You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોણ છે ગુરપતવંતસિંહ પન્નુ અને ગુજરાત સાથે કનેક્શન ધરાવનાર નિખિલ ગુપ્તા જેના લીધે અમેરિકાએ ભારત પર આક્ષેપો કર્યા?
શીખો માટે અલગ દેશની માગણી કરતા ન્યૂયોર્કવાસી અમેરિકન નાગરિકની હત્યાનું કથિત કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું હોવાનું અમેરિકાએ જણાવ્યું છે.
જેની હત્યા કરવાની હતી તેનું નામ ફરિયાદીઓએ આપ્યું નથી, પરંતુ અમેરિકન મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા છે કે તે ગુરપતવંતસિંહ પન્નુ છે. તેઓ અમેરિકા-કૅનેડાનું નાગરિકત્વ ધરાવે છે અને અમેરિકાસ્થિત શીખ કાર્યકર જૂથના સભ્ય છે.
પન્નુએ કથિત કાવતરા બાબતે બીબીસી એશિયન નેટવર્કને કહ્યું હતું, “શું ભારત પરદેશમાં આતંકવાદના ઉપયોગના પરિણામનો સામનો કરવા તૈયાર છે?”
તેમણે ઉમેર્યું હતું કે મારી હત્યાના પ્રયાસ ભલે ભારતીય રાજદ્વારીઓ કરતા હોય કે પછી ભારતીય ગુપ્તચર સંસ્થા રોના એજન્ટો કરતા હોય, તેમણે કાયદાનો સામનો કરવો પડશે.
ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે. એ આરોપને પન્નુ નકારતા રહ્યા છે.
ભારત કહે છે કે પન્નુ વારંવાર ભારતને ધમકી આપે છે, પરંતુ પન્નુ કહે છે કે તેઓ ખાલિસ્તાન ચળવળમાં વિશ્વાસ ધરાવતા એક કાર્યકર માત્ર છે.
બીબીસીના સહયોગી પત્રકાર રવિન્દર સિંહ રોબિને મે, 2022માં પન્નુ સાથે વાત કરીને એક અહેવાલ તૈયાર કર્યો હતો.
ગુરુપતવંતસિંહ પન્નુ કોણ છે?
ગુરપતવંતસિંહ પન્નુ વ્યવસાયે વકીલ છે અને તેમના પારિવારિક વડવાઓ પંજાબના પટ્ટી(તરન તારન જિલ્લો)ના નાથુચક ગામમાં રહેતા હતા. બાદમાં તેઓ અમૃતસર નજીકના ખાનકોટ ગામે સ્થાયી થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પન્નુને એક ભાઈ અને એક બહેન છે. તેમણે લુધિયાણા અને ચંદીગઢમાં તમામ અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતમાં કાયદાનો અભ્યાસ પણ કર્યો હતો.
પન્નુના પિતા મહિન્દર સિંહ પંજાબ માર્કેટિંગ બોર્ડમાં સેક્રેટરી હતા.
1990ના દાયકામાં ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેઓ વિદ્યાર્થી કાર્યકર બન્યા હતા અને વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય થયા હતા.
પન્નુ સામે અનેક કેસ નોંધાયેલા છે
પન્નુ સામે નેવુંના દાયકામાં અમૃતસર, લુધિયાણા, પટિયાલા અને ચંદીગઢમાં મનુષ્યવધ અને હત્યાના કેસ નોંધવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પન્નુ સામે ટાડા (ટેરરિસ્ટ એન્ડ ડિસ્રપ્ટિવ એક્ટિવિઝ એક્ટ) હેઠળ પણ ઘણા કેસ નોંધવામાં આવ્યા હતા.
પોલીસે દાખલ કરેલા બધા કેસ ખોટા હોવાનો દાવો પન્નુ કરે છે.
કેન્દ્રમાં નરસિંહરાવ સરકારના કાર્યકાળ દરમિયાન પન્નુના પરિવારના વગદાર સભ્યોએ તેમની સામેના અનેક કેસ પાછા ખેંચાવ્યા હતા.
એ પછી 1991-92માં પન્નુને અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું અને યુનિવર્સિટી ઑફ કનેક્ટિકટમાં એડમિશન લીધું હતું. ત્યાંથી તેમણે ફાઇનાન્સમાં એમબીએની ડિગ્રી મેળવી હતી અને ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી 'માસ્ટર ઓફ લૉ'ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પન્નુને ન્યૂયૉર્કની વૉલ સ્ટ્રીટમાં 2014 સુધી સિસ્ટમ એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ અમેરિકામાં પણ રાજકીય રીતે સક્રિય રહ્યા હતા.
પન્નુ બચાવપક્ષના વકીલ છે અને તેમણે 2007માં 'શીખ્સ ફોર જસ્ટિસ' સંગઠનની સ્થાપના કરી હતી.
'શીખ્સ ફોર જસ્ટિસ'ની રજિસ્ટર્ડ ઓફિસ વૉશિંગ્ટનમાં છે, જ્યારે પન્નુની લૉ ફર્મની ઑફિસ ન્યૂયોર્કમાં છે.
'શીખ્સ ફોર જસ્ટિસ' કેવું સંગઠન છે?
ભારતીય પંજાબની ‘મુક્તિ’ તથા ખાલિસ્તાનના નામે પંજાબીઓને આત્મનિર્ણયનો અધિકાર અપાવવા માટે 'શીખ્સ ફોર જસ્ટિસ' સંગઠને રેફરેન્ડમ-2020 ઝુંબેશ શરૂ કરી હતી.
એ ઝુંબેશ હેઠળ પંજાબ અને સમગ્ર વિશ્વમાં રહેતા શીખોને ઓનલાઈન વોટિંગ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ એ માટેનું મતદાન શરૂ થાય તે પહેલાં ભારત સરકારે, 'શીખ્સ ફોર જસ્ટિસ'ને ખાલિસ્તાન તરફી સંગઠન ગણાવીને 40 વેબસાઈટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
'શીખ્સ ફોર જસ્ટિસ' ખુદને માનવાધિકાર સંગઠન ગણાવે છે, પરંતુ ભારતમાં તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે આ સંગઠનને ત્રાસવાદી તથા અલગતાવાદી ગણાવ્યું હતું અને તે ભારતની અખંડિતતા માટે જોખમી હોવાનું કહ્યું હતું.
પન્નુ એવો દાવો કરે છે કે તેઓ તમામ પ્રવૃત્તિ કાયદાની મર્યાદામાં રહીને કરે છે. પોતે હિંસામાં નહીં, પરંતુ મતદાનમાં માનતા હોવાનો દાવો પણ તેઓ કરે છે.
'શીખ્સ ફોર જસ્ટિસે' 2018ની 12 ઑગસ્ટે લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં રેફરેન્ડમ-2020ની તરફેણમાં એક રેલીનું આયોજન કર્યું હતું. તેનો મુખ્ય હેતુ ભારતીય પંજાબની “મુક્તિ” હોવાનું કહેવાય છે.
પન્નુ શીખો જેવાં વસ્ત્રો કેમ નથી પહેરતા?
પન્નુ કહે છે કે તેઓ ભારતમાં રહેતા હતા ત્યારે ટૂંકા વાળ રાખતા હતા.
તમે શીખો જેવાં વસ્ત્રો કેમ નથી પહેરતા, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પન્નુને કહ્યું હતું, “'શીખ્સ ફોર જસ્ટિસ'નું કામ ધર્મના પાઠ ભણાવવાનું નહીં, પરંતુ રાજકીય લક્ષ્ય હાંસલ કરવાનું છે.”
તમે ભારતવિરોધી પ્રવૃત્તિ શા માટે કરો છો, એવું પૂછવામાં આવ્યું ત્યારે પન્નુને જણાવ્યું હતું કે તેઓ ભારતીયોના વિરોધી નથી, પરંતુ પંજાબની તરફેણ કરે છે અને પંજાબની સ્વતંત્રતા માટે કામ કરે છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમની લડાઈ ધાર્મિક નહીં, પણ રાજકીય છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)એ સપ્ટેમ્બરમાં ગુરપતવંત સિંહ પન્નુ સામે અમૃતસર અને ચંદીગઢમાં મહત્ત્વનાં પગલાં લીધાં હતાં.
એનઆઈએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરપતવંત સિંહ પન્નુનું ઘર તથા જમીન જપ્ત કરવામાં આવ્યાં છે.
મોહાલી ખાતેની સ્પેશ્યલ એનઆઈએ કોર્ટે પન્નુનું ઘર તથા જમીન જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.
જપ્ત કરાયેલી સંપત્તિમાં અમૃતસરના ખાનકોટ ગામમાંની ખેતીની 5.7 એકર જમીન અને ચંદીગઢના સેક્ટર 15-સી ખાતેના મકાનમાંના પન્નુના એક-ચતુર્થાંશ હિસ્સાનો સમાવેશ થાય છે.
અનલૉફૂલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) ઍક્ટ (યુએપીએ) હેઠળ દાખલ કરવામાં આવેલા બે કેસ સંદર્ભે સંપત્તિની જપ્તીનું પગલું લેવામાં આવ્યું હતું.
એનઆઈએના જણાવ્યા અનુસાર, પન્નુ પર આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાનો, તેમાં ભાગ લેવાનો અને આતંકવાદ ફેલાવવાનો આરોપ છે.
એનઆઈએ કોર્ટે 2021ની ત્રીજી ફેબ્રુઆરીએ પન્નુ વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ બહાર પાડ્યું હતું અને નવેમ્બર, 2020માં કોર્ટે પન્નુને ભાગેડુ જાહેર કર્યા હતા.
એનઆઈએએ એક નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓ અને સરકારી અધિકારીઓને જાહેરમાં ધમકી આપવા બદલ પન્નુ આજકાલ ચર્ચામાં છે.
એનઆઈએના જણાવ્યા અનુસાર, પન્નુને કૅનેડામાં રહેતા હિન્દુઓને પણ તાજેતરમાં ધમકી આપી હતી અને તેમને કૅનેડા છોડી જવા જણાવ્યું હતું.
પન્નુ સામેના આરોપ
એનઆઈએએ જણાવ્યું હતું, “યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિ માટે ઉશ્કેરવા 'શીખ્સ ફોર જસ્ટિસ' સંગઠન સાયબરસ્પેસનો દુરુપયોગ કરી રહ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.”
'શીખ્સ ફોર જસ્ટિસ' અલગતાવાદી સંગઠન છે. તે ભારતમાં શીખોનું અલગ રાજ્ય બનાવવા જનમત યોજવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે આ સંગઠનને જુલાઈ, 2019માં ગેરકાયદે સંગઠન જાહેર કર્યું હતું.
નિખિલ ગુપ્તા કોણ છે?
અમેરિકાની અદાલતમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, નિખિલ ગુપ્તાએ ભારત સરકાર માટે કામ કરનારા એક અધિકારીના કહેવા પર અમેરિકામાં એક હિટમૅનનો સંપર્ક કર્યો હતો અને તેમને એક શીખ અલગતાવાદી નેતાની હત્યાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો.
આરોપમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક ભારતીય અધિકારી સાથે વાતચીત દરમિયાન નિખિલ ગુપ્તાએ કહ્યું હતું કે તે માદક દ્રવ્યો અને હથિયારોની આંતરરાષ્ટ્રીય દાણચોરીમાં પણ સામેલ છે.
દસ્તાવેજ અનુસાર એ હિટમૅન કે જેનો નિખિલ ગુપ્તાએ સંપર્ક કર્યો હતો તે અમેરિકન ગુપ્તચર વિભાગનો અંડરકવર એજન્ટ હતો.
આ એજન્ટે નિખિલ ગુપ્તાની તમામ ગતિવિધિઓ અને વાતચીત રેકૉર્ડ કરી હતી. તેના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આરોપમાં અમેરિકન એજન્સીની તપાસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગુપ્તા અને ભારતીય અધિકારી વચ્ચે એક ઍન્ક્રિપ્ટેડ એપ દ્વારા સતત વાતચીત થતી હતી અને આ વાતચીત દરમિયાન ગુપ્તા દિલ્હી અથવા તેની આસપાસના વિસ્તારોમાં જ હતા.
આરોપમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નિખિલ ગુપ્તા પર ગુજરાતમાં ફોજદારી કેસ પણ દાખલ છે. એ કેસમાં મદદના બદલામાં તેણે ન્યૂયૉર્કમાં ભારતીય અધિકારીની હત્યા કરાવવા માટે તૈયારી બતાવી હતી.
આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે 12 મેના રોજ ગુપ્તાને ભારતીય અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી કે 'તેમની સામેના ફોજદારી કેસને 'સંભાળી લેવામાં' આવ્યો છે.'
તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમને હવે ગુજરાત પોલીસમાંથી કોઈ કૉલ નહીં કરે.
23 મેના રોજ, ભારતીય અધિકારીએ ફરીથી ગુપ્તાને ખાતરી આપી હતી કે 'તેમણે તેના બોસ સાથે વાત કરી છે અને ગુજરાતમાં જે મામલો છે તે અંગે તેમને ફરીથી કોઈ બોલાવશે નહીં.'
આરોપ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સની વિનંતીને આધારે તથા આ કેસના સંબંધમાં નિખિલ ગુપ્તાની 30 જૂન, 2023 ના રોજ ચૅક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. તેનું અમેરિકાને પ્રત્યાર્પણ કરવામાં આવશે.