IPL Final : ગુજરાત ટાઇટન્સ અને હાર્દિક પંડ્યાને ચૅમ્પિયન બનાવનારાં પાંચ કારણો

    • લેેખક, ચિંતન જે. બુચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આપ સૌને સસલા-કાચબાની વાર્તા યાદ જ હશે! જેમાં સસલાનો જ વિજય થશે તેમ નિશ્ચિત મનાતું હતું પણ કાચબાએ ધીમી પણ મક્કમ ગતિથી આ રેસમાં વિજય મેળવી લીધો હતો.

આમિર ખાનની લગાન ફિલ્મમાં પણ કંઇક આવું જ જોવા મળ્યું. જેમાં શરૂઆતમાં ક્રિકેટનો કક્કો પણ નહીં આવડતો હોવા છતાં ભૂવનની ટીમે રસેલની ઇંગ્લિશ ટીમને પરાજય આપ્યો હતો.

આ વાંચતાં જ થતું હશે કે આ તો બાળવાર્તા અને ફિલ્મની વાત છે, હકીકતમાં આવું ના થાય! તો ચાલો, વાસ્તવિક વિશ્વનું પણ એક દ્રષ્ટાંત થઈ જાય.

1983નો વન-ડે વર્લ્ડકપમાં દરેક ભારતીય માટે અત્યંત વિશેષ સ્થાન ધરાવે છે. પરંતુ એ વખતે આપણી ટીમ વર્લ્ડકપ તો દૂર, એકાદ મૅચ પણ જીતીને આવે તો ઇંગ્લૅન્ડ સુધીનો ફેરો ફળ્યો તેમ માનવામાં આવતું હતું.

કપિલ દેવની ટીમે એ વખતની વેસ્ટ ઇન્ડિઝની ધરખમ ટીમને હરાવીને ભારતીય ક્રિકેટ ટીમની ક્ષમતા સામે સવાલ કરનારાના મોઢે તાળું લગાવી દીધું હતું.

વાતનો સાર એટલો કે 'અંડર ડૉગ' એટલે કે જેની પાસેથી કોઈ જ અપેક્ષા ન હોય અને તે વિજય મેળવીને તમામની બોલતી બંધ કરી દે તેનો રોમાંચ અનેરો જ હોય છે.

'અંડર ડૉગ'ના વિજયની આવી જ ઘટના ઇન્ડિયન પ્રીમિયર લિગ-15માં જોવા મળી. જેમાં હાર્દિક પંડ્યાની ટીમ પ્લે ઑફમાં નહીં પહોંચે તેવું નિષ્ણાતોએ ભવિષ્ય ભાખી લીધું હતું, પરંતુ ગુજરાત ટાઇટન્સની ટીમે દબદબાભેર વિજય મેળવીને આઈપીએલ-15ની ટ્રૉફી જીતી લીધી હતી.

અત્યાર સુધી માત્ર 2008માં શેન વૉર્ન એવી કમાલ કરી શક્યા છે જેમણે આઈપીએલની પ્રથમ સિઝનમાં જ પોતાની ટીમને ચૅમ્પિયન બનાવી હતી.

આખરે કઈ રીતે ગુજરાત ટાઇટન્સની ટીમ વિજય મેળવવામાં સફળ રહી અને કયાં પરિબળો એવાં હતાં જેનાથી તેણે વટભેર ટુર્નામેન્ટ જીતી લીધી તેના પર એક નજર.

1. કૅપ્ટન હાર્દિક પંડ્યા

એવું કહેવામાં આવે છે કે ક્લાસમાં સૌથી તોફાની છોકરો સૌથી સારો મૉનિટર પુરવાર થતો હોય છે.

ગુજરાત ટાઇટન્સની ટીમમાં હાર્દિક પંડ્યા માટે આ વાત અંશતઃ લાગુ પડે છે તેમાં કહેવામાં અતિશયોક્તિ નથી.

21 જાન્યુઆરીના હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવવાની જાહેરાત થઈ ત્યારે મોટા ભાગના નિષ્ણાતોને આ નિર્ણયથી આશ્ચર્ય થયું હતું.

હાર્દિકની કૅપ્ટન તરીકે પણ એવા સમયે પસંદગી કરવામાં આવી જ્યારે તેમની ફિટનેસ સામે સવાલો થઈ રહ્યા હતા અને તેઓ ફરી બૉલિંગ કરી શકશે કે કેમ તેની સામે પણ અનિશ્ચિતતા છવાયેલી હતી.

જોકે, ચૅમ્પિયન પ્લેયરની એ જ ખાસિયત હોય છે કે તેની સામે સવાલો થઈ રહ્યા હોય ત્યારે તે બમણી તાકાતથી 'કમ બૅક' કરે છે.

હાર્દિક પંડ્યાએ ખૂબ જ પરિપક્વતાપૂર્વક આ જવાબદારી સંભાળી લીધી. એમએસ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ હાર્દિક રમ્યા છે અને દરેકમાંથી તેઓ સતત કંઈને કંઈ શીખતા રહ્યા હોય એમ જણાય છે.

મૅચમાં ગમે તેટલી દબાણભરી પરિસ્થિતિ સર્જાય પણ હાર્દિકના ચહેરા પર ચિંતાની રેખા પણ જોવા મળે નહીં. હવે સ્થિતિ એ છે કે અનેક નિષ્ણાતો હાર્દિકને ભારતના આગામી T20 કૅપ્ટન ગણાવી રહ્યા છે.

