You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ દેશો, જે મફત ઉચ્ચ શિક્ષણની સાથે વર્ક પરમિટ અને પીઆરની સુવિધા પણ આપે છે
- લેેખક, તનીષા ચૌહાણ
- પદ, બીબીસી સંવાદદાતા
કૅનેડા અને અમેરિકા દ્વારા ઇમિગ્રેશન નીતિમાં ફેરફારો અને આકરા નિયમોને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હવે યુરોપ સહિતના અન્ય દેશો તરફ વળવા લાગ્યા છે.
ભારત સહિતના અન્ય અનેક દેશોના વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા હતું. તેનું કારણ એ હતું કે સ્ટુડન્ટ વિઝા પર ત્યાં જઈને વર્ક પરમિટ પ્રાપ્ત કરવાનું અને ત્યાં કાયમી નિવાસ કરવાનું આસાન હતું.
જોકે, છેલ્લા એક વર્ષ દરમિયાન કૅનેડાએ કરેલા મોટા ફેરફારને કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
કૅનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સંબંધી નિયમોમાં ફેરફાર કર્યા છે. એવી જ રીતે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇમિગ્રેશન નીતિને કડક બનાવવાની જાહેરાત કરી છે.
બ્રિટન પહેલાંથી જ ઇમિગ્રન્ટ્સ બાબતે કડક વલણ અપનાવી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાએ પણ કેટલાક ફેરફારો કર્યા છે.
આ દેશોના સતત બદલાતા નિયમોને કારણે વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતાનું વાતાવરણ પણ જોવા મળ્યું છે.
આ પરિસ્થિતિને જોતાં, કયા અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝાના નિયમો હળવા બનાવવામાં આવ્યા છે એ જાણવા માટે અમે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.
મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ કયા દેશમાં જાય છે?
સૌથી પહેલાં એ જાણીએ કે ભારતીય વિદ્યાર્થીઓ અત્યાર સુધી ક્યા દેશમાં જવાનું પસંદ કરતા રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદેશ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, 2024માં 13,35,878 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા અલગ-અલગ દેશોમાં ગયા હતા.
સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ કરવા ગયા છે. તેમની સંખ્યા 4,27,000ની છે.
બીજા નંબરે અમેરિકા છે, જ્યાં આ વર્ષે 3,37,630 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગયા છે.
ત્રીજા સ્થાને બ્રિટન છે, જ્યાં 1,85,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગયા છે.
1,22,202 વિદ્યાર્થીઓ સાથે ઓસ્ટ્રેલિયા ચોથા નંબરે અને 42,997 વિદ્યાર્થીઓ સાથે જર્મની પાંચમા ક્રમે છે.
રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આ આંકડા દર્શાવે છે કે 2019માં 6,75,541 વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા, જ્યારે 2024માં 13,35,878 વિદ્યાર્થીઓ ભણવા માટે બીજા દેશોમાં ગયા હતા.
આંકડા પરથી સ્પષ્ટ છે કે વિદેશ ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. જોકે, ક્યા રાજ્યમાંથી કેટલા વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા છે તેનો કોઈ રાજ્યવાર ડેટા વિદેશ મંત્રાલય પાસે નથી.
કયા દેશોના નિયમો વિદ્યાર્થીઓ માટે આસાન છે?
વિશ્વના ક્યા દેશોમાં વિદ્યાર્થીઓ માટે સૌથી સારા વિકલ્પો છે એ જાણવા અમે નિષ્ણાતો સાથે વાત કરી હતી.
શિક્ષણ અને ઇમિગ્રેશન સલાહકાર રવપ્રીત સિંહ મક્કડનું કહેવું છે કે હવે યુરોપના દેશો વિદ્યાર્થીઓ માટે સારો વિકલ્પ બની શકે છે.
તેમના જણાવ્યા અનુસાર, ઇટાલી, જર્મની, ફિનલૅન્ડ, સ્વીડન અને ડેન્માર્ક જેવા દેશોના નિયમો વિદ્યાર્થીઓ માટે આસાન છે. આ દેશો વર્ક પરમિટ પણ આપે છે અને કાયમી નિવાસ માટે અનેક વિકલ્પો પણ ઉપલબ્ધ છે. સ્વીડન જેવા યુરોપના ઘણા દેશો તો જીવનસાથીને પણ પોતાની સાથે લઈ જવાની સગવડ આપે છે.
કેટલીક યુનિવર્સિટીઓ મફતમાં માસ્ટર્સ ડિગ્રી આપે છે. અલબત, વિદ્યાર્થીઓએ ભાષા સંબંધી મુશ્કેલીઓને પાર કરવી પડે છે.
રવપ્રીત સિંહ મક્કડ કહે છે, "યુરોપના દેશોએ તેમના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખુલ્લા રાખ્યા છે. આપણું લક્ષ્ય શું છે, આપણે વાસ્તવમાં શું કરવું છે, આપણે ક્યો પાઠ્યક્રમ અપનાવવો છે કે પછી પાઠ્યક્રમ ભલે ગમે તે હોય, આપણું સ્થાયી ઉદ્દેશ શું છે તેની ઊંડી તપાસ આપણે કરવી પડે છે."
મક્કર માને છે કે વિદ્યાર્થીઓ પર વિદેશ ભણવા જવાનું તેમનાં માતા-પિતા તરફથી જોરદાર દબાણ હોય છે. એ કારણે ઘણીવાર તેઓ યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. તેથી માતા-પિતાએ એ જોવું જોઈએ કે તેમનું સંતાન ક્યારે વિદેશ જવા તૈયાર છે અને વાસ્તવમાં એ શું કરવા ઇચ્છે છે.
સી વે કન્સલ્ટન્ટ્સના મૅનેજિંગ ડિરેક્ટર ગુરપ્રીત સિંહે જણાવ્યું હતું કે થોડાં અઠવાડિયાં પહેલાં પંજાબમાં અનેક ઇમિગ્રેશન તથા વિઝા સલાહકારોની એક બેઠક યોજાઈ હતી. તેમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું, "સ્થાયી નાગરિકતા (પીઆર) અને વર્ક પરમિટ મેળવવાની આસાન શરતો હોય તેવા વિકલ્પો વિદ્યાર્થીઓ માટે શોધવાના પ્રયાસ અમે કર્યા હતા. આ બાબતે યુરોપના દેશો સંબંધે બધા સહમત થયા હતા."
તેમના કહેવા મુજબ, "ઇટાલી, જર્મની અને સ્પેન એવા દેશો છે, જે વિદ્યાર્થીઓ માટે સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. પહેલાં એ સમજવું જોઈએ કે વિદ્યાર્થીઓ શું ઈચ્છે છે? શું તેમનું લક્ષ્ય દીર્ઘકાલીન સમાધાન છે?"
તેમના જણાવ્યા અનુસાર, આમ તો દરેક રાજ્યના વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું વલણ અલગ-અલગ હોય છે.
તેઓ માને છે કે કૅનેડા, અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ બધા રસ્તા બંધ કરી દીધા છે તથા ત્યાં પીઆર મળશે જ નહીં એવું નથી.
તેઓ કહે છે, "આ દેશોમાં અત્યારે પણ એવા ઘણા વ્યવસાય છે, જેમાં ઇમિગ્રન્ટ્સની જરૂર છે. આપણે રસ્તા શોધવા પડશે. આ દેશોમાં પણ પીઆર મેળવી શકાય છે. નિયમ નિશ્ચિત રીતે કડક થઈ ગયા છે, પરંતુ બધા રસ્તા બંધ થયા નથી."
વિદ્યાર્થીઓ અને વાલીઓએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?
ઑક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રીતમ સિંહનું કહેવું છે કે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવાનું સપનું જુએ તેમાં કશું ખોટું નથી, પરંતુ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
તેઓ બે વાત ધ્યાનમાં રાખવાનું સૂચન કરે છે.
એકઃ વિદ્યાર્થીઓએ સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત વિદેશ જવાથી બચવું જોઈએ. આટલી નાની વયના બાળકોમાં સાંસ્કૃતિક આકર્ષણ બહુ વધી જાય છે. તેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર થાય છે.
બીજુઃ પોતાનું સંતાન કયો કોર્સ કરવા ઇચ્છે છે અને શા માટે કરવા ઇચ્છે છે, એ બાબતે માતા-પિતાએ વધારે જાણવું જોઈએ. બહુ સસ્તું કે મફત ઉચ્ચ શિક્ષણ આપતા હોય તેવા ઘણા દેશો યુરોપમાં છે. આવા દેશોને પણ શિક્ષણ માટે અગ્રતા આપવી જોઈએ.
તેમનું કહેવું છે કે કેનેડા, અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં બે પ્રકારના ખ્યાલ પ્રવર્તે છે. એક સેન્ટિમેન્ટ ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ જઈ રહ્યું છે, જ્યારે બીજો મોટો વર્ગ એવું પણ માને છે કે ઇમિગ્રન્ટ્સ વિના એ દેશોની અર્થવ્યવસ્થા ભાંગી પડે તે શક્ય છે.
તેઓ કહે છે, "આપણે માત્ર એ દેશમાં ભણવા કે રહેવા ઇચ્છીએ છીએ. દરેક દેશના નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ."
કૅનેડાના નિયમોમાં ક્યા ફેરફાર થયા છે?
મોટાભાગના વિદ્યાર્થીઓ કૅનેડા જવાનું પસંદ કરતા હોય છે. તેથી આપણે અહીં ખાસ કરીને કૅનેડા વિશે વાત કરવી છે.
કૅનેડાએ ભારત સહિતના અનેક દેશોના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. પાત્રતા ધરાવતા પોસ્ટ-સેકન્ડરી વિદ્યાર્થીઓની અરજીની સુનાવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે 2018માં એસડીએસ શરૂ કરવામાં આવી હતી.
કૅનેડાએ તેની ઇમિગ્રેશન નીતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરીને આગામી ત્રણ વર્ષ માટેના પોતાના પીઆર ટાર્ગેટમાં મોટો ઘટાડો કર્યો છે. એ કારણે કૅનેડામાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કેનેડાના પીઆર પ્રાપ્ત કરવાનું વધારે મુશ્કેલ બની જશે.
બીજી તરફ તેની અસર ભારતથી કૅનેડા અભ્યાસ કરવા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પર પણ થશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કૅનેડામાં સ્ટડી પરમિટ અને અસ્થાયી શ્રમિકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવ્યા પછી આ મહિને અનેક વિઝા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. એક કે એકથી વધારે પ્રવેશની છૂટ આપવી કે નહીં તે ઇમિગ્રેશન અધિકારી પર નિર્ભર હશે.
કૅનેડામાં અભ્યાસ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની વર્ક પરમિટ મળતી હતી. એ દરમિયાન વિદ્યાર્થી પીએનપી કે સંઘીય યોજના હેઠળ પીઆર માટે અરજી કરી શકતા હતા.
હવે કૅનેડાએ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો છે. એ કારણે અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર તેમના દેશમાં પાછા મોકલવાની તલવાર તોળાઈ રહી છે.
એવી જ રીતે, કૅનેડા હવે એવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જ જીવનસાથી વિઝા આપશે, જેઓ ત્યાં માસ્ટર્સ કે ડૉક્ટરેટ સ્તરે અભ્યાસ કરવા જઈ રહ્યા હોય. નીચલા સ્તરના પાઠ્યક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને સ્પાઉસ વિઝા પર કૅનેડા બોલાવી શકશે નહીં.
અગાઉ ડિપ્લોમા કોર્સ કરી ચૂકેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ તેમના જીવનસાથીને આમંત્રિત કરી શકતા હતા.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)