You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL હરાજી: 1.10 કરોડની જેના માટે બોલી લાગી તે 13 વર્ષનો વૈભવ કોણ છે?
13 વર્ષના વૈભવ સૂર્યવંશીને આઈપીએલ(ઇન્ડિયન પ્રીમીયર લીગ) મેગા હરાજીમાં રાજસ્થાન રૉયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે આટલી નાની વયના ખેલાડીને હરાજીમાં ખરીદવામાં આવ્યો હોય.
2025 IPL સિઝન માટેની મેગા ઑક્શન છેલ્લા બે દિવસમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી.
વૈભવ સૂર્યવંશી પર બોલી લગાવવા માટે રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે હરિફાઈ ચાલી હતી.
અંતે, રાહુલ દ્રવિડની રાજસ્થાન રૉયલ્સે 13 વર્ષના વૈભવને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વૈભવની બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયા હતી.
રાજસ્થાન રૉયલ્સના સીઈઓ જૅક મેક્કુલમે કહ્યું હતું કે, "વૈભવ નાગપુરમાં અમારા સેન્ટરમાં આવ્યો હતો. અમે ત્યાં તેને ચકાસ્યો હતો. તેણે પોતાના પ્રદર્શનથી અમને બધાને પ્રભાવિત કર્યા. તેની પાસે આઈપીએલમાં રમવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ છે."
નાઇટ ક્લબમાં બાઉન્સર હતા વૈભવના પિતા
વૈભવના પિતા સંજીવ પણ ક્રિકેટર હતા. ક્રિકઇન્ફો વેબસાઇટ અનુસાર, તે તેની આર્થિક સ્થિતિને કારણે તેઓ આગળ ક્રિકેટ રમી શક્યા નહીં.
વૈભવની પસંદગી થયા પછી તેના પિતા સંજીવે કહ્યું હતું કે, "હું અવાચક છું. મને ખબર નથી પડતી કે શું બોલવું. અમારા પરિવાર માટે આ બહુ મોટી વાત છે. મેં વિચાર્યું હતું કે તે પસંદ થઈ જશે, પણ આટલી હરીફાઈ હશે એવી મને ખબર નહોતી."
તેમણે કહ્યું હતું કે, "મને ક્રિકેટમાં ખૂબ રસ હતો. મને આજે પણ એ બધું યાદ છે કે 19 વર્ષની વયે મારે મુંબઈ આવવું પડ્યું હતું. ત્યાં મેં ભાત-ભાતના કામ કર્યા હતા. મેં એક નાઇટ ક્લબમાં બાઉન્સર તરીકે પણ કામ કર્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંજીવ સૂર્યવંશીએ કહ્યું હતું કે, "હું ઘણી વખત એવું વિચારતો કે મારું નસીબ ક્યારે બદલાશે, પણ હું જે કરવા ઇચ્છતો હતો તે હવે મારા દીકરાએ કરી દેખાડ્યું છે. મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે પણ કમસે કમ હવે મારે તેના ક્રિકેટ વિશે કોઈને પૂછવાની જરૂર નથી."
રાજસ્થાન રૉયલ્સ અંગે સંજીવ સૂર્યવંશીએ કહ્યું હતું કે,"રાજસ્થાન રૉયલ્સે ઘણા યુવા ખેલાડીઓ આપ્યા છે. રાજસ્થાને સંજુ સૅમસન, ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓ આપ્યા છે."
વૈભવ અત્યાર સુધીમાં પાંચ રણજી મૅચ રમી ચૂક્યો છે. જોકે, તેણે રણજીમાં હજુ સુધી કોઈ શાનદાર પ્રદર્શન કર્યું નથી.
પાંચ મૅચોમાં તેણે ફક્ત 100 રન બનાવ્યા છે. જેમાં મધ્યપ્રદેશ સામે બનાવેલા 41 રન સામેલ છે.
તેણે 23 નવેમ્બરે રાજકોટમાં સૈયદ મુશ્તાક અલી સિરીઝમાં પદાર્પણ કર્યું હતું, તેણે રાજસ્થાનના ડાબોડી ઝડપી બોલર અનિકેત ચેલાત્રીની ઑવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા અને છ બૉલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો.
9 વર્ષનો હતો ત્યારે એક ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો વૈભવ
તમામ ભારતીય ક્રિકેટ ચાહકોને 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીની સિક્સર યાદ હશે.
ધોનીએ ભારતીય ટીમને વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા સામે ઐતિહાસિક જીત અપાવી હતી. આ જીતના પાંચ દિવસ પહેલાં 27 માર્ચ, 2011ના રોજ વૈભવ સૂર્યવંશીનો જન્મ થયો હતો.
વૈભવે 12 વર્ષની ઉંમરે બિહારથી ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
વૈભવે અંડર-19 ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે 58 બૉલમાં સદી ફટકારી હતી. યુવા ટેસ્ટમાં ભારત તરફથી રમતા વૈભવે ઓછા બૉલમાં સદી ફટકારી હતી.
“જ્યારે હું 9 વર્ષનો હતો, ત્યારે હું બિહારના સમસ્તીપુરમાં એક ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો અને ત્યાં અઢી વર્ષ સુધી તાલીમ લીધા પછી, મેં વિજય મર્ચન્ટ સિરીઝમાં અંડર-16 ટેસ્ટમૅચમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું.” વૈભવે ટાઇમ્સ ઑફ ઈન્ડિયાને આ વાત જણાવી હતી.
સમસ્તીપુરના રહેવાસી વૈભવે બીહારમાં રણધીર વર્મા અન્ડર 19 ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. વૈભવ વેસ્ટ ઈન્ડિઝના દમદાર ભૂતપૂર્વ બેટ્સમૅન બ્રાયન લારાને અનુસરે છે. ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને ક્રિકેટ કોચ વસીમ જાફર જરૂર પડ્યે વૈભવને માર્ગદર્શન આપે છે.
આ વખતે હરાજીમાં કેટલા ખેલાડી હતા?
આ વખતની હરાજીમાં 10 ટીમોએ આઈપીએલ 2025 અને આગામી સિઝન માટે ખેલાડીઓની પસંદગી કરી હતી.
આ વર્ષની હરાજીમાં 2000થી વધુ ખેલાડીઓની યાદીમાંથી 577 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ સામેલ થયા હતા.
આ વર્ષે રિટેન કરાયેલા ખેલાડીઓની રકમ સિવાય, દરેક ટીમ પાસે બોલી લગાવવા માટે 120 કરોડ રૂપિયા રીઝર્વ હતા.
આઇપીએલ ઇતિહાસના મોંઘેરા ખેલાડીઓ
• ઋષભને લખનઉ સુપરજાયન્ટ્સે રૂ. 27 કરોડમાં ખરીદ્યો હતો (2025)
• પંજાબે શ્રેયસ ઐયરને રૂ. 26.75માં ખરીદ્યો હતો. (2025)
• કોલકાતાએ મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. (2024)
• વેંકટેશ અય્યરને કોલકાતાએ 23.75 કરોડમાં ખરીદ્યો હતો.(2025)
• કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 20.50 કરોડમાં ખરીદ્યો હતો.(2024)
• પંજાબે સેમ કરનને 18.50 કરોડમાં ખરીદ્યો હતો. (2023)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન