કૅનેડા હિંદુ મંદિર હિંસા : સસ્પેન્ડ થયેલા પંજાબી મૂળના પોલીસ અધિકારી કોણ છે?

કૅનેડાના બ્રૅમ્પટનમાં રવિવારના રોજ એક હિંદુ મંદિર પર હુમલો થયો હતો.

આ હુમલો થયો ત્યારે કૅનેડાસ્થિત ભારતીય હાઈ કમિશનના અધિકારીઓ મંદિરમાં હતા.

આ ઘટના બાદ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે ભારત સરકારે પણ આકરા પ્રહારો કર્યા હતા.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરે આ ઘટનાને વખોડી હતી, સાથે જ કૅનેડા સરકારને કડક કાર્યવાહી કરવાની માગ પણ કરી હતી.

આ દરમિયાન કૅનેડાની પીલ રિજનલ પોલીસે એક પોલીસ અધિકારીને હિંસક વિરોધપ્રદર્શનમાં ભાગ લીધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તેમને સસ્પેન્ડ કરી દીધા છે.

આ કૅનેડિયન પોલીસ અધિકારીની ઓળખ મૂળ પંજાબી હરિન્દર સોહી તરીકે થઈ છે.

વાઇરલ વીડિયોમાં હરિન્દર સોહી ખાલિસ્તાન સમર્થકોના વિરોધપ્રદર્શનમાં ભાગ લેતા જોવા મળે છે.

કૅનેડાની સરકારી ચેનલ સીબીસીના ન્યૂઝ અહેવાલ અનુસાર, "વાઇરલ થયેલા વીડિયોમાં અન્ય લોકો ભારતવિરોધી નારા લગાવી રહ્યા હતા ત્યારે સોહી ખાલિસ્તાનનો ઝંડો પકડેલા જોવા મળ્યા હતા."

આ પોલીસ અધિકારી કોણ છે?

હરિન્દર સોહી એક પોલીસ સાર્જન્ટ છે.

પોલીસ પીઆર અધિકારી રિચર્ડ ચિને સીબીસી ન્યૂઝને જણાવ્યું કે "સોશિયલ મીડિયામાં વાઇરલ એક વીડિયો સ્થાનિક પોલીસના ધ્યાને આવ્યો. જેમાં ઑફ-ડ્યૂટી પીલ પોલીસ અધિકારી આવા વિરોધમાં ભાગ લેતા જોવા મળે છે."

રિચર્ડ ચિને કહ્યું, "આ પોલીસ અધિકારીને કૉમ્યુનિટી સેફ્ટી ઍન્ડ પૉલીસિંગ ઍૅક્ટ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."

વધુમાં રિચર્ડ ચિને જણાવ્યું હતું કે, આ વીડિયોમાં દર્શાવવામાં આવેલી સમગ્ર પરિસ્થિતિની અમે તપાસ કરી રહ્યા છીએ.

રવિવારે કેટલાક ખાલિસ્તાની સમર્થકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ હિંદુ સભા મંદિરમાં સ્થાપિત વાણિજ્ય દૂતાવાસ કૅમ્પમાં હાજર થયા હતા.

કયા ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે?

પીલની રિજનલ પોલીસે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરી છે.

વિરોધપ્રદર્શનના સંબંધમાં તપાસકર્તાઓએ બ્રૅમ્પટન અને મિસીસૌગામાંથી ત્રણ લોકોની ધરપકડ કરી છે.

પોલીસનું કહેવું છે કે "3 નવેમ્બર, 2024ને રવિવારના રોજ લગભગ 12 વાગ્યે, વિરોધકર્તાઓનું એક ટોળું બ્રેમ્પટનના ગોર રોડ પર પૂજાસ્થળે આવી પહોંચ્યું હતું."

"ત્યારબાદ પાછળથી મિસીસૌગાના ગોરવે ડ્રાઇવ અને ઇટ્યૂડ ડ્રાઇવ જેવા વિસ્તારોમાં પણ વિરોધપ્રદર્શન થયાં હતાં. થોડા સમય પછી ત્રીજો વિરોધ ઍરપૉર્ટ રોડ અને ડ્રુ રોડ નજીકના પૂજાસ્થળ પર થયો હતો. આ ત્રણેય વિરોધો એકબીજા સાથે સંબંધિત હોવાનું જણાઈ આવે છે."

"વિરોધકર્તાઓ અને મંદિરની અંદર રહેલા લોકો વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ ઘટી, ત્યારબાદ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે."

ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિ મિસિસૌગાના 43 વર્ષીય દિલપ્રીતસિંહ બાઉન્સ પર શાંતિભંગ કરવાનો અને અધિકારી પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ધરપકડ કરવામાં આવેલી બીજી વ્યક્તિની ઓળખ બ્રૅમ્પટનના 23 વર્ષીય વિકાસ તરીકે થઈ છે. તેમના પર હથિયાર વડે હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ત્રીજી વ્યક્તિની ઓળખ મિસિસૌગના 31 વર્ષીય અમૃતપાલસિંહ તરીકે કરવામાં આવી છે, જેમના પર 5,000 કરતાં પણ વધુ ડૉલરની ઉચાપત કરવાનો આરોપ છે.

મંદિરમાં હિંસા સામે વિરોધપ્રદર્શન

કૅનેડા પોલીસ અનુસાર, આ હિંસક પ્રદર્શનના વિરોધમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ વિરોધપ્રદર્શન થયાં હતાં.

મંદિરની સામે હિંસાના વિરોધમાં ભાગ લેનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, "કૅનેડા અમારું જીવન છે અને ભારતમાં અમારો આત્મા વસે છે. હિંદુ કૅનેડિયન, કૅનેડા પ્રત્યે ખૂબ જ વફાદાર છે. હિંદુ કૅનેડિયન સાથે જે થઈ રહ્યું છે તે સારું નથી થઈ રહ્યું."

તેમણે કહ્યું, "અમે ઇચ્છીએ છીએ કે કૅનેડા અમારી સાથે સારો વ્યવહાર કરે, અમે ભારત અને કૅનેડા વચ્ચે મજબૂત સંબંધ બનાવવા માગીએ છીએ, અમે એ લોકોના વિરોધમાં છીએ જે લોકો ભારત-કૅનેડાના સારા સંબંધના વિરોધી છે."

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે હિંદુ સભા મંદિરમાં થયેલી હિંસાને લઈ "ગંભીર ચિંતા" વ્યક્ત કરી હતી.

પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને પણ આ હિંસાની ટીકા કરી હતી.

મુખ્ય મંત્રી માને જણાવ્યું હતું કે, "કૅનેડા પંજાબીઓનું બીજું ઘર છે. ભારત સરકારે કૅનેડાની સરકાર સાથે વાત કરવી જોઈએ અને સમસ્યાનું સમાધાન શોધવું જોઈએ."

"અમારા પંજાબમાં પરપ્રાંતીય પંજાબીઓને લીધે જ ઘરનો ચૂલો ચાલે છે, કૅનેડાનાં દરેક ઘરમાં પંજાબી વસે છે."

તો દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "કૅનેડામાં જે કંઈ પણ થયું હું તેની ટીકા કરું છું, ગુનેગાર સામે ભારત સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ."

શીખ સંગઠનોનું શું કહેવું છે?

શીખ ફૉર જસ્ટિસે આરોપ લગાવ્યા છે કે, પ્રદર્શન બાદ "હિંદુ રાષ્ટ્રવાદીઓ" એ લડાઈ માટે ઉશ્કેર્યા હતા.

સીબીસીના રિપોર્ટ અનુસાર, "શીખ ફૉર જસ્ટિસ જૂથે કહ્યું કે ખાલિસ્તાન સમર્થક, ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓની જાહેર મુલાકાતોનો વિરોધ કરી રહ્યા હતા."

શીખ ફૉર જસ્ટિસને ભારત સરકાર દ્વારા "અલગતાવાદી" સંગઠન જાહેર કરાયું છે અને ભારતમાં તે પ્રતિબંધિત છે.

આ જૂથ માગ કરી રહ્યું હતું કે ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તેમની ઑફિસના બહારના સ્થળે કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

શીખ ફૉર જસ્ટિસનો આરોપ છે કે વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓની મુલાકાતો કૅનેડામાં ખાલિસ્તાન સમર્થક નાગરિકો માટે સીધી રીતે ખતરો છે.

કૅનેડાના વિશ્વ શીખ સંગઠને પણ આ જ માગનો પુનરોચ્ચાર કર્યો હતો.

કૅનેડાના વિશ્વ શીખ સંગઠને ઇમેલ કરી નિવેદન આપ્યું હતું કે," કૅનેડિયન સમુદાયમાં ભારતીય રાજદ્વારીઓ દ્વારા સંઘર્ષ અને લડાઈને ભડકાવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે, તેને અટકાવવું જોઈએ."

સંગઠને કૅનેડાના અધિકારીઓને અપીલ કરી છે કે "રવિવારે હિંસા ભડકાવવા અને શાંતિપૂર્ણ પ્રદર્શનમાં અવરોધ પેદા કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.