ઈરાનના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનનાર ઇબ્રાહીમ રઈસી કોણ છે?

મૌલવી ઇબ્રાહિમ રઈસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કટ્ટરપંથી વિચારધારાના મનાય છે રઈસી

ઈરાનમાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મૌલવી ઇબ્રાહીમ રઈસીને વિજેતા જાહેર કરી દેવાયા છે.

નોંધનીય છે કે ઈરાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ઇબ્રાહીમ રઈસી અબ્દુલ નસીર હિમ્મતી, મોહસેન રઝઈ અને ગાઝીઝાદેહ હાશેમી વિરુદ્ધ 50 ટકા કરતાં વધુ મત મેળવી જીત હાંસલ કરી છે.

રઈસી ઑગસ્ટ માસના મધ્ય ભાગમાં રાષ્ટ્રપતિનો પદભાર સંભાળે તેવું કહેવાઈ રહ્યું છે.

14 ડિસેમ્બર 1960ના રોજ ઉત્તર પૂર્વ ઈરાનના મશહદમાં જન્મેલા હોજ્જત અલ-ઇસ્લામ સૈય્યદ રઈસીને કટ્ટરપંથી વિચારધારાવાળા નેતા માનવામાં આવે છે.

રઈસી ઈરાનની સૌથી સમૃદ્ધ સામાજિક સંસ્થા અને મશહાદ શહરમાં મોજૂદ આઠમા શિયા ઇમામ રેઝાની પવિત્ર દરગાહ અસ્તાન-એ-કોદ્સના સંરક્ષક પણ રહી ચુક્યા છે.

બીબીસી મૉનિટરિંગ અનુસાર રઈસી હંમેશાં કાળી પાઘડી ધારણ કરે છે જે એ વાતનું પ્રતીક છે કે તેઓ સૈયદ એટલે કે શિયા મુસ્લિમ પયગંબર મોહમ્મદના વંશજ છે.

બીબીસી મૉનિટરિંગે વૉશિંગટન પોસ્ટમાં છપાયેલા એક સમાચાર અનુસાર જણાવ્યું છે કે રઈસીને અયાતુલ્લાહ અલી ખમેનેઈના સંભવિત ઉત્તરાધિકારી સ્વરૂપે જોવામાં આવી રહ્યા છે.

અયાતુલ્લાહ અલી ખામેનેઈ 82 વર્ષના થઈ ગયા છે અને તેમના ઉત્તરાધિકારી શોધવા એ હાલ સૌથી મોટી પ્રાથમિકતા છે.

line

રાષ્ટ્રપતિ ચૂંટણીથી નીકળશે સુપ્રીમ લીડરના પદનો માર્ગ

અયાતુલ્લાહ અલી ખમેનેઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ બન્યા બાદ આગામી સુપ્રીમ લીડર પણ બની શકે છે રઈસી

રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં ગાર્ડિયન કાઉન્સિલે ઉમેદવારો માટે કડક નિયમો લાગુ કર્યા હતા. આના કારણે સાત ઉમેદવારો જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊતરી શક્યા હતા. જે પૈકી પાંચ કટ્ટરપંથી અને બે ઉદારમતવાદી મનાતા હતા.

સંસદના ભૂતપૂર્વ સ્પીકર અલી લારિજાની સહિત ઘણા ઉમેદવારોને રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થતાં પહેલાં અયોગ્ય જાહેર કરી દેવાયા હતા. સીએનએનમાં છપાયેલા એક સમાચાર પ્રમાણે આવું કર્યા બાદ રઈસી માટે આ ચૂંટણી લગભગ કોઈ પણ વિરોધ વગર જીતવા સમાન સંજોગો બની ગયા.

અયાતુલ્લાહ અલી ખમેનેઈ જાતે સુપ્રીમ લીડર બન્યા એ પહેલાં બે વખત રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી જિત્યા બાદ એ પદ સુધી પહોંચવાની રાહ રઈસી માટે વધુ સરળ થઈ જશે.

વૉશિંગટન પોસ્ટમાં છપાયેલી એક ખબર અનુસાર રઈસી ખમેનેઈના સૌથી ભરોસાપાત્ર લોકો પૈકી એક છે અને બંને દેશ અને સરકાર ચલાવવા માટે ઇસ્લામી ન્યાય વ્યવસ્થાના હકમાં છે.

રઈસીનું માનવું છે કે દેશને વિદેશી રોકાણની કોઈ જરૂર નથી અને અમેરિકા સાથે વાતચીત આગળ ન વધારવી જોઈએ. જોકે, ખમેનેઈએ આર્થિક પ્રતિબંધોને હઠાવવા માટે અમેરિકા સાથે વાતચીતનું સમર્થન કર્યું હતું. ત્યાર બાદ રઈસીએ પણ તેનું સમર્થન કર્યું હતું.

સુપ્રીમ લીડર બનવાની અફવાઓનું રઈસીએ પણ ખંડન નથી કર્યું.

ઈરાનમાં સુપ્રીમ લીડરને દેશની સૌથી મોટી ધાર્મિક અને રાજકીય ઑથોરિટી માનવામાં આવે છે. તેઓ સેનાના કમાન્ડર ઇન ચીફ હોય છે.

line

હસન રુહાની કરતાં ઓછા લોકપ્રિય

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની કરતાં ઓછા લોકપ્રિય છે ઇબ્રાહીમ રઈસી

રઈસીએ ન્યાયતંત્રમાં વિભિન્ન પદો પર કામ કર્યું છે અને સુપ્રીમ લીડરની ચૂંટણી કરાવનારા કાઉન્સિલ ઑફ ઍક્સપર્ટના સભ્ય અને પછી ચૅરમૅન પણ રહી ચુક્યા છે.

1988માં તહેરાન ઇસાલમિક રૅવલ્યૂશન કોર્ટના ડેપ્યુટી પ્રૉસિક્યૂટર તરીકે કામ કરતી વખતે તેઓ કથિતપણે મોટી સંખ્યામાં વામપંથી નેતાઓ, રાજકીય કેદીઓ અને અસંતુષ્ટોને સામૂહિક મૃત્યુદંડની સજા સંભળાવનારા ચાર સભ્યોવાળા સ્પેશિયલ કમિશન (આ કમિશનને અમેરિકાએ કથિતપણે ડેથ કમિશન પણ કહ્યું હતું.)ના એક સભ્ય હતા, આ ઘટના બાદ દેશની અંદર તેમની લોકપ્રિયતા ઓછી થઈ.

ત્યાર બાદ વર્ષ 2017માં હસન રુહાની વિરુદ્ધ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમને માત્ર 38.5 ટકા મત મળ્યા. પરંતુ ચૂંટણીમાં હાર્યા છતાં રઈસીને માર્ચ, 2019માં અયાતુલ્લાહ ખમેનેઈએ ન્યાયપાલિકાના પ્રમુખ જાહેર કરી દીધા હતા.

નવેમ્બર, 2019માં અમેરિકાના વિદેશવિભાગે રઈસી સહિત આઠ અન્ય લોકો પર પ્રતિબંધ લાદ્યા હતા.

અમેરિકાનું માનવું છે કે આ તમામ અયાતુલ્લાહ ખમેનેઈની અત્યંત નિકટની વ્યક્તિઓ છે અને માનવાધિકારોના ઉલ્લંઘનમાં સામેલ છે.

line

ચૂંટણી કેવી રીતે થાય છે?

ઈરાનમાં કેવી રીતે થાય છે ચૂંટણીપ્રક્રિયા?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં કેવી રીતે થાય છે ચૂંટણીપ્રક્રિયા?

ઈરાનમાં દર ચાર વર્ષમાં ફ્રાન્સિસી ચૂંટણીપ્રક્રિયા પ્રમાણે ચૂંટણી થાય છે. પહેલા તબક્કાના મતદાનમાં જો કોઈ ઉમેદવારને 50 ટકાથી વધુ મત ન મળે, બીજા તબક્કામાં સૌથી વધુ મત મેળવનારા બે ઉમેદવારો માટે મત નાખવાના હોય છે.

વર્તમાન રાષ્ટ્રપતિ હસન રુહાની 2017માં બીજી વાર ચૂંટાયા બાદ પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. બંધારણ પ્રમાણે તેઓ ત્રીજી વાર ખુરશી મેળવવા માટે ચૂંટણી ન લડી શકે.

ઈરાનમાં એક દશકથી વધુ સમય વિતાવનારા રાકેશ ભટ્ટ કહે છે, "ઈરાનના ઇસ્લામી ગણરાજ્યની નિયતીના સર્વેસર્વા ત્યાંના ધર્મગુરુ હોય છે, જેને રાહબર, પથપ્રદર્શક કે સર્વોચ્ચ નેતાની ઉપાધિથી સંબોધિત કરાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયાનો દાયરો બહુ સીમિત છે. ઈરાનમાં જે લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊતરવા માગતા હોય તેને પહેલા આવેદન આપવું પડે છે. પછી ઈરાનમાં ગાર્ડિયન કાઉન્સિંલ નામની એક સંસ્થા નક્કી કરે છે કે કયા ઉમેદવારો ચૂંટણી લડશે. ગાર્ડિયન કાઉન્સિંલની બાગડોર પણ સર્વોચ્ચ નેતાના હાથમાં હોય છે."

ઈરાનમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતનારા ઉમેદવારની નિમણૂક પર સર્વોચ્ચ નેતાના સહી હોય છે. ઈરાનના રાષ્ટ્રપતિ ગાર્જિયન કાઉન્સિંલની અધ્યક્ષતા તો કરે છે, પણ તેને નિયંત્રિત નથી કરતા. ઈરાનની તમામ નીતિઓમાં ગાર્ડિયન કાઉન્સિંલની દખલ હોય છે.

ચૂંટણીની પારદર્શિતા પર રાકેશ કહે છે, "કેટલાક દેશોને બાદ કરતાં દુનિયાના મોટા ભાગના દેશો પોતાની શાસનપદ્ધતિને લોકતાંત્રિક કહેવડાવવાનું પસંદ કરે છે. ઈરાન પણ તેમાં અપવાદ નથી. પણ સત્તાની પસંદગી ચૂંટણીથી કરાવવાથી જ કોઈ દેશને લોકતાંત્રિક માની લેવામાં આવે તો શું આપણે ઉત્તર કોરિયાને લોકતાંત્રિક દેશોની શ્રેણીમાં રાખી શકીએ? ક્યારેય નહીં.

લોકતંત્રનું અસલી સ્વરૂપ દેશની સંસ્થાઓની સ્વાયત્તતા અને સત્તાને સવાલ પૂછવાની આઝાદી હોય છે, જેનો ઈરાનમાં અભાવ છે."

line

આ વખતે કયા મુદ્દા પર ચૂંટણી લડાઈ રહી છે?

ચૂંટણીના બહિષ્કારનું અભિયાન ચલાવી રહેલા લોકો લોકતાંત્રિક આઝાદીની વાત કરે છે, કેમ કે અહીં સરકારવિરોધી પ્રદર્શનો પર ડંડાનું જોર ચાલે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચૂંટણીના બહિષ્કારનું અભિયાન ચલાવી રહેલા લોકો લોકતાંત્રિક આઝાદીની વાત કરે છે, કેમ કે અહીં સરકારવિરોધી પ્રદર્શનો પર ડંડાનું જોર ચાલે છે

હસન રુહાનીના પહેલા કાર્યકાળમાં 2015માં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી પરમાણુ ડીલને તેમની મોટી સફળતા ગણાવી હતી, પણ વિપક્ષો અનુસાર, તેઓ તેનો લાભ ન ઉઠાવી શક્યા.

2018માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે અમેરિકાને ડીલમાંથી બહાર કાઢીને ઘણા પ્રતિબંધ લાદ્યા તો ધીરેધીરે સુધારાની રાહ પર વધી રહેલી ઈરાની અર્થવ્યવસ્થાને જોરદાર ઝટકો લાગ્યો.

આ ચૂંટણીમાં સૌથી વધુ વાત એ બે મુદ્દા થઈ રહી છે.

ચૂંટણીના બહિષ્કારનું અભિયાન ચલાવી રહેલા લોકો લોકતાંત્રિક આઝાદીની વાત કરે છે, કેમ કે અહીં સરકારવિરોધી પ્રદર્શનો પર ડંડાનું જોર ચાલે છે.

2017થી 2019 વચ્ચે અહીં થયેલા વિરોધપ્રદર્શનોમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. નવેમ્બર 2019માં પેટ્રોલના ભાવ વધતાં વિરોધ માટે 100થી વધુ શહેરોમાં લોકો રસ્તા પર આવ્યા હતા.

સત્તાધારીઓને ખુરશી પરથી દૂર કરવાની માગ થઈ હતી. ઍમન્સ્ટી ઇન્ટરનૅશનલ અનુસાર, થોડા જ દિવસોમાં 300થી વધુ પ્રદર્શનકારીઓ સુરક્ષાબળોના હાથે માર્યા ગયા હતા.

બીબીસી ફારસી સેવાના પોરિઆ મહરૂયન કહે છે, "જો બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા બાદ નૅગોશિયેશન શરૂ થવાની આશા જાગી છે, પણ મોટા ભાગના કટ્ટરપંથીઓ માને છે કે અમેરિકા સાથે વાતચીતનું કોઈ પરિણામ નહીં આવે.

"તો સુધારાવાદી અમેરિકા સાથે વાતચીત, એફએટીએફ જેવી આંતરરાષ્ટ્રીય ઍન્ટી-મની લૉન્ડરિંગ ઑર્ગેનાઇઝેશન જોઇન કરવા, સાઉદી અરેબિયા અને ઇઝરાયલ સાથે સંબંધ સુધારવાની વકીલાત કરે છે."

"બીજી તરફ, ચૂંટણીનો બહિષ્કાર કરનારાને લાગે છે કે આગામી રાષ્ટ્રપતિ કોઈ પણ બને, તેમની પાસે સુધારા કરવાની બહુ તકો નહીં હોય."

અમેરિકન થિન્કટૅન્ક કાઉન્સિંલ ઑફ ફૉરેન રિલેશન્સ અનુસાર, "2017થી ઈરાનનું અર્થતંત્ર વધ્યું નથી અને 2020માં આ પાંચ ટકા ઘટ્યું છે. કોરોના સંક્રમણ અને તેને કારણે થયેલાં મોતમાં પણ ઈરાન અન્ય બધા ખાડી દેશોમાંથી સૌથી આગળ છે. રઈસીને 82 વર્ષના ખમેનેઈના ઉત્તરાધિકારી માનવામાં આવે છે અને તેઓ પસંદગીના ઉમેદવાર પણ છે, પણ જીતતા તેઓ શાસન પર વધુ વફાદાર સાબિત થશે અને તેમની પાસે તાકાત ઓછી જ હશે."

line

ઈરાન ચૂંટણીની મધ્ય-પૂર્વ, અમેરિકા અને ભારત પર શું અસર થશે?

ઈરાનમાં રઈસીના રાષ્ટ્રપતિપદ ગ્રહણ કરવાથી ભારત અને મધ્યપૂર્વના દેશો પર કેવી અસર થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં રઈસીના રાષ્ટ્રપતિપદ ગ્રહણ કરવાથી ભારત અને મધ્યપૂર્વના દેશો પર કેવી અસર થઈ શકે છે?

આ સવાલના જવાબમાં રાકેશ ભટ્ટ કહે છે, "ચોક્કસ રીતે ઈરાનમાં કોઈ પણ ફેરફારની અસર મધ્ય-પૂર્વના દેશો પર હંમેશાં પડે છે. સાથે જ આ પશ્ચિમી દુનિયા અને ખાસ કરીને અમેરિકાની નીતિઓને પ્રભાવિત કરે છે."

"મધ્ય-પૂર્વમાં ઈરાનનો વધતો પ્રભાવ આપણે એ વાતથી પણ જાણી શકીએ કે બે મોટા દેશો- સાઉદી અરેબિયા અને ઇજિપ્તને છોડીને ઈરાન તમામ આરબ દેશો સાથે મિત્રતાના સંબંધો રાખ્યા છે. ઈરાનમાં કટ્ટરપંથી રાષ્ટ્રપતિ ચૂંટાતા યમનમાં ઈરાની પ્રૉક્સી સમૂહ અંસારુલ્લાહને ઈરાનથી વધુ સૈન્ય અને આર્થિક સહાય મળશે, જે સાઉદી અરેબિયા માટે શુભસંકેત તો નહીં માનવામાં આવે. તો પેલેસ્ટાઇની વિસ્તારોમાં હમાસ અને ઇસ્લામિક જેહાદ જેવાં સંગઠનોને મજૂબતી મળશે, જેનાથી ઇઝરાયલની ચિંતા વધે એ પણ સ્વાભાવિક છે."

તેઓ કહે છે, "ઈરાનમાં કટ્ટરપંથી રાષ્ટ્રપતિના હાથમાં સત્તા આવવું એ ઇરાક અને સીરિયામાં ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ્સનું પ્રભુત્વ પહેલાંથી વધુ થવા સમાન છે, જેનો પ્રભાવ અમેરિકાને પણ પરેશાન કરશે અને જેનું ચીન અને રશિયા સ્વાગત કરશે."

"ઈરાનનો ચીન સાથેનો 25 વર્ષનો સામરિક કરાર અને ઈરાની સૈન્યની પ્રગતિને કારણે મધ્ય-પૂર્વમાં અમેરિકાએ પોતાનાં હિતોની રક્ષા માટે નવા સંદર્ભે નીતિ-નિર્ધારણ કરવું પડશે. આ બદલાયેલા પરિવેશમાં સૈન્ય વર્ચસ્વ જ એકમાત્ર વિકલ્પ ન માની શકાય."

ભારત-ઈરાન સંબંધોના સવાલ પર રાકેશ કહે છે, "મધ્ય-પૂર્વ જ નહીં, દક્ષિણ એશિયામાં આવેલા પોતાના પડોશી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઈરાનની મિત્રતાની ન માત્ર અમેરિકા, પણ ભારત પર પણ અસર કરશે."

"ઈરાનમાં કટ્ટરપંથી સત્તાના આગેવાનની છાયા ભારત પણ ચોક્કસ પડતી દેખાઈ રહી છે. ચીનથી વધતી પ્રગાઢતા અને ઇસ્લામી ઉસૂલો પરત્વેની પ્રતિબદ્ધતા ઈરાનને વર્તમાન ભારતીય નીતિઓનું પ્રશંસક તો નહીં બનાવે. આમ તો ઇસ્લામી ઈરાન ભારતને પોતાના મિત્રના રૂપમાં જુએ છે, પણ ભારતનો અમેરિકા પ્રત્યેનો વધુ પડતો ઝોક ઈરાનની કટ્ટર સત્તાને ખટકશે જ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો