You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાંથી સપરિવાર દેશનિકાલ કરાયેલા કૉલમ્બિયન પરિવારની હૃદયદ્રાવક કહાણી
- લેેખક, ડારિયો બ્રૂક્સ
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
ફેલિપ, તેમનાં પત્ની અને તેમનાં બે નાનાં સંતાન અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલો 48મો પરિવાર હતો.
કૉલમ્બિયાના ઇજે કેફેટેરો વિસ્તારના સ્થાનિક ગુંડાઓના જૂથથી બચવાના પ્રયાસમાં ફેલિપનો પરિવાર વતન છોડીને 30 એપ્રિલે ઉત્તર મૅક્સિકોથી અમેરિકામાં પ્રવેશ્યો હતો.
ફેલિપની સાથે તેમના નાના ભાઈ પણ હતા. એ બધા કાન્કૂન માર્ગે પ્રવાસી તરીકે મૅક્સિકો પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ પ્રવાસ કરીને સિઉદાદ જુએરેઝ સુધી પહોંચ્યા હતા, કારણ કે અન્ય માઇગ્રન્ટોએ તેમને જણાવ્યું હતું કે ત્યાંથી અમેરિકામાં પ્રવેશવાનું સપનું સાકાર કરવાનું વધુ આસાન છે.
જોકે, અમેરિકાની ઇમિગ્રેશન નીતિ તેમના માર્ગમાં આડખીલી બની હતી. ટાઇટલ 42 જેવા નિયમોનો અમલ 11 મેથી બંધ કરવામાં આવ્યો એ પછી અમેરિકાએ ઇમિગ્રેશન નીતિ વધારે કડક બનાવી હતી.
ફેલિપને ડર છે કે તેમનું સાચું નામ લખવામાં આવશે તો તેમના વતન કૉલમ્બિયામાં તેમની સામે બદલો લેવામાં આવશે. પોતાનું નામ ગુપ્ત રાખવાની વિનંતી કરતાં ફેલિપે જણાવે છે કે આ અનુભવની તેમના મન પર બહુ માઠી અસર થઈ છે.
ફેલિપ કહે છે, “સાચું કહું તો સમગ્ર વિશ્વ માટે આ ગંભીર બાબત છે. અમેરિકા મહાસત્તા છે અને આખા જગતમાં તેનો પ્રભાવ છે. તેનાથી હું ભયભીત છું. મારું આશ્ચર્ય શમતું જ નથી. અમેરિકાની સંસ્કૃતિ વિશે મારા મનમાં અલગ છાપ હતી.”
ફેલિપ અને કૉલમ્બિયાના અન્ય લોકો માઇગ્રેશન એજન્ટના અમાનવીય વર્તનની નિંદા કરી રહ્યા છે. તેમને સરહદ પર અટકાયતમાં લેવામાં આવ્યા ત્યારે જ નહીં, સ્થળાંતરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. ફેલિપ ભારપૂર્વક જણાવે છે તેમ, તેમને તેમની બાજુ રજૂ કરવાની કે આશ્રયની વિનંતીની તક ક્યારેય આપવામાં આવી જ ન હતી.
તેમના જણાવ્યા મુજબ, “રીઢા ગુનેગારની માફક” હાથકડી પહેરાવીને તેમનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાની સાથે પણ આવું જ વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ અન્ય માઇગ્રન્ટે પણ કરી હતી.
માઇગ્રેશન કૉલમ્બિયાના જણાવ્યા મુજબ, જેમની સાથે “ગૌરવપૂર્ણ કે આદરપૂર્ણ વર્તન” કરવામાં આવ્યું નથી એવા નાગરિકોની ફરિયાદ નોંધવામાં આવી રહી છે.
અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વણનોંધાયેલા લોકોના સંદર્ભમાં તેમણે નિયંત્રણાત્મક પગલાં લેવાં પડ્યાં છે, પરંતુ તેમની ફરિયાદ બાબતે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.
ફેલિપે બોગોટાના એક આશ્રયસ્થાનમાંથી ટેલિફોન મારફત બીબીસી મુન્ડો સાથે વાત કરી હતી અને સરહદ ઓળંગવાના તથા કૉલમ્બિયાના અન્ય નાગરિકો સાથે સ્વદેશ પાછા ફરવાના અનુભવની વાત કરી હતી. આ તેની કથા છે.
પરિવાર ક્રમાંક 48
અમારી રાહ જોઈ રહેલાં ટૅક્સી ડ્રાઇવર તરફ જવા અમે સિઉદાદ જુરેઝ ઍરપૉર્ટમાંથી બહાર નીકળ્યા હતા.
તેણે જણાવ્યું હતું કે તે અમને 100 ડૉલરમાં હાઇવે સુધી લઈ જશે. ત્યાંથી અમેરિકામાં પ્રવેશી શકાશે.
અમે એક હાઇવે પર પહોંચ્યા હતા. ત્યાં ગંદાં પાણીની પાઇપલાઇનમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી.
ડ્રાઇવરે અમે ભાગવા જણાવ્યું હતું, કારણ કે ત્યાં મૅક્સિકન બૉર્ડર પેટ્રોલિંગ વિભાગના અધિકારીઓ હતા. તેઓ લાંચ લેતા નથી, પણ લોકોને અટકાયતમાં જરૂર લે છે.
પોલીસની કાર બહુ દૂર હતી એટલે અમે ઝડપભેર અમારી કારમાંથી બહાર નીકળીને સરહદ પાર કરી હતી.
મારું નાનું સંતાન, મારા હાથમાં હતું, જ્યારે મારા દસ વર્ષના દીકરાનો હાથ મારી પત્નીએ પકડ્યો હતો. મારા ભાઈના હાથમાં સૂટકેસ હતું.
અમારાં પાટલૂનમાંથી દુર્ગંધ આવતી હતી એટલે અમે તે ઉતારી નાખ્યાં હતાં. અમારા બૂટ પણ કાઢી નાખ્યા હતા. એ બધું બાજુની દીવાલ પાસે ફેંકી દીધું હતું.
એ પછી શું કરવું તેની અમને ખબર ન હતી. તદ્દન અજાણ્યો પ્રદેશ હતો.
અમેરિકન બૉર્ડર પેટ્રોલના કર્મચારીઓ લોકોને ઉઠાવી જતા હોવાનું અમે સાંભળ્યું હતું, પરંતુ ત્યાં કોઈ ન હતું.
અમે સૈનિક જેવા દેખાતા એક માણસ તરફ આગળ વધ્યા અને તેને જણાવ્યું હતું કે અમે કૉલમ્બિયાના નાગરિક છીએ.
અમે હિંસાથી બચવા ભાગી છૂટ્યા છીએ, પરંતુ તેણે અમને એવું જણાવ્યું હતું કે અમારે ગેટ નંબર 40 સુધી પહોંચવા માટે છ કિલોમીટર ચાલવું પડશે.
વાતાવરણ અંધારિયું હતું. બહુ એકલવાયું હતું અને સાંજના સાતનો સમય થઈ ગયો હતો.
અમે ખોરાક-પાણી વિના લગભગ ચાર કલાક ચાલ્યા હતા. એ પછી અમે ગેટ નંબર 40 સુધી પહોંચ્યા હતા. ત્યાં એક કૅમ્પ હતો.
નસીબજોગે કોઈએ અમારો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે "અહીં લાઇનમાં ઊભા રહો, કારણ કે પેટ્રોલિંગ ટુકડી તમને લેવા માટે આવી રહી છે."
અમારા પરિવારનો નંબર 48મો હતો.
માત્ર પરિવારો
અમે કેટલું મોટું જોખમ લીધું છે એ અમને સમજાઈ રહ્યું હતું. આપણે બહુ ગંદી કથાઓ સાંભળી છે. જીવવું જોખમી બની જાય ત્યાં સુધી કૉલમ્બિયામાં સારી રીતે રહેલી અને સપરિવાર અહીં સુધી પહોંચી શકે એ વ્યક્તિ મજબૂત હોય.
તેમણે અમને જણાવ્યું હતું કે કેટલાક લોકો, ખાસ કરીને એકલા પુરુષો બે-ત્રણ દિવસથી ભૂખ્યા છે. બાળકો સાથેના પરિવારોને પેટ્રોલિંગ પાર્ટી સાથે લઈ ગઈ હતી.
માદક પદાર્થોની દાણચોરી કરતી ટોળકીની એક ટ્રક પસાર થઈ રહી હોવાનું અને સરહદની મૅક્સિકો બાજુની નજીક ઊભેલા લોકોને તે ઉઠાવી જાય છે એ બધા જાણતા હતા.
બાળકો ત્યાં એકલાં હતાં, કારણ કે તેમનાં માતા-પિતા મૅક્સિકોના એક સ્ટોરમાંથી ખાવાનું ખરીદવા ગયાં હતાં.
છ, સાત અથવા આઠ કલાક પસાર થઈ ગયા છતાં બાળકો એકલાં જ હતાં.
કૉલમ્બિયાના એક નાગરિક ગેટોરેટ પીણું પીતા હતા. તેમણે અમને ઑફર કરી અને અમે થોડુંક ગેટોરેટ પીધું હતું, કારણ કે એ પ્રદેશમાં એક મિલીલીટર પાણી મળે એ પણ બહુ મોટી વાત કહેવાય.
તેનાથી અમે ફ્રેશ થઈ ગયા હતા.
સદ્નસીબે અમારે લગભગ બે કલાક જ રાહ જોવી પડી હતી. એ પછી પેટ્રોલિંગ ટુકડીએ આવીને પરિવારને એકઠા કર્યા હતા અને અમે ઝડપથી સરહદ પાર કરી શક્યા હતા.
તેમણે માત્ર પરિવારો માટે જ આમ કર્યું હતું. એકલા પુરુષોએ લાઇન લગાવીને રાહ જોવાની હતી એટલે મારો ભાઈ ત્યાં જ રહી ગયો.
તેનાથી અલગ થવાનું મારા માટે બહુ મુશ્કેલ હતું, હું બહુ રડ્યો હતો, કારણ કે એ મારો નાનો ભાઈ હતો અને કોઈએ તેને ઘરની બહાર ક્યારેય જવા દીધો ન હતો, અમે તેને કાયમ સલામત રાખતા હતા.
અમે પેટ્રોલિંગ કારમાં બેસીને રવાના થયા પછી મારા ભાઈનું શું થયું તેની મને આજ સુધી ખબર પડી નથી. એ સૌથી વધુ પીડાદાયક ઘટના હતી.
અમે કારમાં બેઠા એ પહેલાં તેમણે જણાવ્યું હતું કે દસ્તાવેજો ફોન, ચાર્જર અને વીંટી અથવા ઇયરરિંગ્ઝ સિવાયનું બીજું કશું અમારે સાથે લેવાનું નથી.
બાકીનામાં કોઈ રસ નથી એવું એજન્ટે અમને જણાવ્યું હતું.
‘તેમને કોઈની પરવા નથી’
અમે પ્રચંડ અસલામતી અનુભવી હતી, કારણ કે હવે શું થવાનું છે તેની અમને ખબર ન હતી.
મૅક્સિકોની સરહદ પાર કરો એ અમેરિકામાં પ્રવેશની ગૅરંટી નથી. ત્યાં કશું જ નિશ્ચિત હોતું નથી.
અમારી સાથે બાળકો હતાં. તેઓ ચીસો પાડી રહ્યાં હતાં, પણ તેમને કોઈ પરવા ન હતી. તેઓ સતત ધક્કા મારતા હતા.
અમે સરહદથી આશરે દસ મિનિટના અંતરે આવેલા લોખંડની જાળીવાળા પાંજરા જેવા અટકાયત કેન્દ્રમાં આવી પહોંચ્યા હતા.
ત્યાં પ્રિ-રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું.
એક મહિલાએ બૂમ પાડીને અમને કહ્યું હતું કે, "તમારા જૂતાંની દોરી ખોલી નાખો. તમારા કમરપટ્ટા કાઢી નાખો. હું બીજું કશું સાંભળવા ઇચ્છતી નથી."
તેમણે અમારી ફિંગરપ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ લીધાં હતાં. અમે અમારા ઓળખપત્રો દેખાડ્યા અને તેમણે તેને બહાર ફેંકી દીધા.
ઓળખપત્રો ફેંકી દેવાને બદલે મેં પહેરેલી ચેઇન ફેંકી દીધી હોત તો સારું હતું.
એ પછી તેમણે અમને એક ઠંડીગાર બસમાં બેસાડી દીધા હતા. એ ટ્રક બહુ મોટી હતી.
તેઓ અમને થિજાવી દેવા ઇચ્છતા હતા. એ પછી મને સમયનું ભાન રહ્યું ન હતું.
અમે થાકીને ઊંઘી ગયા હતા અને અચાનક હલનચલન થતાં અમે જાગી ગયા હતા.
પુરુષોને અટકાયત કેન્દ્રમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જ્યારે પરિવારોને બીજા અટકાયત કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.
અમે ત્યાં રોકાયા હતા. તેને અટકાયત કેન્દ્ર કહેવામાં આવે છે, પરંતુ પરિવારો માટે વાસ્તવમાં તે જેલ છે.
એ બહુ વિશાળ તંબુ હતો. એ સોમવાર પહેલી મેની સવાર હતી. પાંચેક વાગ્યા હશે.
પરિસ્થિતિ હજુ પણ વિકટ જ હતી. તેમણે અમારા કોટ, મોજાં, બધું જ કચરાપેટીમાં ફેંકી દીધું હતું.
અમારા શરીર પર ફક્ત જીન્સ અને ટી-શર્ટ જ હતાં. પાણી કે ખોરાક વિના ત્રણ-ચાર કલાક ગયા, ભૂખને કારણે બાળકો રડતાં હતાં. તેમને શાંત કરવાનું શક્ય ન હતું.
તમારું સંતાન રડે તો તેઓ કહેતા, તમારા દીકરાને ચૂપ કરાવો.
તેમણે અમને સ્નાન કરવા મોકલ્યા હતા અને ગમે તે સાઇઝને કપડાં પહેરવા આપ્યાં હતાં.
મોટી સાઇઝનાં વસ્ત્રો પહેરીએ તો પાગલ જેવા લાગીએ અને નાની સાઇઝનાં પહેરીએ તો ચંબુ જેવા.
‘તમારું વર્તન અમાનવીય છે’
તેમણે મહિલાઓ તથા બાળકો અને પુરુષોને અલગ-અલગ રૂમમાં મોકલી આપ્યાં હતાં.
રૂમ નંબર 31માં મહિલાઓ તથા બાળકો અને રૂમ નંબર 33માં પુરુષો.
તેમના આદેશનો ઇનકાર કરવો શક્ય ન હતો. અમારે ત્યાં રહેવાનું જ હતું.
અમે નવ દિવસ એ સ્થિતિમાં પસાર કર્યા હતા.
પહેલા દિવસે અમને ભૂખ લાગી ત્યારે તેઓ બ્યુરિટો (મૅક્સિકન વાનગી), સફરજન અને એપલ જ્યૂસ લાવ્યા હતા. સવારનો નાસ્તો કહો કે બપોર અથવા રાતનું ભોજન – બધું એ જ હતું. પહેલા બે દિવસ તો અમે સહન કરી લીધું. પરંતુ ત્રીજા દિવસે બાળકોને ઊલટી થવા લાગી હતી. તેમને ઝાડા પણ થઈ ગયા હતા. તેમના શરીરમાં પાણી જ રહ્યું ન હતું.
ત્રીજા દિવસ પથી અમે બહુ ખાઈ શકતા ન હતા. ક્યારેય ચિકન તથા બોલોગ્ના સાથેની સેન્ડવિચ મળતી હતી.
તેને ખોલીએ ત્યારે બ્રેડ બગડેલી દેખાતી હતી. તેને ખાઈને ખતરનાક રોગનો ભોગ બનવાને બદલે ફેંકી દેવી સારી.
મારો દીકરો તેને પાણી અને ક્ષારયુક્ત બટાટાની ચિપ્સ સાથે ખાતો હતો. એ કારણે તે ડિહાઇડ્રેટ થઈ ગયો હતો.
હું મારા પરિવારને નાના દરવાજામાંથી જોઈ શકતો હતો, પરંતુ તેમની સાથે વાત કરી શકતો ન હતો.
હું તેમની સામે હાથ હલાવું ત્યારે પણ ગાર્ડ આવીને કહેતો કે બેસી જાઓ.
મારું સંતાન બીમાર છે ત્યારે મને ચિંતા કેમ ન થાય, એવું મેં તેમને કહ્યું ત્યારે તેમણે મને ઠપકો આપ્યો હતો.
મારી પત્નીએ મને જણાવ્યુ હતું કે એક વખતે સત્તાવાળાઓએ ભોજનનું વિતરણ કરવા આવ્યા ત્યારે રમી રહેલા મારા સંતાને ભોજનના બોક્સને સ્પર્શ કર્યો હતો. તે જોઈને એક અધિકારીએ તેનો હાથ હડસેલતાં મારી પત્નીને કહ્યું હતું કે “તમારું સંતાન નાનું હતું ત્યારથી તમે તેને ચોરી કરતાં શીખવી રહ્યા હો એવું લાગે છે.” મારા દીકરા બાબતે કોઈ આવું કઈ રીતે કહી શકે.
એ સ્થળે કૉલમ્બિયાના જે લોકો હતા એ કોઈની હત્યાના કે લૂંટફાટના ઇરાદે આવ્યા ન હતા. એમની સાથે આવો અમાનવીય વ્યવહાર કરવામાં આવતો હતો.
ઓરડાઓમાં એક શૌચાલય અને સિન્ક હતી. એ બહુ ઉપયોગી ન હતી. હું સ્વચ્છતાનો આગ્રહી છું. એ રૂમમાં બધા લૅટિન અમેરિકન દેશોના લોકો સાથે રહેતા હતા.
અમે નવ દિવસ સુધી દાંતને બ્રશ કર્યું ન હતું. અમે અન્ડરવેર પણ બદલ્યાં ન હતાં. અમે સ્નાન કરી શક્યા ન હતા. બીમાર બાળકોની સારવાર માટે પણ બહુ મર્યાદિત વ્યવસ્થા હતી.
અમારી વાત કહેવાની તક ન મળી
અમારો કેસ રજૂ કરવાની તક અમને ક્યારેય મળી ન હતી. એક અધિકારીએ માત્ર એટલું પૂછ્યું હતું કે તમે કોવિડવિરોધી રસીના તમામ ડોઝ લીધા છે કે નહીં.
ઇમિગ્રેશન એજન્ટ આવતો ત્યારે ત્રણ લોકોને જ બોલાવતો હતો, પરંતુ અમારે અમેરિકા જવાનું છે કે બીજે ક્યાંય તે હું ક્યારેય જાણી શક્યો ન હતો.
એ નવ દિવસ દરમિયાન હું મારા પરિવારજનો સાથે વાત પણ કરી શક્યો ન હતો. ફોન કરવાની સુવિધા પણ ન હતી.
મારો ભાઈ કેવી હાલતમાં છે એ પણ હું ક્યારેય જાણી શક્યો નહીં. હું અમેરિકામાં આશ્રય મેળવવાને લાયક છું કે નહીં તેની પણ ખબર ન પડી.
હું વિચારતો હતો કે મારા દેશમાં મારા પર કોઈ જોખમ છે કે નહીં, મને કશાની જરૂર છે કે નહીં એ બધું મને કોઈ પૂછશે નહીં તો હું મારી બાજુ કેવી રીતે રજૂ કરી શકીશ? હું નિઃસહાય હતો.
