ભારતના એ ‘વૉન્ટેડ’ જેમની વિદેશમાં ગોળી મારીને હત્યાઓ કરાઈ

    • લેેખક, અંશુલસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત રવિવારે 45 વર્ષિય ખાલિસ્તાન સમર્થન હરદીપસિંહ નિજ્જરની કૅનેડામાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટના કૅનેડામાં બ્રિટિશ કોલંબિયા વિસ્તારના સરે શહેરમાં ગુરુ નાનક શીખ ગુરદ્વારા સાહિબના પાર્કિંગમાં ઘટી હતી.

પોલીસે હત્યાની સૂચના આપતાં કહ્યું કે નિજ્જરની બે અજાણ્યા હુમાલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી છે.

નિજ્જર સરેના ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબના પ્રમુખ હતા અને ભારત સરકારની ‘વૉન્ટેડ’ યાદીમાં સામેલ હતા.

શિરોમણી અકાલી દળના પૂર્વ વિધાયક અને પાર્ટીના પ્રવક્તા વિરસાસિંહ વલ્ટોહાએ આ હત્યા ઉપર દુખ વ્યક્ત કર્યું છે.

પોતાની ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, “નિજ્જર એક સમુદાયના ધાર્મિક સભ્ય અને એક ગુરુદ્વારાના પ્રમુખ છે. અમે એ જાણવા માટે પૂરાવા એકઠા કરી રહ્યા છીએ કે આ ઘટના કેવી રીતે અને કેમ થઈ”

હરદીપસિંહ નિજ્જર કોણ છે?

હરદીપસિંહ નિજ્જરનો સંબંધ પંજાબના જાલંધરમાં ભારસિંહપુરા ગામથી છે. ભારત સરકાર પ્રમાણે, નિજ્જર 'ખાલિસ્તાન ટાઇગર ફોર્સ'ના સભ્ય હતા.

તેઓ ખાલિસ્તાન ટાઇગર ફોર્સના સંચાલન, નેટવર્કિંગ, તાલીમ અને નાણાકીય મદદ આપવામાં સક્રિય રૂપથી સામેલ હતા.

પંજાબ સરકાર પ્રમાણે, “નિજ્જરના પૈતૃક ગામ ભારાસિંહપુરામાં તેમની જમીનો રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ)એ કબજે કરી હતી. નિજ્જર 2020માં એક અલગ ખાલિસ્તાન રાષ્ટ્ર માટે ઓનલાઈન અભિયાન ‘શીખ રૅફરેન્ડમ 2020’માં સામેલ હતા. આ અભિયાન ભારતમાં પ્રતિબંધિત સંગઠન ‘શીખ ફૉર જસ્ટિસ’ તરફથી ચલાવવામાં આવ્યું હતું.”

1997માં નિજ્જર કૅનેડા પહોંચ્યા હતા. શરૂઆતના દિવસોમાં નિજ્જર કૅનેડામાં એક પ્લમ્બરના રૂપમાં કામ કરતા હતા. કોવિડ લૉકડાઉન પહેલાં તેમના માતા-પિતા ગામ પરત ફરી ગયાં હતાં.

ભારતીય તપાસ એજન્સી એનઆઈએના પ્રમાણે, 2013-14માં નિજ્જર કથિત રીતે પાકિસ્તાન ગયા હતા અને ત્યાં તેમની મુલાકાત ખાલિસ્તાન ટાઇગર ફોર્સના પ્રમુખ જગતસિંહ તારા સાથે થઈ હતી.

આ દરમિયાન તેઓ સતત ભારત સરકારની રડારમાં હતા. હરદીપસિંહ નિજ્જર એવી પહેલી વ્યક્તિ નહોતા જેઓ ભારતના વૉન્ટેડ લિસ્ટમાં હોય અને તેમની વિદેશમાં હત્યા થઈ ગઈ હોય.

નિજ્જરથી લઈને જહૂર મિસ્ત્રી સુધી એવા લોકોની એક લાંબી યાદી છે.

પરમજીતસિંહ પંજવડ

વર્ષ 2020માં જુલાઈ મહિનામાં ભારત સરકારની તરફથી એક અધિસૂચના બહાર પાડવામાં આવી.

આ અધિસૂચનામાં ગેરકાયદેની ગતિવિધિ રોકથામ અધિનિયમ (યૂએપીએ) હેઠળ નવ ‘આતંકવાદીઓ’ વિશે જાણકારી અપાઈ હતી.

અધિસૂચનામાં એક નામ હતું પરમજીતસિંહ ઉર્ફ પંજવડ. પંજાબના તરણતારણમાં જન્મેલા પરમજીતસિંહ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ‘આતંકવાદી’ સંગઠન ‘ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ’ના પ્રમુખ નેતા હતા.

ગૃહ મંત્રાલય તરફથી નીચે અપાયેલા ‘આતંકવાદી હુમલાઓ’માં પરમજીતસિંહ અને ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના સામેલ હોવાની વાત કહેવામાં આવી હતી.

  • જૂન,1988માં કેટલાક રાજનેતાઓની હત્યા.
  • ફિરોઝપુરમાં 10 રાય શીખોની હત્યા.
  • 1988 અને 1999માં બૉમ્બ ધડાકા.

લાહોરમાં હત્યા

આ જ વર્ષે મે મહિનામાં પાકિસ્તાનના લાહોરામાં પરમજીતસિંહ પંજવડની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

મે મહિનામાં એક સવારે પંજવડ ચાલવા માટે નિકળ્યા હતા અને એ દરમિયાન તેમને અજાણ્યા હમલાવરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

પાકિસ્તાનના પંજાબની પોલીસના પ્રમાણે, “બંદૂકધારી હુમલો કરનારે પંજવારસિંહના માથા ઉપર ગોળી મારી અને હૉસ્પિટલ પહોંચ્યા ત્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા.”

પોલીસનું કહેવું હતું કે હુમલામાં તેમના ગાર્ડ પણ ઘાયલ થયા હતા અને પછી તેમનું પણ મૃત્યુ થયું હતું.

સૌયદ ખાલિદ રઝા

ચરમપંથી સંગઠન 'અલ બદ્ર મુજાહિદીન'ના પ્રમુખ અને ભારત પ્રશાસિત કાશ્મીરમાં સક્રિય રહેલ સૈયદ ખાલિદ રઝાની આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હત્યા થઈ હતી.

કરાચીના વરિષ્ઠ પત્રકાર ફૈજુલ્લાહ ખાનના પ્રમાણે સૈયદ ખાલિદ રઝાના સંબંધ કરાચીના બિહારી સમાજ સાથે હતો.

ફૈજુલ્લાહ ખાન કહે છે કે,”90ના દાયકામાં શરૂઆતમાં ખાલિદ રઝા અફઘાનિસ્તાનમાં અલ બદ્ર સંગઠનનાં તાલીમકેન્દ્રોમાંથી તાલીમ મેળવી, ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભારતીય સૈનિકો વિરુદ્ધ લડાઈમાં સામેલ રહ્યા, પરંતુ 1993માં પાકિસ્તાન ફર્યા બાદ તેમને પેશાવરમાં એ સંગઠનના પદાધિકારી બનાવવામાં આવ્યા”

અલ બદ્ર મુજાહિદીન 'જમાત-એ-ઇસ્લામી'ની એક સહયોગી હથિયારબંધ પાંખ હતી અને 80ના દાયકાની શરૂઆતમાં અફઘાનિસ્તાન અને પછી ભારત પ્રશાસિત કાશ્મીરમાં સક્રિય રહી હતી.

કેટલાક આતંરિક મતભેદોના લીધે અલ બદ્ર મુજાહિદીન 90ના દાયકાના અંતમાં જમાત-એ-ઇસ્લામીથી અલગ થઈ ગઈ.

ફૈજુલ્લાહ ખાન પ્રમાણે 90ના દાયકામાં અંતમાં જ્યારે સૈયદ ખાલિદ રઝાને કરાચી ડિવિઝન માટે એલ બદ્રના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા, તો એ સંપૂર્ણ રાજ્યમાં સંગઠનના સૌથી મોટા પ્રભાવી નેતા હતા.

9/11 પછી પાકિસ્તાનમાં જેહાદી સંગઠનો ઉપર પ્રતિબંધ લાગ્યો અને સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આમાં સૈયદ ખાલિદ રઝા પણ સામેલ હતા. પછી કેટલાંક વર્ષો જેલમાં રહ્યા બાદ ચરમપંથી ગતિવિધિઓથી અલગ થઈને શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાઈ ગયા હતા.

કરાચીમાં હત્યા

તારીખ : 26 ફેબ્રુઆરી, 2023. જગ્યા : પાકિસ્તાનનું કરાચી, ગુલિસ્તા જૌહર

55 વર્ષિય પૂર્વ કાશ્મીરી જેહાદી કમાન્ડર સૈયદ ખાલિદ રઝાને ઘરના દરવાજા ઉપર ઘાતક હુમલામાં મારી નાખવામાં આવ્યા.

સૌયદ ખાલિદ રઝાની હત્યાની જવાબદારી સરકાર વિરોધી અને અલગવાવવાદી હથિયારબંધ સંગઠન સિંધુ દેશ આર્મીએ લીધી હતી.

બશીર અહમદ પીર

આ વર્ષે 20 ફેબ્રુઆરી એ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી બાજુમાં આવેલા રાવલપિંડી શહેરમાં કાશ્મીરી કમાન્ડર બશીર અહમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમ મગરિબ (સૂર્યાસ્ત)ની નમાજ પછી ઘરે જઈ રહ્યા હતા.

આ દરમિયાન અજ્ઞાત હથિયારબંધ મોટરસાઇકલ સવારોએ તેમને ગોળી મારી દીધી અને ભાગી ગયા હતા.

60 વર્ષિય બશીર અહમદ ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગર જિલ્લાથી સંબંધ ધરાવતા હતા અને 80ના દાયકામાં અંતમાં તેઓ કાશ્મીર જિહાદી સંગઠન હિઝબુલ મુજાહિદીન સાથે જોડાય હતા.

90ના દાયકાની શરૂઆતમાં બશીર પરિવાર સાથે પાકિસ્તાન જતા રહ્યા હતા અને સમય પસાર થતાં હિઝબુલ મુજાહિદીનના પ્રભાવશાલી કમાન્ડર બની ગયા હતા.

ભારત સરકારની જેમ બશીર અહમદ પીર ઉર્ફ અમ્તિયાઝ આલમને યૂએપીએ કાયદા હેઠળ આતંકવાદી તરીકેની ઓળખ કરાઈ હતી.

આને લઈને ભારત સરકારે ઑક્ટોબર, 2022માં એક અધિસૂચના બહાર પાડી હતી.

રિપુદમનસિંહ મલિક

1985ના ઍર ઇન્ડિયા બૉમ્બ ધડાકામાં અરોપી રહેલા રિપુદમનસિંહ મલિકની ગયા વર્ષે કૅનેડામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

વર્ષ 2022માં કૅનેડામાં બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં કારની અંદર રિપુદમનસિંહને ગોળી મારવામાં આવી હતી.

પોલીસને ઘટનાસ્થળે એક સળગેલી ગાડી પણ મળી હતી. મલિકને 1985માં થયેલા કનિષ્ક વિમાન વિસ્ફોટમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.

જોકે રિપુદમનસિંહ મલિકે હુમલામાં સામેલ હોવાનો ઇનકાર કરતા રહ્યા હતા.

પછી વર્ષ 2005માં મલિકની સાથે એક અન્ય આરોપી અજાયબસિંહ બાગડીને મુક્ત કરવામાં આવ્યા હતા.

23 જૂન, 1985માં ખાલિસ્તાની અલગતાવાદીઓએ માન્ટ્રિયલથી મુંબઈ જઈ રહેલા ઍર ઇન્ડિયાના વિમાન કનિષ્કમાં એક ટાઇમ બૉમ્બ રાખી દીધો હતો.

આયરલૅન્ડના કિનારે વિમાનમાં વિસ્ફોટ થયો અને 329 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

રિપુદમનસિંહ મલિક 1972માં ભારત છોડી કૅનેડા પહોંચી ગયા હતા અને એક કૅબ ડ્રાઇવરનું કામ કરવા લાગ્યા હતા. ત્યારબાદ મલિક એક મોટા બિઝનેસમૅન બની ગયા અને વૅન્કુવરના ‘ખાલસા ક્રૅડિટ યૂનિયન’ના પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ હતી.

બે દાયકાઓથી પણ વધુ સમય રિપુદમનનું નામ ‘બ્લૅક લિસ્ટ’માં હતું.

મોદી સરકારે સપ્ટેમ્બર 2019માં 35 વર્ષ જૂની બ્લૅક લિસ્ટથી વિદેશોમાં રહેનારા 312 શીખોનાં નામ દૂર કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ડિસેમ્બર 2019માં લગભગ 25 વર્ષ પછી રિપુદમનસિંહ મલિક ભારત આવ્યા હતા.

ઝહૂર મિસ્ત્રી ઇબ્રાહિમ

ઝહૂર મિસ્ત્રી ઇબ્રાહિમ વર્ષ 1999માં નેપાળથી એક ભારતીય વિમાનના અપહરણમાં સામેલ હતા જેને કાબુલ લઈ જવાયું હતું.

અપહરણ કરનારાઓએ ભારતીય જેલમાં બંધ જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક પ્રમુખ મૌલાના મસૂદની સાથે બે અન્ય કમાન્ડર મુશ્તાક ઝરગર અને ઉમર સઈદ શેખને છોડાવ્યા હતા.

પાછલા વર્ષે માર્ચમાં જિહાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્ય ઝહૂર મિસ્ત્રીની હત્યા કરી નાખવામાં આવી.

પાકિસ્તાનમાં કરાચીની અખ્તર કૉલોનીમાં બે હથિયારબંધી મોટરસાઇકલ સવારોએ તેમને ગોળી મારી દીધી હતી.

સ્થાનિક પોલીસ પ્રમાણે, “ચાર લોકો ફર્નિચરની દુકાનમાં ઘૂસી ગયા અને વેપારી ઉપર ચાર-પાંચ ગોળીઓ ચલાવી. મરનાર વ્યક્તિની ઓળખ ઝાહિદ(44)ના રૂપમાં થઈ હતી.”

જોકે, ભારતમાં અધિકારીઓએ કહ્યું હતું કે મૃતક વેપારી ઇબ્રાહિમ હતો, જે કેટલાંક વર્ષોથી ઝાહિદ અદુંખની ખોટી ઓળખ સાથે રહેતો હતો.