You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'સૌથી ધીમી ગતિએ ડિગ્રી પૂરી કરનાર' દાદાની કહાણી, 54 વર્ષે પૂર્ણ કર્યો અભ્યાસ
- લેેખક, નદિન યુસૂફ
- પદ, બીબીસી ન્યૂઝ, ટોરંટો
પોતાનો અભ્યાસ શરૂ કર્યાને લગભગ પાંચ દાયકાનો સમય વીતી ગયા બાદ આર્થર રોસે આખરે ગુરુવારે યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કૉલમ્બિયા (યુબીસી)ખાતેથી પોતાની બૅચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.
71 વર્ષીય રોસે કહ્યું હતું કે તેઓ વૅનકુવર યુનિવર્સિટીના લગભગ “સૌથી ધીમી ગતિના વિદ્યાર્થી છે.”
અને કદાચ તેઓ વિશ્વના પણ સૌથી ધીમી ગતિના વિદ્યાર્થી છે. તેમને પોતાની ડિગ્રી પૂરી કરવા માટે બરાબર 54 વર્ષનો સમય લાગ્યો છે.
નોંધનીય છે કે આ અંગે વિશ્વવિક્રમ ધરાવતા અને ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર રોબર્ટ એફપી ક્રોનિને લીધેલા સમય કરતાં તેમણે બે વર્ષ વધુ સમય લીધો છે.
રોબર્ટે વર્ષ 1948માં બાયૉલૉજી વિષય સાથે ડિગ્રી માટે અભ્યાસની શરૂઆત કરી હતી પરંતુ તે વર્ષ 2000માં ગ્રૅજ્યુએટ થઈ શક્યા હતા.
પરંતુ રોસ જણાવે છે કે તેમને પોતાનો વિશ્વ રેકૉર્ડ નોંધાવા બાબતે કોઈ જલદી નથી. તેઓ કહે છે કે તેમના માટે ખરું ઇનામ એ અભ્યાસમાંથી મેળવેલ જ્ઞાન છે.
રોસે બીબીસીને આ અઠવાડિયે કહ્યું હતું કે, “હું મારા કુતૂહલને કારણે શીખવા માગતો હતો.”
તેઓ કહે છે કે અભ્યાસ માટેના ઇચ્છાએ આટલાં વર્ષો બાદ તેમને પોતાની ડિગ્રી પૂરી કરવા માટે પ્રેરિતા કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોસ વર્ષ 1969માં યુબીસીમાં જોડાયા હતા, તેના થોડા દિવસ પહેલાં જ અમેરિકાએ ચંદ્ર પર માણસને મોકલ્યો હતો. અને ધ બીટલ્સ તેના પ્રભાવશાળી આલ્બમ એબી રોડ જાહેર કર્યો હતો.
તેઓ જણાવે છે કે એ સમયે હાઇસ્કૂલમાંથી પાસ થયાને તેમને થોડો સમય જ થયો હતો. તેઓ કહે છે કે અને એ દરમિયાન તેમનું ધ્યાન કેન્દ્રિત નહોતું. રોસ કૅમ્પસમાં થિયેટર ક્લબ સાથે જોડાયા, જ્યાં તેમને ઍક્ટિંગ માટેના પોતાના ઝનૂન વિશે ખબર પડી.
યુબીસી ખાતે બે વર્ષ બાદ રોસે કોર્સ બદલવાનું અને મૉન્ટ્રિયાલ જવાનું વિચાર્યું. જ્યાં તેમણે નેશનલ થિયેટર સ્કૂલમાં ભણવાની શરૂઆત કરી.
તેમણે ત્યાં પોતાનો અભ્યાસ જરૂર પૂરો કર્યો અને તેને લગતું સર્ટિફિકેટ પણ મેળવ્યું. તેઓ જણાવે છે કે તેમને બાદમાં ખબર પડી કે તેમને કારકિર્દી તરીકે અભિનય ક્ષેત્રમાં નહોતું ઝંપલાવવું.
તેઓ કહે છે કે, “પછી મેં નક્કી કર્યું કે મારે કાયદાનો અભ્યાસ કરીને વકીલ બની જવું જોઈએ.”
તેમના મત પ્રમાણે આ એક એવો ઉપાય હતો જે એક એવી વ્યક્તિ જે પોતે કઈ દિશામાં આગળ વધવા માગે છે એ નક્કી ન કરી શકતી હોય એ સ્થિતિમાં આ નિર્ણય કરે છે.
- 71 વર્ષીય આર્થર રોસે કદાચ સૌથી વધુ સમય લગાવી પોતાની ડિગ્રી પૂરી કરી છે
- તેમણે આ સિદ્ધિ મેળવવામાં બરાબર 54 વર્ષનો સમય લાગ્યો હતો
- તેમણે નિવૃત્તિ બાદ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનું ઠરાવ્યું અને સફળતાપૂર્વક પોતાનો નિર્ધાર પૂર્ણ પણ કર્યો
આર્થરે શરૂ કરેલા કાર્યને પૂર્ણ કરવાનું ઠરાવ્યું
તે બાદ આર્થર પોતાના અભ્યાસનું એક વર્ષ પૂરું કરવા માટે ફરી એક વાર યુબીસી પહોંચ્યા. જેથી તેઓ કાયદાના અભ્યાસ માટે અરજી કરવા જરૂરી ત્રણ વર્ષનું સ્કૂલિંગ પૂરું કરે. તેમણે બાદમાં યુનિવર્સિટી ઑફ ટોરન્ટોની લૉ સ્કૂલમાં ઍડમિશન મળ્યું, જ્યાં તેમણે જ્યુરિસ ડૉક્ટરની ડિગ્રી મેળવી.
એ બાદ તેમણે કાયદાના ક્ષેત્રમાં 35 વર્ષ સુધી સુખદ કારકિર્દી માણી અને વર્ષ 2016માં તેઓ નિવૃત્ત થયા.
આર્થર કહે છે કે એ બાદ તેમને લાગ્યું કે તેમણે વર્ષો પહેલાં કરેલી શરૂઆતનો અંત લાવવા માટે આ સમય યોગ્ય હતો.
“જોકે, મારા મગજમાં આ વાત હંમેશાં હતી, મને હંમેશાં લાગતું કે હું ફરીથી યુનિવર્સિટી જઈશ અને મારી ડિગ્રી પૂરી કરીશ.”
તેમણે આ માટે પૂરતો સમય પણ લીધો અને પોતાના ગ્રૅજ્યુએશન સુધી એક-એક કોર્સ વારાફરતી પૂરા કર્યા.
તે બાદ તેમના મનમાં જર્મન ઓપેરા ઇલેક્ટ્રા જોયા બાદ પ્રથમ વિશ્વ યુદ્ધ અંગે વધુ જાણવા માટેની ઉત્કંઠા જાગી, જેથી તેમણે પોતાનું ધ્યાન ઇતિહાસ તરફ કેન્દ્રિત કર્યું.
તેઓ કહે છે કે, “જો તમે તમારા ગમતા વિષય અંગે અભ્યાસ ન કરો તો એ વાત તકનો વેડફાટ છે. મારી સામે એ તક આવી અને મેં તેનો ભરપૂર આનંદ માણ્યો.”
તેઓ કહે છે કે તેઓ આટલાં વર્ષો બાદ યુબીસી પહોંચ્યા ત્યારે કેટલાંક પરિવર્તનો પણ આવ્યાં હતાં.
આગળ શું કરશે આર્થર?
આર્થર કહે છે કે આ પરિવર્તનોમાં કૅમ્પસના વ્યાપમાં વધારો અને પોતે હવે નિવૃત્ત વરિષ્ઠ નાગરિક હોઈ તેમની પાસેથી ટ્યુશન ફી નહોતી મગાઈ વગેરે સામેલ હતું.
આ સિવાય ટેકનૉલૉજી ક્ષેત્રે પણ ઘણું બધું બદલાયું હતું. આ બદલાવોના કારણે તેઓ કોવિડની મહામારી સમયે પણ પોતાના અન્ય સહાધ્યાયીઓ માફક ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખી શક્યા હતા.
તેઓ જણાવે છે કે મહામારી વખતે અનેક મુશ્કેલીઓ અને અવરોધો છતાં ફેકલ્ટીના અને અભ્યાસ પૂરા કરવા માટે કરાયેલ તેમના સહાધ્યાયીઓના પ્રયાસો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આર્થર કહે છે કે, “એ સમયે તેમણે નિશ્ચિતપણે અમુક વસ્તુઓ ગુમાવી પરંતુ તેમના વ્યક્તિત્વનું એક પાસું સામે આવ્યું અને કહ્યું કે કંઈ નહીં હવે આપણે આ બધું થોડી અલગ રીતે કરવાનું છે. તેઓ આ કામ પૂર્ણ કરી શક્યા એ વાતને લઈને મારા મનમાં તેમના માટે ઘણું માન છે.”
છ વર્ષના સમય બાદ પોતાની ડિગ્રી પૂરી કર્યા બાદ તેઓ જણાવે છે કે તેઓ પોતાની સફળતાને આખરી ઓપ આપવા માટે ઉત્સુક છે.
તેઓ કહે છે કે, “હું મારાં બાળકોના ગ્રૅજ્યુએશન ટાણે હાજર રહી ચૂક્યો છું. હવે મારા સંબંધીઓનો વારો છે કે તેઓ મારી સફળતાનું જશન મનાવે.”
હવે આગળ આર્થર શું કરશે એ વાતને લઈને તેઓ કહે છે કે તેઓ આને લઈને કોઈ ઉતાવળ કરવાના મૂડમાં નથી.
“મારી દીકરીનું કહેવું છે કે મારે માસ્ટર ડિગ્રી પણ મેળવવી જોઈએ.” પરંતુ તેઓ કહે છે કે તેઓ હજુ રાહ જોશે. “હું આટલે સુધી પહોંચી શક્યો એ વાતને લઈને રાજી છું.”