2. રિટેઇન પ્લેયરો

ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 'પ્લેયર્સ ઑક્શન' અગાઉ હાર્દિક પંડ્યા ઉપરાંત રાશિદ ખાન, શુભમન ગિલને ખરીદી લીધા હતા.

રાશિદ ખાન હાલ વિશ્વના શ્રેષ્ઠ વ્હાઇટ બૉલ સ્પિનર છે તો શુભમન ગિલ ટીમની પરિસ્થિતિ અનુસાર કોઈ પણ ક્રમે અને કોઈ પણ ગિયરમાં બેટિંગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

અલબત્ત, મુંબઈ ઇન્ડિયન્સને કૅરોન પૉલાર્ડ, કોલકાતા નાઇટ રાઇડર્સને વરુણ ચક્રવર્તી, સનરાઇઝર્સ હૈદરાબાદને અબ્દુલ સમદને રિટેઇન કરવાનો અફસોસ થતો હશે. પરંતુ આ બાબતમાં ગુજરાત ટાઇટન્સ તેમનાથી અનુભવી ફ્રેન્ચાઇઝીમાં બે ડગલાં આગળ રહી હતી.

3. ભૂમિકા અંગે સ્પષ્ટતા

મૅનેજમૅન્ટનો એક સામાન્ય નિયમ છે કે કોઈ પણ સંસ્થામાં દરેકની ભૂમિકા સ્પષ્ટ હશે તો તેમની પાસેથી શ્રેષ્ઠ આઉટપૂટ લઈ શકાશે.

કોચ આશિષ નહેરા પાસે ભલે મૅનેજમૅન્ટની ડિગ્રી નથી પણ આ નિયમથી તેઓ વાકેફ હોય એમ જણાય છે.

ઑક્શનથી માંડીને ફાઇનલ સુધી ટીમમાં કઈ ભૂમિકા કોને સોંપવી તેને લઈને તેઓ સ્પષ્ટ હતા.

જેમ કે, હાર્દિક પંડ્યાને ચોથા ક્રમે આવી ઍન્કર રૉલ નિભાવવો, ડેવિડ મિલર-રાહુલ તેવટિયાને ફિનિશરની કામગીરી કરવી.

16 મૅચમાં 481 રન કરી આઈપીએલમાં અત્યાર સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ડેવિડ મિલરે કહ્યું હતું કે, "અત્યાર સુધી હું જે પણ ફ્રેન્ચાઇઝીમાં રમ્યો તેમાં મારી કોઈ ભૂમિકા સ્પષ્ટ કરાઈ નહોતી. જેના કારણે હું ગૂંચવણમાં રહેતો અને સારું પ્રદર્શન કરી શકતો નહીં. પરંતુ ગુજરાત ટાઇટન્સમાં મારી ભૂમિકા શરૂઆતથી સ્પષ્ટ કરી દેવામાં આવી અને જેના કારણે હું સારો દેખાવ કરી શક્યો છું."

4. બૉલિંગ આક્રમણ

આ વખતની આઈપીએલમાં એવી જ ટીમ આગળ સુધી જઈ શકી છે જેનું બૉલિંગ આક્રમણ વૈવિધ્યસભર રહ્યું છે.

રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત ટાઇટન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગલોર આ ચાર ટીમ પ્લે ઑફમાં પહોંચી હતી અને આ ચારેય ટીમનું બૉલિંગ આક્રમણ ખૂબ જ મજબૂત હતું.

ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાન, મહમદ શામીની આસપાસ બૉલિંગ આક્રમણ તૈયાર કર્યું, જેમાં લોકી ફર્ગ્યુસન, અલ્ઝારી જોસેફ, સાઈ કિશોર, યશ દયાળનો સમાવેશ થાય છે.

આ જ કારણ છે કે ગુજરાત ટાઇટન્સ સામે કુલ 16 મૅચમાંથી માત્ર 3 વખત હરીફ ટીમ 170થી વધુનો જ સ્કોર કરવામાં સફળ રહી હતી.

5. આત્મવિશ્વાસ

આઈપીએલ-15માં કેટલીક ટીમ આ વખતે પરસ્પર વિશ્વાસ કેળવવામાં નિષ્ફળ રહી.

કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમની જ વાત કરવામાં આવે તો 22થી વધુ પ્લેયર અજમાવ્યા હતા.

કોઈ પ્લેયર એકાદ મૅચમાં નિષ્ફળ જાય તો બીજી મૅચમાં તેનું સ્થાન જોખમમાં મુકાઈ જતું.

બીજી તરફ ગુજરાત ટાઇટન્સની ટીમે ફિટનેસની સમસ્યા કે પરિસ્થિતિની જરૂરિયાત સિવાય ટીમમાં કોઈ ફેરફાર ભાગ્યે જ કર્યો છે.

19 મેના રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મૅચ ગુજરાત માટે ઔપચારિક હતી અને ધાર્યું હોત તો કેટલાક ખેલાડીને આરામ આપી પણ શકાયો હોત.

આમ છતાં ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહીં, જેથી પ્લે ઑફ અગાઉ દરેકની 'રિધમ' જળવાઈ રહે.

આ ઉપરાંત પ્રથમ 8 મૅચમાં 8 અલગ-અલગ 'મૅન ઑફ ધ મૅચ' ગુજરાત ટાઇટન્સ માટે રહ્યા હતા, જે તેમની ટીમ કોઈ એક પ્લેયર પર આધાર રાખતી નથી તે દર્શાવે છે.

ટીમ મિટિંગમાં જુનિયર પ્લેયરને પણ મોકળાશથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની છૂટ અપાતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો