You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેલબર્ન ટેસ્ટઃ ભારતની હાર બાદ કેમ સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડ થવા લાગ્યો, 'વિરાટ-રોહિત હૅપી રિટાયરમેન્ટ'
મેલબર્ન ટેસ્ટમૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 184 રનોએ હરાવ્યું છે. આ સાથે ઑસ્ટ્રેલિયાએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં 2-1થી બઢત મેળવી લીધી છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ચોથી ટેસ્ટમૅચમાં ભારતીય બેટિંગ ધ્વસ્ત થઈ ગઈ અને ભારતનો 184 રને પરાજય થયો છે. બીજી ઇનિંગમાં જીત માટે 340 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ માત્ર 155 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતના 11માંથી માત્ર બે બૅટ્સમૅનો બે આંકડામાં રન બનાવી શક્યા હતા.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આ મેચમાં બીજા દાવમાં ઓપનર યશસ્વી જયસ્વાલ સિવાયના બાકીના તમામ બૅટ્સમૅનો સદંતર નિષ્ફળ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલ 84 રને વિવાદાસ્પદ રીતે આઉટ થયા પછી ભારત માટે મૅચ ડ્રૉ કરવાની શક્યતા પણ પાતળી બની ગઈ હતી.
ઋષભ પંતે 30 રન બનાવ્યા હતા.
કૅપ્ટન રોહિત શર્મા ફરી બે આંકડાનો સ્કોર પાર ન કરી શક્યા જેને લઈને સોશિયલ મીડિયામાં તેમના માટે 'હૅપી રિટાયરમેન્ટ' ટ્રૅન્ડ થવા લાગ્યું.
રોહિતે 40 બૉલ રમીને માત્ર 9 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેઓ પોતાના સ્વભાવથી અલગ રમતા દેખાયા અને આક્રામક શૉટ્સને અવગણ્યા. પરંતુ પેટ કમિન્સનો એક ફુલ લેન્થ બૉલ તેમની બૅટનો કિનારો સ્પર્શ કરીને મિશેલ માર્શના હાથમાં પહોંચી ગયો અને તેઓ આઉટ થઈ ગયા.
રોહિતના આઉટ થયા બાદ વિરાટ કોહલી મેદાનમાં આવ્યા પરંતુ લંચના પાંચ મિનિટ પહેલાં જ તેઓ પાંચ રન બનાવીને આઉટ થઈ ગયા. તેમણે 29 બૉલનો સામનો કર્યો. કોહલી જ્યારે આઉટ થયા ત્યારે ભારતનો સ્કોર માત્ર 33 રન હતો.
બંને સિનિયર ખેલાડીઓ આઉટ થવાને કારણે સ્ટેડિયમમાં ભારતીય સમર્થકો તો નિરાશ થયા જ સાથે દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય સમર્થકોએ સોશિયલ મીડિયામાં પોતાની નિરાશા વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પર બંને ખેલાડીઓને સન્યાસ લઈ લેવાની સલાહ મળવા લાગી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયામાં લોકોનો ગુસ્સો
ગુરમીત ચઢ્ઢા નામના એક યુઝરે ઍક્સ પર લખ્યું છે, "કોહલી અને શર્માએ આપણને ઘણી મૅચ જીતાડી છે. પરંતુ હું સન્માન સાથે કહું છું કે હવે સમય આવી ગયો છે. હકીકત એ છે કે બુમરાહ કૅપ્ટનપદે રહ્યા હોત તો આપણે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જીતી ગયા હોત. અગાઉ પણ રહાણે, પંત, અશ્વિન અને વિહારીએ જ જીતાડ્યા હતા."
અન્ય એક યુઝર અનુજ સિંઘલે લખ્યું, "આ મૅચ પછી પણ કોહલી અને રોહિતની ટેસ્ટ કારકિર્દી ખતમ ન થાય તો ભારતીય ક્રિકેટ ગંભીર સંકટમાં છે. આપણે દરેક મૅચને 9 ખેલાડી વિરુદ્ધ 11 ખેલાડી (હરીફ ટીમ)થી ન રમી શકીએ."
અનુજ સિંઘલ સાથે સહમતિ દર્શાવતા ચેતન કૉલે કહ્યું, "સહમત છું. આપણે પાંચમી ટેસ્ટમાં પણ તેમને રમાડીશું તો તેનાથી એવો સંદેશ જશે કે આ ખેલાડીઓ રમત કરતા પણ મોટા છે અને સિરીઝ જીતવા કરતા વધુ મહત્ત્વપૂર્ણ છે."
અન્ય એક યુઝરે લખ્યું છે, "તેઓ માનસિક રીતે થાકી ગયા છે. ચાર વર્ષ સુધી એકની એક વસ્તુ ન ચાલે. હૅપી રિટાયરમેન્ટ."
યનિકા નામની એક યુઝરે કોહલી આઉટ થયા તે વીડિયો ક્લિપ શૅર કરતા કહ્યું, "વિરાટ કોહલી છેલ્લી 9 ઇનિંગથી એક જ રીતે આઉટ થાય છે. કોઈ સુધારો નહીં, એકની એક ભૂલ. વિરાટ કોહલીએ રિટાયરમેન્ટ વિશે વિચારવું જોઈએ."
ભૂતપૂર્વ ક્રિકેટરોએ શું કહ્યું?
પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું, "મને લાગે છે કે વિરાટ હજુ રમશે. તેઓ જે રીતે આઉટ થયા તે ભૂલી જાવ. પરંતુ મને લાગે છે કે તેઓ (વિરાટ કોહલી) હજુ ત્રણ-ચાર વર્ષ રમશે. રોહિતે પોતાના વિશે નિર્ણય લેવો પડશે. હવે તેમનું ફૂટવર્ક પહેલા જેવું નથી. બૉલ સાથે તેમનું ટાઈમિંગ બરાબર નથી. તેઓ હાલની સિરીઝ (બૉર્ડર -ગાવસ્કર)ના અંતમાં નિર્ણય લઈ શકે છે."
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ક વૉએ રોહિત શર્માના હાલના ફૉર્મ પર આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ભારતીય ટીમના સિલેક્ટર હોત તો રોહિતને ટેસ્ટ ટીમમાંથી કાઢી મૂક્યા હોત.
માર્ક વૉએ જણાવ્યું, "જો હું સિલેક્ટર હોત તો રોહિતને બીજી ઇનિંગ (મેલબર્ન ટેસ્ટ) પછી કહી દીધું હોત કે રોહિત તમારી સેવાઓ બદલ આભાર. અમે સિડની ટેસ્ટમાં બુમરાહને કૅપ્ટન તરીકે લાવવાના છીએ, તમારી ટેસ્ટ કારકિર્દી અહીં ખતમ થાય છે."
આટલું જ નહીં, રોહિત શર્માની કૅપ્ટનશિપ વિશે પણ સવાલ ઉઠી રહ્યા છે.
ઑસ્ટ્રેલિયન મીડિયામાં તેમને 'કૅપ્ટન ક્રાઈ બેબી' કહેવામાં આવે છે. મેલબર્નમાં ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ વખતે યશસ્વી જયસ્વાલે ત્રણ કૅચ છોડ્યા તેના પ્રત્યે રોહિતનું જે વલણ હતું તેની સામે પણ કેટલાક ક્રિકેટરોએ વાંધા ઉઠાવ્યા છે.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઇક હસીએ ફૉકસ ક્રિકેટ સાથેની વાતચીતમાં કહ્યું, "સાચું બોલું તો ભારતીય કૅપ્ટનનું આ વલણ મને પસંદ નથી પડ્યું.. તેઓ ભાવુક છે અને વિકેટ ઝડપવા માટે બહુ ઉતાવળા છે એ વાત સાચી, પરંતુ તમારે જ શાંત રહીને સાથીદારોને સમર્થન આપવાનું હોય છે."
રોહિત અને કોહલી આખું વર્ષ ટેસ્ટમાં ફ્લૉપ રહ્યા હતા.
રોહિતનું ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન સપ્ટેમ્બરથી ચાલુ છે. બાંગ્લાદેશ સામે પણ તેઓ નિષ્ફળ રહ્યા.
રોહિત ઘરઆંગણાની પરિસ્થિતિનો ફાયદો પણ ઉઠાવી શક્યો ન હતા અને બે ટેસ્ટની ચાર ઇનિંગ્સમાં માત્ર 42 રન જ બનાવી શક્યા હતા.
ન્યૂઝિલૅન્ડ સામે પણ આ દેખાવ ચાલુ રહ્યો અને છ ઇનિંગમાં 91 રન બનાવ્યા છે. ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પર્થ ટેસ્ટમાં રોહિત રમી શક્યા ન હતા.
તેઓ એડિલેડમાં ટેસ્ટ ટીમમાં જોડાયા હતા. જોકે, બીજી અને ત્રીજી ટેસ્ટમાં તેમણે છઠ્ઠા સ્થાને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહોતો. આ પછી તેણે મેલબર્નમાં ઓપનિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ અહીં પણ લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા.
સિડનીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી રમાશે. પરંતુ ક્રિકેટ ચાહકોએ અત્યારથી ભારતીય ટીમમાં કોણ રમશે તેના વિશે અંદાજ લગાવવાનું શરૂ કર્યું છે.
લોકો આ પ્રકારના સવાલો પૂછી રહ્યા છે:
શું રોહિત શર્માને બહાર કરાશે?
શું રોહિતની જગ્યાએ શુભમન ગિલ આવશે?
અને
શું પહેલી ટેસ્ટમાં કૅપ્ટનશિપ કરીને મૅચ જીતાડનાર જસપ્રીત બુમરાહ ફરી કૅપ્ટન બનશે ?
ઑસ્ટ્રેલિયાના બૉલરો છવાઈ ગયા
ઑસ્ટ્રેલિયા તરફથી સર્વાધિક વિકેટો લેનારા બૉલરોમાં કૅપ્ટન પેટ કમિન્સ અને સ્કૉટ બૉલૅન્ડે લીધી. બંને બૉલરોએ ત્રણ-ત્રણ વિકેટો ઝડપી. આ ઉપરાંત નાથન લાયને બે અને મિશેલ સ્ટાર્ક તથા ટ્રૅવિસ હેડે એક-એક વિકેટ લીધી.
ભારતની બીજી ઇનિંગમાં રોહિત શર્મા માત્ર નવ રન, કે. એલ. રાહુલ શૂન્ય રન, વિરાટ કોહલી પાંચ રન બનાવીને આઉટ થયા હતા. ઋષભ પંતે 30 રન બનાવ્યા હતા. જ્યારે રવીન્દ્ર જાડેજાએ માત્ર બે રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર નીતિશ રેડ્ડીએ બીજી ઇનિંગમાં માત્ર એક રન બનાવ્યો હતો.
પૂંછડીયા બૅટ્સમૅનો આ વખતે કોઈ કમાલ કરી શક્યા નહીં. ફાસ્ટ બૉલરો જસપ્રીત બુમરાહ અને સિરાઝ કોઈ પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયા હતા.
આ અગાઉ નવ વિકેટે આગળ વધીને ઑસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગમાં 234 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી જસપ્રીત બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટો ઝડપી હતી. પાંચ ટેસ્ટમૅચની શ્રેણીમાં ભારતે એક અને ઑસ્ટ્રેલિયાએ બે મેચ જીતી છે, જ્યારે એક મેચ ડ્રૉ ગઈ છે. ઑસ્ટ્રેલિયા હવે આ સિરીઝમાં 2-1થી આગળ થઈ ગયું છે.
આજની મૅચમાં ભારતીય બેટિંગના દેખાવે ચિંતા જગાવી છે. કારણ કે એક સમયે ટી બ્રેક વખતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 112 રન હતો અને એવું લાગતું હતું કે ભારત કદાચ મૅચ ડ્રૉ કરી જશે. પરંતુ ત્યાર પછી માત્ર 155 રનમાં આખી ટીમ આઉટ થઈ ગઈ હતી.
પાંચ મૅચની સિરિઝમાં ઑસ્ટ્રેલિયાએ હવે 2-1ની લીડ લઈ લીધી છે અને ત્રીજી જાન્યુઆરીએ સિડનીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટમૅચ શરૂ થશે. આજની મૅચમાં પરાજયના કારણે ઑસ્ટ્રેલિયાએ ટેસ્ટ ક્રિકેટમાં બીજું પદ જાળવી રાખ્યું છે જે તેને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં મદદ કરશે.
અત્યારે સાઉથ આફ્રિકા છે જેણે રવિવારે પાકિસ્તાન સામે વિજય મેળવ્યો છે અને નંબર વન ટેસ્ટ ટીમ બની છે.
ભારતીય ટીમ ટેસ્ટમાં તાજેતરમાં અનિયમિત દેખાવ કરી રહી છે. ભારતે ન્યૂઝિલૅન્ડ સામે પણ 3-0થી પરાજય સહન કર્યો હતો. ત્યાર પછી ઑસ્ટ્રેલિયા આવીને સારી શરૂઆત કરી અને પ્રથમ ટેસ્ટ જીતી લીધી હતી, પરંતુ એડિલેઈડમાં બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે જોરદાર પરાજય આપ્યો હતો. ભારતે આ વખતે ફાઇનલ સેશનમાં સાત વિકેટો ગુમાવી દીધી તે તેના પરાજયનું સૌથી મોટું કારણ સાબિત થયું છે.
ટેસ્ટમૅચમાં હાર બાદ રોહિત શર્મા શું બોલ્યા?
ટેસ્ટમૅચમાં હાર બાદ કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું, "આ બહુ નિરાશાજનક છે."
તેમણે કહ્યું, "અમે છેલ્લે સુધી લડવા માગતા હતા પરંતુ દુર્ભાગ્યથી આવું ન થઈ શક્યું. આખી મૅચની વાત કરીએ તો અમે ઘણી તકો મળી પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા."
રોહિત શર્માએ કહ્યું, "અમે સારી રમત ન રમી. અમે રૂમમાં જઈને વિચાર્યું કે હજુ એક ટીમ તરીકે સારું પ્રદર્શન કેવી રીતે કરી શકીએ છીએ."
"અમે છેલ્લાં બે સેશનમાં પોતાની વિકેટ બચાવવા માટે અને એક પ્લૅટફૉર્મ સેટ કરવાની કોશિશ કરી. પરંતુ ઑસ્ટ્રેલિયાએ સારી બૉલિંગ કરી."
યશસ્વીના આઉટ થવા પર વિવાદ
આ મૅચ દરમિયાન ભારતીય બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલને જે રીતે આઉટ અપાયા તેનાથી વિવાદ થયો છે.
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લએ થર્ડ અમ્પાયરના આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.
તેમણે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "યશસ્વી જયસ્વાલ સ્પષ્ટ રીતે નોટ આઉટ હતા. થર્ડ અમ્પાયરે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે ટૅક્નૉલૉજી શું કહે છે. નિર્ણય આપતી વખતે થર્ડ અમ્પાયર પાસે નક્કર કારણ હોવું જોઈએ."
વાસ્તવમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પેટ કમિન્સના બોલ પર વિકેટકિપરે કૅચ પકડ્યો, જેના પર આઉટની અપીલ કરવામાં આવી. પરંતુ ફિલ્ડ અમ્પાયરે યશસ્વી જયસ્વાલને નોટ આઉટ જાહેર કરી દીધો.
ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટને ડીઆરએસ લઈને થર્ડ અમ્પાયરને પૂછ્યું. થર્ડ અમ્પાયરે જયસ્વાલને આઉટ આપી દીધા. જયસ્વાલ 84 રન બનાવીને આઉટ થયા અને તેમણે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે પણ આ નિર્ણય સામે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
થર્ડ અમ્પાયરના આ નિર્ણયને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન