You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડા સહિત અનેક દેશોએ સ્ટડી વિઝાના નિયમોમાં ફેરફાર કર્યા, હવે કયા દેશના દરવાજા ખુલ્લા છે?
- લેેખક, તનીષા ચૌહાણ
- પદ, બીબીસી પત્રકાર
એક તરફ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે બીજી તરફ અનેક દેશોની સરકારો વિદ્યાર્થીઓ માટેના વિઝાના નિયમો આકરા બનાવી રહી છે.
ભારતીય વિદ્યાર્થીઓ જ્યાં જવા સૌથી વધારે ઉત્સુક હોય તેવા ક્યા દેશ છે? વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા કેમ વધી રહી છે?
વિવિધ દેશો વિદ્યાર્થીઓ માટેના પોતાના નિયમો આકરા શા માટે બનાવી રહ્યા છે? તેની તમારા પર શું અસર થશે?
આ બધા સવાલોના જવાબ અમે આ રિપોર્ટમાં જણાવીશું.
મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ ક્યા દેશમાં જાય છે?
સૌથી પહેલાં એ જાણી લઈએ કે ભારતીય વિદ્યાર્થીઓને કયા દેશોમાં જવાનું ગમે છે.
વિદેશ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, 2024માં કુલ 13,35,878 ભારતીય વિદ્યાર્થીઓ અલગ-અલગ દેશોમાં અભ્યાસ કરવા ગયા હતા.
કૅનેડા અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે, 4,27,000 છે. બીજા સ્થાન પર અમેરિકા આવે છે, જ્યાં આ વર્ષે 3,37,630 ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે ગયા હતા.
ત્રીજા સ્થાને બ્રિટન છે. ત્યાં 1.85 લાખ વિદ્યાર્થીઓ ગયા હતા. 1,22,202 વિદ્યાર્થીઓ સાથે ઑસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે અને પાંચમા સ્થાને જર્મની છે, જ્યાં 42,997 વિદ્યાર્થીઓ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આ આંકડા જણાવે છે કે 2019માં 6,75,541 વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા ગયા હતા, જ્યારે 2024માં તે સંખ્યા વધીને 13,35,878 થઈ ગઈ છે.
તેનો અર્થ એ કે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. જોકે, કયા રાજ્યમાંથી કેટલા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા ગયા હતા તેની કોઈ માહિતી મંત્રાલય પાસે નથી.
કયા દેશોએ સ્ટુડન્ટ વિઝા નીતિમાં ફેરફાર કર્યા?
મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા કૅનેડા જાય છે, પરંતુ કૅનેડા સરકારે હવે વિદ્યાર્થીઓ પ્રત્યે આકરું વલણ અપનાવ્યું હોય તેવું લાગે છે.
કૅનેડામાં અભ્યાસ પછી ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની વર્ક પરમિટ મળે છે. એ દરમિયાન વિદ્યાર્થીઓ પીએનપી કે પછી સરકારી યોજના હેઠળ સ્થાયી નાગરિકત્વ (પીઆર) માટે અરજી કરી શકે છે.
જોકે, કૅનેડાએ પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટની મુદ્દત વધારવાનો હવે ઇનકાર કર્યો છે. તેને લીધે અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર તેમના દેશ પાછા જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
કોરોના દરમિયાન લેબર માર્કેટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કૅનેડાએ વર્ક પરમિટની મુદ્દત અસ્થાયી રીતે 18 મહિના લંબાવવાની નીતિ અમલી બનાવી હતી, પરંતુ હવે તેમાં કૅનેડા સરકારે ફેરફાર કર્યો છે.
એ ઉપરાંત જીઆઈસીની રકમ 10,000 ડૉલરથી વધારીને 20,635 ડૉલર કરવામાં આવી છે.
સ્ટડી વિઝા પર કૅનેડા જતાં વિદ્યાર્થીઓ માટે કૅનેડામાં રહેવાના ખર્ચને જીઆઈસી કહેવામાં આવે છે. જીઆઈસી સંબંધી નવા નિયમોનો અમલ આ વર્ષની પહેલી જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે.
એવી જ રીતે, કૅનેડા હવે માત્ર એવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથીને જ વિઝા આપશે, જેઓ ત્યાં માસ્ટર્સ કે ડૉક્ટરેટ સ્તરે અભ્યાસ કરવા જવાના હોય.
નીચલા સ્તરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને સ્પાઉસ વિઝા પર કૅનેડા બોલાવી શકશે નહીં. ડિપ્લોમા કોર્સ કરી ચૂકેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અગાઉ તેમના જીવનસાથીને કૅનેડા બોલાવી શકતા હતા.
અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. ઓપન ડોર્સ રિપોર્ટ (ઓડીઆર)માં જણાવ્યા મુજબ, અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ 35 ટકા વધારો થયો છે.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચીની સ્ટુડન્ટ્સ કરતાં પણ વધી ગઈ છે. નિષ્ણાતો માને છે કે અન્ય દેશોની સરખામણીએ અમેરિકા વિદ્યાર્થીઓ પ્રત્યે ઓછું કડક છે. અમેરિકન વિઝાના સફળતા દરમાં પણ 15-20 ટકાનો વધારો થયો છે.
બ્રિટનની સ્ટાર્મર સરકાર પણ તેની વિઝા નીતિ આકરી બનાવી રહી છે અને પોતાના શુદ્ધ પ્રવાસનને ઘટાડવાના પ્રયાસ કરી રહી છે.
નવી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ, માર્ચ-2024 સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ 1,16,000 વિઝા ઈસ્યુ કરવામાં આવ્યા હતા. એ પછીના ક્રમે ચીની વિદ્યાર્થીઓને 1,09,000 વિઝા આપવામાં આવ્યા હતા.
જાન્યુઆરી-2024થી એવા સ્નાતકોત્તર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના આશ્રિતોને બ્રિટન લાવી શકતા નથી, જેઓ કોઈ રિસર્ચ પ્રોગ્રામમાં નૉમિનેટ ન થયા હોય. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા જણાવે છે કે જાન્યુઆરી-2024થી એપ્રિલ-2024 દરમિયાન માત્ર 8,300 સ્ટુડન્ટ વિઝા ઈસ્યુ કરવામાં આવ્યા હતા, જે લગભગ 79 ટકા ઘટાડો દર્શાવે છે.
જે લોકોએ સ્નાતક સ્તરનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે તેઓ હવે વધુ બે વર્ષ સુધી જ બ્રિટનમાં રહી શકશે, જ્યારે ડૉક્ટરેટની ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સુધી રહી શકશે.
ઑસ્ટ્રેલિયા પણ નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર નિયંત્રણ લાદવાનું છે. વર્ષ 2025 માટે નવા ઍડમિશનની સંખ્યા 2,70,000 સુધી મર્યાદિત રાખવાનો નિર્ણય ઑસ્ટ્રેલિયન સરકારે કર્યો છે, જ્યારે 2024ના પ્રારંભિક સરકારી આંકડા મુજબ, ઑસ્ટ્રેલિયામાં લગભગ 7,17,500 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે.
આ ઘટાડાને કારણે વ્યાવસાયિક શિક્ષણ અને ટ્રેનિંગ પ્રદાતાઓને સૌથી વધુ અસર થશે.
ઑસ્ટ્રેલિયા સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષામાં પ્રાવીણ્યનાં આકરાં ધોરણો નક્કી કર્યાં છે.
આ ઉપરાંત તેણે એવી જાહેરાત પણ કરી છે કે સ્ટુડન્ટ વિઝાની અરજીની વધારે ઝીણવટથી તપાસ કરવામાં આવશે.
2025માં સરકારી યુનિવર્સિટીઓમાં નામાંકનની સંખ્યા વધારીને 1,45,000 કરવામાં આવશે, જ્યારે ખાનગી યુનિવર્સિટીઓ તથા બિન-યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે આ સંખ્યા વધીને 30,000 થશે.
વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ સંસ્થાઓ માટે તે 95,000 સુધી મર્યાદિત રહેશે.
જર્મન સરકારે પણ તેની વિદેશ નીતિમાં મોટા ફેરફાર કર્યા છે. પહેલી સપ્ટેમ્બર, 2024થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમના બ્લૉક્ડ અકાઉન્ટ્સમાં કમસે કમ 11,904 યુરો રાખવા પડશે, જે પહેલાં કરતાં 696 યુરો વધારે છે.
બ્લૉક્ડ અકાઉન્ટ્સ જર્મનીમાં ઇમિગ્રન્ટ્સ માટેના સ્પેશિયલ બૅન્ક અકાઉન્ટ્સ છે. એ ખાતાંમાં જીવવા માટે પૂરતાં હોય તેટલાં નાણાં જમા હોવાં જોઈએ.
એ ઉપરાંત યુરોપીયન સંઘની બહારના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ટ્યુશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓને વધુ કલાક કામ કરવાની છૂટ આપવા બાબતે વિચારણા ચાલી રહી છે.
વિદ્યાર્થીઓનો બદલાતો ટ્રેન્ડ
સી વે વિઝાના મૅનેજિંગ ડિરેક્ટર ગુરપ્રીતસિંહના કહેવા મુજબ, છેલ્લા 6-8 મહિનામાં અનેક દેશોએ તેમની વિઝા નીતિમાં ફેરફાર કર્યા છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પહેલાં યુવાનોમાં કૅનેડા જવાનો ટ્રેન્ડ હતો, પરંતુ હવે કૅનેડા સરકારે અમલી બનાવેલી કડક વિઝા નીતિ, આવાસની સમસ્યા અને કામ ન મળવા જેવી સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓ કૅનેડા જતાં ખચકાઈ રહ્યા છે.
તેમનું કહેવું છે કે હવે વિદ્યાર્થીઓમાં અમેરિકા જવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની અમેરિકાની નીતિ પણ થોડી ઉદાર છે અને ત્યાં કૅનેડાની સરખામણીએ પરિસ્થિતિ બહેતર છે.
ઑસ્ટ્રેલિયા પણ છેલ્લાં બે વર્ષથી બહુ વિચારીને વિઝા આપી રહ્યું છે અને તેમાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
પટિયાલાની પંજાબી યુનિવર્સિટીના સેન્ટર ફૉર ડાયસ્પોરા સ્ટડીઝના પ્રોફેસર ગ્યાનસિંહ જણાવે છે કે એક સમયે તમામ દેશો સ્ટુડન્ટ વિઝાની બાબતમાં બહુ ઉદાર હતા. તેને લીધે મોટા પ્રમાણમાં માઇગ્રેશન થતું હતું.
ભારતના અને ખાસ કરીને પંજાબના અનેક યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ જવા ઇચ્છતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ખાસ કરીને કૅનેડા અને ઑસ્ટ્રેલિયાએ તેના નિયમો ઘણા આકરા બનાવ્યા છે.
તેઓ માને છે કે વર્ક પરમિટ, આવાસની સુવિધા અને ભવિષ્યની સંભાવના કોઈ પણ વ્યક્તિ માટે બહુ જ મહત્ત્વની હોય છે.
હવે આવી સુવિધાઓ ન મળતી હોવાથી યુવાઓ અને તેમનાં માતા-પિતા નિરાશ થઈ રહ્યાં છે.
વિદ્યાર્થીઓ ભારતમાં પણ ધ્યાન આપી રહ્યા છે. પંજાબની કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ઑડમિશનની સંખ્યામાં તાજેતરમાં વધારો થયો છે.
તેમને જણાવ્યા મુજબ, પરદેશ જતાં વિદ્યાર્થીઓ આજે પણ જઈ રહ્યા છે, પરંતુ સંખ્યામાં જરૂર ફરક પડ્યો છે. જોકે, આ અસ્થાયી તબક્કો છે.
પરદેશ જવાનાં અસલી કારણો સમજો
ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના રાજનીતિ વિભાગના પ્રોફેસર ભૂપિન્દરસિંહ એવી દલીલ કરે છે કે પહેલાં મોટા ભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે નહીં, પરંતુ પૈસા કમાવા માટે પરદેશ જતા હતા.
પાર્ટ-ટાઇમ નોકરી, ઓવરટાઇમ કે પછી કંઈ પણ કામ કરવું એ બધાં કારણો હતાં, જેના લીધે તેઓ વધુ કમાણી કરીને તેમને પરિવારોને પૈસા મોકલી શકતા હતા. પછી તે એક ધંધો બની ગયું.
પ્રોફેસર ભૂપિન્દરસિંહ માને છે, “હવે વિદેશી સરકારો નિયમો કડક બનાવી રહી છે. તેઓ પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું કહી શકાય.”
“ઇમિગ્રન્ટ્સનો બોજ આવા દેશો પર પડવા લાગ્યો અને તેમના પોતાના નાગરિકોના અધિકારો છીનવાતા થયા ત્યારે તેમને તેમની ભૂલ સમજાઈ છે.”
તેમના કહેવા મુજબ, જે વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ વ્યવસાય કે સ્પેશિયાલાઇઝેશન માટે અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેમના માટે દરવાજા હજુ પણ ખુલ્લા જ છે.
મુશ્કેલી એ લોકોને થઈ રહી છે, જેમનો ઉદ્દેશ અભ્યાસ નહીં, પરંતુ કમાણી કરવા માટે પરદેશ જવાનો હતો. તેઓ માને છે કે આવું લાંબા સમય સુધી ચાલશે નહીં. નિયમો વધુ આકરા બનાવી શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન