નીતીશકુમાર રેડ્ડી : ઑસ્ટ્રેલિયા સામે આઠમા નંબરે આવીને સદી ફટકારનાર 'સંકટમોચક' ખેલાડી

શનિવારે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ રમાઈ, ત્યારે ભારતીય ટીમના નીતીશકુમાર રેડ્ડીએ પહેલી સદી ફટકારી હતી. બૉક્સિંગ ડેથી શરૂ થયેલી ટેસ્ટ મૅચમાં ભારતની સ્થિતિ કપરી હતી.

ત્રીજા દિવસે પાંચ વિકેટે 164 રનના સ્કોરથી ભારતે ઇનિંગ શરૂ કરી, ત્યારે ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર હતા.

ભારતનો સ્કોર 200ને પાર કરે એ પહેલાં ઋષભ પંતે સ્વરૂપે છઠ્ઠી વિકેટ પડી. એ પછી નીતીશકુમાર રેડ્ડી મેદાનમાં આવ્યા.

નવી જોડી હજુ જામે એ પહેલાં જ રવીન્દ્ર જાડેજા આઉટ થઈ ગયા. એ પછી વૉશિંગ્ટન સુંદર મેદાન પર આવ્યા. આ જોડીએ સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું.

ત્રીજા દિવસના પહેલા સેશન પૂર્ણ થયું, ત્યારે પણ ભારત પર ફૉલૉઓનનું જોખમ તોળાઈ રહ્યું હતું.

જોકે, બીજા સેશનમાં નીતીશકુમાર અને વૉશિંગ્ટન સુંદરની રમતને કારણે બીજા સેશનના અંત સુધીમાં ભારતે ફૉલૉઓન ટાળી દીધું હતું.

ટી-બ્રૅક પહેલાં બંને બૅટ્સમૅને ભારતના સ્કોરને 326 પર પહોંચાડી દીધું હતું. એ પછી વરસાદ આવ્યો હતો અને મૅચમાં અવરોધ ઊભો થયો હતો.

વરસાદનું વિઘ્ન હઠ્યું, નીતીશ ચમક્યા

મૅચ પરથી વરસાદનું વિઘ્ન દૂર થયું એ પછી વૉશિંગ્ટન સુંદર અડધી સદી ફટકારીને આઉટ થઈ ગયા. વૉશિંગ્ટન સુંદરના સ્થાને જસપ્રીત બુમરાહ આવ્યા, તે પણ લાંબા ટૂંક સમયમાં આઉટ થઈ ગયા હતા.

જોકે, નીતીશકુમારે બીજો છેડો જાળવી રાખ્યો હતો. સિરાજ સામે છેડે હતા ત્યારે નીતીશે સદી ફટકારી હતી. નીતીશે 171 બૉલ લીધા હતા.

ઑસ્ટ્રેલિયાની ધરતી પર આઠમા ક્રમાંકે ઊતરીને સદી ફટકારનાર પ્રથમ બૅટ્સમૅન બન્યા છે.

યશસ્વી જયસ્વાલ (82) સિવાય ટોચના કોઈ બૅટ્સમૅને સારું પ્રદર્શન કર્યું ન હતું.

ભારતીય ક્રિકેટનો ઇતિહાસ જોઈએ તો સચીન તેંડુલકર, વિરાટ કોહલી અને હવે જયસ્વાલ તથા રેડ્ડી ઑસ્ટ્રેલિયાની ધરતી પર પોતાની શાનદાર કારકિર્દીની ઝલક દેખાડી રહ્યા છે.

નીતીશકુમાર રેડ્ડીએ હાલની બૉર્ડર-ગાવસ્કર શ્રેણી થકી જ ટેસ્ટક્ષેત્રે પદાર્પણ કર્યું. નવેમ્બર મહિનામાં પહેલી ટેસ્ટ રમી.

નીતીશકુમારે પર્થ ખાતેની પહેલી મૅચમાં 41 રન ફટકારીને સ્થિતિને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. તેમણે 59 બૉલમાં છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

એ મૅચમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. પહેલી ઇનિંગમાં માત્ર 49 ઓવર અને ચાર બૉલમાં ભારતની ટીમ 150 રને ઑલઆઉટ થઈ ગયું.

ઑસ્ટ્રેલિયા પ્રવાસની ભારતની છ ઇનિંગ પર નજર કરીએ તો છમાંથી ચાર ઇનિંગમાં નીતીશકુમારે ભારતીય ટીમ વતી સૌથી વધુ જુમલો ખડક્યો છે.

રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર તથા શુભમન ગીલ જેવા ખેલાડીઓને દરેક મૅચ રમવાની તક નહોતી મળી, પરંતુ કોહલી અને બુમરાહની જેમ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી.

ગત પ્રવાસ દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને અવગણીને કોચ ગૌતમ ગંભીર તથા મુખ્ય પસંદગીકર્તા અજિત અગરકર શા માટે આંધ્ર પ્રદેશના યુવા ખેલાડી પર દાવ રમી રહ્યા છે, એવા સવાલ ઊઠ્યા હતા.

કોણ છે નીતીશકુમાર રેડ્ડી?

નીતીશકુમારની ઉંમર 21 વર્ષ છે. તેઓ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના રહીશ છે. 26 મે 2003ના તેમનો જન્મ થયો હતો.

પાંચ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમનારા નીતીશકુમારે વર્ષ 2023માં આઈપીએલ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. જોકે, નીતીશને વર્ષ 2024ની આઈપીએલથી ઓળખ મળી હતી.

નીતીશે આઈપીએલની એ સિઝનમાં 13 મૅચમાં 303 રન ફટકાર્યા હતા. તેમની સ્ટ્રાઇકરેટ 142 રનની હતી. તેમણે ત્રણ વિકેટ લીધી.

જાન્યુઆરી-2024માં નીતીશકુમારે ઉત્કૃષ્ટ બૉલિંગ કરી અને રણજી ટ્રૉફીમાં મુંબઈની સામે પાંચ વિકેટ લીધી, જેમાં અજિંક્ય રહાણે તથા શ્રેયસ અય્યર જેવા ખેલાડીનો પણ સમાવેશ થતો હતો.

નીતીશકુમારની વર્તમાન શ્રેણીમાં પસંદગી થઈ, ત્યારે મીડિયા તથા પૂર્વ ક્રિકેટરોના એક વર્ગે આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા.

જોકે, નીતીશકુમાર તેનાથી વિચલિત નહોતા થયા અને પોતાની રમત પર જ ધ્યાન આપ્યું હતું.

વરિષ્ઠ સ્પૉર્ટ્સ પત્રકાર વિમલકુમારના કહેવા પ્રમાણે, નીતીશ રેડ્ડી પોતાને વિરાટ કોહલીના ફૅન જણાવે છે. તેઓ ખૂબ જ ટૅલેન્ટેડ છે.

વિમલનું માનવું છે કે બહુ થોડા ખેલાડી એવા છે કે જેમને ફાસ્ટ-બૉલિંગના ક્વૉટામાંથી ઑલ-રાઉન્ડર ગણી શકાય. નીતીશકુમાર રેડ્ડી તેમાંથી એક છે. હાલમાં હાર્દિક પંડ્યા તેમાંથી એક છે.

આઈપીએલ ક્રિકેટર હનુમા વિહારીનું કહેવું છે કે નીતીશકુમાર જ્વલ્લે જ જોવા મળતા કૌશલ્યવાન ખેલાડી છે બીસીસીઆઈએ તેમની પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.