You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં ઘરમાં જ ઍસેમ્બલ કરી શકાતી 'ઘોસ્ટ ગન' કેમ ચિંતાનું કારણ બની છે?
અમેરિકાના તપાસકર્તા અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં ન્યૂ યૉર્કમાં એક હેલ્થકૅર ઍક્ઝિક્યૂટિવની હત્યા માટે ધરપકડ કરાયેલા શકમંદ લુઇગી મંગિઓન પાસેથી કથિત રીતે મળી આવેલી બ્લૅક પિસ્તોલ એક 'ઘોસ્ટ ગન' છે. આ શસ્ત્ર(ઘોસ્ટ ગન) ઘરમાં જ ઍસેમ્બલ કરી શકાય છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઉપકરણ થ્રીડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હોવાની શક્યતા છે, પરંતુ પુષ્ટિ માટે તેનું પરીક્ષણ બૅલિસ્ટિક નિષ્ણાતો પાસે કરાવવું પડશે.
યુનાઇટેડ હેલ્થકૅરના સીઈઓ બ્રાયન થૉમ્પસનની હત્યાથી ફરી એકવાર આ વિવાદાસ્પદ શસ્ત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જેને હિમાયતી જૂથો "દેશમાં ઝડપભેર વિકસતી ગન સેફટી સમસ્યા" ગણાવી રહ્યા છે.
આ શસ્ત્ર વિશે જાણવા જેવી હકીકત અહીં પ્રસ્તુત છે.
આ બંદૂકને શોધવાનું લગભગ અશક્ય હોવાથી તેને 'ઘોસ્ટ ગન' કહેવામાં આવે છે. આ ગન શરૂઆતથી જ અથવા તેના પાર્ટ્સની કીટ દ્વારા ઘરમાં જ ઍસેમ્બલ કરી શકાય છે અને તેના પર સીરિયલ નંબર્સ ચિહ્નિત હોતા નથી.
લુઇગી મેંગિઓને કથિત રીતે તેના બૅકપૅકમાં રાખેલું આ શસ્ત્ર સામાન્ય હોવાનું જણાય છે. ઍરેસ્ટ વૉરંટમાં આ શસ્ત્રને "મેટલ સ્લાઇડ અને સાયલેન્સર સાથેની થ્રીડી પ્રિન્ટેડ લોડેડ રિસીવર જેવી દેખાતી સેમી-ઑટોમેટિક પિસ્તોલ" તરીકે વર્ણવવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે આ પિસ્તોલ વડે નવ એમએમ રાઉન્ડ ફાયર કરી શકાય છે અને અઠવાડિયા પહેલાં થૉમ્પસન પર કરવામાં આવેલા જીવલેણ ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારના પ્રકારને સુસંગત છે.
ફાયરઆર્મ્સના નિયંત્રણની તરફેણમાં દલીલ કરતાં બાયડન વહીવટીતંત્રે અગાઉ જણાવ્યું હતું કે ઘોસ્ટ ગનને બનાવવાનું "અત્યંત સરળ" છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ટરનેટની સુવિધા ધરાવતી કોઈ પણ વ્યક્તિ બંદૂક બનાવવા માટે જરૂરી પૂર્જાઓ, બૅકગ્રાઉન્ડ ચેકિંગ વિના ઑગસ્ટ 2023 સુધી આસાનીથી ખરીદી શકતી હતી. પૂર્જાઓને કેવી રીતે જોડવા અને એક કલાકથી ઓછા સમયમાં સંપૂર્ણ શસ્ત્ર કેવી રીતે તૈયાર કરવું તેના ઑનલાઈન ટ્યૂટોરિયલ્સ ઉપલબ્ધ છે.
આ કેટલી મોટી સમસ્યા છે?
નિષ્ણાતો ઘોસ્ટ ગનને દેશની સૌથી મોટી ગન સેફટી સમસ્યા ગણાવી રહ્યા છે. હાઈ-પ્રોફાઇલ શૂટિંગમાં આ ગનનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બ્યૂર ઑફ આલ્કોહૉલ, ટૉબેકો, ફાયરઆર્મ્સ ઍન્ડ ઍક્સ્પ્લૉઝિવ(એટીએફ)ના આંકડા મુજબ, 2022માં આ વિશે હાથ ધરવામાં આવેલી તપાસમાં 20,000 શંકાસ્પદ ઘોસ્ટ ગન મળી આવી હતી, જે 2016ની સંખ્યામાં દસ ગણો વધારો દર્શાવે છે.
સત્તાવાળાઓ જણાવે છે કે ઘોસ્ટ ગનની ફ્રેમ્સ પર સીરિયલ નંબર્સ હોતા નથી. તેથી સગીરોને લાયસન્સ વિના આવી બંદૂકો ગેરકાયદે વેચતા ડીલર્સને પકડવાનું દેખીતી રીતે અશક્ય છે.
થૉમ્પસનની હત્યાથી લોકોના વિચારો બદલાશે કે કેમ તેવી શંકા એક ભૂતપૂર્વ સરકારી અધિકારીએ વ્યક્ત કરી હતી. જુલિયેટ કાયેમે બીબીસી રેડિયો 4ના એક કાર્યક્રમમાં કહ્યું હતું, "બહુ જ જટિલ અને હિંસક દેશમાં ઘોસ્ટ ગન્સ એક નવું પરિબળ છે."
હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગમાં નીતિ માટેના ભૂતપૂર્વ સહાયક સચિવ જુલિયેટ કાયેમે જણાવ્યું હતું કે હથિયારો પર પ્રતિબંધ મૂકવાનું અમેરિકા માટે "કાયમ મુશ્કેલ" રહ્યું છે.
સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા અનુસાર, 2022માં અમેરિકામાં હથિયારો દ્વારા 48,000થી વધુ લોકો માર્યા ગયા હતા.
ઘોસ્ટ ગન કાયદા હેઠળ નિયંત્રિત છે?
થૉમ્પસનની હત્યાને પગલે ઘોસ્ટ ગન વિશે નવેસરથી તપાસ શરૂ થઈ છે. ઘોસ્ટ ગનની સાથે વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ ફાયરઆર્મ જેવો જ વ્યવહાર થવો જોઈએ, એવું કહીને બાઈડન સરકારે તેના નિયમનનો પ્રયાસ કર્યો હતો.
ઘોસ્ટ ગન કિટ્સના ઉત્પાદકોએ હવેથી તેમની પ્રોડક્ટ્સ પર સીરિયલ નંબર્સ લખવા અને ઘોસ્ટ ગન ખરીદવા ઇચ્છતા ગ્રાહકોની પૃષ્ઠભૂમિની તપાસ કરવી જરૂરી છે.
સત્તાવાળાઓ પહેલાંથી જ અસ્તિત્વમાં છે તેવા કાયદાની સીમાનું ઉલ્લંઘન કરી રહ્યા છે એમ કહીને ગન રાઇટ્સ જૂથ દ્વારા ઑક્ટોબરમાં કાયદાને પડકારવામાં આવ્યો ત્યારે કાયદો જાળવી રાખવાની પોતાની ઇચ્છાનો સંકેત અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.
એટીએફના નવા નિયમને સમર્થન આપતો ચુકાદો સર્વોચ્ચ અદાલતના વલણમાં પરિવર્તનનો સંકેત છે. તેમાં મોટાભાગે રૂઢિચુસ્ત બહુમતી છે, જે બંદુક સંબંધી નિયંત્રણો બાબતે મોટાભાગે સાશંક છે.
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, બંદૂકના સંદર્ભમાં તેઓ બીજા સુધારાના ચુસ્ત સમર્થક હોવાનું જાહેર કર્યું છે. આ સુધારો લોકોને શસ્ત્રો રાખવાનો અધિકાર આપે છે. તેમણે આ વર્ષની શરૂઆતમાં નૅશનલ રાઇફલ ઍસોસિેયેશનને જણાવ્યું હતું કે તેઓ જૂથના બેસ્ટ ફ્રૅન્ડ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન