તેમના પતિ ભારતમાં છે.
મધ્યમવર્ગીય પરિવારનાં ડિમ્પલના ઘરમાં તેમનાં ત્રણ ભાઈ-બહેન છે. પંજાબના જાલંધરમાં રહેતા તેમના પિતા દરજીકામ કરે છે અને માતા ગૃહિણી છે.
સાયન્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરનાર ડિમ્પલ ઘણા સમયથી નોકરી શોધી રહ્યાં હતાં.
તેઓ કહે છે કે, “મેં બે વાર બૅંન્કની પરીક્ષા આપી હતી, પણ ક્લીયર થઈ નહીં. આ બધાથી કંટાળીને મેં અહીં કૅનેડા માટે એપ્લાય કર્યું હતું કે ત્યાં કંઈક થશે. મેં એટલો અભ્યાસ કર્યો છે, તેનો ફાયદો તો થવો જોઈએ.”
ડિમ્પલને તેમના એક સંબંધીએ જાલંધરની ઍજ્યુકેશન ઍન્ડ માઇગ્રેશન સર્વિસ અને તેની સાથે સંકળાયેલા વ્રજેશ મિશ્રા વિશે માહિતી આપી હતી.
તેઓ કહે છે કે. “એ સમયે તેઓ ખૂબ જ નિર્દોષ હતાં, તેમણે મારા તમામ દસ્તાવેજો જોયા હતા.”
આખરે તેમને નવેમ્બર 2017માં કૅનેડાના વિઝા મળ્યા હતા.
કૅનેડાથી થયેલી વાતચીતમાં તેઓ કહે છે કે, “તેમણે મને કહ્યું હતું કે એક કૉલેજે મારા દસ્તાવેજો સ્વીકાર્યા છે અને કૉલેજનો ઍડમિશન લેટર આવી ગયો છે.”
ડિમ્પલે કૅનેડામાં કમ્પ્યુટર નેટવર્કિંગના કોર્સ માટે એપ્લાય કર્યું હતું, જેના માટે તેમણે એ સમયે 12 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. જેમાં તેમની કૉલેજની ફી અને અન્ય ખર્ચ સામેલ હતો.
પરંતુ કૅનેડા આવ્યાના બે દિવસ પછી જ ડિમ્પલને કહેવામાં આવ્યું કે તેમની કૉલેજમાં હડતાલ છે અને તેમણે અન્ય કોઈ કૉલેજમાં એપ્લાય કરવું જોઈએ. તેમની જૂની કૉલેજની ફી પાછી આપવામાં આવી હતી.
ડિમ્પલે 2019માં કૅનેડામાં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમને વર્ક પરમિટ પણ મળી ગઈ હતી. પરંતુ તેમને આઘાત ત્યારે લાગ્યો, જ્યારે મે 2022માં પીઆર માટેની અરજીનો જવાબ આવ્યો કે તેમણે અગાઉ જે કૉલેજ પસંદ કરી હતી, તેનો ઑફર લેટર નકલી હતો.
આ ઑફર લેટરના આધારે તેમને ભારતમાં કૅનેડાના સ્ટુડન્ટ વિઝા અને કૅનેડામાં પ્રવેશ મળ્યો હતો. આ કેવી રીતે થયું, તેને લઈને હજુ પણ ઘણા સવાલો છે.
દેશ છોડી જવાનો આદેશ
ડિમ્પલને ઇમિગ્રેશન અધિકારીઓને મળવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરીમાં એક સુનાવણી બાદ તેમને ‘ઍક્સક્લુશન ઑર્ડર’ આપવામાં આવ્યો હતો.
ઍક્સક્લુશન ઑર્ડર અંતર્ગત, તમને એક વર્ષ માટે કૅનેડામાંથી દેશનિકાલ કરવામાં આવે છે, પરંતુ તમે તમારા વિશે ખોટી માહિતી આપો તો તમારા પર કૅનેડામાં પ્રવેશવા સામે પાંચ વર્ષ માટે પ્રતિબંધિત લાદી દેવામાં આવે છે.
ઇમિગ્રેશન અધિકારીઓ સાથેની મુલાકાત અંગે ડિમ્પલે કહ્યું હતું કે, “હું ઇન્ટરવ્યૂ દરમિયાન એટલી ડરી ગઈ હતી કે કંઈ જ બોલી ન શકી. મને લાગ્યું કે મને તાત્કાલિક ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે.”
તેમણે કૅનેડાની ફેડરલ કોર્ટમાં આ આદેશને પડકારતી એક અરજી દાખલ કરી છે. તેમના વકીલ જસવંતસિંહ મંગત પણ આવી જ સ્થિતિમાં ફસાયેલા ઘણા વિદ્યાર્થીઓના વકીલ છે.
તેમનું કહેવું છે કે મોટા ભાગના કેસમાં ભારે ભરખમ ફી લઈને નકલી પ્રવેશપત્ર જારી કરવામાં આવ્યા હતા. આ જ દસ્તાવેજોના આધારે વિઝાની અરજી જમા કરવામાં આવે છે અને આ દસ્તાવેજોના આધારે વિઝા આપવામાં આવે છે.
આખરે શું થયું?
વિદ્યાર્થીઓ કૅનેડા આવ્યા પછી કે કૅનેડા આવતા પહેલા ભારતીય ઇમિગ્રેશન એજન્સીએ વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ કોઈ કારણસર અન્ય કોઈ કૉલેજમાં પ્રવેશ મેળવી લે.
ઘણા વિદ્યાર્થીઓએ નવી કૉલેજોમાં તેમનો કોર્સ પૂરો કર્યો હતો, વર્ક પરમિટ માટે અરજી કરી હતી, પરંતુ જ્યારે તેમણે કાયમી રહેઠાણ માટે અરજી કરી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમના પૂર્વ કૉલેજના એડમિશન લેટર નકલી છે.
ડિમ્પલ પૂછે છે કે, “જ્યારે ઍરપોર્ટ પરના ઇમિગ્રેશન અધિકારીઓ વિઝા આપતી વખતે દસ્તાવેજો નકલી હોવાનું શોધી શકતા નથી, તો અમારી પર કેવી રીતે આશા રાખવામાં આવે છે કે અમે શોધી કાઢીશું.”
અમે આ અંગે ઍજ્યુકેશન ઍન્ડ માઇગ્રેશન સર્વિસિઝ અને વ્રજેશ મિશ્રા સાથે વાત કરવાના પ્રયાસ કર્યા, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં.
અન્ય ઘણા વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું
ચમનદીપ સિંહ પંજાબના એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે અને શ્રેષ્ઠ જીવનની આશાએ કૅનેડા જતા રહ્યા હતા.
તેઓ કહે છે કે, “જ્યારે મેં સ્ટુડન્ટ વિઝા લેવાના પ્રયાસ કર્યા, ત્યારે મને સિસ્ટમ વિશે જાણ ન હતી, તેથી મેં એક એજન્ટ હાયર કર્યા હતા.”
“મને ખબર ન હતી કે તેઓ આવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે છે.”
તેમણે કૅનેડામાં એન્જિનિયરિંગના કોર્સ માટે અરજી કરી હતી અને તેના માટે 14થી 15 લાખ રૂપિયા આપ્યા હતા. તેના માટે તેમને લૉન લેવી પડી હતી.
આ સમગ્ર પ્રકરણ પર તેમનું કહેવું છે કે, “અહીંની લાઇફસ્ટાઇલ સારી છે, પણ ભારત કરતાં વધુ મહેનત અહીં કરવી પડે છે. દૂરથી લાગે છે કે અહીં ઘણા પૈસા છે, હવે એવું નથી. તમારે સારો એજન્ટ શોધવો પડશે.”
તેઓ કહે છે કે, “જ્યારે અમે જાલંધર જતા હતા, ત્યારે અમને દરેક જગ્યાએ એજન્ટ જોવા મળતા હતા, પરંતુ અમે તે એજન્સી સામે કાર્યવાહી કરી શકતા નથી, કારણ કે અમારી પાસે કોઈ જ પુરાવા નથી કે તેમણે અમારી ફાઇલ તૈયાર કરી છે.”
ચમનદીપ કહે છે કે, “મારું સપનું હતું કે લાઇફસ્ટાઇલ સારી હશે. સપનું અને હકીકતમાં ઘણો ફરક હોય છે.”
આ સમગ્ર પ્રકરણથી ચમનદીપ સહિતના ઘણા વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. આ વિદ્યાર્થીઓ વૉટ્સઅપ ગ્રૂપમાં સંપર્કમાં રહે છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રસ્તાવ
સંસદમાં કૅનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બ્રૅડ રેડેકોપે કહ્યું કે દેશમાં ઇમિગ્રેશન કમિટીમાંથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રપોઝલ પાસ કર્યું છે.
તેમણે માહિતી આપતા એક વીડિયો જારી કરતા કહ્યું હતું કે આ પ્રસ્તાવ પાસ થવાથી કૅનેડામાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે.
દેશમાં પીઆર લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પણ ઓછી થશે.
કૅનેડાના ઇમિગ્રેશન વિભાગે શું કહ્યું?
કૅનેડાના ઇમિગ્રેશન મંત્રી શૉન ફ્રેજરે પણ એક ટ્વીટ શેર કરીને દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સમસ્યાઓને લઈને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
તેમણે તેમના ટ્વીટમાં લખ્યું છે કે, “અમે એ વિદ્યાર્થીઓ માટે સમાધાન શોધી રહ્યા છીએ, જે નકલી કૉલેજ પ્રવેશપત્ર સાથે કૅનેડામાં પ્રવેશ મેળવવાને કારણે અનિશ્રિતતાનો સામનો કરી રહ્યા છે.”
“જેમણે અહીં અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા લોકોનો ફાયદો ઉઠાવ્યો છે, તેમને તેના પરિણામોનો સામનો કરવો પડશે.”
નિષ્ણાતો અનુસાર, ભારતીય અધિકારીઓને વિદ્યાર્થીઓને છેતરતી એજન્સીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
વિદ્યાર્થીઓએ પણ કોઈ પણ પગલાં ઉઠાવતાં પહેલા પોતાને શિક્ષિત કરવા જોઈએ. તેઓ વિશ્વસનીય એજન્ટ અને કૉલેજ વિશે વધુ માહિતી મેળવે અને સમજે.