You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પર કૅનેડા પ્રતિબંધ મૂકે, તો કોને ફાયદો થાય અને કોને નુકસાન?
કૅનેડામાં આવતા વર્ષે ઑક્ટોબર મહિનામાં ચૂંટણી યોજાશે. જો વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો ફરી ચૂંટાઈ આવે, તો ભારત પ્રત્યેનું તેમનું વલણ કદાચ જ બદલાશે.
કૅનેડાના વિદેશ મંત્રી મૅલાની જૉલીએ મંગળવારે કહ્યું હતું કે કૅનેડાની પાસે ભારત ઉપર પ્રતિબંધ લાદવાનો વિકલ્પ છે અને તે સહિતના તમામ વિકલ્પો ખુલ્લા છે.
કૅનેડાના દિગ્ગજ શીખ નેતાઓ ભારત ઉપર પ્રતિબંધ લાદવાની માગ કરી રહ્યા છે, જેમાં ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટી(NDP)ના નેતા જગમીતસિંહ મુખ્ય છે. જસ્ટિન ટ્રૂડોએ લગભગ ચાર વર્ષ સુધી એનડીપીના ભરોસે સરકાર ચલાવી હતી.
જગતમીતસિંહે સપ્ટેમ્બર-2024માં ટ્રૂડો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. જોકે, ભારત સાથે તણાવ વકર્યા બાદ જગમીતસિંહ ફરી એક વખત જસ્ટિન ટ્રૂડોની પડખે જોવા મળી રહ્યા છે.
ટ્રૂડોએ સોમવારે કહ્યું હતું કે ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં ભારત સરકારની સીધી સંડોવણી છે.
નિજ્જરની હત્યા મુદ્દે કૅનેડાના વલણથી ભાજપ ખૂબ જ નારાજ છે. ભારતે નવી દિલ્હીમાં ફરજ બજાવતા કૅનેડાના છ રાજદ્વારીઓને શનિવાર મધ્યરાત્રિ સુધીમાં દેશ છોડી દેવા જણાવ્યું છે.
ભારતે આ સિવાય કૅનેડામાં ફરજ બજાવતા હાઈ કમિશનર તથા પાંચ અન્ય રાજદ્વારીઓને પરત બોલાવી લીધા છે. જોકે, કૅનેડાનું કહેવું છે કે તેણે ભારતના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે.
જો કૅનેડા દ્વારા ભારતની ઉપર પ્રતિબંધ લાદવામાં આવે, તો સૌથી વધુ નુકસાન કોને થશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંને દેશ વચ્ચેના સંબંધ કેટલા ગાઢ?
બંને દેશો વચ્ચેના સંબંધો ઉપર ચાંપતી નજર રાખનારા લોકોનું કહેવું છે કે ભારત સાથે કૅનેડાના સંબંધ પાકિસ્તાન કરતાં પણ નીચેના સ્તરે પહોંચી ગયા છે.
અમેરિકાની થિંક ટૅન્ક 'ધ વિલ્સન સેન્ટર'માં સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર માઇકલ કુગલમૅનના મતે, હાલમાં ભારત અને કૅનેડા વચ્ચે જે પ્રકારના સંબંધ પ્રવર્તમાન છે, તે ભારત અને પાકિસ્તાનના સંબંધ કરતાં પણ બદતર સ્થિતિમાં છે.
જોકે, વ્યૂહાત્મક બાબતોમાં ભારતીય નિષ્ણાત બ્રહ્મા ચેલાની એવું નથી માનતા. ચેલાનીએ ગુરૂવારે અંગ્રેજી ન્યૂઝ ચૅનલ ઇન્ડિયા ટુડે સાથેની એક વાતચીત દરમિયાન જણાવ્યું, "મને એવું નથી લાગતું કે ભારત અને કૅનેડાના સંબંધો ભારત અને પાકિસ્તાન કરતાં પણ બદતર સ્થિતિમાં પહોંચી ગયા છે."
"ભારત અને કૅનેડાના લોકોની વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ પ્રવર્તે છે. ભારત અને કૅનેડા વચ્ચે વેપારમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. કૅનેડા ટ્રૅડ સરપ્લસની સ્થિતિમાં છે. ભારત અને પાકિસ્તાનના સંબંધમાં આવું કશું નથી."
તન્વી મદાન બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિનિયર ફૅલો છે. તેઓ પણ માને છે કે ભારત અને કૅનેડાના સંબંધ, ભારત અને પાકિસ્તાન કરતાં વધુ ખરાબ નથી થયા.
બ્રહ્મા ચેલાનીની વીડિયો ક્લિપને રિપોસ્ટ કરતા તન્વી મદાને લખ્યું, "કોઇકે તર્કપૂર્ણ રીતે ભારત અને કૅનેડાના સંબંધ ભારત અને પાકિસ્તાન કરતાં વધુ ખરાબ થઈ ગયા હોવાની વાતને તર્કપૂર્ણ રીતે નકારી છે."
"10 લાખ ભારતીય પાકિસ્તાનમાં નથી રહેતા તથા પાકિસ્તાન પૅન્શન ફંડે ભારતમાં રોકાણ નથી કર્યું. સાથે જ ગત એક દાયકા દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચેના વેપારમાં 62 ટકાની વૃદ્ધિ નથી થઈ."
કૅનેડા પેન્શન ફંડનું શું થશે
ભારતના લાખો વિદ્યાર્થી દરવર્ષે અભ્યાસાર્થે કૅનેડા જાય છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ડિસેમ્બર-2023માં બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, ભારતના બે લાખ 30 હજાર વિદ્યાર્થી કૅનેડામાં અભ્યાસ કરી રહ્યા છે.
ભારતીય મૂળના 18 લાક લોકો કૅનેડાના નાગરિક છે અને 10 લાખ ભારતીય કૅનેડામાં રહે છે. ભારતીય મૂળના લોકો બહોળી સંખ્યામાં રહેતા હોય એવા દેશોમાં કૅનેડાનો પણ સમાવેશ થાય છે.
આ દૃષ્ટિએ જોવામાં આવે તો ભારતીયો માટે કૅનેડા મહત્ત્વપૂર્ણ દેશ છે. બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ વધે, તો તેની સીધી અસર ત્યાં રહેતા ભારતીયો ઉપર પણ પડે છે. બીજી બાજુ, ભારતીય વિદ્યાર્થીઓના આગમનથી કૅનેડાવાસીઓને આવક થાય છે.
જો કૅનેડા દ્વારા ભારત ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે તો બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને આંચકો લાગી શકે છે.
ભારતમાં કૅનેડાના પેન્શન ફંડે અબજો ડૉલરનું રોકાણ કર્યું છે. ભારતમાં કૅનેડિયન રોકાણકારોએ અત્યારસુધીમાં 75 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.
ભારત વિકસતું જતું અર્થતંત્ર ધરાવે છે અને એવું માનવામાં આવે છે કે કૅનેડાનું પેન્શન ફંડ અહીં રોકાણ કરવાનું ચાલુ રાખશે.
ભારતમાં કૅનેડાની 600થી વધુ કંપનીઓ કાર્યરત છે અને એક હજાર કરતાં વધુ કંપનીઓ સક્રિયપણે ભારત સાથે વેપાર કરે છે.
બીજી તરફ, ભારતીય કંપનીઓ કૅનેડામાં આઈટી, સોફ્ટવૅર, સ્ટિલ તથા બૅન્કિંગક્ષેત્રે કાર્યરત છે.
વેપારીસંબંધ કોના હિતમાં?
ભારતમાંથી કૅનેડામાં રતન, ઝવેરાત, દવાઓ, તૈયાર કપડાં, ઑર્ગેનિક કેમિકલ તથા લાઇટ એંજિનિયરિંગ સામાનની નિકાસ થાય છે. બીજી બાજુ, કૅનેડા ભારતને દાળ, ન્યૂઝપ્રિન્ટ, ઍસ્બેસટૉસ, પોટાસ, લોખંડનો ભંગાર, કૉપર અને ઇન્ડસ્ટ્રિયલ કેમિકલની નિકાસ કરે છે.
નૅશનલ ઇન્વૅસ્ટમૅન્ટ પ્રમૉશન ઍન્ડ ફૅસિલિટેશન એજન્સીના (ઇન્વૅસ્ટ ઇન્ડિયા) મતે, ભારતમાં રોકાણની બાબતે કૅનેડા 18મા ક્રમે છે. વર્ષ 2020-'21 થી 2022-'23 દરમિયાન કૅનેડાએ ભારતમાં ત્રણ અબજ 31 કરોડ ડૉલર જેટલું રોકાણ કર્યું હતું. જે ભારતના કુલ એફડીઆઈના માત્ર અડધા ટકા જેટલું છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સે નામ છાપ્યા વગર ભારત સરકારના સૂત્રને ટાંકતા કહ્યું હતું, "અમે હાલ તો કૅનેડા સાથેના વેપારીસંબંધો અંગે ચિંતિત નથી. અમારો અને કૅનેડાનો દ્વિપક્ષીય વેપાર ખાસ મોટો નથી."
"ભારતમાં કૅનેડાનું પેન્શન ફંડ રોકાણ કરે છે, તે રિટર્ન ઉપર આધારિત હોય છે. ભારતમાંથી તેમને સારું વળતર મળી રહ્યું છે, એટલે અમે ચિંતિત નથી."
ભારત સરકારના વાણિજ્યવિભાગના ડેટા મુજબ, ગત નાણાકીય વર્ષ (2023- '24) 31મી માર્ચ સુધીમાં ભારત અને કૅનેડા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર આઠ અબજ 40 કરોડ ડૉલર કરતાં થોડો વધુ હતો.
કૅનેડાનાં વાણિજ્ય મંત્રી મૅરી એનજીએ સોમવારે કહ્યું હતું, "હું વેપારી સમૂહોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ભારત સાથે વેપારીસંબંધ બાબતે અમારી સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."
ટ્રૂડોની વાસ્તવિક સમસ્યા
કૅનેડાએ ઑગસ્ટ મહિનામાં ભારતને 27 કરોડ 90 લાખ ડૉલરની નિકાસ કરી હતી. સામે પક્ષે ભારતે 32 કરોડ 40 લાખ ડૉલરની આયાત કરી હતી. જે ગત ઑગસ્ટ-2023ની સરખામણીમાં 14 ટકાનો ઉછાળ સૂચવે છે.
અજય બિસારિયા વર્ષ 2020થી 2022 દરમિયાન કૅનેડા ખાતે ભારતના ઉચ્ચાયુક્ત હતા. તેમણે અંગ્રેજી અખબાર 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને જણાવ્યું, "મને નથી લાગતું કે વેપાર અને રોકાણ ઉપર કોઈ અસર પડશે. ભારતની સમસ્યા ટ્રૂડો છે, કૅનેડા નહીં. વેપાર, વિઝા તથા બંને દેશના નાગરિકોના સંબંધોમાં અવરોધ ન આવે, તે મુદ્દે બંને દેશ સ્પષ્ટ છે."
માર્ચ-2022માં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર અંગે વાતચીત શરૂ થઈ હતી. બંને દેશો વચ્ચે આ મુદ્દે નવ તબક્કાની વાટાઘાટો પણ થઈ હતી. જોકે, ગત વર્ષથી આ વાતચીત અટકી ગઈ છે.
આ વિવાદ માત્ર વેપાર વિશે નથી. લોકશાહીમાં ચૂંટણી જીતવા માટે વધુ ને વધુ મતોની જરૂર હોય છે અને વોટબૅન્કના રાજકારણમાં અલગ-અલગ સમાજની લાગણીઓને પણ ધ્યાને લેવી પડતી હોય છે.
શીખોની વસતી કૅનેડામાં વર્ષ 2021 દરમિયાન 2.1 ટકા જેટલી હતી. વર્ષ 2001થી 2021 સુધીના 20 વર્ષના ગાળા દરમિયાન 0.9 ટકાનો વધારો થયો છે.
શીખો મોટાભાગે વૅનકુવર તથા ટૉરેન્ટોમાં વસે છે. શીખો વોટબૅન્ક તરીકે આ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ છે. ભારતનું કહેવું છે કે ટ્રૂડો રાજકીય ઍજન્ડા હેઠળ કૅનેડામાં ખાલિસ્તાની સમર્થકોને ટેકો આપે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન