કૅનેડામાં ખાલિસ્તાનની ચળવળ કેટલી મજબૂત છે? રાજકારણ પર તેનો કેટલો પ્રભાવ છે - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, ખુશહાલ લાલી
    • પદ, બીબીસી સંવાદદાતા, બ્રૅમ્પ્ટન

"અમને તો શિફ્ટમાંથી જ સમય નથી મળતો, ખાલિસ્તાનની વાત ક્યાંથી કરવાના? આ માત્ર મારી એકલાની સ્થિતિ નથી, મારી આસપાસ જેટલા સર્કલ છે તે બધા ઘાણીના બળદની જેમ કામ કરે છે."

આ શબ્દો છે કૅનેડાના બ્રેમ્પટનમાં ટૅક્સી ડ્રાઇવર તરીકે કામ કરતા 30 વર્ષીય ગુરજીત સિંહના, જેઓ છેલ્લાં ચાર વર્ષથી અહીં રહે છે.

ભારત અને કૅનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદ પછી કૅનેડામાં કથિત ખાલિસ્તાન તરફી ચળવળની હકીકત જાણવા માટે મેં બ્રેમ્પટનમાં જે લોકો સાથે વાત કરી તેમાંથી એક ગુરજીત સિંહ પણ છે.

કથિત ખાલિસ્તાન તરફી ચળવળમાં સામાન્ય લોકો સામેલ છે કે નહીં, તે વિશે ગુરજીત સિંહે કહ્યું, "અમે એવા સમાજમાં રહીએ છીએ જેને વીકેન્ડ સોસાયટી કહેવામાં આવે છે. અમારા જન્મદિવસ અને ભોગ કાર્યક્રમોનું આયોજન પણ સપ્તાહના અંતે કરવામાં આવે છે."

કૅનેડામાં ખાલિસ્તાની રંગ

ગયા વર્ષે મે મહિનામાં સરે ખાતે અલગતાવાદી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. ત્યાર પછી જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે આ હત્યાની પાછળ ભારતીય એજન્ટોનો હાથ છે. ત્યારથી ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધો તળિયે પહોંચ્યા છે.

બંને દેશોએ એકબીજાના રાજદ્વારી અધિકારીઓને અલગ-અલગ પ્રસંગે દેશ છોડવા માટે પણ કહ્યું છે.

ઑક્ટોબરના ત્રીજા સપ્તાહમાં બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર હતો, ત્યારે મેં ઑન્ટેરિયો પ્રાંતમાં ડઝનેક લોકો સાથે વાત કરી. પરંતુ મને એ વાતનું આશ્ચર્ય થયું કે તેમાંથી મોટા ભાગના લોકો મારી સાથે કૅમેરા પર વાત કરવા માટે તૈયાર ન હતા.

મેં જે લોકો સાથે વાત કરી તેમાં એક પણ વ્યક્તિ એવી ન હતી જેણે નિયમિતપણે ખાલિસ્તાની કાર્યકર તરીકે કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ હોય. હા, તેઓ બધા ગુરુદ્વારે જાય છે અને નગર કીર્તન તથા ઉજવણીમાં હાજરી આપે છે. તેઓ અહીં અલગતાવાદી નેતાઓના ભાષણો પણ સાંભળે છે.

ભારતમાં કૅનેડાની ખાલિસ્તાની ચળવળને જે રીતે રજૂ કરવામાં આવી રહી છે, તેવું મેં વ્યક્તિગત રીતે જમીની સ્તરે ક્યાંય જોયું નથી.

ઘણા ગુરુદ્વારાની બહાર લટકતા ખાલિસ્તાની ધ્વજ અથવા લંગર હૉલમાં પંજાબના 1980ના દાયકાના સશસ્ત્ર ચળવળના ઉગ્રવાદીઓની તસવીરો સિવાય કંઈ દેખાતું ન હતું.

આવી તસવીરો અને નારા મેં પંજાબમાં પણ સામાન્ય રીતે જોયા અને સાંભળ્યા છે.

કૅનેડાના ગુરુદ્વારામાં કાર્યક્રમો યોજાય છે જેમાં 1984ના શીખ હત્યાકાંડના આરોપીઓને સજા નથી મળી, જૂન 1984માં અકાલ તખ્ત સાહિબ પર ભારતીય સેનાની કાર્યવાહી અને બે-ત્રણ દાયકાથી જેલમાં બંધ શીખ કેદીઓની મુક્તિ જેવા મુદ્દા જોરશોરથી ઉઠાવવામાં આવે છે. .

ગુરુદ્વારાના નગર કીર્તન, ગુરુપૂર્વ સમાગમ અને અન્ય તીથ-તહેવારોમાં પણ આ મુદ્દાઓની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે.

ખાલિસ્તાનના સમર્થક નેતાઓ ઉગ્ર સ્વરમાં બોલતા અને નારા પોકારતા જોવા મળે છે. પરંતુ તેમને એટલું જ સમર્થન મળે છે, જેટલું પંજાબમાં જોવા મળે છે.

તેનું એક પાસું એ પણ છે કે જે રીતે ખાલિસ્તાનની ચળવળને બહુ સમર્થન નથી, તેવી જ રીતે આ ચળવળનો કોઈ વિરોધ પણ કરતું નથી.

ગુરુદ્વારાના મોટા કાર્યક્રમોમાં માત્ર ખાલિસ્તાની સમર્થકો જ જોવા મળે છે. રાજકીય સભાઓ અને પ્રવૃત્તિઓમાં પણ આ લોકો જ હાજર રહે છે. આ કારણથી તેઓ સમાચારોમાં ચમકતા રહે છે.

ભારતમાં જેને આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, તે શીખ ફૉર જસ્ટિસ દ્વારા ખાનગી જનમત યોજાય છે. તેમાં લોકોની અમુક હદે ભાગીદારી માટે પણ ગુરુદ્વારા દ્વારા કરવામાં આવેલો પ્રચાર જવાબદાર ગણાય છે.

શીખ્સ ફૉર જસ્ટિસના આગેવાનો અને અમેરિકાએ પણ ભારત પર આરોપ મૂક્યો છે કે ભારતીય એજન્ટો દ્વારા શીખ અલગતાવાદી નેતા ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડાયું હતું. આ સંદર્ભમાં અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય નાગરિક વિકાસ યાદવ વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે.

ભૂતપૂર્વ સાંસદ સિમરનજીતસિંહ માન અને વર્તમાન સાંસદ અમૃતપાલસિંહ પંજાબમાં આના કરતા ઘણો વધારે પ્રભાવ ધરાવે છે. આ બંને ખાલિસ્તાનની માંગનું ખુલ્લેઆમ સમર્થન કરે છે.

ખાલિસ્તાનીઓને લગતા સવાલો

બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન સૌથી વધુ ચર્ચા કૅનેડાની ખાલિસ્તાન ચળવળ અને અહીંના આક્રમક ખાલિસ્તાની નેતાઓના કારણે થાય છે.

તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારતે કૅનેડામાં સક્રિય ખાલિસ્તાનવાદી સંગઠનો પર ભારતમાં હિંસક ઘટનાઓને પાર પાડવાનો આરોપ લગાવ્યો છે.

ખાલિસ્તાની ચળવળ વિશ્વભરમાં ચમકી છે ત્યારે બીબીસીએ આ ચળવળ સાથે સંકળાયેલા કેટલાક લોકો, કેટલાક વરિષ્ઠ પત્રકારો અને શીખોની સૌથી વધુ વસ્તી ધરાવતા કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં સામાજિક કાર્યકરો સાથે વાત કરી હતી.

આ વાતચીત દરમિયાન અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે કૅનેડાના ખાલિસ્તાની નેતાઓને જે રીતે ભારત સરકાર અને ભારતીય મીડિયામાં રજૂ કરવામાં આવી રહ્યા છે, તેની વાસ્તવિકતા શું છે.

ખાલિસ્તાની નેતાઓની સંખ્યા કેટલી મોટી છે? કેનેડાના રાજકારણ પર તેની કેવી અસર પડશે? શું તેમનો પ્રભાવ એટલો મોટો છે કે જસ્ટિન ટ્રુડો તેમનું સમર્થન મેળવવા માટે ભારત જેવા મોટા દેશ સાથે રાજદ્વારી સંબંધો તોડવાનું જોખમ લઈ રહ્યા છે?

કૅનેડામાં ભારતીય ઇમિગ્રેન્સટ્સ

કૅનેડાની 2021ની વસ્તી ગણતરી મુજબ અહીં ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યા લગભગ 13 લાખ છે. તેમાંથી 7.71 લાખ શીખ છે. પરંતુ આ ડેટા ત્રણ વર્ષ જૂનો છે.

નિષ્ણાતો કહે છે કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કૅનેડા આવ્યા છે અને આ આંકડો હવે ઘણો મોટો થઈ ગયો છે. પરંતુ હજુ પણ 2021ની વસ્તી ગણતરીને સત્તાવાર આંકડો ગણી શકાય.

નિષ્ણાતોના માનવા પ્રમાણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય માઇગ્રન્ટની સંખ્યામાં બે મોટા ફેરફારો જોવા મળ્યા છે.

પ્રથમ, પંજાબમાંથી મોટી સંખ્યામાં યુવાનોનું સ્થળાંતર થયું છે, બીજું, પંજાબ ઉપરાંત ગુજરાત અને હરિયાણા જેવાં રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકોનું કૅનેડામાં આગમન થયું છે. તેનાથી કૅનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ સમુદાયને નવું રૂપ મળ્યું છે.

કૅનેડામાં ખાલિસ્તાની ચળવળ કેટલી મજબૂત છે?

કૅનેડામાં જ્યારે અલગતાવાદી શીખ ચળવળની વાત આવે, ત્યારે તેના વિશે અલગ અલગ મંતવ્યો છે. ઑન્ટારિયો ગુરુદ્વારા સમિતિ અહીંના 19 મુખ્ય ગુરુદ્વારાઓની સમિતિઓનું સંયુક્ત સંગઠન છે.

અમે તેના પ્રવક્તા અમરજીતસિંહ માનને પૂછ્યું કે કૅનેડાના રાજકારણમાં ખાલિસ્તાની ચળવળનો કેટલો પ્રભાવ છે.

અમરજીતસિંહ માન કહે છે, "ભારતીય સિસ્ટમ અથવા મીડિયા કહે છે કે ખાલિસ્તાનીઓ માત્ર મુઠ્ઠીભર છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે ટ્રુડો સરકાર આ બધું (ભારત સાથે વિવાદ) ખાલિસ્તાની મતો માટે કરી રહી છે. તેથી ખાલિસ્તાનીઓ બહુ ઓછી સંખ્યામાં છે તે વાતનો આપોઆપ છેદ ઊડી જાય છે."

ભારત સરકાર સતત ટ્રુડો સરકાર પર આરોપ મૂકે છે કે "ખાલિસ્તાનીઓના મત મેળવવા" માટે તે નરેન્દ્ર મોદી સરકાર પર તેના એજન્ટો દ્વારા ખાલિસ્તાન તરફી નેતાઓને નિશાન બનાવવાનો આરોપ લગાવે છે.

આ અંગે અમરજીત સિંહ માનનો દાવો છે કે, "કૅનેડામાં માત્ર મુઠ્ઠીભર ખાલિસ્તાનીઓ હોય તો પછી ટ્રુડોને તેનાથી શું લેવાનું હોય? પછી તો ટ્રુડોને આટલું કરવાની જરૂર જ નથી. અમારી સંખ્યા મોટી હોત તો તેના પર આ આરોપ લગાવી શકાય છે."

માનને જ્યારે પૂછવામાં આવ્યું કે કૅનેડામાં મતના રાજકારણ પર ખાલિસ્તાનીઓનો કેટલો પ્રભાવ છે, તો તેમણે કહ્યું, "અમે કહીએ છીએ કે અમારો ઘણો પ્રભાવ છે, અમારી સંખ્યા પહેલાં કરતા વધુ વધી છે."

પરંતુ અમે કોઈ એક પક્ષ સાથે નથી. જગમીત સિંહની પાર્ટી એનડીપી સાથે અમારા ઘણા સારા સંબંધો છે, અમે પોલિવારની કન્ઝર્વેટિવ પાર્ટી સાથે પણ મીટિંગ કરીએ છીએ.

ખાલિસ્તાનીઓના આધારની બીજી બાજુ

કૅનેડામાં ખાલિસ્તાનીઓ એટલા મજબૂત છે કે ટ્રુડો પોતાના રાજકીય ફાયદા માટે તેમને ખુશ કરવા ભારત પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે.

આ સવાલના જવાબમાં ખાલિસ્તાની ચળવળ સાથે જોડાયેલા અન્ય એક નેતા ભગતસિંહ બ્રાર આંકડાઓ દ્વારા સ્પષ્ટતા કરે છે. ભગતસિંહ બ્રાર ઑપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન માર્યા ગયેલા જરનૈલ સિંહ ભિંડરાનવાલેના મોટા ભાઈ જાગીર સિંહના પૌત્ર અને ખાલિસ્તાની ચળવળના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ લખબીર સિંહ રોડેના પુત્ર છે.

બ્રેમ્પટનમાં કાર સર્વિસ એજન્સી ચલાવતા ભગતસિંહ બ્રારે કહ્યું, "કૅનેડામાં શીખોની વસ્તી 7.71 લાખ છે. તે કૅનેડાની કુલ વસ્તીના બે ટકા છે. જો ભારતની વાત માનીએ તો તેમાંથી કેટલા ખાલિસ્તાની હશે, માત્ર એક ટકા. શું ટ્રુડો તેમના મત માટે વિશ્વના ત્રીજા સૌથી શક્તિશાળી દેશ સાથે ટક્કર લેશે?"

ભગતસિંહ બ્રારે વધુમાં કહ્યું કે, "કૅનેડામાં તમામ ખાલિસ્તાની સમર્થકો ટ્રુડોની સાથે નહીં રહે. એનડીપી, કન્ઝર્વેટિવ અને લિબરલ એમ ત્રણ પક્ષો છે, કેટલાક અન્ય માર્ગે પણ જઈ શકે છે. લિબરલમાં પણ બધા લોકો ટ્રુડો સમર્થક નથી."

ભગતસિંહ બ્રારે કહ્યું કે, "ભારતને એ નથી દેખાતું કે એક લોકતાંત્રિક દેશ, જેમાં કાયદાનું શાસન છે, જેના એક નાગરિક હરદીપસિંહ નિજ્જરની તેની જ ધરતી પર હત્યા કરવામાં આવી છે."

"જ્યારે કોઈ કૅનેડિયન નાગરિક પર હુમલો થાય, ત્યારે દેશની ફરજ છે કે તે તેનું રક્ષણ કરે. કૅનેડા પણ આ જ કરે છે."

ભગતસિંહ બ્રારનું કહેવું છે કે, "કૅનેડાની ટ્રુડો સરકાર ખાલિસ્તાનનું સમર્થન નથી કરતી. ટ્રુડોએ તાજેતરમાં જ કહ્યું હતું કે અમને સંગઠિત ભારત પર ભરોસો છે."

"હું ટ્રુડોનો બચાવ નથી કરતો. મને તેમની સામે ઘણા વાંધા હોઈ શકે. પરંતુ તેમણે આ પગલું માત્ર કૅનેડિયન નાગરિકોની સુરક્ષા માટે લીધું છે."

ખાલિસ્તાનીઓ વિશે ત્રીજો પક્ષ

બલરાજ દેઓલ કૅનેડામાં રહેતા પંજાબી મૂળના પત્રકાર છે અને ખાલિસ્તાની ચળવળના ટીકાકાર તરીકે જાણીતા છે.

બલરાજ દેઓલ કહે છે, "કૅનેડામાં ખાલિસ્તાની ચળવળના મૂળ ઊંડા ઊતરી ગયા છે. તેણે અહીંની સિસ્ટમમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે."

"સિવિકથી લઈને પ્રાંતીય અને સંઘીય રાજકારણ અને કૅનેડિયન એજન્સીઓ, પછી ભલે તે ગુપ્તચર એજન્સીઓ હોય, સિવિલ સર્વિસ હોય કે ઇમિગ્રેશન હોય. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાલિસ્તાની સમર્થકોએ તેમની વચ્ચે ઘણી જગ્યા બનાવી છે."

બલરાજ દેઓલ કહે છે કે તમે જ્યારે સિસ્ટમમાં બેસો છો ત્યારે તેની અસર જોવા મળે છે, જેના કારણે બંને દેશોના સંબંધોમાં ખટાશ પેદા થઈ છે.

તેઓ કહે છે કે ખાલિસ્તાનીઓ "મુઠ્ઠીભર" છે તેના કરતા તેમનો રાજકીય પ્રભાવ વધારે મહત્ત્વની ચીજ છે.

તેઓ કહે છે, "ખાલિસ્તાનીઓ શીખ સમુદાયમાં લૉબિંગ કરીને મતની રાજનીતિના પરિણામને અસર પાડી શકે તેવી ક્ષમતા ધરાવે છે. 1990ના દાયકાથી લિબરલ પાર્ટીમાં, જૉન ક્રિશ્ચિયનથી લઈને જસ્ટિન ટ્રુડો સુધી, ખાલિસ્તાનીઓએ શીખ સમુદાયના પ્રતિનિધિઓને પાર્ટીના નેતાઓ તરીકે આગળ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે."

"તેવી જ રીતે એનડીપીમાં જગમીત સિંહને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં ખાલિસ્તાનીઓએ ભૂમિકા ભજવી હતી."

"જગમીત સિંહ ખાલિસ્તાન લૉબીની મદદથી જ પાર્ટીના અધ્યક્ષ બન્યા, ત્યાર પછી એવો દેકારો થયો કે જ્યાં શીખોની વસ્તી વધારે છે ત્યાં જ તેમને વધુ મત મળ્યા. ઉદાહરણ તરીકે બ્રૅમ્પટન, માલ્ટન અને સરે વગેરે જેવા વિસ્તારો."

જગમીત સિંહને ખાલિસ્તાન તરફી નેતા માનવામાં આવે છે.

ખાલિસ્તાનીઓ લઘુમતીમાં છે તેવી દલીલના જવાબમાં બલરાજ દેઓલ કહે છે, "આ મુદ્દો ઓછા મતોનો નથી. ઓછા મત છે તેવો તર્ક પોતાના હિસાબથી લગાવાય છે. લોકશાહીમાં જે મતદાન કરવા માટે રસ્તા પર આવે છે તે મતદાર ગણાય છે."

સવાલ એ છે કે મતદાન હોય, રાજકીય સક્રિયતા હોય કે સામાજિક મુદ્દો હોય. આગળ કોણ આવે છે?

ડૅલિગેટ્સ બનવા માટે કોણ આગળ આવે છે અને કોણ મતની ભરપાઈ કરે છે, તેઓ માત્ર ખાલિસ્તાની જ છે.

પોતાની દલીલને વધુ મજબૂત કરવા બલરાજ દેઓલ કહે છે, "સમુદાયની જે સૌથી મોટી સંસ્થાઓ છે તે ગુરુદ્વારા છે. તેમના પર માત્ર ખાલિસ્તાનીઓનું નિયંત્રણ છે."

તેઓ કહે છે, "જ્યારે મોટી સભાઓ થાય છે, પછી તે બૈસાખી શીખ પરેડ હોય કે અન્ય સિટી કીર્તન હોય, જ્યારે કૅનેડિયન મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોના નેતાઓ ત્યાં આવે છે, ત્યારે તેઓ સમગ્ર શીખ સમુદાયના નેતાઓને ખાલિસ્તાન તરફી નેતાઓ માની બેસે છે."

તેઓ નેતા તરીકે દેખાય ત્યારે પ્રભાવ પણ તેમનો જ હોય છે. કાર્યક્રમની અંદર બેઠેલા લોકોને કોણ પૂછે?

બલરાજ દેઓલ કહે છે, "હું એમ નથી કહેતો કે ખાલિસ્તાનીઓની સંખ્યા ઘણી ઓછી છે અને ખાલિસ્તાની વિરોધીઓની સંખ્યા ઘણી મોટી છે."

"હું એમ કહું છું કે ખાલિસ્તાનીઓની સંખ્યા ભલે ગમે તેટલી હોય, તે નિશ્ચિત છે. તમને એક પણ શીખ ખાલિસ્તાનનો ખુલ્લેઆમ વિરોધ કરતા જોવા નહીં મળે."

"હા, એ ચોક્કસ છે કે બહુમતી હજુ પણ એવા શીખોની છે જેઓ ખાલિસ્તાન તરફી નથી, પરંતુ તેઓ મૌન છે. તેથી ચૂપ લોકોની કોણ ગણતરી કરે જેઓ નથી રસ્તા પર ઊતરતા કે નથી કંઈ બોલતા."

ભારતમાં ખાલિસ્તાનીઓની હિંસા વિશે

ભારત સરકારે કૅનેડિયન ખાલિસ્તાની સંગઠનો પર આરોપ મૂક્યો છે કે તેઓ ભારતમાં હિંસા ભડકાવે છે.

આ વિશે જ્યારે અમરજીતસિંહ માનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "જે સંગઠનોના નામ લેવાય છે, તેવાં સંગઠનો વિશે અમે ક્યારેય સાંભળ્યું નથી."

"અમે લોકતાંત્રિક રીતે ખાલિસ્તાન મેળવવા માટે કૅનેડિયન કાયદાની હદમાં રહીને લડીએ છીએ."

નગર કીર્તનમાં ખાલિસ્તાની આતંકવાદીઓની તસવીરો અને ઇન્દિરા ગાંધીની હત્યા જેવી ઘટનાઓને દર્શાવતી તસવીરોથી લાગણી ભડકાવવાના પ્રયાસો અંગે અમરજીતસિંહ માને કહ્યું કે, "આ લાંબા સમયથી થઈ રહ્યું છે. અગાઉ અમેરિકામાં પણ આવાં દૃશ્યો જોવાં મળ્યાં છે."

"પરંતુ સવાલ તો હવે ઊઠવા લાગ્યા છે. અમે કંઈ પણ કાલ્પનિક નથી બતાવતા, અમે ફક્ત જે બન્યું તે બતાવીએ છીએ. આ અમારો ઇતિહાસ છે અને ઉગ્રવાદીઓ અમારા નાયક છે."

અમરજીતસિંહ માનની જેમ ભગતસિંહ બ્રારે પણ આવા તમામ આરોપોને ફગાવી દીધા હતા.

તેમણે કહ્યું કે જો ભારત સરકાર પાસે આવા પુરાવા હોય તો તેણે તે કૅનેડાની સરકારને સોંપવા જોઈએ અને જવાબદારોને અહીંથી લઈ જવા જોઈએ. ભગતસિંહ બ્રારે વળતો પ્રશ્ન કર્યો કે ભારત સરકાર અત્યાર સુધી આમ કરવામાં કેમ નિષ્ફળ રહી છે.

બીજી તરફ કૅનેડા પરત મોકલવામાં આવેલા ભારતીય હાઈ કમિશનર સંજય વર્ગાએ કૅનેડિયન ટીવી ચૅનલ સી-ટીવી સાથે વાત કરતા કહ્યું કે ભારતે 26 લોકોને ભારતને સોંપવા માટે કૅનેડા સરકારને ડૉઝિયર આપ્યાં છે, પરંતુ કૅનેડિયન સરકાર આ અંગે વિચારતી નથી.

આ મુદ્દે બલરાજ દેઓલ કહે છે, "કૅનેડામાં બેઠા બેઠા ભારતમાં હિંસાનું સૌથી મોટું ઉદાહરણ પોપ સ્ટાર સિદ્ધુ મૂઝવાલાની હત્યા છે, જેના માટે લોરેન્સ બિશ્નોઈ ગૅંગનો કૅનેડામાં રહેતો લીડર ગોલ્ડી બ્રાર જવાબદાર ગણાય છે."

"ભલે કૅનેડા "ભારતીય એજન્ટો" પર લૉરેન્સ બિશ્નોઈ મારફત કૅનેડામાં હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યું હોય."

બલરાજ દેઓલ પૂછે છે કે એક તરફ કૅનેડા કહે છે કે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ અહીં ગુના આચરી રહી છે. બીજી તરફ ભારત જ્યારે ગોલ્ડી બ્રાર અને બીજા લોકોની કસ્ટડી માંગે છે, ત્યારે તેમને કેમ ભારતને સોંપવામાં આવતા નથી?

ખાલિસ્તાની સંગઠનો દ્વારા ઘટનાઓને અંજામ આપવા વિશે બલરાજ દેઓલ કહે છે, "જ્યારે કોઈ પણ આંદોલન થાય છે, ત્યારે સામાન્ય રીતે આવાં સંગઠનો અથવા લોકો ઘૂસણખોરી કરતા હોય છે, તેઓ પોતાના સ્વાર્થ માટે પોતાની રીતે કંઈક કરે છે."

"આવું અગાઉ પણ થતું આવ્યું છે અને અત્યારે પણ ઘણી ગૅંગ ખાલિસ્તાની સંગઠનો સાથે સંકળાયેલી છે."

ખાલિસ્તાન વિશે કૅનેડાનું સત્તાવાર વલણ

કૅનેડામાં "શીખ ઉગ્રવાદ" અંગે ભારતની ચિંતા નવી વાત નથી. કૅનેડાની પ્રતિક્રિયાની પણ કોઈને નવાઈ નથી.

સીબીસીના એક અહેવાલ મુજબ કૅનેડાના તત્કાલીન વડા પ્રધાન સ્ટીફન હાર્પર જ્યારે 2012માં ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ભારતીય વિદેશ મંત્રીએ "કૅનેડામાં ભારત વિરોધી નિવેદનો"નો મુદ્દો ઉઠાવ્યો હતો.

હાર્પરે અખંડ ભારતની હિમાયત કરી હતી, પરંતુ લોકતાંત્રિક ખાલિસ્તાની ચળવળ સામે કોઈપણ પગલાં લેવાનો ઇનકાર કર્યો હતો.

2023માં જી-20 સમિટમાં સામેલ થયેલા જસ્ટિન ટ્રુડોને જ્યારે કૅનેડામાં શીખ ઉગ્રવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હાર્પરના નિવેદનનું પુનરાવર્તન કર્યું.

વડા પ્રધાને કહ્યું હતું કે, "અમે હંમેશાં હિંસા રોકવા માટે તૈયાર છીએ અને નફરતના એજન્ડા વિરુદ્ધ કામ કરીએ છીએ."

તેમણે એમ પણ કહ્યું કે કેટલાક લોકોની કામગીરીને કૅનેડાના સમગ્ર શીખ સમુદાય સાથે જોડી શકાય નહીં.

નિષ્ણાતો એમ પણ કહે છે કે અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા કરતાં પણ કૅનેડામાં શીખોની વસ્તી વધુ છે, પરંતુ અલગ ખાલિસ્તાન માટે તેઓ એકમત નથી.

હરમિન્દર ઢિલ્લોન છેલ્લા ત્રણ દાયકાથી કૅનેડામાં રહે છે અને તેઓ જાણીતા વકીલ છે.

બીબીસી સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "ભારતમાં રહેતા લોકોને કદાચ એવો ભ્રમ હશે કે અહીં બહુ મોટી લૉબી હશે."

હકીકતમાં, 2-4 બેઠકો અથવા બ્રૅમ્પટનની કેટલીક બેઠકો વિશે તમે કહી શકો કે કેટલાક ખાલિસ્તાની નેતાઓનો અહીં પ્રભાવ હોઈ શકે છે."

"પરંતુ કૅનેડા જેવા મોટા દેશમાં ટ્રુડો ખાલિસ્તાની સમર્થકોને ખુશ કરીને પોતાની ચૂંટણીની હારને જીતમાં બદલી શકે એ શક્ય નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.