You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
6ixty : હવે 60 બૉલની ક્રિકેટ ટુર્નામેન્ટ, બૉલરને બે ઓવર અને કુલ છ વિકેટ, શું છે
- લેેખક, અબ્દુલ રશીદ શકૂર
- પદ, બીબીસી ઉર્દૂ, કરાચી
એક સમય એવો હતો જ્યારે પરંપરાવાદીઓ ક્રિકેટ પર હાવી હતા. રમતના નિયમો અને શૈલીમાં ફેરફારોની વાત થતી, ત્યારે મોટેભાગે એવું માની લેવામાં આવતું હતું કે આ ફેરફારોથી ક્રિકેટની જૂની પરંપરાને અસર થશે.
પરંતુ પછી બદલાતા સમયની સાથે ચાલવાની ઇચ્છાએ જૂના મૂલ્યોને બાજુ પર રાખીને એક નવી પરંપરાનો જન્મ થયો અને આજે ક્રિકેટમાં પાંચ દિવસની પરંપરાગત ટેસ્ટ મૅચથી માત્ર 60 બૉલની મૅચ સુધી વાત આવીને અટકી છે.
બીજા શબ્દોમાં કહીએ તો દરિયાને દરેક ખૂણેથી બંધવી દેવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ અને કૅરેબિયન ક્રિકેટ લીગ દ્વારા થોડા દિવસો પહેલાં નવા ફૉર્મેટની ટુર્નામેન્ટની જાહેરાત કરવામાં આવી છે અને તેને 6ixty નામ આપવામાં આવ્યું છે.
6ixty શું છે?
6ixty નામ પ્રમાણે, 60 બૉલનું ફૉર્મેટ છે જેમાં વિશ્વભરના ક્રિકેટરો ભાગ લેશે. આ શ્રેણીની પ્રથમ ટુર્નામેન્ટ 24 થી 28 ઑગસ્ટ દરમિયાન સેન્ટ કીટ્સ અને નેવિસમાં રમાશે.
આ ફૉર્મેટમાં બૅટિંગ કરનાર દરેક ટીમની છ વિકેટ હશે. છઠ્ઠી વિકેટ પડવાનો મતલબ ઑલઆઉટ થશે.
આ ફૉર્મેટમાં રમવાના આવતા 60 બૉલમાંથી પ્રથમ 30 બૉલ એક છેડેથી અને બાકીના 30 બૉલ બીજા છેડેથી નાખવામાં આવશે. કોઈપણ બૉલર બે ઓવરથી વધુ બૉલિંગ કરી શકશે નહીં.
જો કોઈ ટીમ નિર્ધારિત સમયની અંદર તેની ઓવર પૂરી કરી ન શકે, તો તે ટીમના એક ખેલાડીને છેલ્લા છ બૉલ માટે મેદાનની બહાર મોકલી દેવામાં આવશે.
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડનો દાવો છે કે આ ફૉર્મેટ ટી-ટેન ક્રિકેટને ધરમૂળથી બદલી નાખશે અને તે ઝડપી ગતિનું ફૉર્મેટ પુરવાર થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટી-20 ક્રિકેટ લોકપ્રિયતાના શિખરે
94 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યા બાદ દુનિયાએ વન-ડે ઇન્ટરનેશનલના રૂપમાં ક્રિકેટનું એક નવું ફૉર્મેટ જોયું હતું, પરંતુ ટેસ્ટ ક્રિકેટ અને વન-ડે ઇન્ટરનેશનલ પછી આવેલા ટી-20 ફૉર્મેટે બધાને પાછળ છોડી દીધા છે.
ટી-20 ક્રિકેટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવવાની સાથે આ ક્રિકેટે ટેસ્ટ ટીમ રમતા લગભગ દરેક મોટા દેશોમાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટના રૂપમાં નફાકારક વ્યવસાયનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે.
મામલો માત્ર T20 સુધી સીમિત ન રહેતા હવે તેને સંપૂર્ણપણે અલગ ક્રિકેટ ટી-10 સુધી લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ ઇંગલૅન્ડના મેદાનમાં 100 બૉલની નવી ઇવેન્ટ 'ધ 100' દ્વારા ચાહકોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
સંક્ષિપ્તમાં: હવે 60 બૉલની ક્રિકેટ ટુર્નામેન્ટ, ક્યાં અટકશે આ ઝડપી ક્રિકેટનો સિલસિલો?
- વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ અને કૅરેબિયન ક્રિકેટ લીગ દ્વારા થોડા દિવસો પહેલાં નવા ફૉર્મેટની ટુર્નામેન્ટની જાહેરાત કરવામાં આવી છે અને તેને 6ixty નામ આપવામાં આવ્યું છે.
- 6ixty નામ પ્રમાણે, 60 બૉલનું ફૉર્મેટ છે જેમાં વિશ્વભરના ક્રિકેટરો ભાગ લેશે. આ શ્રેણીની પ્રથમ ટુર્નામેન્ટ 24 થી 28 ઑગસ્ટ દરમિયાન સેન્ટ કીટ્સ અને નેવિસમાં રમાશે.
- આમાં બેટિંગ કરનાર દરેક ટીમની છ વિકેટ હશે. છઠ્ઠી વિકેટ પડવાનો મતલબ ઑલઆઉટ થશે.
- આમાં રમવાના આવતા 60 બૉલમાંથી પ્રથમ 30બૉલ એક છેડેથી અને બાકીના 30બૉલ બીજા છેડેથી નાખવામાં આવશે. કોઈપણ બૉલર બે ઓવરથી વધુ બૉલિંગ કરી શકશે નહીં.
- જો કોઈ ટીમ નિર્ધારિત સમયની અંદર તેની ઓવર પૂરી કરી ન શકે, તો તે ટીમના એક ખેલાડીને છેલ્લા છ બૉલ માટે મેદાનની બહાર મોકલી દેવામાં આવશે.
- વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડનો દાવો છે કે આ ફૉર્મેટ ટી-10 ક્રિકેટને ધરમૂળથી બદલી નાખશે અને તે ઝડપી ગતિનું ફૉર્મેટ પુરવાર થશે.
'આ બધો પૈસાનો ખેલ છે'
ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર બાજીદ ખાન કહે છે, "ક્રિકેટમાં જે અવનવા ફેરફારો આવી રહ્યા છે તેની સાથે લડવું મૂર્ખામીભર્યું ગણાશે કારણ કે દુનિયા એ દિશામાં આગળ વધી ગઈ છે અને આ વલણ રોકી શકાશે નહીં કારણ કે આમાં પૈસાનો મુદ્દો એકદમ સ્પષ્ટ છે."
"બ્રૉડકાસ્ટર્સ અને ખેલાડીઓ ખુશ છે. કારણ કે ટી-20 અને ટી-10 જેવા ટૂંકા ફોર્મેટમાં પૈસા બહુ વધારે મળે છે."
પત્રકાર અને વિશ્લેષક ઉસ્માન સમીઉદ્દીન પોતાની વાતની શરૂઆત રસપ્રદ મજાકથી કરે છે, "આ રમતમાં છેલ્લું ફૉર્મેટ આવશે તે એક બૉલનું હશે. એટલે કે માત્ર એક જ બૉલ ફેંકવાનું ફૉર્મેટ રમાશે."
ઉસ્માન સમીઉદ્દીને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ડેવિડ લોયડની મજાકને ટાંકીને કહ્યું કે એ સમય દૂર નથી જ્યારે બંને ટીમના કપ્તાન ટૉસ ઉછાળવા મેદાનમાં જશે અને જે પણ ટૉસ જીતશે તેને મૅચના વિજેતા જાહેર કરવામાં આવશે.
ઉસ્માન સમીઉદ્દીન કહે છે, "હાલના સમયમા જે ઝડપે નવા ફૉર્મેટ ઊભરી રહ્યા છે, તેમાં આઈસીસી પણ કશું કરી શકે તેમ નથી કારણ કે આઈસીસી એક મજબૂર સંસ્થા છે."
"સભ્યો પોતાની ઇચ્છા પ્રમાણે કરશે. મારી આઈસીસીનાં કેટલાક સભ્યો સાથે જે વાત થઈ છે તેના પરથી મને દેખાઈ રહ્યું છે કે વર્તમાન સ્થિતિમાં સૌથી વધુ નુકસાન વન ડે ઇન્ટરનેશનલને થશે. તેનું કારણ એ છે કે સુપર લીગને વન ડે ઇન્ટરનેશનલમાંથી હઠાવી દેવામાં આવ્યું છે અને વર્ષ 2027ના વર્લ્ડ કપ માટે ઇન્ટરનેશનલ રૅન્કિંગના આધારે ટીમોની સીધી પસંદગી કરવામાં આવશે."
તે કહે છે, "ક્રિકેટ કૅલેન્ડર પર એટલું દબાણ છે કે પહેલાંથી જ હતી તે ફ્રૅન્ચાઇઝી લીગ સિવાયની નવી લીગ પણ આવી રહી છે જેમાં દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે."
"આ સંજોગોમાં વન ડે ફૉર્મેટ પર દબાણ આવશે કારણ કે મારી તાજી જાણકારી મુજબ આઈસીસીના સભ્યો વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચૅમ્પિયનશિપથી ખુશ છે."
"મને એવું દેખાઈ રહ્યું છે કે વન-ડે ફૉર્મેટમાં વર્લ્ડ કપ અને ચૅમ્પિયન્સ ટ્રૉફીના રૂપમાં આઈસીસી ઇવેન્ટ્સ તો યોજાશે કારણ કે તેમાંથી ક્રિકેટ બોર્ડને નાણા મળે છે. પરંતુ બે દેશો વચ્ચેની વન ડે સીરીઝ ઓછી થતી જશે અને એ સિરીઝ વર્લ્ડ કપ અને ચૅમ્પિયન્સ ટ્રૉફીના સમય દરમિયાન જ યોજાશે."
ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર બાજીદ ખાનને પણ લાગે છે કે વર્તમાન પરિસ્થિતિમાં વન-ડે ઇન્ટરનેશનલનું ભવિષ્ય ઊજળું નથી.
તે કહે છે કે "'ટેસ્ટ ક્રિકેટને પસંદ કરતો એક અલાયદો વર્ગ છે. ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી, પરંતુ હવે લગભગ દરેક ટેસ્ટ મૅચના પરિણામો આવવા લાગ્યા છે એટલે લોકો તેમાં રસ લે છે."
"જોકે, વન-ડે ક્રિકેટ ટેસ્ટ અને ટી-20 વચ્ચે અટવાઈ ગયું છે. તમને જેઓ માત્ર વન ડે ક્રિકેટ જોતા હોય એવા બહુ ઓછા લોકો મળશે, તમને ટેસ્ટ ક્રિકેટને પસંદ કરતા હોય અથવા ટી-20ને પસંદ કરતા હોય એવા લોકો વધુ મળશે."
બાજીદ ખાન કહે છે, "ક્યારેક વન-ડે ઇન્ટરનેશનલ વિશે એવું લાગે છે કે જાણે તે અર્થહીન હોય. બે દેશો વચ્ચેની સિરીઝ કોણ જીતે છે તેમાં લોકોને વધારે રસ નથી પડતો."
'યુવા ક્રિકેટરો ટેસ્ટથી અળગા ન રહે'
બાજીદ ખાન કહે છે કે "ટી-20 અને ટી-10ના આગમન છતાં, એવું બિલકુલ નથી કે ટેસ્ટ ક્રિકેટ જોવાતું નથી."
"ઇંગ્લૅન્ડમાં અને જ્યાં ટેસ્ટ મૅચની પરંપરા હજુ પણ યથાવત છે તે તમામ દેશોમાં, ચાહકો હજુ પણ સ્ટેડિયમમાં આવે છે. એટલું જ નહીં, ટેસ્ટ મૅચો ટીવી પર પણ જોવામાં આવી રહી છે, પરંતુ ક્રિકેટ રમતા દેશો માટે ખરો પડકાર એ છે કે તેમણે યુવા પેઢીને પણ ટેસ્ટ ક્રિકેટ સાથે જોડી રાખવી પડશે."
"ટી-20 અને ટી-10 ક્રિકેટ સાથે સાથે ચાલતા રહેશે પરંતુ એ ક્રિકેટ બોર્ડની જવાબદારી છે કે તે ટેસ્ટ ક્રિકેટને ચાલુ રાખે અને ક્રિકેટને તે દિશામાં આગળ વધારે જેથી ખેલાડીઓ એવું ન વિચારે કે મારે ટેસ્ટ ક્રિકેટ ન રમવું જોઈએ."
બાજીદ ખાન કહે છે કે, "ક્રિકેટ અત્યારે એટલું બધું વધી ગયું છે કે ઓવરલૅપ થઈ રહ્યું છે. ઇંગ્લૅન્ડની ટેસ્ટ સિરીઝ ન્યૂઝીલૅન્ડ સાથે ચાલી રહી છે, જેમાં એક અઠવાડિયાના અવકાશ બાદ ઇંગૅલેન્ડની વન-ડે સિરીઝ હોલૅન્ડમાં રમાઈ હતી."
"આગામી દિવસોમાં, તમારે ટેસ્ટ ક્રિકેટના ખેલાડીઓને અલગ કરવા પડશે અને એવા ઓછા ખેલાડીઓ હશે જે લાલ બોલ અને સફેદ બોલ (વન ડે અને ટેસ્ટ) બંને રમી શકે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો