You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાબા સિદ્દીકીએ શાહરુખ અને સલમાન વચ્ચે કેવી રીતે સમાધાન કરાવ્યું હતું?
- લેેખક, મધુ પાલ
- પદ, બીબીસી હિન્દી માટે, મુંબઈથી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને એનસીપીના ટોચના નેતા બાબા સિદ્દીકીની શનિવારે સાંજે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેમના પર ગોળીબાર થયો હતો. ત્યારપછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા સિદ્દીકીને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લીલાવતી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટના પછી મહારાષ્ટ્રના રાજકારણ અને મુંબઈની ફિલ્મી નગરી બોલીવૂડમાં ભારે હલચલ મચી ગઈ છે.
બોલીવૂડના ટોચના ફિલ્મ કલાકારો સાથે બાબા સિદ્દીકીના ખૂબ જ નિકટના સંબંધો હતા. તેમના નિધન પર બોલીવૂડના ઘણા કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે.
આ ઘટના બની ત્યારે ફિલ્મ અભિનેતા સલમાન ખાન બિગ બૉસ સિઝન 18નું શૂટિંગ કરતા હતા. બાબા સિદ્દીકી પર ગોળીબારના સમાચાર મળતાં જ તેમણે શૂટિંગ અધવચ્ચે બંધ કરી દીધું અને સિદ્દીકીના પરિવારને મળવા માટે લીલાવતી હૉસ્પિટલ દોડી ગયા.
ફિલ્મ અભિનેતા સંજય દત્ત અને શિલ્પા શેટ્ટી પણ સિદ્દીકીના પરિવારને મળવા હૉસ્પિટલે પહોંચ્યાં હતાં.
બાબા સિદ્દીકીની બોલીવૂડમાં ભારે ઓળખાણો હતી
બાબા સિદ્દીકીનું નામ માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં પરંતુ ફિલ્મ જગતમાં પણ જાણીતું હતું. બોલીવૂડમાં તેમની ઓળખાણ છેક સુધી હતી.
બાબા સિદ્દીકી મુંબઈના પ્રથમ નેતા હતા જેમણે એક મોટી ઉજવણી તરીકે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈફ્તાર પાર્ટીઓ તો ઘણી થતી, પરંતુ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી સૌથી ખાસ ગણાતી હતી.
બોલીવૂડ માટે જે રીતે ફિલ્મફેર ઍવૉર્ડ હંમેશાં મહત્વનો રહ્યો છે, તેવી જ રીતે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીઓ પણ હંમેશાં ચર્ચાસ્પદ રહેતી હતી.
આ ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવી એ ફિલ્મ કલાકારોનો પ્રભાવ દેખાડતો હતો. દરેક મોટા કલાકાર આ પાર્ટીમાં હાજરી આપતા હતા. માત્ર ફિલ્મજગતના કલાકારો જ નહીં, પરંતુ દરેક મોટા ઉદ્યોગપતિ અને મંત્રીઓ આ ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપતા હતા.
બોલીવૂડ સાથે બાબા સિદ્દીકીના સંબંધ
બાબા સિદ્દીકી વિશે આખા વર્ષ દરમિયાન ભલે કોઈ સમાચાર સાંભળવામાં આવ્યા ન હોય, પરંતુ જ્યારે રમઝાન મહિનો આવતો ત્યારે તેઓ ચોક્કસ સમાચારોમાં રહેતા હતા.
બાબા સિદ્દીકી બોલીવૂડ સાથે કઈ રીતે જોડાયેલા હતા?
આ અંગે બીબીસી હિન્દી સાથે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર ડૉ. રામચંદ્રન શ્રીનિવાસન કહે છે, "શરૂઆતના તબક્કામાં બાબાનું રાજકીય કાર્યસ્થળ બાંદ્રા હતું. આ એવી જગ્યા છે જ્યાં મોટા ભાગની ફિલ્મી હસ્તીઓનાં ઘર આવેલાં છે. તે સમયે તેઓ એક રાજકીય કારકિર્દી ઘડી રહ્યા હતા. તે જ સમયે તેમની મુલાકાત સુનીલ દત્ત સાથે થઈ હતી.
તેઓ કહે છે, “બાબા સિદ્દીકી અને સુનીલ દત્તસાહેબ વચ્ચે બહુ નિકટતા હતી. સુનીલ દત્તસાહેબના પુત્ર સંજય દત્ત સાથે પણ આવો જ લગાવ હતો. સંજય દત્ત ઘણી વાર બોલીવૂડની પાર્ટીઓમાં હાજરી નથી આપતા, પરંતુ તેઓ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જવાનું ચૂકી ગયા હોય એવું ક્યારેય નથી બન્યું."
તેઓ કહે છે કે, "સંજય દત્ત જ્યારે પણ જેલમાંથી બહાર આવીને કોઈ પહેલી વખત કોઈ પાર્ટીમાં હાજરી આપતા, તો તે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી હતી."
સલમાન ખાન અને બાબા સિદ્દીકીની દોસ્તી
સલમાન અને બાબાની મિત્રતા ઘણી જૂની છે. આ કારણથી જ ઘણા સામાજિક મુદ્દા દરમિયાન તેઓ બંને એક સાથે જોવા મળતા હતા.
2020 અને 2021માં કોરોના લૉકડાઉન દરમિયાન પણ બાબાના પુત્ર જીશાન સિદ્દીકી સાથે સલમાનની ટીમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની વ્યવસ્થા કરી હતી.
એટલું જ નહીં, તે સમયગાળા દરમિયાન તેમણે સાથે મળીને ઑક્સિજન માટે રઝળપાટ કરતા લોકોની પણ મદદ કરી હતી.
બાબાએ સલમાનને તેના ખરાબ સમયમાં પણ સાથ આપ્યો હતો. સલમાન ખાન જ્યારે હિટ ઍન્ડ રન કેસ અને કાળિયારના શિકાર કેસમાં મુશ્કેલીમાં હતા, ત્યારે બાબા સિદ્દીકી તેમની પડખે ઊભા રહ્યા હતા.
સલમાન ખાનના કેસની જ્યારે પણ સુનાવણી થતી, ત્યારે બાબા સિદ્દીકી કોર્ટ રૂમમાં તેની નજીક જ રહેતા અથવા પરિવાર સાથે ઊભા રહેતા હતા.
થોડા સમય અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે બાબાએ તેના પર અફસોસ વ્યક્ત કર્યો હતો.
તેમણે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા લોકોની ધરપકડ કરવાની માગણી કરી હતી.
સલમાન અને શાહરુખ વચ્ચે મિત્રતા કરાવી
બાબા સિદ્દીકીએ 2013માં આયોજિત પોતાની ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાન અને શાહરુખ બંનેને આમંત્રણ આપ્યું હતું.
આજે સલમાન અને શાહરુખ ઘણી વખત એકસાથે જોવા મળે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે બંને એકબીજાને મળવાનું પણ પસંદ નહોતા કરતા.
લગભગ પાંચ વર્ષ સુધી તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. તેમણે કોઈ ફિલ્મમાં સાથે કામ પણ નહોતું કર્યું.
પરંતુ બાબા સિદ્દીકીએ 2013ની ઈફ્તાર પાર્ટીમાં બંનેને ગળે લગાવ્યા અને આ સાથે સલમાન અને શાહરુખ વચ્ચેની પાંચ વર્ષ જૂની દુશ્મનીનો અંત આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન