ટ્રૅવિસ હેડ: ઑસ્ટ્રેલિયાના આ બૅટ્સમૅનની રણનીતિ જેનો તોડ ભારતીય બૉલરો નથી શોધી શક્યા

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભરાવદાર મૂછોવાળા, ગંભીર ચહેરાવાળા આ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર બૅટ્સમૅનથી સેંકડો ભારતીય ક્રિકેટચાહકો જાણે તોબા પોકારી ગયા છે. બૅટના હૅન્ડલ પર જ્યારે હૅલ્મેટ ટાંગીને ઉજવણી થતી દેખાય તો સમજી જવું કે ઑસ્ટ્રેલિયાના આ વિકેટકીપર ટ્રૅવિસ હેડની 'સિગ્નેચર સ્ટાઇલ' છે અને તેમણે વધુ એક કમાલ કરી છે.

પરંતુ આજકાલ તેમની આ ઉજવણીથી ભારતીય ક્રિકેટચાહકોને બહુ ડર લાગે છે. કારણ કે, ભારત સામે એકવાર તેમની બેટિંગ શરૂ થાય એ પછી જાણે કે એ સદી વગર પૂર્ણ થતી જ નથી.

હાલમાં ચાલી રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં પણ તેઓ સતત બે મૅચમાં બે સદી ફટકારી ચૂક્યા છે, બ્રિસ્બેન ટેસ્ટમાં તેમણે 152 રન ફટકારીને ઑસ્ટ્રેલિયાનો સ્કોર 445 રન સુધી લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અને ઊંચા સ્કોર સામે ભારતની ટીમની હાલત ફરી એકવાર નાજુક છે.

445 રનના સ્કોરનો પીછો કરતાં ભારતની ટીમે ચોથા દિવસની રમતના અંતે નવ વિકેટે 252 રન બનાવ્યા છે.

સોશિયલ મીડિયા પર ક્રિકેટચાહકો ટ્રૅવિસ હેડને કહી રહ્યા છે કે, "હવે, ખમૈયા કરો...". છેલ્લા કેટલાક સમયથી તેમની છાપ એવી ઊભી થઈ છે કે તેઓ મહત્ત્વની મૅચમાં અવશ્ય મોટો સ્કોર કરીને ભારતને હરાવવામાં નિમિત્ત બને છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી શરૂ થઈ ત્યારથી પણ તેમની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે.

ભારત માટે માથાનો દુ:ખાવો બન્યા 'હેડ'

30 વર્ષના ડાબોડી વિકેટકીપર બૅટ્સમૅન ટ્રૅવિસ હેડનું પ્રદર્શન માત્ર આ ટુર્નામેન્ટમાં જ ભારત સામે સારું રહ્યું હોય તેવું નથી. ભૂતકાળમાં અનેક વખત ન માત્ર તેમણે એકલે હાથે ભારતને હરાવ્યું છે, પરંતુ એવી મૅચમાં હરાવ્યું છે જે મૅચમાં જીતની કરોડો ભારતીયો પ્રતીક્ષા કરતા હોય.

ગત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઑવલના મેદાન પર ટ્રૅવિસ હૅડે 174 બૉલમાં 163 રન ફટકાર્યા હતા અને પ્લૅયર ઑફ ધી મૅચ બન્યા હતા. ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાની 209 રને જીત થઈ હતી અને ભારતનું પ્રથમ વાર ટેસ્ટ ચૅમ્પિયનશિપ જીતવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું.

2023ના વન-ડે વર્લ્ડકપમાં વિજયરથ પર સવાર ભારતની ટીમ વિશે કોઈ કલ્પના કરવા તૈયાર ન હતું કે આ ટીમ ફાઇનલમાં હારી શકે. એવી પરિસ્થિતિમાં ભારતે આપેલા 241 રનના પડકારનો પીછો કરતાં ટ્રૅવિસ હૅડે 120 બૉલમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 137 રન ફટકાર્યા હતા. ભારતીય બૉલરો અને કરોડો ભારતીય ક્રિકેટફેન્સ અવાક્ રહી ગયા હતા અને હેડને કારણે ભારતનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.

અને હવે હાલમાં ચાલી રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં પણ હેડે ત્રણ ટેસ્ટ મૅચમાં સતત 89 રન, 140 રન અને 152 રનની ઇનિંગ્સ રમી છે, અને ભારતને મુશ્કેલીમાં મૂક્યું છે.

ભારત સામે ટ્રૅવિસ હેડનો રેકૉર્ડ પણ ખૂબ પ્રભાવશાળી રહ્યો છે. હેડે તેમની ટેસ્ટ કારકિર્દીમાં નવ સદી ફટકારી છે, જેમાંથી સૌથી વધુ ત્રણ સદી તેમણે ભારત સામે ફટકારી છે.

તેમની ટેસ્ટ કારકિર્દીમાં તેમણે સૌથી વધુ 1107 રન પણ ભારતની ટીમ સામે જ બનાવ્યા છે.

વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ આફરીન

ટ્રૅવિસ હેડના સતત સાતત્યપૂર્ણ પ્રદર્શનથી વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન તેમના પર કેન્દ્રિત છે. ખાસ કરીને ભારતની ટીમ સામેના તેમના સતત સારા પ્રદર્શનને કારણે તેઓ ચર્ચામાં છે.

આઇસીસી રિવ્યૂના લેટેસ્ટ ઍપિસોડમાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે હેડની સરખામણી ઍડમ ગિલક્રિસ્ટ સાથે કરી હતી.

તેમણે હૅડના બેટિંગ એપ્રોચ અને સતત મૅચ જીતાડતાં સાતત્યપૂર્ણ પ્રદર્શનના વખાણ કર્યાં હતાં.

ક્રિકેટ ઍક્સ્પર્ટ અને કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું હતું કે, "ટ્રૅવિસ હેડે ઑસ્ટ્રેલિયાની ટીમ માટે ગેમ ચેન્જર ખેલાડી છે. તેમણે આ પહેલાં જે આઠ મૅચમાં સદી ફટકારી છે એ તમામ આઠ મૅચ ઑસ્ટ્રેલિયા જીત્યું છે."

બ્રિસ્બેન ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજનસિંહે જ ટ્રૅવિસ હેડને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું હતું કે, "હું ભારતીય દર્શકો વતી તમને પૂછવા માગું છું કે તમારી સામે કેવી રીતે બૉલિંગ કરવી? તમે ભારત સામે જ આટલા રન કેમ બનાવી રહ્યા છો?"

હેડે કહ્યું હતું કે, "ભારત સામે અમે એટલી વખત રમી ચૂક્યા છીએ કે જેના કારણે મગજમાં એક બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. ભારતે આ મૅચમાં તેનો પ્લાન બદલ્યો હતો, અને આ મૅચમાં હું ઘણો દબાણમાં હતો, પરંતુ મેં પહેલેથી તૈયારી કરી હતી, જેના કારણે હું આ વખતે પણ સફળ થયો."

હેડ સામે ભારતના બૉલરોની રણનીતિ કેમ નિષ્ફળ જઈ રહી છે?

બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં પણ ભારતના બૉલરો હેડને ઝડપથી આઉટ કરી શક્યા નથી. હેડને આ સિરીઝમાં ચારમાંથી બે વખત બુમરાહે આઉટ કર્યા છે.

વરિષ્ઠ ખેલ પત્રકાર તુષાર ત્રિવેદી કહે છે, "ટ્રૅવિસ હેડની ટૅકનિક સારી છે તેમાં કોઈ બે મત નથી. પણ સાથે સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે ભારતીય બૉલરો હેડની ખામી શોધી શક્યા નથી. ટ્રૅવિસ હેડે ભારત સામે સારી મહારત હાંસલ કરી લીધી છે."

પરંતુ હૅડનું પ્રદર્શન ભારતની ટીમ સામે જ કેમ વધુ સારું છે? એ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "ભૂતકાળમાં પણ ભારત પર ટ્રૅવિસ હેડ ભારે પડ્યા હોવા છતાં ભારતે તેમાંથી બોધપાઠ લીધો નથી. બુમરાહ જેવા બૉલર પણ તેને જલ્દી આઉટ કરી શકતા નથી. હકીકત તો એવી છે કે ભારતીય ટીમનું ફોકસ સ્મિથ, લાબુશેન અને ખ્વાજા જેવા બૅટ્સમૅનો પર જ રહ્યું છે. ભારતની રણનીતિનું ધ્યાન ઑસ્ટ્રેલિયાના બૉલરોને કઈ રીતે સંભાળવા તેમાં પણ વધુ રહ્યું છે. ભારતે પછડાટ મળ્યા બાદ પણ હૅડને નજરઅંદાજ કર્યા તેનું આ પરિણામ છે."

