You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જર્મનીમાં ફસાયેલી 27 મહિનાની ગુજરાતી બાળકી તેનાં માતા-પિતાને ફરી ક્યારે મળશે?
- લેેખક, સુશીલાસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતી મૂળનાં અને જર્મનીમાં રહેતાં ધારા તથા ભાવેશ શાહની દીકરી અરિહાની કસ્ટડીનો મામલો ફરીથી વેગ પકડી રહ્યો છે.
ધારા અને ભાવેશ શાહ 2018માં જર્મની ગયાં હતાં. તેમની દીકરી અરિહાને છેલ્લા 20 મહિનાથી જર્મનીમાં ફૉસ્ટર કેરમાં રાખવામાં આવી છે.
ભારત સરકારના રાજકીય દબાણ પછી હાલમાં જ 59 સંસદસભ્યોએ અરિહા શાહના સમર્થનમાં જર્મનીના રાજદૂતને પત્ર લખ્યો હતો.
ભારતના લોકો, સંસદસભ્યોના પત્ર અને સરકારના પ્રયાસોને કારણે તેમને તેમની દીકરીનો કબજો ટૂંક સમયમાં ફરી મળી જશે, એવી આશા અરિહાનાં માતા-પિતાએ વ્યક્ત કરી છે.
શું છે આખો મામલો?
- 2021ના સપ્ટેમ્બરમાં ધારા શાહે અરિહાના ડાયપરમાં લોહી જોયું હતું.
- ડૉક્ટરે પ્રારંભિક તપાસમાં કહ્યું હતું કે કશું ગંભીર નથી.
- ફૉલો-અપ માટે ધારા અરિહાને ફરી ડૉક્ટર પાસે લઈ ગયાં ત્યારે તેમને મોટી હૉસ્પિટલમાં દેખાડવાની સલાહ આપવામાં આવી હતી.
- એ વખતે સાડા સાત મહિનાની વયની અરિહાને જર્મન ચાઈલ્ડ લાઈન સર્વિસમાં મોકલી આપવામાં આવી હતી.
- અરિહાનાં માતા-પિતા ગુજરાતનાં વતની છે.
- ડૉક્ટરોએ અરિહા શાહ સાથે કથિત જાતીય સતામણી થયાની વાત કરી હતી.
- એ પછી અરિહા શાહને ફૉસ્ટર કેરમાં મોકલી આપવામાં આવી હતી.
- તપાસ પછી ડૉક્ટરોએ જણાવ્યુ હતું કે અરિહાની જાતીય સતામણી થઈ નથી.
- 2022માં પોલીસે કેસ બંધ કરી દીધો હતો.
- તેમ છતાં ચાઈલ્ડ લાઈ સર્વિસે કોર્ટમાં પેરન્ટિંગ રાઈટ્સ ટર્મિનેટનો કેસ ચાલુ રાખ્યો હતો. એટલે કે અરિહાનો કબજો ભાવેશ તથા ધરા શાહને આપવામાં આવ્યો ન હતો.
- કોર્ટે અરિહા શાહનાં માતા-પિતાની મનોવૈજ્ઞાનિક તપાસ કરાવવા જણાવ્યું હતું.
અરિહાનાં મમ્મી શું કહે છે?
જર્મનીથી ફોન પર વાત કરતાં ધારા શાહે કહ્યું હતું કે "અમે દીકરીનો ઉછેર યોગ્ય રીતે કરી શકીએ તેમ છીએ કે નહીં તે જાણવા માટે અમારો આ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. એ વિશેનો અહેવાલ નિષ્ણાતોએ 12 મહિના પછી આપી દીધો છે."
તેમણે એમ પણ જણાવ્યું હતું કે બાળકને ચાઈલ્ડ ફૅસિલિટીમાં મોકલવાની વાત કહેવામાં આવી છે. તેમાં માતા કે પિતા બેમાંથી એક વ્યક્તિ બાળકી સાથે રહી શકે છે, જ્યારે બીજી વ્યક્તિ બાળકને મળી શકે છે. અમે એ માટે પણ તૈયાર છીએ.
ધારાએ કહ્યું હતું કે “તમે વિચારો કે વ્યાવહારિક રીતે આ શક્ય છે? બાળકને તો માતા-પિતા બન્નેનો પ્રેમ મળવો જોઈએ. આ તો પતિ અને પત્ની બન્નેને અલગ કરવાનો પ્રયાસ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધારાના જણાવ્યા અનુસાર, “કોર્ટમાં સુનાવણી દરમિયાન માત્ર પેરન્ટિંગ સ્કિલ વિશે દલીલો થતી રહી હતી. અલબત્ત, હજુ સુધી કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી અને અરિહાને સ્પેશિયલ નીડ્ઝ ફૅસિલિટીમાં મોકલી આપવામાં આવી છે. કહો, મારી નૉર્મલ દીકરીને ત્યાં શા માટે મોકલવામાં આવી છે?”
અરિહા શાહ સ્પેશિયલ નીડ્ઝ ચાઈલ્ડ એટલે કે ઉછેર માટે વિશેષ પ્રકારની જરૂર હોય એવું બાળક નથી.
ધરા શાહે આંસુભર્યા અવાજમાં જણાવ્યું હતું કે એક માતા તેના સંતાનને નજર સામે ઉછરતું જોવા ઇચ્છતી હોય છે, પરંતુ તેને આ બધાથી વંચિત રાખવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે “મારી દીકરી બે વર્ષની થઈ ગઈ છે. મેં તેના મોંમાંથી નીકળેલો પહેલો શબ્દ સાંભળ્યો નથી. તેને પહેલું ડગલું માંડતા જોઈ નથી અને તેને દાંત આવવા શરૂ થયા એ પણ જોઈ શકી નથી.”
ધરાના કહેવા મુજબ, તેઓ અરિહાને મળવા જાય છે ત્યારે દીકરી તેમને બહુ પ્રેમથી મળે છે, પરંતુ જર્મન વહીવટીતંત્ર કહે છે કે અરિહાને સ્ટ્રેંજર ઍટેચમૅન્ટ ડિસોર્ડર છે.
બીબીસીએ આ બાબતે ડૉક્ટર અને મનોવિજ્ઞાની પૂજા શિવમ સાથે વાત કરી હતી.
તેમના જણાવ્યા અનુસાર, ડિસોર્ડર ઘણા પ્રકારના હોય છે, પરંતુ જર્મન વહીવટીતંત્ર દ્વારા જે જણાવવામાં આવ્યું છે તેને ડિસઇન્હેબિટીડ સોશિયલ એંગેજમૅન્ટ ડિસોર્ડર કહેવામાં આવે છે.
તેમાં બાળક કોઈની સાથે ભાવનાત્મક રીતે જોડાતું નથી, પરંતુ અજાણ્યા લોકો સાથે તરત હળીમળી જાય છે.
જોકે, ધરા તેમની દીકરીને કોઈ પણ પ્રકારનો ડિસોર્ડર હોવાનો ઇનકાર કરે છે.
રાજકીય પક્ષોનો પત્ર
અરિહા શાહના મુદ્દે 19 રાજકીય પક્ષોના 59 સંસદસભ્યોએ જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેનને એક પત્ર પણ લખ્યો છે.
તેમાં અરિહા શાહને તેનાં માતા-પિતાને હવાલે કરવા શક્ય હોય તે તમામ પ્રયાસ કરવાની વિનંતી જર્મન વહીવટીતંત્રને કરવામાં આવી છે.
લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ પત્રમાં જર્મન રાજદૂતને જણાવ્યું છે કે બાળક તેના દેશમાં પાછું ફરવું જોઈએ અને તેમાં વિલંબ થશે તો બાળકને જ નુકસાન થશે.
પત્ર લખનારાઓમાં ભારતીય જનતા પાર્ટી, કૉંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોના સંસદસભ્યોનો સમાવેશ થાય છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે “ભારત પોતાનાં સંતાનોની દેખભાળ કરી શકે છે. તમારા દેશના બાળકને ભારતમાં ફૉસ્ટર કેરમાં રાખવામાં આવશે તો તમને કેવી લાગણી થશે તે વિચારો.”
અરિહા શાહને ચાઈલ્ડ વેલફેર ઑથૉરિટીને હવાલે કરવા ભારત સરકાર ઔપચારિક રીતે જર્મન સરકારને જણાવી ચૂકી છે.
ધરા શાહે પણ કહ્યું હતું કે “અરિહાને તેની માતૃભાષા શીખવાનો, તેના સમુદાયના લોકોને મળવાનો, મંદિરે જવાનો અધિકાર છે એવી અપીલ પણ અમે કરી હતી, પરંતુ તેને એવું કશું શીખવાડવામાં આવતું નથી. તે 27 મહિનાની થઈ ગઈ છે, છતાં તેને ભારતીય સંસ્કૃતિ બાબતે કશું જણાવવામાં આવ્યું નથી. તેને માત્ર જર્મન ભાષા જ શીખવાડવામાં આવી રહી છે.”
સંસદસભ્યોએ પત્રમાં જણાવ્યું છે કે “અરિહાને કેર સેન્ટરમાં મોકલવાથી તેના પર ઊંડી અને હાનિકારક અસર થશે. માતા-પિતાને સપ્તાહમાં બે વખત અરિહા મળવા દેવામાં આવે છે અને એ મીટિંગના વીડિયો જણાવે છે કે બાળકીને માતા-પિતા પ્રત્યે ગાઢ લગાવ છે તથા તેમનાથી દૂર રહેવાની પીડા પણ જોવા મળે છે.”
પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે “અમે આપના દેશની કોઈ એજન્સી પર આક્ષેપ કરતા નથી. અમે માનીએ છીએ કે બાળકના હિતમાં જે છે એ અમે કર્યું છે. અમે તમારી કાયદાકીય પ્રક્રિયાનો આદર કરીએ છીએ, પરંતુ શાહ પરિવારના એકેય સભ્ય સામે ગુનાહિત આરોપ ન હોવાથી બાળકીને તેને ઘરે પાછી મોકલી આપવી જોઈએ.”
ભારતની રજૂઆત
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય અને બર્લિન ખાતેનો ભારતીય દૂતાવાસ અરિહા શાહને પરત લાવવાના પ્રયાસ સતત કરી રહ્યા છે.
અરિંદમ બાગચીએ કહ્યું હતું કે “અરિહા ભારતીય નાગરિક છે અને તે 2021ની 23 સપ્ટેમ્બરથી જર્મનીના યૂથ વેલફેર વિભાગની કસ્ટડીમાં છે. અરિહા છેલ્લા 20 મહિનાથી ફૉસ્ટરમાં છે.”
તેમણે એમ પણ કહ્યું હતું કે “તે બાળકનો કબજો પરત આપવાની વિનંતી અમે જર્મનીને કરીએ છીએ. અરિહાની સંસ્કૃતિ, ધર્મ તથા ભાષા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય તે સુનિશ્ચિત કરવાની અપીલ ભારતીય દૂતાવાસ જર્મન વહીવટીતંત્રને સતત કરી રહ્યો છે.”
બાળકીને કાઉન્સેલરની સુવિધા મળે અને તેને બર્લિનમાં ભારતીય સાંસ્કૃતિક સેન્ટરમાં સંસ્કૃતિની નજીક જવાની તક પણ મળવી જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે “અરિહા શાહ એક ભારતીય નાગરિક છે અને તેને ફૉસ્ટર કેર ક્યાં મળવી જોઈએ તે નક્કી કરવામાં તેનું નાગરિકત્વ તથા સામાજિક-સાંસ્કૃતિક પશ્ચાદભૂ મહત્ત્વની છે એ વાતનો અમે પુનરોચ્ચાર કરીએ છીએ. અમે જર્મન વહીવટીતંત્રને અપીલ કરીએ છીએ કે તેમણે અરિહાને જલદી પાછી મોકલી આપવી જોઈએ, કારણ કે એક ભારતીય નાગરિક હોવાને લીધે તેનો એ અધિકાર છે. અરિહાને તેનાથી અલગ કરી શકાય નહીં.”
ધરા શાહના જણાવ્યા મુજબ, તેમના પતિ આઈટી ક્ષેત્રમાં કામ કરે છે અને તેમના વિઝાની મુદ્દત આ મહિને પૂર્ણ થવાની છે.
ધરાએ કહ્યું હતું કે “અરિહાને પોતાની ચાઈલ્ડ વેલફેર કમિટી પાસે મોકલી દેવી જોઈએ અને બાળકી તેની દેખરેખ હેઠળ રહેશે, એવું ભારત સરકારે જણાવી દીધું હોવા છતાં જર્મન વહીવટીતંત્ર કોઈ પગલાં લેતું નથી. અરિહાને રાખવા માટે એક ગુજરાતી જૈન પરિવારની વ્યવસ્થા પણ ભારત સરકારે કરી દીધી છે.”
ધરા શાહ આ મામલે જર્મનીની જિલ્લા અદાલતના ચુકાદાની રાહ જોઈ રહ્યાં છે. તે ચુકાદો જૂનમાં આવશે. તેમને આશા છે કે કેન્દ્ર સરકારના પ્રયાસોને લીધે હકારાત્મક પરિણામ આવશે.