You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હર્ષલ પટેલ : ભારતને જીત અપાવનારો એ ખેલાડી જેણે ક્રિકેટ માટે અમેરિકાનું સપનું છોડ્યું
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટી-20 સીરિઝમાં ભારતે પ્રથમ બે મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ત્રીજી મૅચ ભારત 48 રનોથી જીત્યું છે. જેમાં મૂળ ગુજરાતના ખેલાડી હર્ષલ પટેલે આ જીતમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે.
ત્રીજી ટી-20માં બૅટિંગમાં ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશનની અર્ધશતકીય ઇનિંગ તો બૉલિંગમાં યુજવેન્દ્ર ચહલ અને ગુજરાતના હર્ષલ પટેલનું સરાહનીય પર્ફોમન્સ રહ્યું હતું.
આ મૅચમાં ચાર વિકેટ લઈને ભારતને જીતવામાં મદદરૂપ થનારા હર્ષલ પટેલ અમદાવાદના એ વિસ્તારોમાંથી આવે છે જેણે ગુજરાતને અને ભારતને ઘણી પ્રતિભાઓ આપી છે.
અમદાવાદમાં દરિયાપુર વિસ્તાર એટલે એક જમાનામાં તોફાની વિસ્તારની છાપ ધરાવે. એવો પણ સમય હતો જ્યારે શહેરમાં કંઈક પણ નાનું-મોટું છમકલું થાય એટલે સૌપ્રથમ કર્ફ્યુ જાહેર થાય, તો તેમાં ખાડિયા અને દરિયાપુરનાં નામ હોય.
જોકે આ જ વિસ્તારોમાંથી અમદાવાદને, ગુજરાતને અને ભારતને ઘણી પ્રતિભાઓ મળી છે. આવી જ એક પ્રતિભા એટલે હર્ષલ પટેલ.
ક્રિકેટનું સપનું પૂરું કરવા અમેરિકન ડ્રીમ છોડ્યું
અમદાવાદમાં રહેતા હર્ષલે તેમનું ક્રિકેટનું સપનું પૂર્ણ કરવા માટે, 'અમેરિકન ડ્રીમ્સ'ને તિલાંજલિ આપી દીધી હતી.
ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી આ નામ ચર્ચામાં આવ્યું છે. ચાહે તે આઈપીએલ (ઇન્ડિયન પ્રિમિયર લીગ) હોય કે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય.
તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ પણ થયા અને નવેમ્બર 2021 માં ન્યૂઝીલૅન્ડ સામે ટી-20 મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂઝીલૅન્ડ સામે ભારતીય ટીમ માટે રમેલી બે ટી-20 મૅચમાં તેમણે 7.28ની સરેરાશ પર ચાર વિકેટ લીધી હતી.
સ્ટાર સ્પોર્ટ્સ મુજબ 2018માં હર્ષલ પટેલને દિલ્હી કૅપિટલ્સ દ્વારા 20 લાખ રૂપિયાના બેઝ પ્રાઇઝ પર ખરીદવામાં આવ્યા હતા. આઈપીએલ 2021 સીઝનમાં તેમને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુને ટ્રેડ કરવામાં આવ્યા હતા.
1990માં જન્મેલા હર્ષલ પટેલ બાળપણથી જ અમદાવાદમાં સ્થાનિક ક્રિકેટ રમ્યા અને ત્યાર બાદ ગુજરાતની ટીમ માટે અંડર-15થી અંડર-19માં રમ્યા. તેઓ ભારતની અંડર-19 ટીમ સાથે સાઉથ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ અને કેન્યાનો પ્રવાસ ખેડી ચૂક્યા હતા.
લગભગ 2009-10ની આસપાસની વાત છે. એ વખતે હર્ષલનો પરિવાર અમેરિકા ગયો અને સાથે હર્ષલને પણ લઈ ગયા, પરંતુ એ જ ગાળામાં હર્ષલ એક ઊભરતા ક્રિકેટર હતા અને તેને તો આ જ રમતમાં પોતાની કારકિર્દી ઘડવી હતી.
લગભગ દોઢેક દાયકા અગાઉ હર્ષલ પટેલના પિતા વિક્રમભાઈ અમેરિકા ગયા. શરૂઆતમાં તો તેઓ દીકરાને પણ સાથે લઈ જવા માગતા હતા, પરંતુ જેને ક્રિકેટ સિવાય કોઈ બાબતમાં રસ ન હતો તેવા હર્ષલ પટેલ અમદાવાદમાં જ રોકાઈ ગયા.
ભારતની ટી20 ક્રિકેટ ટીમમાં હર્ષલની પસંદગી થઈ, ત્યારે એક વાતચીતમાં તેમણે સ્વીકાર્યું હતું, "હા, સાચી વાત છે. માત્ર ક્રિકેટ માટે જ અમેરિકાની ચમકદમક જતી કરી હતી અને મારા પરિવારે આ નિર્ણયમાં મને સાથ આપ્યો હતો. હું અમદાવાદમાં એકલો જ રહેતો હતો અને ક્રિકેટ પર ફોકસ કરતો હતો."
ગુજરાત, હરિયાણા અને કર્ણાટક
હવે વાત ક્રિકેટ કારકિર્દીની. તો 2011 સુધી ગુજરાત માટે જુનિયર ક્રિકેટમાં રમ્યા બાદ હર્ષલનું ભાવિ પલટાયું.
જેમણે પરિવાર સાથે અમેરિકા જવાનું ટાળ્યું હતું, તેણે અચાનક જ નિર્ણય લીધો અને વતન ગુજરાત છોડીને હરિયાણા માટે રમવાનું પસંદ કર્યું. 2011માં તેઓ હરિયાણા માટે રમવા ચાલ્યા ગયા.
આ અંગે હર્ષલ કહે છે કે એ વખતે સંજોગો એવા હતા કે મને લાગ્યું કે ટીમ બદલવાથી કદાચ સિનિયર ક્રિકેટમાં ઝડપથી સ્થાન મળી જશે. અને, એમ જ બન્યું.
નવેમ્બર 2011માં તે હરિયાણા વતી દિલ્હી સામે રણજી ટ્રૉફી રમ્યા. એ જ સીઝનમાં કર્ણાટક સામેની બેંગલુરુ ખાતેની મૅચ હર્ષલની કારકિર્દીની ટર્નિંગ પૉઇન્ટ બની ગઈ, કેમ કે પહેલા જ દિવસે તેણે આઠ વિકેટ ખેરવીને કર્ણાટકને માત્ર 151 રનમાં આઉટ કરી દીધું.
હરિયાણાની ટીમ કર્ણાટકને તેના જ ગઢ એવા એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 151 રનમાં આઉટ કરે અને એક નવોદિત ગુજરાતી બૉલર આઠ વિકેટ ખેરવી જાય તેની કદાચ એ દિવસે પેવેલિયનમાં બેસીને મૅચ નિહાળનારા રાહુલ દ્રવિડ કે અનીલ કુંબલેને કલ્પના નહીં હોય. હરિયાણાએ એ મૅચ જીતી લીધી.
કર્ણાટક અને હર્ષલને કાંઇક અલગ જ સંબંધ હોય તેમ લાગે છે. આઈપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર માટે રમનારા હર્ષલે જાન્યુઆરી 2012માં આઠ વિકેટ ખેરવ્યા બાદ એ જ વર્ષે ડિસેમ્બરમાં કર્ણાટક સામે મૅચમાં પાંચ વિકેટ ખેરવી.
આ વખતે તો કર્ણાટકની ટીમમાં લોકેશ રાહુલ અને રૉબિન ઉથપ્પા જેવા ખેલાડી પણ રમતા હતા. અને ફરીથી 2013ના ડિસેમ્બરમાં કર્ણાટક સામે મૅચમાં 11 વિકેટ ખેરવીને ઝંઝાવાત સર્જી દીધો.
કદાચ આ પર્ફૉર્મન્સ બેંગલોરના ટીમ મૅનેજમૅન્ટને યાદ રહી ગયું હશે અને 2021ની આઈપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલોરની ટીમે તેમને ખરીદી લીધા હતા. આઈપીએલની 14 મી સીઝનમાં તેમણે બેંગલોર માટે રમીને 32 વિકેટ ખેરવી જેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની હૅટ્રિક પણ સામેલ હતી.
સદાય હસતા રહેતા હર્ષલની ખાસિયત એ છે કે તે બૉલિંગમાં લય પકડી લે તો ઘાતક બની જાય છે. સ્વિંગ પર આધાર રાખતા આ બૉલરે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 226માંથી અડધોઅડધ એટલે કે 123 વિકેટ કૅચઆઉટ દ્વારા અને 67 વિકેટ હરીફ બૅટ્સમૅનને બૉલ્ડ કરીને લીધી છે.
તમામ પ્રકારના ક્રિકેટમાં (જુનિયર સહિત) હર્ષલે 643 વિકેટ ઝડપી છે જેમાંથી 384 વિકેટમાં બૅટ્સમૅન કૅચ આપી બેઠા છે, તો તેણે 259 વિકેટમાં કોઈની મદદ લીધી નથી (બૉલ્ડ અથવા લેગબિફૉર). આ આંક જ તેની બૉલિંગની સટિકતા પુરવાર કરી દે છે.
હર્ષલને 31 વર્ષની વયે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે પરંતુ હવે એમ લાગે છે કે ક્રિકેટ સિવાયની ચમકદમક ધરાવતી કારકિર્દી અને પરિવારથી દૂર રહેવાનું બલિદાન રંગ લાવી રહ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો