પન્નુની હત્યાનું 'ષડ્યંત્ર', ભારતે વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલને પાયાવિહોણો ગણાવ્યો

અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે તેના તાજેતરના અહેવાલમાં દાવો કર્યો છે કે અમેરિકા સ્થિત શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનાં નિષ્ફળ કાવતરામાં ભારતની ગુપ્તચર એજન્સી રૉના અધિકારીઓની ભૂમિકા હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે આ અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે.

મંગળવારે, વિદેશ મંત્રાલયે આ રિપોર્ટ પર એક નિવેદન જારી કરીને કહ્યું - “રિપોર્ટ એક ગંભીર મામલા ઉપર અયોગ્ય અને પાયાવિહોણા આરોપો લગાવી રહ્યો છે."

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સંગઠિત ગુનેગારો અને આતંકવાદીઓનાં નેટવર્ક પર યુએસ સરકારે દર્શાવેલી સુરક્ષા ચિંતાઓને પગલે, ભારત સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જે આ મામલાની તપાસ કરી રહી છે. આના પર અનુમાન લગાવવું અને બેજવાબદાર નિવેદનો કરવાથી મદદ મળશે નહીં."

વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં શું છે?

વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે 22 જૂનના રોજ અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું, તે સમયે ભારતીય ગુપ્તચર એજન્સી રૉના એક અધિકારી અમેરિકામાં ભાડાના હત્યારાઓને ખાલિસ્તાન સમર્થક નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યા કરવાનો નિર્દેશ આપી રહ્યા હતા.

અખબારે લખ્યું છે કે રૉના અધિકારી વિક્રમ યાદવે આ હત્યાને 'પ્રાયોરિટિ નાઉ' એટલે કે 'સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાથમિકતા' ગણાવી હતી.

કેટલાક અધિકારીઓને ટાંકીને અખબારે લખ્યું છે કે યાદવે ન્યૂયોર્કમાં પન્નુનાં રહેઠાણની માહિતી હત્યાની સોપારી લેનારને આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જે સમયે અમેરિકન નાગરિક પન્નુ તેમના ઘરે હશે, "અમારા તરફથી કામ આગળ વધારવા માટેનો આદેશ મળી જશે."

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કેસ સાથે જોડાયેલ યાદવની ઓળખ અને તેની કડીઓ હજુ સુધી જાહેર નહોતા થયા. તેમનું નામ સામે આવવું એ હજુ સુધીનો સૌથી સ્પષ્ટ પુરાવો છે કે હત્યાની યોજના, જેને અમેરિકન અધિકારીઓએ નિષ્ફળ બનાવી હતી, તેને માટે રૉ એ નિર્દેશ આપ્યો હતો.

વર્તમાન અને ભૂતપૂર્વ પશ્ચિમી સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીઆઈએ, એફબીઆઈ અને અન્ય એજન્સીઓ દ્વારા વ્યાપક તપાસમાં કેટલાક ઉચ્ચ કક્ષાના રૉ અધિકારીઓ પણ તપાસના ઘેરામાં આવ્યા છે.

અખબારે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓએ એ પણ મૂલ્યાંકન કર્યું છે કે પન્નુને નિશાન બનાવવાના ઑપરેશનને તત્કાલિન રૉ ચીફ સામંત ગોયલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

જે ભૂતપૂર્વ વરિષ્ઠ ભારતીય સુરક્ષા અધિકારીઓએ 'વૉશિંગ્ટન પોસ્ટ' સાથે વાત કરી હતી તેઓ આ ઑપરેશનની જાણકારી ધરાવતા હતા અને તેમણે કહ્યું હતું કે ગોયલ પર વિદેશમાં રહેતા શીખ ઉગ્રવાદીઓને ખતમ કરવાનું દબાણ હતું.

અમેરિકા પહેલા 18 જૂને કૅનેડાના શહેર વૅનકુવર પાસે હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ ઑપરેશનમાં પણ ભારતની સંડોવણી હોવાના આક્ષેપો થયા હતા, જેને ભારતે નકારી કાઢ્યા હતા.

અખબાર કહે છે કે મોદી સરકાર દ્વારા 'આતંકવાદી' જાહેર કરાયેલા ઓછામાં ઓછા 11 શીખ અને કાશ્મીરી અલગતાવાદી નેતાઓની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે.

વૉશિંગ્ટન પોસ્ટે એવો પણ દાવો કર્યો છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલને પણ સંભવતઃ રૉની આ યોજનાની જાણકારી હતી, પરંતુ આ દાવા માટે કોઈ આધાર આપવામાં આવ્યો નથી.

અમેરિકાના આરોપોમાં નિખિલ ગુપ્તાનું નામ

નવેમ્બર 2023માં અમેરિકાએ દાવો કર્યો હતો કે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્કમાં એક અલગતાવાદી નેતાને મારવા માટે એક વ્યક્તિને ભાડે લીધી હતી, જેના બદલામાં તેને એક લાખ ડૉલર (લગભગ 83 લાખ રૂપિયા) આપવામાં આવ્યા હતા.

યુએસ કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો જણાવે છે કે નિખિલ ગુપ્તાને ભારત સરકારના એક કર્મચારી પાસેથી સૂચનાઓ મળી હતી.

અમેરિકાએ કરેલા અનુરોધને કારણે ગયા વર્ષે જૂનમાં ચૅક રિપબ્લિકમાંથી નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. યુએસએ તેના પર ભારત સરકારના કર્મચારીની સૂચના પર પન્નુની હત્યા કરવા માટે હત્યારાઓની ગોઠવણ કરવાનો આરોપ મૂક્યો છે.

અમેરિકાએ આ મામલો ટોચના સ્તરે ભારત સમક્ષ ઉઠાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના તત્કાલીન પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું, "ભારત આ આરોપોને ગંભીરતાથી લઈ રહ્યું છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે મામલાના દરેક પાસાની તપાસ કરી રહી છે."

બાગચીએ કહ્યું હતું કે, "અમે પહેલાથી જ જણાવ્યું છે કે યુ.એસ. સાથે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ પરની વાટાઘાટો દરમિયાન, યુએસ પક્ષે સંગઠિત ગુનેગારો, આતંકવાદીઓ, શસ્ત્રોના વેપારીઓની સાંઠગાંઠ અંગે કેટલાક ઇનપુટ શૅર કર્યા હતા. ભારતે આની તપાસ માટે વિશેષ તપાસ સમિતિની રચના કરી છે."

ગુરપતવંતસિંહ પન્નુ કોણ છે?

અમેરિકામાં રહેતા ગુરપતવંત સિંહ પન્નુ 'શીખ્સ ફોર જસ્ટિસ'ના સ્થાપક અને વકીલ છે.

પન્નુએ ખાલિસ્તાનની માંગને આગળ વધારવા માટે ‘રેફેરેન્ડમ -2020’ અભિયાન શરૂ કર્યું હતું.

આ અંતર્ગત પંજાબ અને દુનિયાભરમાં રહેતા શીખોને ઑનલાઈન વૉટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ વૉટિંગ પહેલાં જ ભારત સરકારે 40 વેબસાઇટને ખાલિસ્તાન તરફી ગણાવીને પ્રતિબંધિત કરી દીધી હતી.

આ સંગઠન પોતાને માનવાધિકાર સંગઠન કહે છે, પરંતુ ભારતે તેને 'આતંકવાદી' સંગઠન જાહેર કરી ચૂક્યું છે.

પન્નુ તરફથી મળેલા ધમકીભર્યા વીડિયો અને ફોન કોલ્સ અંગે ભારતમાં ઘણા કેસ નોંધાયેલા છે. જુલાઈ 2020માં ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો હતો.

ભારતના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે પન્નુ સરહદ પારથી અને વિદેશી ધરતી પરથી આતંકવાદની વિવિધ ઘટનાઓમાં સામેલ છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પન્નુ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ અને ખાલિસ્તાન ચળવળમાં સામેલ છે અને પંજાબમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરીને દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

અગાઉ, 10 જુલાઈ, 2019 ના રોજ, ગૃહ મંત્રાલયે આતંકવાદ વિરોધી કાયદા, યુએપીએ હેઠળ 'શીખ ફોર જસ્ટિસ' સંગઠન પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

કૅનેડામાં નિજ્જરની હત્યા અને કૅનેડાનો ભારત પર આરોપ

ગયા વર્ષે જૂનમાં કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.

આ પછી કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કૅનેડાની સંસદમાં કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોઈ શકે છે.

ટ્રુડોએ કહ્યું કે કૅનેડાએ નિજ્જર હત્યાકાંડ સંબંધિત 'મજબૂત આરોપો' ભારત સાથે શૅર કર્યા છે. જોકે, આવી માહિતી જાહેરમાં શૅર કરવામાં આવી નથી.

ભારતે કહ્યું હતું કે ભારત નિજ્જર હત્યા કેસમાં કૅનેડાની કોઈપણ 'ખાસ' અથવા તેના 'સંબંધિત' માહિતીની તપાસ કરવા તૈયાર છે.

પરંતુ ભારત સરકારનું કહેવું છે કે કૅનેડાનો આ આરોપ પાયાવિહોણો છે.

આ પછી કૅનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતે પણ કૅનેડાના ટોચના રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ આપ્યો હતો.

ભારતે કૅનેડાને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા કહ્યું છે, કૅનેડાએ 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા પડ્યા છે.