અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવાનો ભારતીય નાગરિક પર આરોપ, યુએસના અધિકારીઓએ શું કહ્યું?

અમેરિકાના ન્યાય વિભાગે ભારત સરકારના એક કર્મચારી પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે.

સમગ્ર મામલો અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં એક અમેરિકન નાગરિકની હત્યાના કાવતરા સાથે જોડાયેલો છે.

અમેરિકાના ન્યાય વિભાગે 39 વર્ષીય ભારતીય સરકારી કર્મચારી વિકાસ યાદવ સામે આરોપ ઘડ્યા છે.

તેમના પર 'હત્યાની સોપારી લેવી' અને 'બેનામી નાણાકીય લેવડદેવડ - મની લૉન્ડરિંગ'ના આરોપો ઘડ્યા છે.

યાદવને અમાનતના નામથી પણ ઓળખવામાં આવે છે એવું અમેરિકાના ન્યાય વિભાગે એક નિવેદનમાં કહ્યું છે. વિભાગે કહ્યું હતું કે આ મામલામાં સામેલ અન્ય એક વ્યક્તિ નિખિલ ગુપ્તાનું અગાઉ અમેરિકાને પ્રત્યર્પણ થઈ ચૂક્યું છે.

અમેરિકાનું કહેવું છે કે વિકાસ યાદવ ભાગેડુ છે.

અમેરિકાના ઍટર્ની જનરલ મેરિક બી. ગારલૅન્ડે કહ્યું હતું કે, "અમેરિકાનો ન્યાય વિભાગ આ મામલામાં જે કોઈ પણ સામેલ હશે તેને જવાબદાર ઠેરવવા માટે પૂરતા પ્રયાસ કરશે. ગયા વર્ષે અમે ભારતીય કર્મચારી વિકાસ યાદવ અને તેના સહયોગી નિખિલ ગુપ્તાના એક અમેરિકન નાગરિકની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું."

અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઈ(ફેડરલ બ્યૂરૉ ઑફ ઇન્વેસ્ટિગેશન)એ કહ્યું હતું કે, "ભારત સરકારના એક કર્મચારીએ તેના પાર્ટનર સાથે મળીને અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવાનો પ્રયાસ કર્યો છે. એફબીઆઈ કોઈપણ અમેરિકન નાગરિક સામે હિંસાના પ્રયાસોને સાંખી નહીં લે."

નિખિલ ગુપ્તાનું પ્રત્યર્પણ

શીખ અલગતાવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નુની અમેરિકામાં હત્યા કરાવવાનું કથિત કાવતરું ઘડવાના આરોપમાં નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા લાવવામાં આવ્યા હતા.

53 વર્ષીય નિખિલ ગુપ્તાને લોઅર મૅનહૅટન કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. જો આરોપો સાબિત થાય તો તેમને 20 વર્ષની કેદ થઈ શકે છે.

‘વૉશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ અનુસાર ગત અઠવાડિયાને અંતે જ ગુપ્તાને અમેરિકા લાવવામાં આવ્યા હતા. ગત વર્ષે ચેક રિપબ્લિકથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અમેરિકન અધિકારીઓનું માનવું છે કે નિખિલ ગુપ્તા પર શીખ અલગતાવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યા માટે સોપારી આપવાનો આરોપ છે.

અમેરિકન ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે ગુપ્તાને ગુરપતવંતસિંહની હત્યા કરવા માટે એક અનામી ભારતીય અધિકારી પાસેથી સૂચનાઓ મળી હતી.

આરોપનામામાં જણાવાયું છે કે જે અધિકારીએ નિખિલ ગુપ્તાને સોપારી આપી હતી તે ભારતમાં સીઆરપીએફ(સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)માં કામ કરે છે. આરોપ મુજબ નિખિલ ગુપ્તાએ જે હિટમૅનનો સંપર્ક કર્યો હતો તે અમેરિકાની જાસૂસી સંસ્થાનો એજન્ટ હતો.

તે એજન્ટે નિખિલ ગુપ્તાની તમામ ગતિવિધિ નોંધી હતી તેમજ વાતચીત રૅકોર્ડ કરી લીધી હતી. એના આધારે જ મામલો નોંધાયો હતો.

જોકે, ભારતે તે આરોપને નકારી કાઢ્યા હતા. એ કથિત કાવતરા સાથે કોઈ લેવાદેવા નથી એવી ભારતે સ્પષ્ટતા કરી હતી.

ગત મહિને જ ચેક રિપબ્લિકની બંધારણીય અદાલતે નિખિલ ગુપ્તાની અરજી ફગાવી દીધી હતી જેમાં અમેરિકામાં પોતાના પ્રત્યર્પણ સામે અપીલ કરી હતી.

જેલના રેકૉર્ડ મુજબ, નિખિલ ગુપ્તાને હાલમાં બ્રૂકલિનના ફેડરલ મેટ્રોપૉલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

બીબીસીએ તેમના વકીલોનો સંપર્ક કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

ગત વર્ષે નવેમ્બરમાં અમેરિકન ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે નિખિલ ગુપ્તાએ પન્નુ સહિત ચાર શીખ અલગતાવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

આ ફરિયાદીઓનો આરોપ છે કે નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યા કરાવવા માટે એક લાખ અમેરિકન ડૉલર એટલે કે 83.50 લાખ રૂપિયા ભાડૂતી હિટમૅનને આપ્યા હતા.

નિખિલ ગુપ્તા કોણ છે?

આરોપ એવો છે કે મે 2023માં અધિકારીએ નિખિલ ગુપ્તાને અમેરિકામાં હત્યાની સોપારી આપવામાં આવી હતી.

દસ્તાવેજ અનુસાર નિખિલ ગુપ્તા એક ભારતીય નાગરિક છે અને ભારતમાં રહે છે.

દસ્તાવેજ અનુસાર એ હિટમૅન કે જેનો નિખિલ ગુપ્તાએ સંપર્ક કર્યો હતો તે અમેરિકન ગુપ્તચર વિભાગનો અંડરકવર એજન્ટ હતો.

અમેરિકન જાસૂસી સંસ્થાના વિશ્વસનીય માણસે ગુપ્તાને અમેરિકન એજન્સીના અન્ય જાસૂસી એજન્ટ સાથે પરિચય કરાવ્યો હતો.

હત્યાના બદલામાં ગુપ્તા અને જાસૂસ એજન્ટ વચ્ચે એક લાખ અમેરિકન ડૉલરની લેવડદેવડ થઈ હતી.

હત્યા માટે આ ઍડવાન્સ પૈસા આપવામાં આવ્યા હતા. તેનો વીડિયો પણ એજન્ટે રેકૉર્ડ કર્યો હતો અને તેને કેસમાં રજૂ કરવામાં આવ્યો છે.

આરોપ મુજબ, આ કામ જેને સોંપવમાં આવ્યું હતું તે ભારતીય અધિકારીએ જૂન 2023માં ગુપ્તાને તે વ્યક્તિ વિશે જણાવ્યું હતું જેને તે મારવા માંગતો હતો. ગુપ્તાએ આ માહિતી અમેરિકન એજન્ટને આપી હતી.

તેમાં તે વ્યક્તિની તસવીર અને ઘરનું સરનામું પણ હતું.

આરોપો અનુસાર, અમેરિકાના આગ્રહ પછી નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી.

ભારતની પ્રતિક્રિયા

આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે ન્યૂ યૉર્કમાં હત્યા બાદ ગુપ્તાએ એજન્ટને યુએસ અને કૅનેડામાં વધુ કામ આપવાનો વાયદો કર્યો હતો.

18 જૂનના રોજ કૅનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી ગુપ્તાએ 19 જૂનના રોજ વિશ્વસનીય અમેરિકન ગુપ્તચર સ્રોતને ઑડિયો કૉલમાં કહ્યું હતું કે, "તમને લીલી ઝંડી આપવામાં આવે છે, તમે આજે કે કાલે ગમે ત્યારે આ કામ પૂર્ણ કરી શકો છો. બને તેટલું જલદી પતાવજો."

આ પછી નિખિલ ગુપ્તા 30 જૂને ભારતથી ચેક રિપબ્લિક જવા રવાના થયા હતા. તે જ દિવસે, ચેક પોલીસે અમેરિકાની વિનંતી પર તેની ધરપકડ કરી હતી.

આ ઘટનાક્રમ અંગે અમેરિકાએ ભારતને જાણ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન પ્રગટ કરીને કહ્યું હતું કે ભારતે આ આરોપોને ગંભીરતાથી લીધા છે.

અરિંદમ બાગચીએ 30 નવેમ્બરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે આ ચાર્જશીટમાં કોઈ ભારતીય અધિકારીનું નામ નથી. અમે પહેલાથી જ કહ્યું છે કે અમેરિકા સાથે દ્વિપક્ષીય સુરક્ષા સહકાર વિશેની વાતચીત દરમિયાન, અમેરિકા તરફથી સંગઠિત અપરાધ, આતંકવાદ, શસ્ત્રોના વેપાર અને અન્ય તડજોડ વિશે માહિતી આપવામાં આવી હતી. ભારતે એના માટે ખાસ તપાસ સમિતિની રચના કરી છે.

તેમણે કહ્યું હતું કે, "ભારત સરકારે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા માટે એક વિશેષ તપાસ સમિતિની રચના કરી છે જેથી ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધ અને આંતરિક સુરક્ષા પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ મળી શકે."

ગુરપતવંતસિંહ પન્નુ કોણ છે?

ગુરપતવંતસિંહ પન્નુ વ્યવસાયે વકીલ છે અને તેમના પારિવારિક વડવાઓ પંજાબના પટ્ટી(તરન તારન જિલ્લો)ના નાથુચક ગામમાં રહેતા હતા. બાદમાં તેઓ અમૃતસર નજીકના ખાનકોટ ગામે સ્થાયી થયા હતા.

પન્નુને એક ભાઈ અને એક બહેન છે. તેમણે લુધિયાણા અને ચંદીગઢમાં તમામ અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતમાં કાયદાનો અભ્યાસ પણ કર્યો હતો.

પન્નુના પિતા મહિન્દરસિંહ પંજાબ માર્કેટિંગ બૉર્ડમાં સેક્રેટરી હતા.

1990ના દાયકામાં ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ તેઓ વિદ્યાર્થી કાર્યકર બન્યા હતા અને વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય થયા હતા.

પન્નુ સામે નેવુંના દાયકામાં અમૃતસર, લુધિયાણા, પટિયાલા અને ચંદીગઢમાં મનુષ્યવધ અને હત્યાના કેસ નોંધવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પન્નુ સામે ટાડા (ટેરરિસ્ટ ઍન્ડ ડિસ્રપ્ટિવ એક્ટિવિટિઝ ઍક્ટ) હેઠળ પણ ઘણા કેસ નોંધવામાં આવ્યા હતા.

પોલીસે દાખલ કરેલા બધા કેસ ખોટા હોવાનો દાવો પન્નુ કરે છે. કેન્દ્રમાં નરસિંહરાવ સરકારના કાર્યકાળ દરમિયાન પન્નુના પરિવારના વગદાર સભ્યોએ તેમની સામેના અનેક કેસ પરત ખેંચાવ્યા હતા.

એ પછી 1991-92માં પન્નુને અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું અને યુનિવર્સિટી ઑફ કનેક્ટિકટમાં એડમિશન લીધું હતું. ત્યાંથી તેમણે ફાઇનાન્સમાં એમબીએની ડિગ્રી મેળવી હતી અને ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી 'માસ્ટર ઑફ લૉ'ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પન્નુને ન્યૂ યૉર્કની વૉલસ્ટ્રીટમાં 2014 સુધી સિસ્ટમ એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ અમેરિકામાં પણ રાજકીય રીતે સક્રિય રહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.