You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિજ્જર હત્યાકેસમાં ભારત સહયોગ નથી આપતું: કૅનેડા, વિવાદમાં અત્યાર સુધી શું થયું?
હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધોમાં ફરી એક વખત તણાવ વકરતો જણાય છે.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદ ભરીને આરોપ મૂક્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસની તપાસમાં ભારતે સહયોગ નથી આપ્યો. સાથે જ ઉમેર્યું હતું કે તે ભારતની 'સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા'નું સન્માન કરે છે.
ભારતે કૅનેડાના એક 'ડિપ્લોમેટિક કૉમ્યુનિકેશન'ને ફગાવીને તે અંગે કડક જવાબ આપ્યો છે અને કૅનેડાના દિલ્હીસ્થિત રાજદૂતને સમન્સ કાઢ્યું હતું.
આ સાથે જ ભારતે કૅનેડાના છ રાજનાયકોને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો. જેમાં સ્ટીવર્ટ રૉસ વ્હીલર (કાર્યકારી રાજદૂત), પૅટ્રિક હેબર્ટ (ઉપ-રાજદૂત), મૅરી કેથરીન જૉલી(ફર્સ્ટ સેક્રેટરી), ઇયાન રૉસ ડેવિડ ટ્રાઇટ્સ(ફર્સ્ટ સેક્રેટરી), એડમ જેમ્સ ચુઇપકા(ફર્સ્ટ સેક્રેટરી) અને પાઉલા ઓર્જુએલાને (ફર્સ્ટ સેક્રેટરી) શનિવારે રાત્રે 11.59 વાગ્યા પહેલાં ભારત છોડી જવા કહેવાયું છે.
આ અગાઉ ભારતે કૅનેડાથી પોતાના રાજદૂત સંજયકુમાર વર્મા અને અન્ય રાજનાયકોને પરત બોલાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
રવિવારે કૅનેડાએ મોકલેલા ડિપ્લોમેટિક કૉમ્યુનિકેશનમાં કૅનેડાસ્થિત ભારતીય રાજદૂત સંજય કુમાર તથા અન્યો ઉપર નિજ્જરની હત્યામાં સંડોવણીના આરોપ મૂક્યા હતા. કૅનેડાનું કહેવું છે કે આ સંદર્ભના પુરાવા ભારતને સોંપવામાં આવ્યા છે, હવે ભારતે તેના ઉપર કાર્યવાહી કરવી રહી.
દરમિયાન કૉંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને માગ કરી છે કે કૉંગ્રેસ અપેક્ષા અને આશા કરે છે કે આ સંવેદનશીલ મામલે સંસદના બંને ગૃહોમાં વિપક્ષના નેતા અને વિપક્ષી દળોને વિશ્વાસમાં લેશે.
'ભારત સહયોગ નથી આપી રહ્યું'
ભારતે કૅનેડાના છ રાજદૂતોને દેશ છોડી જવાના નિર્દેશ આપ્યા પછી અને ઓટાવાસ્થિત ભારતીય રાજદૂત સંજય કુમાર વર્માને પાછા બોલાવી લેવાના ભારતના નિર્ણય બાદ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાટનગર ઓટાવા સ્થિત પ્રેસ કૉન્ફરન્સમાં ટ્રુડોએ દાવો કર્યો હતો કે કૅનેડાના અધિકારીઓએ ભારતીય ઓફિસરોને ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે પુરાવા આપ્યા હતા, પરંતુ ભારત સરકારે સહકાર નહોતો આપ્યો.
ટ્રુડોએ કહ્યું, "ભારત સરકારના એજન્ટોએ સાર્વજનિક સુરક્ષાને જોખમમાં મૂકે એવી પ્રવૃત્તિઓ કરી હતી, આના વિશેના પુરાવા પણ છે. આ અસ્વિકાર્ય છે." આ પત્રકાર પરિષદ દરમિયાન કૅનેડાનાં વિદેશ મંત્રી મેલેની જોલી પણ હાજર હતાં.
ટ્રુડોના કહેવા પ્રમાણે, "ભારત અને કૅનેડાના લોકોની વચ્ચે લાંબા સમયથી વેપાર, વાણિજ્ય અને પરસ્પરના સંબંધોનો ઇતિહાસ રહ્યો છે, પરંતુ અમે હાલમાં જે કંઈ જોઈ રહ્યા છીએ, તે અસહ્યા છે."
"ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું કૅનેડા સન્માન કરે છે. અમે આશા કરીએ છીએ કે કૅનેડા સંદર્ભે ભારત પણ એમ જ કરવું જોઈએ."
ટ્રુડોએ આરોપ મૂક્યો હતો કે જ્યારે ઇન્ટેલિજન્સ એજન્સીઓએ કૅનેડાની ધરતી ઉપર નિજ્જરની હત્યાના કેસમાં ભારતની સંડોવણી અંગે આશંકા વ્યક્ત કરી હતી, ત્યારે ભારત સરકારને આ મામલે સહકાર આપવા માટે અપીલ કરાઈ હતી.
સોમવારે ફરી શરૂ થયો સંગ્રામ
રવિવારે કૅનેડાએ ભારતને મોકલેલા ડિપ્લોમેટિક કૉમ્યુનિકેશનમાં કૅનેડાસ્થિત ભારતના રાજદૂત સંજયકુમાર વર્મા અને અન્ય ભારતીય રાજનાયકો પર જુન 2023માં ખાલિસ્તાન સમર્થક ઍક્ટિવિસ્ટ હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે સંડોવાયા હોવાનો આરોપ લગાવ્યા હતા.
ભારતના વિદેશ મંત્રાલયે કૅનેડાના આ આરોપોને 'વાહિયાત' ગણાવ્યા છે. ભારતે કહ્યું છે કે આ મુદ્દો હવે રાજનીતિ સાથે જોડાયેલો બની ગયો છે કારણકે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો ઘણા પડકારો સામે ઝઝૂમી રહ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, “અમને રવિવારે કૅનેડા તરફથી એક ડિપ્લોમેટિક કૉમ્યુનિકેશન મળ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે કૅનેડામાં ચાલી રહેલી તપાસમાં ભારતના દૂતાવાસ અને અન્ય રાજનાયકોની સંડોવણી સામે આવી છે. ભારત સરકાર આ વાહિયાત આરોપોને નકારે છે. કૅનેડાની ટ્રૂડો સરકાર વોટબૅન્ક સાધવા માટે આમ કરી રહી છે.”
ભારતના આ નિવેદન પર કૅનેડાએ પણ જવાબ આપ્યો છે.
સોમવારે ભારત દ્વારા સમન્સ બજાવવા બદલ દિલ્હીમાં કૅનેડાના રાજદૂત સ્ટીવર્ટ વ્હીલરે કહ્યું, "ભારત લાંબા સમયથી જેની માગ કરતું હતું, કૅનેડાએ તે માગ પૂર્ણ કરી દીધી છે. કૅનેડાની જમીન પર કૅનેડાના નાગરિકની હત્યાના મામલામાં ભારતીય એજન્ટ તથા તેમના ભારત સરકાર સાથેના સંબંધના ઠોસ પુરાવઓ સોંપી દીધા છે."
"હવે ભારત તેનાં પર પગલાં લે. આ બંને દેશોની જનતા અને ત્યાંની જનતાના હિતમાં હશે. કૅનેડા આ મામલે ભારતનો સહયોગ કરવા તૈયાર છે."
ભારતનો વાંધો
ભારતના વિદેશ મંત્રાલયે કૅનેડામાં ભારતીય રાજદૂત સંજયકુમાર વર્માનો બચાવ કરતા કહ્યું, “વર્મા વરિષ્ઠ સેવારત રાજનાયક છે. તેમની 36 વર્ષની કૅરિયર છે. તેઓ જાપાન અને સૂદાનમાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે. તે સિવાય વર્મા ઇટાલી, તુર્કી, વિયેતનામ અને ચીનમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેમના પર આ પ્રકારે આરોપ લગાવવા હાસ્યાસ્પદ છે અને અપમાનજનક છે.”
હરદીપસિંહ નિજ્જરની હત્યા ગત વર્ષ 18 જુનના રોજ અજ્ઞાત હુમલાખોરોના એક સમૂહે કરી હતી. પછી ગત વર્ષે સપ્ટેમ્બરમાં જસ્ટિન ટ્રૂડોએ નવી દિલ્હીમાં આયોજિત જી-20 સમિટમાં સામેલ થવા પહેલાં પોતાના હાઉસ ઑફ કૉમન્સને કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતીય ઍજન્ટ સામેલ હતા.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંલિપ્તતાનો આરોપ લગાવતા ભારતના શિર્ષ રાજનાયકને નિષ્કાસિત કરી દીધા હતા. જવાબમાં ભારતે પણ કૅનેડાના ટોચના રાજદૂતને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.
ભારતે કૅનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. ભારતમાં કૅનેડાના મિશનમાંથી 41 રાજનાયકોએ પરત જવું પડ્યું હતું. નવેમ્બર 2023 સુધી ભારતે કૅનેડાના લોકો માટે વિઝા સર્વિસ બંધ રાખી હતી.
ભારત આ મામલે શરૂઆતથી જ કહે છે કે કૅનેડામાં નિજ્જરની હત્યા મામલે કૅનેડાએ માત્ર આરોપ લગાવ્યો છે પુરાવા નથી આપ્યા.
ભારતે કૅનેડાની તપાસને બહાનું ગણાવી કૅનેડાની સરકાર રાજનૈતિક ફાયદા માટે જાણીજોઈને ભારત પર આરોપ લગાવતી હોવાનું નિવેદન આપ્યું છે.
કૅનેડાની પોલીસે લગાવ્યો આરોપ?
કૅનેડાના માઉન્ટેડ પોલીસ કમિશનર માઇક ડ્યૂહેમે કૅનેડાના ઓંટારિયોમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું, “કૅનેડામાં હિંસક, ચરમપંથી જોખમ છે જેના પર વર્ષોથી ભારત અને કૅનેડા કામ કરી રહ્યા છે. જોકે આ ખતરો કૅનેડા અને ભારતની સહયોગ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું, “આ સપ્તાહે શરૂઆતમાં કૅનેડા અને ભારતમાં હિંસક ઉગ્રવાદની ઘટનાઓ પર ચર્ચા કરવા અને ભારત સરકારને એજન્ટોની કૅનેડામાં ગંભીર અપરાધિક ગતિવિધીઓની સંડોવણીના પુરાવા આપવા માટે ભારતીય કાયદા પ્રવર્તન સમકક્ષો સાથે પોલીસના વરિષ્ઠ અધિકારીઓની બેઠક થઈ. બેઠકની કોશિશ થઈ પરંતુ દુર્ભાગ્યથી પ્રયાસો વિફળ રહ્યા.”
“ઉપરાંત, સપ્તાહના અંતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર વિભાગના સલાહકાર તથા વિદેશ મામલાના ઉપ મંત્રી સાથે ભારત સરકારના અધિકારીઓની મુલાકાત થઈ.”
તેમણે આગળ કહ્યું, “અમારી રાષ્ટ્રીય ટાસ્ક ફૉર્સ અને અન્ય તપાસ એજન્સીઓના માધ્યમથી પોલીસ અધિકારીઓને પુરાવા મળ્યા છે જે ચાર ગંભીર મુદ્દા તરફ ઇશારા કરે છે.”
- બંને દેશોમાં હિંસા અને ચરમપંથ
- ભારત સરકારના એજન્ટોને હત્યા અને હિંસાના કૃત્યોને જોડતી લિંક
- કૅનેડામાં દક્ષિણ એશિયાઈ સમુદાયને લક્ષ્યાંક કરનારી અસુરક્ષિત વાતાવરણની ધારણા બનાવવા માટે સંગઠિત અપરાધનો ઉપયોગ
- લોકતંત્ર પ્રક્રિયાઓમાં હસ્તક્ષેપ
શીખ વોટની રાજનીતિ કરવાનો આરોપ
ભારતના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું, “વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો હિંસક અતિવાદીઓ અને આતંકવાદીઓને શરણ આપી રહ્યા છે જે કૅનેડામાં ભારતીય રાજનાયકો અને ત્યાંના સમુદાયના નેતાઓને ધમકી આપી રહ્યા છે. કૅનેડાની સરકાર આવું અભિવ્યક્તિની આઝાદીના નામે ચલાવે છે.”
ભારતે એ પણ આરોપ લગાવ્યો, “કેટલાક લોકો કૅનેડામાં ગેરકાયદે ગયા હતા, જેમને નાગરિકતા આપવામાં કૅનેડાએ જરા પણ મોડું નહોતું કર્યું. કૅનેડાએ ભારતના પ્રત્યાર્પણની માગને નકારી કાઢી જેથી આતંકવાદી કૅનેડામાં રહી શકે.”
ભારતે કહ્યું, “કૅનેડાના વડા પ્રધાને ભારત સાથે રાખેલા વેરના ઘણા પુરાવાઓ છે. 2018માં તેઓ જ્યારે ભારતના પ્રવાસે હતા તો તેમણે તેનું લક્ષ્ય પોતાની વોટબૅન્કને સાધવાનું હતું."
"તેમની કૅબિનેટમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા જે ખુલ્લેઆમ અતિવાદી અને ભારત સામે અલગતાવાદી ઍજેન્ડા ચલાવનારાઓ સાથે જોડાયેલા હતા. ટ્રૂડોની સરકાર એક એવી પાર્ટી પર નિર્ભર હતી જેના નેતા ભારત સામે અલગતાવાદનું ખુલ્લેઆમ સમર્થન કરતા હતા.”
જસ્ટિન ટ્રૂડોની સરકારમાંથી ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટી(એનડીપી) નેતા જગમીતસિંહે ચાર સપ્ટેમ્બરે સમર્થન પરત લેવાની ઘોષણા કરી હતી.
ટ્રૂડોની સરકાર એનડીપીના સમર્થનથી જ ચાલતી હતી. જોકે, સંસદમાં ટ્રૂડો સરકાર એનડીપીના સમર્થન ન હોવા છતાં વિશ્વાસમત જીતવામાં સફળ રહી હતી.
કૅનેડામાં ઑક્ટોબર 2025માં ચૂંટણી થવાની છે. ટ્રૂડો ઇચ્છે છે કે ત્યાં તેમને શીખોનું સમર્થન મળે. ટ્રૂડો 2015થી સત્તામાં છે. 2019 અને 2021માં ટ્રૂડોની પાર્ટી બહુમત નહોતી મેળવી શકી.
તેમને અન્ય પાર્ટીઓનું સમર્થન મળ્યું અને તેમણે સરકાર બનાવી.
જગમીતસિંહ પણ ભારત સરકારની નજરમાં
જગમીતસિંહ સાથે ટ્રુડો દ્વારા સરકાર રચવાનો મામલો પણ ભારતને પસંદ નથી.
ભારતીય મૂળના જગમીતસિંહની પાર્ટીએ ગત ચૂંટણીમાં 24 બેઠકો જીતી હતી. તેઓ કિંગમેકરની ભૂમિકામાં હતા.
જગમીતસિંહ ભારતની ઘણા પ્રસંગે આલોચના કરે છે.
એપ્રિલ 2022માં જગમીતસિંહ કહ્યું હતું, “ભારતમાં મુસ્લિમોને નિશાન બનાવતી તસવીરો, વીડિયો જોઈને ચિંતિત છું. મોદી સરકારે મુસ્લિમ વિરોધી ભાવનાઓને ઉશ્કેરાતી રોકવી જોઈએ. માનવાધિકારોનું રક્ષણ કરવું જોઈએ.”
જગમીતસિંહના મૂળ પંજાબના બરનાલા જિલ્લાના ઠિકરિવાલ ગામ સાથે જોડાયેલા છે. તેમનો પરિવાર 1993માં કૅનેડા જતો રહ્યો હતો.
ભારતમાં 1984માં શીખ વિરોધી રમખાણોને લઈને જગમીત હંમેશા વિરોધી રહ્યા છે. કૅનેડામાં તેને લઈને કાઢવામાં આવેલી ઝાંખી પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમાં ઇંદિરા ગાંધીના પૂતળાને ગોળી મારતા દેખાડતી ઝાંખી પણ સામેલ હતી.
ડિસેમ્બર 2013માં જગમીતસિંહને અમૃતસર આવવા માટે ભારતે વિઝા નહોતા આપ્યા.
2013માં જ્યારે ભારત સરકારે તેમને વિઝા આપવાનો ઇન્કાર કર્યો ત્યારે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તેમણે કહ્યું હતું, “હું 1984ના રમખાણ પીડિતોને ન્યાય અપાવવાની વાત કરું છું તેથી ભારત સરકાર મારી સાથે નારાજ છે. 1984ના રમખાણો બે સમુદાય વચ્ચેના રમખાણો નહોતા, પરંતુ તે રાજ્ય પ્રાયોજિત જનસંહાર હતો.”
વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, જગમીતસિંહની પાર્ટીના નેતાઓ પહેલાં ખાલિસ્તાનની રેલીઓમાં સામેલ થતા હતા.
ક્ષેત્રફળ મામલે વિશ્વના સૌથી મોટા બીજા દેશ કૅનેડામાં ભારતીય મૂળના ઘણા લોકો રહે છે.
કૅનેડાની વસ્તીમાં સિખ 2.1 ટકા છે. જે છેલ્લા 20 વર્ષોમાં કૅનેડાની વસ્તીમાં શીખોની વસ્તી બમણી થયાનો પુરાવો છે. જે પૈકી ઘણા ભારતના પંજાબથી શિક્ષણ, કૅરિયર કે નોકરી જેવા કારણો માટે કૅનેડામાં સ્થાયી થયા છે.
વેનકુંવર, ટૉરંટો અને કલગેરી સહિત કૅનેડામાં ગુરુદ્વારોનું મોટું નેટવર્ક છે.
શીખોની અગત્યતા એ વાતથી લગાવી શકાય છે કે ટ્રૂડોએ જ્યારે પહેલા કાર્યકાળમાં કૅબિનેટનું ગઠન કર્યું ત્યારે તેમણે ચાર શીખ મંત્રીઓને સમાવેશ કર્યો હતો.
શીખો પ્રત્યેની ઉદારતાને કારણે કૅનેડાના વડા પ્રધાનને મજાકમાં જસ્ટિન ‘સિંહ’ ટ્રુડો પણ કહેવામાં આવે છે.
2015માં ટ્રુડોએ કહ્યું હતું કે તેમણે જેટલા શીખોને કૅબિનેટમાં જગ્યા આપી છે તેટલા શીખો ભારતની કૅબિનેટમાં પણ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન