ઇઝરાયલે યાહ્યા સિનવારને શોધીને કેવી રીતે હત્યા કરી?

    • લેેખક, ગ્રેમ બેકર
    • પદ, બીબીસી ન્યૂઝ

ઇઝરાયલની સેના સાત ઑક્ટોબરના હુમલા બાદથી હમાસના નેતા યાહ્યા સિનવારને શોધી રહી હતી.

કહેવાતું હતું કે 61 વર્ષના યાહ્યા સિનવાર ગાઝા પટ્ટીની નીચે આવેલી ભૂમિગત ટનલમાં પોતાના બૉડીગાર્ડની ટુકડી અને ઇઝરાયલી બંધકોને માનવ ઢાલ બનાવીને છુપાતા ફરી રહ્યા હતા.

આખરે લાગે છે કે દક્ષિણ ગાઝામાં ઇઝરાયલી ટુકડી સાથે અચાનક સામનો થયો અને સિનવારનો અંત આવ્યો. તેમના વિશે માહિતી ખૂબ ઓછી હતી, અને આ ઍન્કાઉન્ટરમાં ઇઝરાયલી બંધકો પણ મળ્યા નથી.

ધીમેધીમે વધુ માહિતી મળી રહી છે પણ અહીં વાંચો કે સિનવારની હત્યા વિશે અત્યાર સુધી શું જાણવા મળ્યું છે.

નિયમિત ગસ્ત વખતે થયું ઍન્કાઉન્ટર

ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીસે કહ્યું કે બુધવારે 828 બિસ્લમૅક બ્રિગેડની એક ટુકડી રફાહના તાલ-અલ-સુલતાન વિસ્તારમાં ગસ્ત પર હતી.

ઇઝરાયલી દળોએ ત્રણ લડવૈયાની ઓળખીને હુમલો કર્યો જેમાં તેમનું મૃત્યુ થઈ ગયું.

એ સમયે પરિસ્થિતિ સામાન્ય લાગી રહી હતી અને ઇઝરાયલના સૈનિકો ગુરુવાર સવારે આ સ્થળે પાછા આવ્યા હતા.

ત્યારે મૃતકોની તપાસ કરવામાં આવતા તેમાંથી એક હમાસના નેતા જેવો દેખાતો હતો.

મૃતકોના મૃતદેહોને ઘટનાસ્થળે રેહવા દેવામાં આવ્યા પણ એક મૃતદેહની આંગળીનો એક ભાગ કાપીને ઇઝરાયલમાં ટેસ્ટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો.

આખા વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો ત્યાર બાદ મૃતદેહને ઇઝરાયલ મોકલવામાં આવ્યો હતો.

આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હેગારીએ કહ્યું કે, "ઇઝરાયલી દળોને ખબર નહોતી કે સિનવાર ત્યાં હતા પરંતુ "તેમણે પોતાનું ઑપરેશન ચાલુ રાખ્યું".

તેમણે કહ્યું કે ઇઝરાયલી દળોએ એક ઘરમાંથી બીજા ઘરે દોડતા ત્રણ લોકોને ઓળખી પાડ્યા અને તેઓ છૂટા પડે તે પહેલાં તેમની પર હુમલો શરૂ કર્યો.

સિનવાર તરીકે જેમની ઓળખ કરવામાં આવી તે એક ઇમારત તરફ એકલા દોડી રહ્યા હતા અને ડ્રોન દ્વારા તેમની લોકેશન જાણીને તેમને મારી નાખવામાં આવ્યા.

જેમ માનવામાં આવી રહ્યું હતું કે સિનવાર પોતાના બચાવ માટે માનવ ઢાલનો ઉપયોગ કરે છે તેવું કોઈ ઘટનાસ્થળ પર મળ્યું નથી અને તેમની સાથે ખૂબ જ ઓછા પરિચારકો હોવાનો અર્થ એવો હોઈ શકે કે તેઓ અજ્ઞાત રીતે રહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અથવા તેમની સુરક્ષા કરતા અનેક સાથીઓનું મૃત્યુ થઈ ગયું છે.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યોએવ ગૅલેન્ટે કહ્યું કે, "સિનવારનું મૃત્યુ કમાંડર તરીકે નથી થયું, તેમનું મૃત્યુ એવા સમયે થયું જ્યારે તેઓ માર ખાઈ ચૂક્યા હતા, મુશ્કેલીમાં હતા અને ભાગી રહ્યા હતા, એક એવી વ્યક્તિ જે માત્ર પોતાના વિશે વિચારતી હતી. આ અમારા બધા દુશ્મનો માટે એક સંદેશ છે."

સિનવારની 'હત્યા'

ઇઝરાયલે પહેલાં કહ્યું હતું કે તે સ્થાનિક સમય પ્રમાણે ગુરુવાર બપોરે ગાઝામાં થયેલા સિનવારના મોતની તપાસ કરી રહ્યું છે. આ જાહેરાતની થોડી જ મિનિટોમાં જ સોશિયલ મીડિયામાં એક પુરુષના મૃતદેહની તસવીર પોસ્ટ કરવામાં આવી હતી જે દેખાવમાં હમાસના નેતા જેવો દેખાતો હતો. આ મતદેહના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ તસવીરો અહીં પ્રકાશિત કરી શકાય તેમ નથી.

જોકે અધિકારીઓએ ચેતવણી આપી હતી કે માર્યા ગયેલા ત્રણ લોકોની ઓળખ "આ તબક્કે" થઈ શકી નથી.

ત્યાર બાદ બીબીસીને ઇઝરાયલી સૂત્રોએ જણાવ્યું હતું કે નેતાઓનો વિશ્વાસ વધતો જાય છે કે સિનાવરની હત્યા કરી દેવામાં આવી છે. જોકે તેમનું માનવું છે કે યાહ્યા સિનવારના મૃત્યુની પુષ્ટિ પહેલાં બધા ટેસ્ટ કરી લેવા જરૂરી છે.

આ ટેસ્ટમાં પણ વધુ સમય ન લાગ્યો. ગુરુવારે સાંજે ઇઝરાયલે કહ્યું કે ટેસ્ટ પૂરા થઈ ગયા છે અને સિનવારનો "ખાતમો" કરી દેવામાં આવ્યો છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, "શૈતાન"ને "ઝટકો" આપવામાં આવ્યો છે પણ તેમણે ચેતવણી આપી કે ગાઝામાં ઇઝરાયલનું યુદ્ધ હજુ ખતમ થયું નથી."

સિનવારને ટાર્ગેટ કરીને ચલાવવામાં આવેલા ઑપરેશનમાં જ્યારે તેઓ બચી ગયા હતા ત્યારે આઈડીએફે કહ્યું હતું કે ગુપ્તચર સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમના જે વિસ્તારોમાં હોવાની માહિતી મળતી હતી ત્યાં કેટલાંય અઠવાડિયાં સુધી ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું.

ટૂંકમાં, ઇઝરાયલી દળોએ સિનવાર રફાહના દક્ષિણમાં હોઈ શકે છે તેનો અંદાજો લગાવ્યો હતો અને ધીમધીમે એ દિશામાં આગળ વધી રહ્યાં હતાં.

સિનવાર એક વર્ષથી નાસતા ફરતા હતા. હમાસના નેતાઓ મોહમ્મદ દાઇફ અને ઇસ્માઇલ હાનિયાનાં મોત અને સાત ઑક્ટોબરના હુમલા બાદ ઇઝરાયલે જે રીતે હમાસની માળખાકીય વ્યવસ્થાઓને તબાહ કરી હતી ત્યાર બાદ તેમને હમાસના નેતાઓ પર ઇઝરાયલના વધતા દબાણનો અંદાજ હતો.

આઈડીએફે એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ રફાહમાં હાલનાં અઠવાડિયાંમાં હાથ ધરવામાં આવેલા ઑપરેશન્સને કારણે યાહ્યા સિનવાર માટે હલનચલન મુશ્કેલ બની હતી.

યુદ્ધ હજુ ખતમ થયું નથી

સાત ઑક્ટોબરે ઇઝરાયલ પર હમાસના હુમલા બાદથી સિનારની હત્યા એ ઇઝરાયલ માટે મોટું ટાર્ગેટ હતું. પરંતુ તેમના મૃત્યુથી ગાઝાનું યુદ્ધ ખતમ નહીં થાય.

નેતન્યાહૂએ કહ્યું કે તેમણે "હિસાબ બરાબર" કર્યો છે પણ તેમણે કહ્યું કે "જ્યાં સુધી હમાસના કબજામાંથી 101 બંધકોને નહીં છોડાવી લેવામાં આવે આ યુદ્ધ યથાવત્ રહેશે."

તેમણે કહ્યું કે, "બંધકોના પ્રિય પરિવારજનો, આ યુદ્ધની મહત્ત્વપૂર્ણ ક્ષણ છે, પણ જ્યાં સુધી તમારા પ્રિયજનો, અમારા પ્રિયજનો ઘરે પાછા નહીં આવે અમે આ (યુદ્ધ) ચાલુ રાખીશું."

ઇઝરાયલમાં બંધકોના પરિવારોએ કહ્યું હતું કે "તેમને પાછા લાવવા માટે યુદ્ધવિરામની આશા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.