આ ટુર્નામેન્ટમાં હેડનો સ્ટ્રાઇકરેટ પણ ઊંચો રહ્યો છે. બ્રિસ્બેન ટેસ્ટમાં તેમનો સ્ટ્રાઇકરેટ 95નો, ઍડિલેડ ટેસ્ટમાં તેમનો સ્ટ્રાઇકરેટ 99.29નો અને પર્થમાં ઑસ્ટ્રેલિયા હાર્યું એ મૅચમાં પણ તેમનો સ્ટ્રાઇકરેટ 88.12નો રહ્યો છે.

તુષાર ત્રિવેદી કહે છે, "એક બૅટ્સમૅન તરીકે વાત કરીએ તો ખૂબ પારંગતતાથી અને ટૅકનિકને આધારે હેડ બેટિંગ કરે છે એવું નથી. પરંતુ તેઓ એક ચોક્કસ રણનીતિ અને માઇન્ડસેટ સાથે રમે છે. તેઓ જરૂર પડે ત્યારે ડિફેન્સિવ બેટિંગ કરે છે, પરંતુ રમતને અંતે તમે જુઓ તો તેમનો સ્ટ્રાઇકરેટ લગભગ 100ની નજીક હોય છે."

તેઓ કહે છે, "હેડ એક ચોક્કસ ટૅક્નિકને અનુસરે છે. તેઓ અમુક ઑવરો સુધી ડિફેન્સિવ બની જાય છે, જેથી કરીને બૉલરોને લાગે કે તેઓ હવે નિયંત્રણમાં આવી ગયા છે. પરંતુ થોડીવાર રહીને તેઓ આક્રમક બને છે, અને પછી જો તેઓ સેટ થઈ જાય તો તેમને આઉટ કરવા મુશ્કેલ થઈ જાય છે. તેઓ થોડી ઑવર સુધી બૉલરને એવા ભ્રમમાં રાખે છે તેઓ ડિફેન્સિવ છે, બૉલરની સાઇકૉલૉજી ચેન્જ થાય તેનો તેઓ લાભ ઉઠાવે છે."

"આમ, ટૅક્નિકલી બેટિંગમાં પરફેક્શન ન હોવા છતાં તેઓ માઇન્ડગેમથી પ્રભુત્ત્વ સ્થાપિત કરી દે છે. તેમની બેટિંગ ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન ગુંડપ્પા વિશ્વનાથની યાદ અપાવે છે."

ટ્રૅવિસ હેડની સફર

30 વર્ષીય ડાબોડી બૅટ્સમૅન ટ્રૅવિસ હેડનો જન્મ સાઉથ ઑસ્ટ્રેલિયાના ઍડિલેડમાં થયો હતો.

2016માં 22 વર્ષની ઉંમરે તેમની ઑસ્ટ્રેલિયાની ટી-20 ટીમ માટે પસંદગી થઈ હતી, અને 2018માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું હતું.

ભારતમાં રમાયેલા 2023ના વન-ડે વર્લ્ડકપ પહેલાં તેઓ હાથની ઈજાને કારણે થોડો સમય ક્રિકેટમેદાનથી બહાર થઈ ગયા હતા, ટીમ મૅનેજમેન્ટને પણ ચિંતા હતી. પરંતુ અંતે તેમણે ફાઇનલમાં જ સદી ફટકારીને ઑસ્ટ્રેલિયાને વર્લ્ડકપ અપાવ્યો હતો.

હેડે અત્યાર સુધીમાં 52 ટેસ્ટ મૅચમાં 44.56ની સરેરાશથી 3565 રન બનાવ્યા છે. જેમાં નવ સદી અને 17 અડધી સદી સામેલ છે.

જ્યારે 69 વન-ડેમાં પણ તેમણે 44ની સરેરાશથી છ સદી અને 16 અડધી સદી સાથે 2645 રન બનાવ્યા છે.

તેઓ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હીની ટીમો તરફથી રમી ચૂક્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.