Pegasus Spyware : શું ભારત સરકારે ઇઝરાયલ પાસેથી પેગાસસ ખરીદ્યું હતું? - પ્રેસ રિવ્યૂ

ન્યૂયૉર્ક ટાઈમ્સના શુક્રવારના અહેવાલના હવાલે ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે મિસાઈલ સિસ્ટમ સહિતનાં હથિયારોની 2-અબજ ડૉલરની ડીલના ભાગરૂપે ભારત સરકારે 2017માં ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ ખરીદ્યું હતું.

અખબારે અહેવાલ આપ્યો હતો કે વર્ષ-લાંબી તપાસમાં જાણવા મળ્યું છે કે ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને પણ સ્પાયવેરને ખરીદી અને પરીક્ષણ કર્યું હતું.

અહેવાલમાં મેક્સિકો દ્વારા પત્રકારો અને અસંતુષ્ટોને નિશાન બનાવવા અને સાઉદી અરેબિયા દ્વારા મહિલા અધિકાર કાર્યકર્તાઓ અને જેમની હત્યા કરાઈ હતી તે કટારલેખક જમાલ ખાશોગીના સહયોગીઓ વિરુદ્ધ કેવી રીતે સ્પાયવેરનો વૈશ્વિક સ્તરે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની વિગતો આપવામાં આવી છે.

અહેવાલમાં કહેવાયુ છે કે ઇઝરાયેલે સંરક્ષણ સોદાના ભાગરૂપે પેગાસસ પૉલેન્ડ, હંગેરી અને ભારત તેમજ અન્ય દેશોને આપવામાં આવ્યું હતું.

જોકે અત્યાર સુધી, ન તો ભારત સરકાર અને ન તો ઇઝરાયેલ સરકારે સ્વીકાર્યું છે કે ભારતે પેગાસસ ખરીદ્યું છે.

તો કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે "મોદી સરકારે લોકતંત્રની પ્રાથમિક સંસ્થાઓ, રાજનેતાઓ અને જનતાની જાસૂસી માટે પેગાસસ ખરીદ્યું હતું. મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે."

મીડિયા સમૂહોના વૈશ્વિક સંઘે જુલાઈ 2021માં ખુલાસો કર્યો હતો કે વિશ્વભરની ઘણી સરકારો દ્વારા વિરોધીઓ, પત્રકારો, ઉદ્યોગપતિઓ વગેરે પર જાસૂસી કરવા માટે સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ધ વાયરના અહેવાલમાં સ્પાયવેરના ઉપયોગની યાદીમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર, તત્કાલીન ચૂંટણી કમિશનર અશોક લવાસા અને વર્તમાન માહિતી અને ટેકનોલૉજીમંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતનાં નામો હતાં. યાદીમાં લગભગ 40 પત્રકારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા કથિત જાસૂસી સામે દાખલ કરાયેલી લગભગ એક ડઝન અરજીઓ પછી સુપ્રીમ કોર્ટે 27 ઑક્ટોબરે નિવૃત્ત ન્યાયાધીશ આરવી રવીન્દ્રનની અધ્યક્ષતામાં બે નિષ્ણાતોની સ્વતંત્ર સમિતિની નિમણૂક કરી હતી.

આ મહિનાની શરૂઆતમાં સમિતિએ વિનંતી કરી હતી કે "ભારતના જે કોઈ નાગરિકને એનએસઓ ગ્રૂપ ઇઝરાયેલના પેગાસસ સૉફ્ટવૅરના ચોક્કસ ઉપયોગથી તેમના મોબાઈલ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે એવું લાગતું હોય તેમણે અમારો સંપર્ક કરવો."

ભાજપ દેશની સૌથી ધનિક પાર્ટી, બીએસપી બીજા નંબરે- ADR રિપોર્ટ

ઍસોસિયેશન ફોર ડેમૉક્રેટિક રિફોર્મ-એડીઆર અનુસાર, ભાજપે નાણાકીય વર્ષ 2019-20માં 4,847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી, જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે.

ત્યાર બાદ BSP 698.33 કરોડ રૂપિયા અને ત્રીજા ક્રમે કૉંગ્રેસ 588.16 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

એડીઆરએ 2019-20માં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની મિલકતો અને જવાબદારીઓના વિશ્લેષણના આધારે આ અહેવાલ તૈયાર કર્યો હતો.

વિશ્લેષણ મુજબ, નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સાત રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિ અનુક્રમે 6,988.57 કરોડ અને 2,129.38 કરોડ રૂપિયાની હતી.

નાણાકીય વર્ષ 2019-20માં 44 પ્રાદેશિક પક્ષોમાં સમાજવાદી પાર્ટી દ્વારા સૌથી વધુ સંપત્તિ 563.47 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી હતી, ત્યાર બાદ TRS 301.47 કરોડ અને AIADMK 267.61 કરોડ રૂપિયા હતી.

નવો વૅરિયન્ટ નિયોકોવ માનવમાં ફેલાઈ શકે?

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ચીનના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ નિયોકોવને લઈને ચેતવણી આપી છે.

વૈજ્ઞાનિકોના મતે, નિયોકોવમાં મૃત્યુદર ઘણો વધારે છે, જેમાં સરેરાશ સંક્રમિત દર ત્રણ પૈકી એકનું મોત થાય છે. વળી નિયોકોવનો સંક્રમણ દર પણ ઘણો વધારે છે.

bioRxiv વેબસાઇટ પર પ્રકાશિત આ સંશોધનપત્રના અભ્યાસની હજુ સુધી પીઅર-સમીક્ષા કરવામાં આવી નથી અને તેને પ્રીપ્રિન્ટમાં બહાર પાડવામાં આવ્યો છે.

આ વાઇરસ નવો નથી, નિયોકોવ વાઇરસ 2012 અને 2015માં મિડલ ઇસ્ટમાં જોવા મળ્યો હતો. નિયોકોવ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં જોવા મળ્યો હતો અને તે ફક્ત આ પ્રાણીઓમાં ફેલાયો છે.

જોકે તેનું વધુ મ્યુટેશન નુકશાનકારક નીવડી શકે છે. જોકે રશિયન તજજ્ઞોએ બહાર પાડેલા નિવેદન અનુસાર, હાલ નિયોકોવ માણસમાં ફેલાય તેવી કોઈ સંભાવના જણાતી નથી.

ગુજરાતમાં કોરોના પ્રતિબંધો 4 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને પગલે નિયંત્રણો 4 ફેબ્રુઆરી સુધી યથાવત્ રાખવામાં આવ્યા છે.

રાજ્યનાં 8 મહાનગરો સહિત 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની સમયાવધિ 29 જાન્યુઆરીએ પૂરી થતી હતી તે લંબાવીને 4 ફેબ્રુઆરી કરવામાં આવી છે.

ઉપરાંત વધુ પૉઝિટિવિટી દર ધરાવતા 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવાડ, ગોધરા, વીજલપોર (નવસારી), નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

નિર્ણય મુજબ હોટલ-રેસ્ટોરાં દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો