મુગલોને ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવાથી ભારતનો ઇતિહાસ બદલી શકાશે?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ(એનસીઈઆરટી)એ તેના બારમા ધોરણના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી મુગલ સામ્રાજ્ય સંબંધી પાઠ હઠાવી દીધો છે. એ ઉપરાંત બીજા ફેરફાર પણ કરવામાં આવ્યા છે અને એ બાબતે હવે વિવાદ સર્જાયો છે.

એનસીઈઆરટીએ બારમા ધોરણ માટેનું ઇતિહાસનું પુસ્તક ‘થીમ્સ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી’ શીર્ષક સાથે ત્રણ ભાગમાં પ્રકાશિત કર્યું છે. તેના બીજા ભાગમાંનો પાઠ નવ – રાજા અને ઇતિહાસ, મુગલ દરબાર હવે પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાખવામાં આવ્યો છે.

એનસીઈઆરટીની વેબસાઈટ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ ઇતિહાસના આ નવાં પાઠ્યપુસ્તકોમાંથી મુગલ શાસકો પર કેન્દ્રીત 28 પાનાંનું ઉપરોક્ત પ્રકરણ ગાયબ છે.

ભારતના ભૂતપૂર્વ મુસ્લિમ શાસકોને પાઠ્યક્રમમાંથી હઠાવવાના એનસીઈઆરટીના આ નિર્ણયને ભારતીય ઇતિહાસમાંથી મુગલોને હઠાવવાનો પ્રયાસ ગણવામાં આવે છે. બીજી બાજુ એનસીઈઆરટીની દલીલ એવી છે કે વિદ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવા માટે આવું કરવામાં આવ્યું છે.

જોકે, ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં મુગલોનો ઉલ્લેખ હોય તેવાં પ્રકરણો હજુ પણ છે. પાંચમા પાઠમાં પ્રવાસીઓની નજરે ભારત દર્શાવવામાં આવ્યું છે. તેમાં દસમીથી 17મી સદી સુધીના ભારતનો ઉલ્લેખ છે.

છઠ્ઠો પાઠ ભક્તિ અને સૂફી પરંપરાઓ પર કેન્દ્રીત છે. તેમાં પણ મુગલ કાળની ઝલક મળે છે. આઠમા પાઠનું શિર્ષક છે ‘ખેડૂત, જમીનદાર અને રાજ્ય, કૃષિ સમાજ અને મુગલ સામ્રાજ્ય’. આ પાઠમાં પણ મુગલકાળનો ઉલ્લેખ છે.

શા માટે કરવામાં આવ્યા ફેરફાર?

ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં કરવામાં આવેલા ફેરફારનો બચાવ કરતા એનસીઈઆરટીના વડા દિનેશ સકલાનીએ મીડિયાને કહ્યું હતું કે “મુગલોને ઇતિહાસમાંથી હઠાવવામાં આવ્યા નથી, પરંતુ વિદ્યાર્થીઓનો બોજો ઘટાડવા માટે કેટલોક હિસ્સો ટૂંકાવવામાં આવ્યો છે.”

દિનેશ સકલાનીએ કહ્યું હતું કે “આ પાઠ્યક્રમનું રેશનલાઈઝેશન નથી. આ પાઠ્યપુસ્તકનું રેશનલાઈઝેશન છે. અમે ગયા વર્ષે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે કોવિડ મહામારીને લીધે વિદ્યાર્થીઓને બહુ નુકસાન થયું છે અને તેમના પર દબાણ વધ્યું છે. વિદ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવો જરૂરી છે એવું સમજાયું હતું. નિષ્ણાતોની સલાહ અનુસાર આ ફેરફાર કરવામાં આવ્યા છે.”

ફેરફારની આ પ્રક્રિયામાં ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી માત્ર મુગલો સંબંધી પાઠ હઠાવવામાં આવ્યો નથી. રાજનીતિ શાસ્ત્રના પાઠ્યપુસ્તકમાંથી, હિન્દુવાદીઓ પ્રત્યેની મહાત્મા ગાંધીની નાપસંદ અને તેમની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરના પ્રતિબિંધનો ઉલ્લેખ ધરાવતાં વાક્યો પણ કાઢી નાખવામાં આવ્યાં છે.

મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે વિશે ‘તેઓ પુણેના બ્રાહ્મણ હતા’ એવું વાક્ય પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.

11મા ધોરણના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાંથી 2002ના ગુજરાત રમખાણ સંબંધી ત્રીજા અને અંતિમ સંદર્ભને પણ કાઢી નાખવામાં આવ્યો છે.

શા માટે થઈ રહ્યો છે વિરોધ?

એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોમાં કરાયેલા આ ફેરફારની બિન-ભાજપ શાસિત રાજ્યો અને વિરોધ પક્ષોએ ટીકા કરી છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબારના એક અહેવાલ મુજબ, રાજસ્થાન, કેરળ અને પશ્ચિમ બંગાળના શિક્ષણ પ્રધાનોએ આ ફેરફારનો જોરદાર વિરોધ કર્યો છે, જ્યારે આંધ્ર પ્રદેશ તેલંગાણા, ઓડિસા અને તામિલનાડુના શિક્ષણ પ્રધાનોએ જણાવ્યું છે કે આ ફેરફારો રાજ્યમાં અમલી બનાવતા પહેલાં તેની ગહન સમીક્ષા કરવામાં આવશે.

જોકે, ઉત્તર પ્રદેશ સરકારે આ ફેરફારનું સમર્થન કર્યું છે. ઉત્તર પ્રદેશનાં શિક્ષણ પ્રધાન ગુલાબ દેવીએ કહ્યું હતું કે “આ કામ નવી શિક્ષણ નીતિ અનુસાર કરવામાં આવી રહ્યું છે. એનસીઈઆરટીનો પાઠ્યક્રમ છે તેમાં અમારા તરફથી કોઇ ફેરફાર નથી.”

ઉત્તર પ્રદેશના સરકારી શાળાઓમાં સપ્ટેમ્બરથી એનસીઈઆરટીના પુસ્તકનો આઠમો પાઠ ભણાવવામાં આવશે. તેમાં મુગલ સામ્રાજ્ય દરમિયાન ભારતના કૃષિ સમાજનો ઉલ્લેખ છે. જોકે, સંપૂર્ણપણે મુગલો પર આધારિત નવમું પ્રકરણ પાઠ્યક્રમની માસિક સમયપત્રકમાંથી ગાયબ છે. એટલે કે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી જ નવા પાઠ્યપુસ્તક મુજબ અભ્યાસ કરાવવામાં આવશે.

માર્ક્સવાદી પક્ષના મહામંત્રી સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે સાંપ્રદાયિક આધાર પર ઇતિહાસનું લેખન વેગીલું બન્યું છે. સામ્યવાદી પક્ષના નેતા ડી રાજાએ એનસીઈઆરટીને ‘નેશનલ કાઉન્સિલ ફોર ઇરેડિકેશન ઓફ રેશનાલિટી એન્ડ ટ્રુથ’ કહી હતી.

ડી રાજાએ કહ્યું હતું કે “આ ઇતિહાસમાં છેડછાડ કરવાનો અને ઇતિહાસ બદલવાનો આરએસએસનો એક વધુ પ્રયાસ છે. મહાત્મા ગાંધીની હત્યા બાદ સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેથી નફરત અને હિંસાની શક્તિઓને મૂળસોતી ઉખેડીને ફેંકી શકાય. આ સત્યને એકેય જૂઠ છૂપાવી નહીં શકે.”

ફેરફાર પાછળનો તર્ક શું આપવામાં આવ્યો?

એનસીઈઆરટીનાં નવાં પાઠ્યપુસ્તકો તૈયાર થઈને સ્કૂલોમાં જાય છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા તથા શિક્ષકો તરફથી સૂચનો કરવામાં આવે છે. તેઓ ભૂલ જણાવે છે અને નવાં સૂચનો કરે છે. સામાન્ય રીતે તેને ધ્યાનમાં રાખીને જ પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે.

વિજ્ઞાન વિષયક પાઠ્યપુસ્તકોમાં, નવી જાણકારી બહાર આવતી હોવાથી સમય મુજબ ફેરફાર કરવામાં આવતા હોય છે. ઘણીવાર પાઠ્યપુસ્તકોમાંની જાણકારી જૂની થઈ જાય છે અને સંબંધિત ક્ષેત્રમાં નવો વિકાસ થતો હોય છે. તેથી આવા ફેરફાર સ્વાભાવિક હોય છે.

ઇતિહાસ કે અન્ય વિષયોનાં પાઠ્યપુસ્તકોમાં અગાઉ પણ ફેરફાર કરવામાં આવતા રહ્યા છે. એ ફેરફાર માટે એનસીઈઆરટીના નિષ્ણાતો ચર્ચા કરે છે અને એ પછી પાઠ્યપુસ્તકોના લેખકોને ફેરફારનું સૂચન કરવામાં આવતું હોય છે.

ભારતીય જનતા પાર્ટીની નજીક ગણાતા એનસીઈઆરટીના ભૂતપૂર્વ અધ્યક્ષ જે એસ રાજપુતે કહ્યું હતું કે “એનસીઈઆરટી એક મોટી સંસ્થા છે. તેમાં અનેક નિષ્ણાતો છે. એનસીઈઆરટી જે ફેરફાર કરે છે તે સામાન્ય રીતે શૈક્ષણિક આધાર મુજબ જ કરે છે. ઇતિહાસમાં કોઈએ પોતાની વિચારધારા ઉમેરી હોય તો તેને જરૂર હઠાવવી જોઈએ, પરંતુ મુગલ ઇતિહાસ વૈશ્વિક ઇતિહાસ છે. તેને સંપૂર્ણપણે હઠાવી શકાય નહીં. તેને રેશનલાઈઝ કરવામાં આવ્યો હશે.”

જે એસ રાજપુતે ઉમેર્યું હતું કે “પાઠ્યપુસ્તકોના સંદર્ભમાં, ઇતિહાસના કોઈ કાલખંડના કેટલાક હિસ્સાને છોડી દેવામાં આવ્યા છે કે કેમ એ પણ ધ્યાનમાં લેવાતું હોય છે. મને લાગે છે કે મુગલ ઇતિહાસ કંઈક વધારે પડતો જ ભણાવવામાં આવ્યો છે. તે વાંચીને એવું લાગે છે કે માત્ર મુગલકાળમાં જ હિંદુસ્તાન હતું. તેના સિવાય બીજું કશું હતું જ નહીં. હવે નવી શિક્ષણ નીતિને આધારે જે પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યાં છે તેમાં આ બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવી રહી છે.”

જે એસ રાજપુત માને છે કે મુગલો ભારતીય ઇતિહાસનો મહત્ત્વનો હિસ્સો છે. તેમને પાઠ્યપુસ્તકોમાંથી સંપૂર્ણપણે હઠાવી શકાય નહીં, થોડો ઘટાડો જરૂર કરી શકાય.

1999થી 2004 દરમિયાન એનસીઈઆરટીના વડા તરીકે કામ કરી ચૂકેલા જે એસ રાજપુતે એમ પણ કહ્યું હતું કે “1970 પછી સંસ્થાઓ પર ડાબેરી વિચારધારાના લોકોનો પ્રભાવ વધ્યો હતો. એ પ્રભાવને ઘટાડવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.”

“મારા કાર્યકાળ દરમિયાન મેં પણ પાઠ્યપુસ્તકોમાં રેશનલાઈઝેશનનો પ્રયાસ કર્યો હતો. જોકે, એ સમયે અંતિમ નિર્ણય લેવાનું પાઠ્યપુસ્તકોના લેખકો પર છોડી દેવામાં આવ્યું હતું. તેઓ ફેરફાર માટે તૈયાર ન હતા. તેથી અમારે નવા લેખકો શોધવા પડ્યા હતા,” એમ જે એસ રાજપુતે કહ્યું હતું.

પાઠ્યપુસ્તકોમાં ફેરફારના વિવાદ પછી એનસીઈઆરટીની શાખ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. એનસીઈઆરટી એક ખાસ પ્રકારની વિચારધારાને પ્રોત્સાહિત કરવા માટે આવા ફેરફાર કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.

જે એસ રાજપુતે કહ્યું હતું કે “એનસીઈઆરટીની શાખ ઘણી મજબૂત છે. આ પ્રકારના વિવાદની તેના પર કોઈ અસર નહીં થાય. એનસીઈઆરટી સમજી-વિચારીને બધું કરી રહી છે. ભારતમાં સંસ્થાઓ પર ડાબેરી વિચારધારાનો પ્રભાવ રહ્યો છે એ લોકો જાણે છે. હવે તેને ઘટાડવામાં આવી રહ્યો છે તો એ પ્રયાસોને પણ સમર્થન મળશે. ઘણા લોકો આ ફેરફારનું સ્વાગત પણ કરી રહ્યા છે.”

‘ભાવિ પેઢીને બરબાદ કરવામાં આવી રહી છે’

જોકે, પાઠ્યપુસ્તકોમાંના આ ફેરફારને ભારતમાંથી મુગલ ઇતિહાસને ખતમ કરવાનો પ્રયાસ ગણતા હોય એવા પણ ઘણા લોકો છે.

ઇન્ડિયન હિસ્ટ્રી કૉંગ્રેસના મહામંત્રી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર સૈયદ અલી નદીમ રેઝાવીએ કહ્યું હતું કે “ઇતિહાસ બદલાતો રહે છે. તેથી થોડા-થોડા સમયે એવું લાગે છે કે બાળકોને જે ભણાવવામાં આવી રહ્યું છે તેમાં ફેરફાર કરવો જોઈએ. ફેરફાર કરવો એ કોઈ મોટી વાત નથી, પરંતુ ફેરફાર હંમેશાં તથ્યોને આધારે, નવી જાણકારીના આધારે કરવા જોઈએ. છેલ્લાં કેટલાંક વર્ષોથી, કમનસીબે ઇતિહાસને પોતાની મરજી મુજબ લખવાના પ્રયાસ થઈ રહ્યા છે. એક રીતે ઇતિહાસને ધીમે-ધીમે ખતમ કરીને તેનું સ્થાન દંતકથાઓ લઈ રહી છે.”

અલી નદીમ રેઝાવીએ ઉમેર્યું હતું કે “ઇતિહાસને અલગ દૃષ્ટિકોણ આપવાના પ્રયાસ 2014 પછી વારંવાર કરવામાં આવી રહ્યા છે. અગાઉ અટલ બિહારી વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન પણ ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં ફેરફારના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ એ ફેરફાર તથ્યો તથા સ્રોતોને આધારે કરવામાં આવ્યા હતા. હવે ઇતિહાસને એક રીતે કાલ્પનિક બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.”

મુગલોના ઇતિહાસને પાઠ્યપુસ્તકમાંથી હઠાવવામાં નથી આવ્યો, પરંતુ એ સંબંધી સામગ્રીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, એવી એનસીઈઆરટીની દલીલ સાથે પ્રોફેસર રેઝાવી સહમત નથી.

તેમણે કહ્યું હતું કે “તમે ઇતિહાસના એક ખાસ કાલખંડને હઠાવી ન શકો. તમે એવું કરશો તો તમે બાળકોને ખોટો ઇતિહાસ ભણાવશો અને ખોટી જાણકારી આપશો. આવું થશે તો તેની સમાજ પર ગાઢ અસર થશે.”

પ્રોફેસર રેઝાવીના જણાવ્યા અનુસાર, પાઠ્ય પુસ્તકમાં મુગલો સંબંધી જે હિસ્સો છે તેને કોઈ ખાસ હેતુસર યથાવત્ રાખવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે “તેમણે પસંદગીનો હિસ્સો જાળવી રાખ્યો છે. મુગલોએ હિંદુઓ સાથે યુદ્ધ કર્યું હતું, એવું દર્શાવી શકાય તે હિસ્સો યથાવત્ રાખ્યો છે, પરંતુ મુગલોએ આ દેશ અને સમાજના નિર્માણ માટે જે કામ કર્યાં હતાં તેનો હિસ્સો હઠાવી દેવામાં આવ્યો છે.”

તેમણે એમ પણ કહ્યુ હતું કે “મહારાણા પ્રતાપને હીરો બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ મહારાણા પ્રતાપને એકલા રાખીને હીરો બનાવી શકાય નહીં. તેમાં અકબરની હાજરી જરૂરી છે. તેથી અકબરની વાત તેમાં છે, પરંતુ અકબરે આગળ જતાં સાંપ્રદાયિક સૌહાર્દ માટે કામ કર્યું અને એક સહનશીલ સમાજનું નિર્માણ કર્યું હતું, એ હિસ્સાને હઠાવી દેવામાં આવ્યો છે.”