ભારત અને કૅનેડા વચ્ચે વણસી રહેલા સંબંધો આગળ જતાં સુધરી શકશે?

    • લેેખક, આનંદ કે સહાય
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે

જૂન 2023માં કૅનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ જસ્ટિન ટ્રુડોએ ભારત તરફ આંગળી ચીંધી હતી. ભારતે આ આરોપોને ફગાવી દીધા બાદ બંને દેશોએ એકબીજાનાં રાજદ્વારીઓને દેશ છોડી જવા માટે જણાવ્યું હતું.

બંને દેશએ એકબીજા વિરુદ્ધ આકરા શબ્દોમાં નિવેદનો કર્યાં હતાં. હાલના સમયમાં ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. બંને દેશ વચ્ચે સંબંધો સામાન્ય થાય તેની ઓછી શક્તા જણાઈ રહી છે.

ભારતનું માનવું છે કે, ભારતમાં એક અલગ શીખ રાજ્ય બનાવવાના ઉદ્દેશ્યથી કેટલાક કૅનેડિયન શીખો હિંસક ખાલિસ્તાની આંદોલનને પ્રોત્સાહન આપી રહ્યા છે. હાલમાં સંબંધોમાં જે ખટાશ આવી છે તેની પાછળનો આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે.

આશરે 40 વર્ષ પહેલા પંજાબ ભયંકર હિંસાની ચપેટમાં હતું. ભારતીય સૈન્યએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં હુમલો કર્યો હતો, જેના કારણે જે-તે વખતે ખાસ્સો વિવાદ પણ થયો હતો. ઑક્ટોબર 1984માં તે વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની બે શીખ અંગરક્ષકોએ હત્યા કરી નાખી હતી.

આ પૃષ્ઠભૂમિમાં ભારત કૅનેડા પાસે કેટલાક લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતો આવ્યો છે. ભારતનો આરોપ છે કે આ લોકો ખાલિસ્તાની સમર્થક છે. કૅનેડા ભારતની આવી વિનંતીઓની અવગણના કરતો આવ્યો છે.

ભારત અનુસાર હરદીપસિંહ નિજ્જરને 'ખાલિસ્તાની આતંકવાદી' છે. પરંતુ કૅનેડા કહે છે કે, તે ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિગત આઝાદી’નો સમર્થક છે. કૅનેડા અનુસાર તે કોઈ પણ વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા અટકાવી ન શકે.

ભારતે જાહેરમાં કહ્યું છે કે, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાના દેશમાં 'શીખ વોટ બૅન્ક'ને ખુશ રાખવા માગે છે. આ જ કારણોસર ટ્રુડો સરકાર ખાલિસ્તાની સમર્થકો સામે કાર્યવાહી કરવાની ભારતની માંગની અવગણના કરતો આવ્યો છે.

જો વસતીની સરખામણીએ જોઈએ તો કૅનેડામાં ભારત કરતાં વધુ શીખો છે.

કોઈ પણ પશ્ચિમી દેશ સાથે આટલો ખરાબ સંબંધ નથી

ભારત અને કૅનેડા વચ્ચે સતત વકરતા સંબંધોમાં જે ખટાશ આવી છે તે આશ્ચર્યજનક છે.

સોવિયત યુનિયનના વિઘટન બાદ ભારતના કોઈપણ પશ્ચિમી દેશ સાથે આટલા ખરાબ સંબંધ રહ્યા નથી.

શીતયુદ્ધ બાદ ભારતના અમેરિકાની આગેવાની હેઠળના પશ્ચિમી દેશો સાથે સંબંધ સારા બન્યાં છે. ધીમે ધીમે ભારત સંપૂર્ણ બજાર આધારિત અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે.

G7 અને નાટો દેશો સાથે આર્થિક, વ્યવસાયિક અને રાજકીય સંબંધો સુધારવા માટે ભારતે ભરપૂર પ્રયાસ કર્યા છે.

કૅનેડા આ બંને જૂથોમાં સામેલ છે. તે અમેરિકા સાથે ખૂબ જ ઘનિષ્ઠ લશ્કરી સંબંધો ધરાવે છે, જે નૉર્થ અમેરિકન ઍરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ એટલે કે નોરાડ સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે. બંને દેશોની અર્થવ્યવસ્થા પણ એકબીજા સાથે સંકળાયેલી છે.

અત્રે નોંધનીય છે કે, અમેરિકાના મિત્ર દેશ સાથે ભારતના સંબંધો આટલી ખટાશ આવી ગઈ છે. છેલ્લા ત્રણ દાયકાથી ભારત અમેરિકા સાથે આર્થિક અને વ્યૂહાત્મક દિશામાં વધુ સારા સંબંધો બનાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે.

બંને દેશ વચ્ચે વણસતા સંબંધો વચ્ચે ભારતે સોમવારે જણાવ્યું કે, તે કૅનેડાથી પોતાના રાજદૂત સંજયકુમાર વર્મા અને અન્ય રાજનાયકોને પરત બોલાવી રહ્યું છે.

પરંતુ કૅનેડાએ કહ્યું કે, વાસ્તવમાં તેણે સંજયકુમાર વર્મા સહિત છ ભારતીય રાજદ્વારીઓ અને અન્ય રાજનાયકોને હાંકી કાઢ્યા છે. ભારતે તેમને આપવામાં આવેલી રાજદ્વારી અને કોન્સ્યુલર ઇમ્યુનિટી હટાવવાનો અને કૅનેડાને તપાસમાં સહયોગ કરવાનો ઇનકાર કરતાં આ પગલું લેવામાં આવ્યું છે.

ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓની હકાલપટ્ટી બાદ નવી દિલ્હીએ પણ છ રાજનાયકોને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો જેમાં કાર્યકારી રાજદૂત સ્ટીવર્ટ રૉસ વ્હીલર પણ સામેલ હતા.

'પર્સન્સ ઑફ ઇન્ટરેસ્ટ' એટલે શું?

એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય ત્યારે સામે આવ્યો છે જ્યારે કૅનેડાએ નિજ્જર હત્યા કેસમાં ભારતીય રાજદ્વારીઓ અને હાઈ કમિશનના બીજા અધિકારીઓને 'પર્સન્સ ઑફ ઇન્ટરેસ્ટ' તરીકે જાહેર કર્યા છે.

એવી વ્યક્તિ જેની પાસે કોઈ ગુના વિશે મહત્ત્વની માહિતી હોય છે, તેને કૅનાડામાં તપાસ એજન્સીઓ 'પર્સન્સ ઑફ ઇન્ટરેસ્ટ' તરીકે જાહેર કરે છે.

સપ્ટેમ્બર 2023માં નિજ્જરની હત્યા બાદ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશની સંસદમાં નિવેદન આપ્યું હતું કે, આ ગુનામાં ભારતીય અધિકારીઓની સંડોવણીના 'નક્કર પુરાવા' કૅનેડા પાસે છે.

ભારતે આ દાવાને સદંતર ફગાવી દીધો હતો અને કૅનેડા પાસે પુરાવાની માગ કરી હતી.

સોમવારે કૅનેડાના રાજદૂતને દેશ છોડી દેવા માટે જણાવ્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ટ્રુડો સરકારે ભારતીય અધિકારીઓ સામેના અક્ષેપોના સમર્થનમાં ભારતને 'પુરાવાના ટુકડા' સુધ્ધાં બતાવ્યો નથી.

વિદેશ મંત્રાલયે કૅનેડા વિશે કહ્યું કે, તે 'રાજકીય લાભ માટે ભારતને બદનામ કરી રહ્યો છે.'

કૅનેડાના કાર્યકારી રાજદૂત સ્ટીવર્ટ વ્હીલરે, જેમને હવે બરતરફ કરવામાં આવ્યા છે, તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું હતું કે, કૅનેડાએ ભારત સરકારની તમામ માંગણીઓ પૂર્ણ કરી છે અને ભારત સરકારને ભારતીય એજન્ટો અને નિજ્જર હત્યા કેસમાં તેમની ભૂમિકા વિશેના પુરાવા પણ આપવામાં આવ્યા છે. હવે એ ભારત પર નિર્ભર હતું કે તે આગળની કાર્યવાહી કરે.

ભારતને કયા પુરાવા આપવામાં આવ્યા?

કૅનેડાએ ભારતને જે પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો છે તેની ગુણવત્તા આજે નહીં તો કાલે મૂલવવામાં આવશે, પરંતુ એ સ્પષ્ટ નથી કે આ પુરાવા ક્યારે આપવામાં આવ્યાં હતા. હાલમાં કોઈ પણ સંજોગોમાં સંબંધોમાં સુધારો લાવવાની પ્રક્રિયા થવાની સંભાવના જણાતી નથી. ઘણી વસ્તુઓ નકારાત્મક દિશામાં ઝડપથી આગળ વધી છે.

વડા પ્રધાન ટ્રુડો અને વડા પ્રધાન મોદી જૂન 2024માં ઇટાલીમાં G-7 ભાગ લેવા માટે ગયા હતા તેમની વચ્ચે અલગથી દ્વિપક્ષીય બેઠક થઈ હતી. ગયા શુક્રવારે આસિયાન શિખર સંમેલનમાં પણ બંને નેતાઓ એકબીજાને મળ્યા હતા. પરંતુ તેનાથી સંબંધો આ સ્તરે પહોંચી જશે તેવો સહેજ પણ સંકેત મળ્યો ન હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ ભારતીય અધિકારીઓને ટાંકતાં જણાવ્યું, લાઓસની બેઠક નાની અને બિનસત્તાવાર હતી અને તેમાંથી કશું જ નક્કર બહાર આવ્યું નથી.'

સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "ભારત વિરોધી તત્વો સામે કાર્યવાહીની ગેરંટી વગર સંબંધમાં સુધાર લાવવો મુશ્કેલ છે."

આ કોઈ સત્તાવાર નિવેદન નથી પરંતુ આ સમગ્ર મામલે ભારત શું વિચારે છે તેની ખબર પડે છે.

આ એક મુશ્કેલ કાર્ય જેવું લાગે છે. સીબીસી ન્યૂઝે ટ્રુડોને ટાંકીને જણાવ્યું હતું કે, "મેં ભાર મૂકીને જણાવ્યું હતું કે આપણે કામ કરવાની જરૂર છે...આમા મારું ધ્યાન કૅનેડાના લોકોની સુરક્ષા અને કાયદા-વ્યવસ્થાનું પાલન કરવું છે."

વિએન્ટાઈનમાં બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠક પહેલા હિન્દુસ્તાન ટાઇમ્સે કૅનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીને ટાંકીને કહ્યું હતું કે, ભારત સાથેના સંબંધો તણાવભર્યા અને ખૂબ જ જટિલ છે.

તેમણે ભય વ્યક્ત કર્યો હતો કે આવનારા દિવસોમાં કૅનેડાની ધરતી પર 'નિજ્જર જેવી હત્યાઓ' થઈ શકે છે.

શું બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે?

એ તો સ્પષ્ટ છે કે કૅનેડા હાલ આ મુદ્દાને ગરમ રાખવા માંગે છે. એ પણ દેખાય છે કે, ભારત પણ આ સમસ્યાના ઉકેલ લાવવા માટે કોઈપણ પ્રકારની ગંભીર ડિપ્લોમેસી અપનાવવા તૈયાર નથી.

ભારતમાં એવો એક મત એ પણ છે કે ઑક્ટોબર 2025માં કૅનેડામાં જે સામાન્ય ચૂંટણી યોજાશે તેમાં ટ્રુડોનો પરાજય થશે. ત્યારે બંને દેશને સંબંધોમાં નવા શરૂઆત કરવાની તક મળશે. પરંતુ કૅનેડાની સંસદની અંદર ભારત ઉપર લગાવવામાં આવેલાં આરોપોને દૂર કરવો આસાન નહીં હોય.

રસપ્રદ વાત એ છે કે આ આખા ઝઘડામાં અમેરિકન ઍન્ગલ પણ છે. સપ્ટેમ્બર 2023માં કૅનેડાના વડા પ્રધાને ભારત પર આરોપ લગાવ્યો હતો. તેનાં થોડાં અઠવાડિયાં બાદ અમેરિકાની ફેડરલ કોર્ટે અમેરિકન નાગરિક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું નામ લીધું હતું. પન્નુ એક અમેરિકન વકીલ છે અને ખાલિસ્તાનની તરફેણ કરે છે.

પ્રશ્ન છે કે શું અમેરિકાએ કૅનેડા સાથે મળીને નિખિલ ગુપ્તા કેસનું ટાઇમિંગ નક્કી કર્યો હતો? શું સંસદમાં ટ્રુડોનું નિવેદન અમેરિકાની સલાહ લીધા બાદ આપવામાં આવ્યું હતું? આવા જ પ્રશ્નો ભારતમાં કરવામાં આવી રહ્યા છે.

ભારત માટે આગળનો માર્ગ શું છે?

હાલમાં પન્નુએ કેટલાક ભારતીય અધિકારીઓ સામે સિવિલ કેસ દાખલ કર્યો છે. આમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનું નામ પણ સામેલ છે. આ જ કારણ હતું કે અજિત ડોભાલ પરંપરાની વિરુદ્ધ જઈને સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક પરિષદમાં ભારતીય વડા પ્રધાન સાથે ગયા ન હતા.

તેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક રસપ્રદ પરિમાણ પણ સામે આવે છે. અમેરિકાએ નિઃશંકપણે ભારત સાથેના તેના સંબંધોને કાળજીપૂર્વક રીતે વધાર્યા છે.

પરંતુ જ્યારે પણ તક મળે છે ત્યારે સારા મિત્રોથી થોડું અંતર જાળવે છે. આ તેની આંતરરાષ્ટ્રીય વર્તનની પ્રકૃતિમાં છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી કોઈ સારા સમયે મિત્ર દેશ સાથે વધુ સારો સોદો કરી શકાય.

આમાં એક વધુ ઍંગલ પણ છે. જ્યાં સુધી વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના આચરણની વાત છે, ત્યાં વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં કંઈક મોટું કરવાની નેમ ધરાવે છે.

નિજ્જરના મામલામાં ભારતનું આક્રમક વલણ સમજવા માટે તેને ધ્યાને લેવી જરૂરી છે.

અને નિજ્જર મુદ્દે કૅનેડા સાથેના વ્યવહારમાં ભારતના આક્રમક વલણને સમજવામાં મદદ પણ મળે છે. આ આક્રમકતામાં અન્ય દેશની ધરતી પર હત્યા કરવાની આશંકા પણ સામેલ છે.

જ્યારે અમેરિકાએ ભારતીય અધિકારીઓને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી હતી, ત્યારે ભારતે કેટલાંક સમીકરણો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કૅનેડાના મુદ્દે તેવાં સૂર ગાયબ છે. ચીન તેને 'વુલ્ફ વૉરિયર ડિપ્લોમસી' કહે છે. પરંતુ વિશ્વમાં ભારત અને ચીનના આર્થિક અને સૈન્ય પ્રભાવમાં ઘણો તફાવત છે.

પરંતુ તેમાં કોઈ શંકા નથી કે કૅનેડાના મુદ્દાથી બચી શકાય નહીં. ઓછા ઘર્ષણવાળી કૂટનીતિમાં પ્રતિષ્ઠા ગુમાવવાનું હોતું નથી. આ જૂની ભારતીય પદ્ધતિએ તેને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.