શું પ્રક્રિયા ચાલી રહી છે તેની માહિતી અમને મળતી ન હતી અને કોઈએ પૂછ્યું પણ ન હતું, કારણ કે અમેરિકામાં પ્રવેશ માટેની પ્રક્રિયાના ઇન્ટરવ્યૂ ક્યારે થશે તે કોઈ જાણતું ન હતું. એક પ્રકારનો માનસિક ત્રાસ થતો હતો.
‘તૈયાર થઈ જાઓ, તમારે જવાનું છે’
મારી પત્ની અને સંતાનોને ચોથા દિવસે બીજા રૂમમાં ખસેડવામાં આવ્યાં હતાં. એ પછી મેં મારી પત્નીને જોઈ ન હતી કે તેઓ કેમ છે એ જાણી શક્યો ન હતો.
રવિવાર, સાતમી મેએ ત્યાં કૉલમ્બિયાના છ પરિવાર હતા. એ રૂમમાં અમારી સાથે કૉલમ્બિયાના આશરે 50 લોકો હતા. એ તબક્કે ઉતાપ શરૂ થયો હતો, કારણ કે અમને કૉલમ્બિયનોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે તે અમારા માટે સારું છે ખરાબ એ અમે જાણતા ન હતા.
મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યે તેમણે અમને કહ્યું હતું કે “તૈયાર થઈ જાઓ. તમારે જવાનું છે.” અમે ખુશ ન હતા. અમે બધું પેક કર્યું, પ્રાર્થના કરી. અમે ધાર્યું હતું કે હવે અમેરિકામાં જ રહેવાનું છે. એ વાતે અમે રાજી થયા હતા. તેમણે અમને કહ્યું હતું એટલે નહીં, પરંતુ અમને વિશ્વાસ હતો એટલે એવું વિચાર્યું હતું.
તેઓ આવ્યા અને અમને અમારી પત્નીની બાજુમાં બેસાડ્યા. અમારી પાછળ બેઠેલા પરિવારના લોકોને દુઃખ થતું હતું. તેઓ જાણવા ઇચ્છતા હતા કે શું થઈ રહ્યું છે? અમને પાછા કૉલમ્બિયા જ મોકલવાના છે કે શું? એ તબક્કે પોલીસ આવી પહોંચી હતી અને અમને ધમકાવીને શાંત રહેવાનો આદેશ આપ્યો હતો.
અમને કહેવામાં આવ્યું હતું કે “પ્રોસેસ માટે તમારે બીજા આશ્રયસ્થાનમાં જવાનું છે. આ આશ્રયસ્થાન નબળું પડી ગયું છે. અહીં દરેકની અરજી સંબંધી પ્રક્રિયા કરવાનું શક્ય નથી. બીજા સ્થળે ન્યાયાધીશ સાથે મુલાકાત કરવાની છે અને તેઓ તમને અમેરિકા જવા માટે મુક્ત કરશે. અહીં રહેતી એકેય વ્યક્તિનો દેશનિકાલ કરવામાં આવશે નહીં.”
અમે જોયું કે બહાર કેટલીક બસ આવવા લાગી હતી. દસ-દસ પરિવારોને બોલાવવામાં આવતા હતા. બહારથી ચીસો સાંભળવા મળતી હતી. અમારી પાછળ બેસેલો પરિવાર ફરીથી અસ્વસ્થ થઈ ગયો હતો. તેઓ બરાડી રહ્યા હતા કે શું ચાલી રહ્યું છે? તેઓ આપણો દેશનિકાલ કરવાના છે.
ફરી પોલીસ આવી અને તેમણે અમને ચૂપ કરી દીધા. એક પોલીસે જણાવ્યું હતું કે અમને હાથકડી પહેરાવવામાં આવશે, કારણ કે તાજેતરમાં લોકોએ પ્લેનમાં વિરોધપ્રદર્શન કર્યું હતું, ઝઘડો થયો હતો.
અમેરિકામાં પ્લેનમાં આવું કરી શકાતું નથી. દરેકની સલામતી માટે હાથકડી પહેરાવવામાં આવે છે.
બહાર એક માતા અને કેટલાંક જોડિયાં બાળકો ચીસાચીસ કરતાં હતાં.
એક બાળક તેને લકવો થયો હોય તેમ અચાનક જમીન પર પડી ગયું હતું.
તેની મમ્મી ચીસો પાડવા લાગી હતી. તેમને કોઈ બીમારી હતી કે કેમ તેની મને ખબર નથી.
માઇગ્રેશન એજન્ટે આવીને એવું કહ્યું હતું કે, "મારા દેશમાં આવી રીતે રહેવું પડે છે અને તમે મારા દેશમાં રહેવાના નથી.” એ પછી તેમણે બધાને કાઢવાનું શરૂ કર્યું હતું."
‘અમે હાથકડી પહેરીને આવ્યા છીએ’
તેમણે મને હાથકડી પહેરાવી હતી અને મારા પેટની આસપાસ એક ચેઇન વીંટાળી હતી.
મારા પગમાં બેડીઓ નાખી હતી. મારી પત્નીને પણ એવું જ કર્યું હતું.
મારાં સંતાનોના હાથ તેમના હાથમાં હતા. આ રીતે તેમણે અમને બસમાં બેસાડી દીધા હતા.
કૉલમ્બિયાના છ પરિવારો બહાર આવ્યા હતા. મને લાગે છે કે તે ટેક્સસનું અલ પાસો ખાતેનું ઍરપૉર્ટ હતું.
ત્યાં અમને એક પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા. એ દરમિયાન એક પુરુષ સાથે જીભાજોડી થઈ હતી.
એણે તેની નાની પુત્રીઓ પૈકીની એકને ધક્કો મારીને આગળ મોકલી હતી. બધાએ મધ્યસ્થી કરી પછી શાંતિ થઈ હતી.
એ પછી પણ અનિશ્ચિતતા ચાલુ જ રહી હતી. તેઓ અમને કૉલમ્બિયા પાછા મોકલી આપશે કે અમેરિકામાં રાખશે?
એક અધિકારીએ કહ્યું, હા.
બીજાએ કહ્યું કે અમને લારેડો ખાતેના એક આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવશે. ત્રીજાએ વળી એવું કહ્યું કે એમ નહીં થાય.
ચાલી રહ્યું હતું તે સમજાતું ન હતું.
તમે આશ્રય મેળવવા માટે જરૂરી પ્રક્રિયાના ફિલ્ટરમાં પાસ થયા નથી એવું કહેવામાં આવે અને તમે કહો કે હા, તો કશું ન થઈ શકે. એ વાત સમજી શકાય છે, આપણે સંસ્કારી માણસો છીએ.
અમારું વિમાન ઍરપૉર્ટ પર ઊતર્યું ત્યારે અમને એવું લાગ્યું કે અમે કૉલમ્બિયામાં જ છીએ, પરંતુ તે બોગોટા હતું. અમે પ્લેનમાંથી ઊતરીએ તે પહેલાં તેમણે અમારી હાથકડી ચૂપચાપ કાઢી લીધી હતી. અમારો સામાન પાછો આપ્યો હતો. પોતાના બધા પૈસા પાછા ન મળ્યાની અથવા પોતાનો સામાન ખોવાઈ ગયો હોવાની ફરિયાદ ઘણા લોકોએ કરી હતી. અમારા ફોન રણકતા થયા હતા.
મેં માઇગ્રેશન અધિકારીઓને તથા લોકપાલ કાર્યાલયને જણાવ્યુ હતું કે અમને હાથકડી પહેરાવવામાં આવી હતી. તેમણે અમને જણાવ્યું હતું કે તમે આવી રહ્યા છો તેની તેમને જાણ ન હતી.
સ્ત્રીઓ-પુરુષો આ રીતે આવ્યાં હતાં. તેમણે એક ગર્ભવતી મહિલાનું નામ પણ લીધું હતું.
તેને પરવાનગી આપવામાં આવી ન હતી. એ મહિલાએ તેમને અમાનવીય ન બનવા વિનંતી કરી હતી.
વૈશ્વિક મહાસત્તાનો પ્રભાવ
અમે અમારું જીવન બહેતર બનાવવાના ઉદ્દેશ સાથે અહીં આવ્યા હતા, પણ તે પરિપૂર્ણ થયું ન હતું. તે નિરાશાજનક બનવાનું હતું.
હું પ્લેનમાંથી ઊતર્યો એ પછી મારી સૌપ્રથમ મુલાકાત કૉલમ્બિયાના માઇગ્રેશન અધિકારી સાથે થઈ હતી. તેમણે મને કહ્યું હતું કે, "કૉલમ્બિયામાં તમારું સ્વાગત છે. હવે તમે સલામત છો."
હું રડવા લાગ્યો હતો. આખરે હું શાંત થયો હતો, કારણ કે મને મારા દેશની ધરતીની હૂંફ અને લોકોનું સૌહાર્દ ફરી મળ્યું હતું.
કામ કરતા અનેક પરિવારો, વિદ્યાર્થીઓ અને મારી પત્ની જેવા અનેક પ્રોફેશનલો ત્યાં હતા. ઘણા લોકો કૉલમ્બિયામાં કામ કરતા હતા. અન્ય લોકો પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે ત્યાંથી ચાલ્યા ગયા હતા.
અટકાયત કેન્દ્રોમાં મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. અધિકારીઓ તમામ આંતરરાષ્ટ્રીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
વાસ્તવમાં વિશ્વ માટે આ બહુ ગંભીર બાબત છે. વૈશ્વિક મહાસત્તાનો પ્રભાવ આખી દુનિયા પર ફેલાયેલો છે. તે મને ડરાવે છે. હું તેને ભૂલી શકતો નથી.
હું એવું માનતો હતો કે અમેરિકન સંસ્કૃતિ અલગ છે, તેઓ બાળકો અને સ્ત્રીઓની સંભાળ રાખે છે, પણ આ પૈકીનું કશુંય અટકાયત કેન્દ્રોમાં જોવા મળતું નથી.
આગળના દરવાજે આ સ્થિતિ હોય તો અન્ય શહેરોમાં કેવી પરિસ્થિતિ હશે તેની કલ્પના હું કરી શકતો નથી.
અમે ગેરકાયદે રીતે ત્યાં ગયા હતા અને તે યોગ્ય ન હતું, પરંતુ અમે ચોક્કસ સંજોગોને કારણે ત્યાં ગયા હતા અને એ મેં મારી જિંદગીમાં કરેલું એકમાત્ર ગેરકાયદે કામ હતું.
હું મહેનતુ માણસ છું. મને કોઈ વ્યસન નથી. હું સમાચારપત્રો વાંચું છું. બીજી તરફ તમે તેમના કાયદાનું પાલન કર્યું હોવા છતાં, તેઓ તેમને હાથકડી પહેરાવીને આ રીતે લઈ જાય છે.
અમારા પૈકીના ઘણા માથે દેવું છે, ઘણા ઘરવિહોણા છે. અમારે બધું વેચવું પડ્યું છે. અમે બોગોટામાં ફસાયેલા છીએ. ક્યાં જવું તે જાણતા નથી.
મારો ભાઈ ક્યારેય મારાથી અલગ થવા ઇચ્છતો ન હતો. મેં તેને ફોન કર્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે તે આઠમી મેએ પાછો ફર્યો હતો. એ બહુ બીમાર છે. તેની આંખમાં સોજો છે. જોરદાર ઉધરસ થઈ છે. એ બધું અટકાયત કેન્દ્રમાં રહેવાને કારણે થયું છે.
તેની વીતક કથા મારા કરતાં બહુ જ અલગ છે, કારણ કે એકલા પુરુષ હોવું તે ક્રૂર બાબત છે.
હવે હું ઘરે પાછો જવા ઇચ્છું છું.