You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકેશનાં 100 વર્ષ... દર્દભર્યાં ગીતોથી દુનિયાભરના ચાહકો પર રાજ કરનાર ગાયકની કહાણી
- લેેખક, વંદના
- પદ, સિનિયર ન્યૂઝ ઍડિટર, એશિયા ડિજિટલ
“અમારા ઉઝ્બેકિસ્તાનમાં મુકેશનાં ગીતો બહુ પ્રસિદ્ધ રહ્યાં છે. અહીં એક લોકપ્રિય ગાયક છે બોબોમુરોદ હમદામોફ. તેઓ હૂબહૂ મુકેશના અવાજમાં હિન્દી ગીતો ગાય છે. જ્યારે મુકેશના નિધન બાદ રાજ કપૂર ઉઝ્બેકિસ્તાન આવ્યા હતા તો મુકેશનો અવાજ સાંભળવા માટે તેઓ બોબોમુરોદ હમદામોફને મળ્યા હતા. બંનેએ સાથે મુકેશનાં ગીતો ગાયાં. આ વીડિયો તમે યૂટ્યૂબ પર જોઈ શકો છો.”
તાશ્કંદ શહેરમાં રહેનારા અબ્દુલમાજિત મામાદાલિયેફે જ્યારે એક ઑડિયો નોટ મોકલીને મને ગાયક મુકેશનો આ કિસ્સો સંભળાવ્યો તો આખું દૃશ્ય મારી આંખ સામે ખડું થઈ ગયું અને લાગ્યું કે હું ખુદ ત્યાં ઉપસ્થિત હતી.
22 જુલાઈના રોજ મુકેશનાં 100 વર્ષ પૂર્ણ થશે. ત્યારે અબ્દુલમાજિદે કહ્યું, “હું ઉઝ્બેકિસ્તાનમાં જ્યારે સ્કૂલમાં હતો ત્યારે અમે મુકેશનાં ગીતો ગાતાં હતા. મારા સ્કૂલના બે મિત્ર હતા. બંને એક જ છોકરીને પ્રેમ કરતા હતા. બંને પાક્કા દોસ્ત હતા. પણ એક મિત્ર તેના પ્રેમને લઈને મૌન રહેતો હતો. એ જ પ્રકારે જે પ્રકારે ફિલ્મ સંગમમાં થાય છે. ત્યારે અમે તેના માટે સંગમનાં ગીતો ગાતાં હતા. અમે તે પૈકી એક દોસ્તને રાજ કહેતા અને એકને ગોપાલ. જ્યારે કે છોકરીને અમે રાધા કહેતા.”
“હકીકતમાં ફિલ્મ સંગમમાં રાજ કપૂર, રાજેન્દ્રકુમાર અને વૈજયંતીમાલાનાં આ જ નામ હતાં. આવી અસર હતી રાજ કપૂર અને મુકેશની.”
22 જુલાઈ, 1923ના રોજ જન્મેલા મુકેશના પ્રસંશકો દુનિયાભરના કોઈને કોઈ ખૂણામાં આજે પણ મળી આવે છે.
મુકેશના અવાજને ચાહનારા આજે પણ કહે છે કે દર્દ અને જલનને વ્યક્ત કરતો કોઈ અવાજ હોય તો તે મુકેશનો જ છે. ખુદ મુકેશને પણ આ પ્રકારનાં ગીતો ગાવાં સૌથી વધુ પસંદ હતાં.
મુકેશ એક વાર બીબીસી હિન્દીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “જો મને દસ લાઇટ ગીત મળે અને એક ઉદાસીભર્યું મળે તો હું દસ લાઇટ ગીતને બદલે એક સૅડ સોંગ ગાવાનું વધુ પસંદ કરીશ.”
આ સંજોગ હશે કે 50, 60, 70ના દશકમાં મુકેશ, રફી, કિશોર અને મન્ના ડે જેવા ગાયકો એક જ સમયમાં ગીતો ગાતાં હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુકેશનું કભી કભી મેરે દિલ મેં યહ ખયાલ આતા હૈ, રફીનું દિન ઢલ જાયે...તો કિશોરનું ખઈ કે પાન બનારસવાલા...આ પૈકી તમે કોનું ગીત વધુ પસંદ કરશો અને કોનું ઓછું. આ મુશ્કેલ કામ છે.
મુકેશના પુત્ર નીતિન મુકેશે બીબીસી સાથે ખાસ વાતચીતમાં ઘણા જૂના કિસ્સાઓ સંભળાવ્યા.
પેઢી દર પેઢીના ગાયકો મુકેશથી પ્રભાવિત
નીતિન મુકેશ કહે છે, “રફીજી હોય, કિશોરજી હોય કે મુકેશજી, તેમનો સંબંધ ભાઈ કરતાં વધુ હતો. મને નવાઈ લાગતી હતી કે જ્યારે મુકેશજી ફોન ઉઠાવીને રફીસાહેબને કહેતા, ‘રફી મિયાં, તમે આ ગીત એટલું સુંદર ગાયું છે, કદાચ હું તમારી જેમ ગાઈ શકતો હોત.’ ક્યારેક રફી સાહેબનો ફોન આવતો, ક્યારેક મન્ના ડેનો ફોન આવતો હતો કે મુકેશ, તમે આ ગીત કેટલું સુંદર રીતે ગાયું છે.”
“તેમની વચ્ચે એકબીજા માટે સ્પર્ધાનો ભાવ નહોતો. જ્યારે હું શો કરતો હતો ત્યારે પિતાજી મને કહેતા હતા કે તું રફીસાહેબનાં ગીતો ગા, તું કિશોરદાએ ગાયેલાં ગીતો ગા. મારા મનમાં સવાલો ઊઠતા કે પિતાજી મને કોઈ અન્ય ગાયકોનાં ગીતો કેમ ગાવાં કહે છે? પરંતુ આ એક કલાકાર તરફથી તેમના સમકાલીન સાથી કલાકારોને અપાતી ઇજ્જત હતી.”
પેઢી દર પેઢી ગાયકો મુકેશથી પ્રભાવિત રહ્યા છે.
90ના દશકમાં સૌથી મશહૂર ગાયકોમાંના એક કુમાર શાનુએ બીબીસી સહયોગી મધુ પાલને જણાવ્યું, “મુકેશજીની સૌથી મોટી ખૂબી એ હતી કે તેઓ પોતાના કોમળ અવાજમાં આટલા ઊંડા અને પાવરફૂલ ઇમોશન્સને દિલ સુધી પહોંચાડતા હતા. હોટલમાં તેમનાં સેન્ટિમેન્ટલ ગીતો બહુ ચાલે છે, લોકો આજે પણ આ ગીતો પર પૈસા લૂંટાવે છે. હું જ્યારે હોટલોમાં ગાતો હતો તો મુકેશજીનાં સેન્ટિમેન્ટલ ગીતો ગાઈને બહુ પૈસા કમાયા. બહારોં ને મેરા ચમન લૂંટ કર એ મારું સૌથી મનસપંદ ગીત છે.”
દિલ્હીમાં જન્મેલા મુકેશચંદ માથુરના ગાયક બનવાની પણ પોતાની કહાણી છે. મુકેશ આખરે ગાયક કેવી રીતે બન્યા? તેમની કહાણી તેમની જ અવાજમાં સાંભળવી હોય તો તે બીબીસીના ખજાનામાં મળી શકશે.
તેમણે કહ્યું હતું, “હકીકતમાં મારાં બહેનનાં લગ્ન હતાં. છોકરીવાળાએ જાનૈયાનું મનોરંજન કરવાનું હતું. એટલે મેં ગીતો ગાયાં. જાનમાં મુંબઈથી બે સાહેબ પણ આવ્યા હતા. લગ્નના બીજે દિવસે આ બંને સાહેબો (ફિલ્મસ્ટાર મોતીલાલ) ઘરે આવ્યા. તેમણે ઘરવાળાઓને કહ્યું કે તમારા પુત્રમાં ઘણી પ્રતિભા છે. તેમને ફિલ્મોમાં કામ કરવા મોકલો. સહગલથી મોટું નામ કમાશે. પિતાજીને ગાયન-બાયનની ખબર પડતી નહોતી. તેઓ બોલ્યા કે ક્લાર્ક બનાવી દઈશું દીકરાને.”
“પછી તેમણે કેટલાક સમય બાદ પિતાજીને ફરી ટેલિગ્રામ કર્યો. ત્યારે પિતાજીએ કહ્યું કે ખરેખર તેઓ આટલો આગ્રહ કરી રહ્યા છે તો જરૂર તારામાં કોઈ પ્રતિભા હશે. હું મુંબઈ આવી ગયો સિંગિંગ ઍક્ટર બનવા પણ ફિલ્મ થઈ ફેલ. મને કાઢી મૂકવામાં આવ્યો. કંપની પણ બંધ થઈ ગઈ.”
પણ પછી મુકેશને કેવી રીતે બીજી તક પ્લેબેક સિંગર તરીકે મળી?
પ્લેબેક સિંગર તરીકે તક
મુકેશ આ આર્કાઇવ ઇન્ટરવ્યૂમાં કહે છે, “મોતીલાલ મોટા સ્ટાર હતા અને તેઓ પોતાનાં ગીતો ખુદ ગાતાં હતા. 1945માં આવેલી પહેલી નજર પહેલી ફિલ્મ હતી જેમાં તેમણે પ્લેબેક સિંગરની શરત સ્વીકારી. મેં તેમના માટે ગીત ગાયું. પરંતુ ફિલ્મ પૂર્ણ થયા બાદ એ નક્કી થયું કે આ ગીત ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવશે. ફિલ્મકારો કહેતા હતા કે મોતીલાલ હંમેશાં ચંચળ પ્રકારના કિરદારો નિભાવે છે તેથી તેમના અભિનયમાં આ પ્રકારના દર્દભર્યું ગીત સૂટ નહીં થાય અને આ ગીત લોકોને બોર કરે છે.”
“મારું દિલ તૂટી ગયું. ઘણા પ્રયત્નો બાદ તેમણે કહ્યું કે એક સપ્તાહ સુધી આ ગીતને ફિલ્મમાં રાખવામાં આવશે. જો લોકોને તે પસંદ આવશે તો રહેશે, નહીંતર કાઢી નાખવામાં આવશે.”
આ ગીત હતું દિલ જલતા હૈ તો જલને દે... લોકોને આ ગીત બહુ ઘણું પસંદ આવ્યું અને મુકેશના કરિયરની ઉડાન શરૂ થઈ.
જોકે મુકેશને ગીતની સાથે સાથે અભિનયનો પણ ચસ્કો લાગ્યો હતો. તેમણે શરૂઆત એક અભિનેતા તરીકે જ કરી (1942માં ફિલ્મ નિર્દોષ આવી હતી) પણ ફિલ્મ ફ્લૉપ થઈ ગઈ.
બાદમાં જ્યારે તેઓ હિટ ગાયક થઈ ગયા તો 1953માં માશૂકા અને 1956માં ફિલ્મ અનુરાગમાં તેઓ હીરો બન્યા. પોતાના પૈસા પણ રોક્યા, પરંતુ કોઈ પણ ફિલ્મ ચાલી નહીં.
1953ની ફિલ્મ આહમાં તેઓ એક ગીતમાં રાજ કપૂરની સાથે પણ જોવા મળે છે, જ્યાં તેઓ ઘોડાગાડીવાળા બનીને ગાય છે – છોટી સી યે જિંદગાની હૈ, ચાર દિન કી જવાની તેરી.
આ દરમિયાન રફી અને કિશોર પોતાની જગ્યા સતત મજબૂત કરી રહ્યા હતા. ત્યારે મુકેશે એક વાર ફરી બધું જ ધ્યાન ગીત પર લગાવ્યું.
બીબીસી સાથેની વાતચીતમાં મુકેશે જણાવ્યું હતું, “મેં કોશિશ કરી હતી હીરો બનવાની, પણ એટલી હદે નિષ્ફળ રહ્યો કે મેં વિચાર્યું કે બીજા દરજ્જાનો અભિનેતા બનવા કરતાં સારું છે કે પહેલા દરજ્જાનો ગાયક બનું.”
રાજીવ શ્રીવાસ્તવે ભારતના પહેલા વૈશ્વિક ગાયક- મુકેશ નામનું પુસ્તક લખ્યું છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “હું તેમને વિશ્વના પ્રથમ વૈશ્વિક ગાયક એટલે કહું છું કે તેમનું પહેલું ગીત હિન્દુસ્તાની સીમા ઓળંગીને વિદેશની ધરતી પર લોકપ્રિય થયું હતું. એ ગીત હતું મુકેશનું આવારા હૂં. ચીન હોય કે રશિયા, ત્યાંથી વિશેષ ફરમાઇશ આવતી હતી તેને સાંભળવાની. તેને માટે ખાસ મુંબઈથી મુકેશને બોલાવવામાં આવતા હતા.”
એક દરિયાદિલ ઇન્સાન તરીકે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેમને યાદ કરે છે.
અવાજમાં દર્દ
ગાયક મનહર ઉધાસનો આ કિસ્સો પણ ઘણો મશહૂર છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “મને સંગીતનો ઘણો શોખ હતો અને હું કલ્યાણજી આનંદજીના રેકૉર્ડિંગમાં વારંવાર જતો. એક દિવસ તેમણે કહ્યું કે સ્ટુડિયોમાં આવી જાવ, તમારો સૂર ટેસ્ટ કરવા એક ગીત રેકૉર્ડ કરાવવું છે. મેં માત્ર એ વિચારીને રેકૉર્ડ કરાવ્યું કે આ ગીત માત્ર ટેસ્ટ માટે રેકૉર્ડ થાય છે. બે ત્રણ સપ્તાહ બાદ મને ખબર પડી કે આ ગીત વિશ્વાસ (1968) માટે રેકૉર્ડ કરવામાં આવ્યું હતું.”
“મને કહેવામાં આવ્યું કે મુકેશજીએ આ ફિલ્મનાં તમામ ગીતો ગાયાં છે અને આ ગીત પણ એમણે જ ગાવાનું હતું પરંતુ તેઓ વ્યસ્ત હોવાથી ગીતનું શૂટિંગ અટકી ગયું હતું. બધાએ વિચાર્યું કે હાલ આ મનહરના અવાજમાં રેકૉર્ડ કરીને કામ ચલાવી લઈએ અને બાદમાં અસલ ગીત મુકેશજી પાસે ગવડાવીશું.”
“જ્યારે મુકેશજી પાસે બીજી વાર ડેટ માગી તો તમણે કહ્યું કે મને ખબર પડી છે કે આ ગીત તમે બીજા કોઈ પાસે રેકૉર્ડ કરાવ્યું છે, હું તેને સાંભળવા માગીશ. ગીત સાભળ્યા બાદ તેઓ બોલ્યા કે જેમણે પણ આ ગીત ગાયું છે, સુંદર છે. તમે તેમની અવાજમાં જ આ ગીત રહેવા દો. આ પ્રકારે મારા પ્લેબેક સિંગર તરીકેની કરિયર શરૂ થઈ.”
“મુકેશજીના અવાજમાં એટલું દર્દ હતું કે આટલા સુંદર અવાજને તમે સાંભળ્યા જ કરો. કોઈ એક ગીત પસંદ કરવું અસંભવ છે. છતાં મને તેમની આનંદ ફિલ્મનું ગીત સૌથી પ્રિય છે.”
બાદમાં મનહર ઉધાસે રામ લખન, હીરો, કુરબાની જેવી ફિલ્મો માટે કેટલાંય હિટ ગીતો ગાયાં.
જોકે, મુકેશને લઈને એક દલીલ એ થતી રહી કે તેમનાં ગીતોની મર્યાદા હતી, જ્યારે રફી અને કિશોરની ગાયકી વધુ વૈવિધ્યપૂર્ણ હતી.
રાજીવ શ્રીવાસ્તવનું કહેવું હતું, “ઘણી વાર એક ધારણા બની જાય છે અને આપણે એને જ સાચી માની લઈએ છીએ. મેં 1991થી લઈને અત્યાર સુધી મુકેશ પર કામ કર્યું છે. મુકેશની વિવિધતા અન્ય લોકો કરતાં અલગ છે. ફિલ્મ ધર્મ-કર્મનું ગીત છે ‘ઇક દિન બિક જાયેગા’ જેને મુકેશે કંઠ આપ્યો હતો. આ જ ગીતમાં કિશોરનો પણ અવાજ છે પરંતુ લોકો મુકેશજીના જ અવાજને જ આ ગીત સાથે જોડીને જુએ છે. પરસ્પર કોઈ ગાયકની સરખામણી નથી કરી શકાતી.”
કુમાર સાનુ કહે છે, “એ વાત સાચી છે કે મુકેશજીનાં ગીતોમાં ઉદાસી હતી પણ રોમાંસ પણ ભરભૂર હતો. રાજ કપૂર માટે તેમણે કેટલાંય રોમૅન્ટિક ગીતો ગાયાં છે. રોમૅન્ટિક ગીતો પણ સૉફ્ટ તરીકે ગાતાં હતા. એટલે રોમૅન્ટિક ગીત દિલને સ્પર્શી જતાં હતાં.”
તમામ મૂડ માટે મુકેશ
ઉદાસીભર્યાં ગીતો સિવાય પણ મુકેશે તમામ મૂડ અને અહેસાસ માટે સૂર આપ્યો.
વરસતા વરસાદમાં, છત્રીની ઓથે જ્યારે રાજકપૂર પોતાની મસ્તીમાં ગાય છે – ડમ ડમ ડિગા ડિગા, મોસમ ભીગા ભીગા... તો એ મુકેશનો જ અવાજ હતો જે તમને વરસાદમાં ભીંજવી જાય.
અથવા શ્રી 420માં બેફિકર રાજ કપૂર જ્યારે પહેલી વાર સપનાની નગરી બૉમ્બે આવે છે અને ગાય છે – મેરા જૂતાં હૈ જાપાની...
અને જ્યારે મનોજકુમાર પોતાની પ્રેમિકા માટે ગાય છે – ચાંદ સી મહબૂબા હો મેરી, તો આ મખમલી અવાજ તમને પણ ખૂબ સ્પર્શી જાય છે.
ક્યારેક ગાડી લઈને સફર પર નીકળ્યા હોય અને મોસમ સરસ હોય તો મુકેશનું ગીત સુહાના સફર ઔર યે મોસમ હસીન ઘણી વાર યાદ આવે. અથવા છેડછાડવાળા રાજ કપૂરનું ગીત તેરી મન કી ગંગા ઔર મેરે દિલ કી જમુના...
રાજ કપૂરની વાત કરીએ તો મુકેશ અને તેમની મિત્રતાના કિસ્સા આજે પણ યાદ કરવામાં આવે છે.
મુકેશના નિધન બાદ તેમનાં કેટલાંય ગીતો બાદમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં સાંભળવા મળતાં રહ્યાં છે.
આવી એક ફિલ્મ જેના ક્રેડિટ રોલમાં મોટા ભાગે હું પૉઝ બટન દબાવી દઉં છું અને એ ફિલ્મ છે અમર અકબર એંથની. જ્યારે ગાયકોનાં નામ આવે તો લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોરકુમાર પછી આવે છે... સ્વર્ગીય મુકેશ.
જો તમે તેમના પૌત્ર નીલ નીતિન મુકેશની ફિલ્મો જોઈ હોય તો તેમાં ઘણી જગ્યાએ નીલ તેમના દાદા સાથે જોડાયેલી વસ્તુઓ પહેરતા નજરે પડે છે.
નીતિન મુકેશ જણાવે છે, “સાત ખૂન માફ, ડિવેડ, જૉની ગદ્દારમાં નીલે મુકેશજીનાં ઘડિયાલ અને સ્વેટર પહેર્યાં છે. બાળપણમાં તેઓ દાદીના ઘરે જતા હતા અને મુકેશજીની વસ્તુઓ સાચવીને લઈ આવતા હતા અને પછી ફિલ્મોમાં પહેરતા.”
મુકેશે હિન્દી ફિલ્મ કભી કભીમાં સાહિર લુધિયાનવીનું લખેલું ગીત ગાયું જે ઘણું જ લોકપ્રિય થયું. તે હતું- મેં પલ દો પલ કા શાયર હૂં.
ક્રિકેટ સુપરસ્ટાર અને ચેન્નાઇ સુપર કિંગ્સના મહેન્દ્રસિંહ ધોનીએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે સોશિયલ મીડિયા પર તેમણે એક વીડિયો નાખ્યો. જેમાં તેમના કરિયરની તમામ તસવીરો હતી અને બૅકગ્રાઉન્ડમાં મુકેશનું આ જ ગીત હતું- મૈં પલ દો પલ કા શાયર હૂં.
મુકેશે આ ગીત ભલે 47 વર્ષ પહેલાં ગાયું હોય પરંતુ તે આજે પણ તેમના મધુર અવાજની સાક્ષી પૂરે છે. તેઓ ક્ષણભર (પલ દો પલ)ના કલાકાર નહોતા. આ વ્યસ્ત જમાનો આજે પણ મુકેશના ગયા બાદ તેમને યાદ કરવાનાં અનેક બહાનાં શોધી લે છે.
ક્યારેક ઉદાસીમાં, ક્યારેક મોહબ્બતમાં, ક્યારેક મસ્તીમાં તો ક્યારેક જિંદગીની ફિલસૂફીમાં... મુકેશનું જીવન કોઈને કોઈ રસ્તા પર નજરે પડી જ જશે.
જાણે કે તમને યાદ અપાવતું હોય- ‘કિસી કી મુસ્કુરાહટોં પે નિસાર, કિસી કા દર્દ હો સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જીના ઈસી કા નામ હૈ.’