You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડાનો એ નિર્ણય, જેની અસર લાખો ભારતીયો વિદ્યાર્થીઓને થશે
કૅનેડાએ ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમનો પ્રોગ્રામ બંધ કરી દીધો છે. આ સાથે જ નાઇજીરિયા સ્ટુડન્ટ ઍક્સપ્રેસ સ્કીમ પણ બંધ કરી દેવામાં આવી છે.
કૅનેડા સરકારની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર કૅનેડા તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટેની પરમિટની આવેદન પ્રક્રિયાને એકસમાન અને નિષ્પક્ષ રાખવા માટે પ્રતિબદ્ધ છે.
ભારત સહિત 14 દેશોના વિદ્યાર્થીઓને તેનાથી સતત ફાયદો થઈ રહ્યો હતો અને તેમનું કૅનેડા જવું આસાન બન્યું હતું.
હવે, કૅનેડા સરકારે આ પ્રોગ્રામ બંધ કર્યો છે. તેનાથી શું બદલાશે અને હવે પછી શું બદલાવો થવાની શક્યતા છે?
સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ(SDS) શું છે?
ધી ઇમિગ્રેશન, રેફ્યુજીસ ઍન્ડ સિટિઝનશિપ કૅનેડા (આઇઆરસીસી)એ વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ કરેલ આવેદનોમાં ઝડપ લાવવા માટે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ પ્રોગ્રામ લૉન્ચ કર્યો હતો.
આ પ્રોગ્રામ મુખ્યત્વે ભારત સહિત કુલ 14 દેશોમાંથી કૅનેડા આવતા વિદ્યાર્થીઓને ઝડપથી અભ્યાસ માટેના વિઝા મળી રહે તેના માટેનો હતો.
તેમાં ભારત સિવાય ઍન્ટિગુઆ, બાર્બુડા, બ્રાઝિલ, ચીન, કૉલંબિયા, કોસ્ટા રિકા, મોરોક્કો, પાકિસ્તાન, પેરુ, ફિલિપાઇન્સ, સેનેગલ, સેન્ટ વિન્સેન્ટ ઍન્ડ ધી ગ્રેનેડિયન્સ, ટ્રિનિદાદ અને ટોબેગો, વિયતનામ જેવા દેશો સામેલ હતા.
એ સિવાય નાઇજિરિયા સ્ટુડન્ટ ઍક્સપ્રૅસ પ્રક્રિયા નાઇજીરિયાથી આવતા વિદ્યાર્થીઓને એસડીએસ જેવી સુવિધા આપવા માટે ખાસ લૉન્ચ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅનેડા સરકારનું કહેવું છે કે હવે તેઓ તમામ દેશોના વિદ્યાર્થીઓને સમાન અને નિષ્પક્ષ તક આપવા ઇચ્છે છે, જેથી તેઓ આ પ્રોગ્રામ બંધ કરવા માગે છે.
આ સાથે જ તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અનુભવને સકારાત્મક બનાવવાની વાત પણ કરી રહ્યા છે.
આ બંને પ્રોગ્રામ કૅનેડાના સમયાનુસાર 8 નવેમ્બર બપોરે બે વાગ્યાથી બંધ થઈ ગયા છે.
આ સ્કીમથી ભારતના વિદ્યાર્થીઓને કેવો ફાયદો થતો હતો?
2018માં લૉન્ચ થયેલા આ પ્રોગ્રામને કારણે ભારતના વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થયો હતો.
આ પ્રોગ્રામ હેઠળ આવતી અરજીઓનો માત્ર 20 દિવસમાં જ નિકાલ કરી દેવામાં આવતો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ પ્રોગ્રામ હેઠળ આવેદન કર્યું હોય અને રેગ્યુલર સ્ટડી પરમિટ પ્રોગ્રામ હેઠળ આવેદન કર્યું હોય, તે બંનેમાં મોટો ફર્ક જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને એસડીએસ હેઠળ ખૂબ ફાયદો મળી રહ્યો હતો.
કોરોના મહામારી દરમિયાન પણ ભારતના વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળ્યો હતો. આંકડાઓ જોઈએ તો જે વિદ્યાર્થીઓએ એસડીએસ હેઠળ આવેદન કર્યું હોય તેમની અરજીનો અપ્રૂવલ રેટ એ રેગ્યુલર સ્કીમ કરતાં ત્રણ ગણો વધારે હતો.
2022ના અંત સુધીમાં એસડીએસ હેઠળ આવેદન કરનારા વિદ્યાર્થીઓનો અપ્રૂવલ રેટ 63 ટકા હતો, જ્યારે નૉન-એસડીએસ હેઠળ આવેદન કરનારા વિદ્યાર્થીઓનો અપ્રૂવલ રેટ માત્ર 19 ટકા હતો.
2023માં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતથી કૅનેડા જનાર દર પાંચમાંથી ચાર લોકોએ આ સ્કીમ હેઠળ આવેદન કર્યું હતું.
2018થી 2022 સુધીના સમયગાળામાં જ 3 લાખ કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓને આ સ્કીમનો લાભ મળ્યો હતો અને તેઓ કૅનેડા ગયા હતા.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આગળ શું રસ્તો?
હવે પછી કૅનેડા આવવા માગતા વિદ્યાર્થીઓએ રેગ્યુલર સ્ટડી પરમિટ અંતર્ગત જ પોતાનું આવેદન કરવાનું રહેશે. તેના હેઠળ વિદ્યાર્થીઓએ જીઆઈસી (ગૅરેન્ટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ)ની બાંહેધરી આપવાની રહેશે.
કૅનેડા સરકારે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્વાગત માટે તૈયાર છે.
એસડીએસ અને એનએસઈ બંને માટે આવેલી અરજીઓને પણ હવે રેગ્યુલર સ્ટડી પરમિટમાં જ ગણવામાં આવશે.
જે દેશોના વિદ્યાર્થીઓ માટે આ પ્રોગ્રામ હજુ પણ શરૂ છે તેમને આ બદલાવથી કોઈ ફર્ક નહીં પડે.
જોકે, કૅનેડા સરકારનું કહેવું છે કે તેઓ ભલે એસડીએસ અને એનએસઈ જેવા પ્રોગ્રામ માટે લાયક ઠરતાં હોય, તેમ છતાં પણ તેમણે કૅનેડાની સ્ટડી પરમિટ માટેના આવેદનના જરૂરી નિયમોને પૂરા કરવા પડશે.
કૅનેડા સરકારે PRમાં પણ કાપ મૂક્યો
તાજેતરમાં જ કૅનેડા સરકારે પોતાની અપ્રવાસન નીતિઓમાં મોટો સુધારો કરતાં આવનારાં ત્રણ વર્ષ માટે PR ટાર્ગેટમાં કાપ મૂક્યો છે.
વિશેષજ્ઞો પ્રમાણે, તેના કારણે કૅનેડામાં અભ્યાસાર્થે ગયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કૅનેડામાં પરમેનન્ટ રેઝિડન્સ-પીઆર મેળવવું મુશ્કેલ થઈ જશે.
તેની સીધી અસર ભારતથી કૅનેડા અભ્યાસાર્થે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પડશે.
અધિકૃત નિવેદનો જોઈએ તો આમ પહેલીવાર બની રહ્યું છે કે, કૅનેડાએ અસ્થાયી વિદેશી વર્કર્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લક્ષ્ય નક્કી કર્યું હોય.
ઑક્ટોબર મહિનાના અંતમાં જ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી હતી કે, "અમે કૅનેડામાં આવતા અપ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. અમે અમારી જનસંખ્યા વૃદ્ધિને અસ્થાયી રીતે રોકવા જઈ રહ્યા છીએ, જેથી કરીને અમારી અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચઢી શકે."
2025માં કૅનેડામાં અસ્થાયી નિવાસીઓ માટેનું લક્ષ્ય 6,73,650 છે, જેમાં 3,05,900 વિદ્યાર્થીઓ સામેલ છે.
કૅનેડામાં રહેતા અસ્થાયી કર્મચારીઓમાં મોટી સંખ્યામાં ભારતીયો છે, જેમાં સૌથી વધુ પંજાબીઓ અને ગુજરાતીઓ છે.
10 વર્ષના મલ્ટીપલ વિઝામાં પણ કર્યા બદલાવો
આ વર્ષે જ કૅનેડાએ મલ્ટીપલ વિઝા ઍન્ટ્રી નિયમોમાં પણ બદલાવ કરીને કૅનેડા જવા માગતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો હતા.
કૅનેડા ઇમિગ્રેશનની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન અનુસાર, મલ્ટીપલ વિઝા ઍન્ટ્રી ડૉક્યુમેન્ટ હવે કૅનેડામાં પ્રવેશ માટે માન્ય નહીં ગણાય.
એ માત્ર ને માત્ર ઇમિગ્રેશન ઑફિસર જ નક્કી કરી શકશે કે કૅનેડા આવવા માગતા લોકોને સિંગલ ઍન્ટ્રી વિઝા આપવા કે મલ્ટિપલ ઍન્ટ્રી વિઝા આપવા.
અધિકારી જ નક્કી કરી શકશે કે આ વિઝાનો વેલિડિટી પીરિયડ કેટલો રહેશે.
આમ, છેલ્લા એક મહિનામાં જ આવેલા ત્રણ મોટા બદલાવોથી કૅનેડા જવા ઝંખતા વિદ્યાર્થીઓ અને અસ્થાયી કામદારોની મુશ્કેલી સતત વધી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન