You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયાએ લીધેલો એ નિર્ણય, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધારી દેશે
- લેેખક, ટિફની ટર્નબુલ
- પદ, બીબીસી ન્યૂઝ, સીડની
ઑસ્ટ્રેલિયા તેને ત્યાં આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદશે, કારણ કે તે રોગચાળા પૂર્વેના સ્તરે એકંદર સ્થળાંતર ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઑસ્ટ્રેલિયા વિશ્વના સૌથી મોટાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી માર્કેટો પૈકીનું છે, પરંતુ 2025ના વર્ષ માટે નવા પ્રવેશની સંખ્યા તેણે 2,70,000 નક્કી કરી રાખી છે.
સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે દરેક ઉચ્ચ શિક્ષણ સંસ્થાને વ્યક્તિગત મર્યાદા આપવામાં આવશે અને સૌથી મોટો કાપ વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પ્રદાતાઓ માટે હશે.
આ ફેરફારને કારણે 'ટર્શિયરી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી' રોષે ભરાઈ છે અને કેટલીક યુનિવર્સિટીઓએ તેને “આર્થિક બર્બરતા” ગણાવી છે, પરંતુ સરકારે કહ્યું છે કે આ પગુલં ક્ષેત્રની ગુણવત્તા અને આયુષ્યમાં વધારો કરશે.
2024ની શરૂઆતના તાજા આંકડા અનુસાર, ઑસ્ટ્રેલિયામાં લગભગ 7,17,500 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શિક્ષણમંત્રી જેસન ક્લેરે સ્વીકાર્યું હતું કે રોગચાળા દરમિયાન ઑસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓને તેમનાં ઘરે પાછા મોકલ્યા અને આકરા સરહદી નિયંત્રણો લાદ્યાં ત્યારે ઉચ્ચ શિક્ષણને માઠી અસર થઈ હતી.
તેમણે એ પણ નોંધ્યું હતું કે યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા કોવિડ-19 પૂર્વેના સમયગાળા કરતાં હાલ 10 ટકા વધારે છે, જ્યારે ખાનગી વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પ્રદાતાઓની સંખ્યા 50 ટકા વધી છે.
ક્લેરે કહ્યું હતું, “વિદ્યાર્થીઓ પાછા આવી ગયા છે અને શોંક્સ એટલે કે ઝડપથી કમાણી કરવા આ ઉદ્યોગનો શોષણ કરતા લોકો પણ પાછા આવી ગયા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયામાં માઇગ્રેશનનું વિક્રમી સ્તર
અગાઉ સરકારે કેટલાક પ્રદાતાઓ પર “અનૈતિક” વર્તણૂકનો આરોપ મૂક્યો હતો. એ વર્તણૂકમાં સફળતા માટે ભાષાકૌશલ્ય ન ધરાવતા વિદ્યાર્થીઓને સ્વીકારવા, નબળું શિક્ષણ તથા તાલીમ પ્રદાન કરવાં અને અભ્યાસને બદલે કામ કરવા ઇચ્છતા લોકોની નોંધણી કરવાનો સમાવેશ થાય છે.
ક્લેરે કહ્યુ હતું, “આ સુધારાઓ સંબંધિત ક્ષેત્રને વધુ સારું અને ન્યાયી બનાવવા ઉપરાંત આગળ જતાં બહેતર વ્યવસ્થાના નિર્માણ માટે કરવામાં આવ્યા છે.”
આ પ્રતિબંધોથી ઑસ્ટ્રેલિયામાં માઇગ્રેશનના વિક્રમી સ્તરની સમસ્યાના નિરાકરણમાં પણ મદદ મળશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે માઇગ્રેશનના વિક્રમી પ્રમાણને કારણે હાલની આવાસ તથા માળખાકીય સમસ્યાઓ પર દબાણ વધ્યું છે.
હજારો “શંકાસ્પદ” પ્રદાતાઓને સજા કરવાની સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષાની આકરી જરૂરિયાતની અને સેકન્ડ સ્ટડી માટે અરજી કરતા લોકોની વધુ કડક ચકાસણીની જાહેરાત સરકારે પહેલાંથી જ કરી છે.
ક્લેરના જણાવ્યા મુજબ, સરકારી યુનિવર્સિટીઓમાં 2025માં નોંધણીનું પ્રમાણ ફરી 1,45,000 સુધીનું રહેશે, જે 2023ના સ્તરની આસપાસ છે.
ખાનગી યુનિવર્સિટીઓ અને નોન-યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ પ્રદાતાઓ નવા 30,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણી કરી શકશે, જ્યારે વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ સંસ્થાઓ માટે તે પ્રમાણ 95,000 સુધી મર્યાદિત રહેશે.
ક્લેરે ઉમેર્યું હતું કે આ નીતિમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વધુ સારા આવાસના નિર્માણ માટે યુનિવર્સિટીઓને કેટલાક લાભ આપવાનો પણ સમાવેશ હશે.
ઑસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણનો હિસ્સો
જોકે, ઉચ્ચ શિક્ષણ પ્રદાતાઓ કહે છે કે હાઉસિંગ અને સ્થળાંતરના મુદ્દે તેમના ઉદ્યોગને ખોટી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. મર્યાદા લાદવાથી આ ક્ષેત્ર ખતમ થઈ જશે.
2022-23માં ઑસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણનો હિસ્સો 36.4 અબજ ડૉલરનો હતો, જે તે વર્ષે દેશની ચોથી સૌથી મોટી નિકાસ હતો.
સિડની યુનિવર્સિટીના કુલ વિદ્યાર્થીઓમાં આશરે 50 ટકા વિદેશી વિદ્યાર્થીઓ છે. સિડની યુનિવર્સિટી દ્વારા આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલા ઇકૉનોમિક મોડલિંગ મુજબ, સૂચિત કાપથી ઑસ્ટ્રેલિયન અર્થતંત્રને 4.1 અબજ ડૉલરનું નુકસાન થઈ શકે છે અને 2025માં લગભગ 22,000 નોકરીનો ઘટાડો થશે.
ઑસ્ટ્રેલિયાની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાના ચીફ ઍક્ઝિક્યુટિવ વિકી થોમસને સૂચિત કાયદાઓને “કડક” અને “હસ્તક્ષેપકર્તા” ગણાવીને કહ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલી ટિપ્પણીઓમાં “આર્થિક બર્બરતા” સમાન છે.
શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું હતું કે કેટલાક સેવા પ્રદાતાઓએ આકરા આર્થિક નિર્ણયો લેવા પડે તે શક્ય છે, પરંતુ પ્રસ્તુત મર્યાદાથી આ ઉદ્યોગ પંગુ બની જશે એ વાતનો ઇનકાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું, “આ નિર્ણય કોઈ પણ રીતે આંતરરાષ્ટ્રીય શિક્ષણને નષ્ટ કરી રહ્યો છે, તેવી છાપ ઉપસાવવી એ તદ્દન અને મૂળભૂત રીતે ખોટી વાત છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન