કોરોના વાઇરસ : ઓક્સિજનના અભાવે 'ભારતની જેમ' જ્યારે બીજા દેશોમાં પણ કોરોના દરદીઓ ટપોટપ મરવા લાગ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નવીનસિંહ ખડકા, પર્યાવરણ સંવાદદાતા
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
ગરીબ દેશોમાં ઓક્સિજનની તંગીનું "વધી રહેલું સંકટ" ગંભીર સ્થિતિ પેદા કરી રહ્યું છે અને નિવારી શકાય તેવાં મૃત્યુ વધી રહ્યાં છે એવી ચેતવણી આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાઓ અને પ્રોફેશનલ્સ આપી રહ્યા છે.
નિષ્ણાતો કહી રહ્યા છે કે ઓછી આવક ધરાવતા દેશોમાં સૌથી વધુ સંકટ છે, કેમ કે તેની પાસે વધતા કેસો પ્રમાણે ઓક્સિજન ઉત્પાદન કરવાની સુવિધા નથી અને કોવિડ રસી પણ મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ છે.
વૈશ્વિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓનું સંગઠન 'ઍવરી બ્રેથ કાઉન્ટ્સ' અરજ કરી રહ્યું છે કે ગરીબ દેશોમાં ઓક્સિજન પુરવઠો વધારવો જોઈએ. આવાં લગભગ 18 રાષ્ટ્રો છે અને મોટાં ભાગનાં આફ્રિકામાં છે.
'સેવ ધ ચિલ્ડ્રન' સંસ્થાનાં જૅસિસા વિને જણાવ્યું કે: "આ દેશોમાં ઓક્સિજનની ઊંચી અને તાતી જરૂરિયાત છે. સંકટ વધી રહ્યું છે."
નિવારી શકાય તેવાં મોતની સંખ્યા કેટલી તે દર્શાવવા માટે સત્તાવાર આંકડાં ઉપલબ્ધ નથી. પરંતુ 'લૅન્સૅટ'માં ગયા મહિને પ્રગટ થયેલા એક સંશોધન અનુસાર આફ્રિકાના 10 દેશોની 64 હૉસ્પિટલ્સમાં કોવિડ દર્દીઓનાં કુલ મૃત્યુ થયાં, તેમાં અડધાંથી વધુ ઓક્સિજન ના મળવાથી થયાં હતાં.
ઓક્સિજનની અછત ધરાવતા કેટલાક ગરીબ દેશોની સ્થિતિ જાણવા બીબીસીએ પ્રયાસ કર્યો છે.

'ઓક્સિજનના અભાવે દર્દીઓ રોજેરોજ મરી રહ્યા છે'

ઇમેજ સ્રોત, DR. JAMA MAHAMUD
સોમાલિયાના પુન્ટલૅન્ડમાં આવેલી કારધો જનરલ હૉસ્પિટલના ડૉ. જમા અબ્દી મહમૂદ કહે છે કે તેઓ અને તેમની ટીમ મુશ્કેલીઓ વચ્ચે કામ કરી રહ્યાં છે.
"રોજેરોજ અમે પાંચથી 10 દર્દીઓ ઓક્સિજનના અભાવે મરતા જોઈ રહ્યા છીએ અને તેના કારણે બહુ હતાશ થઈ જઈએ છીએ," એમ તેમણે જણાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ હોત તો આ બધા મોત અટકાવી શકાત."
હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. મહમૂદે એપ્રિલમાં જોડકાં બાળકોને જન્મ આપનારાં માતાની સારવાર કરી હતી.
"ડિલિવરી નોર્મલ થઈ હતી, પરંતુ થોડા દિવસ બાદ માતાને કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. અમે તેને આઇસોલેટ કરી, પણ તેનું ઓક્સિજન લેવલ ઝડપથી ઘટવા લાગ્યું હતું. ઓક્સિજન મળી શક્યો નહીં અને તેનું મોત થયું."
"જોડકાં બાળકો જન્મ્યાં અને થોડા જ દિવસોમાં તેમની માતા જતી રહી. બહુ દુખદાયક હતું."

વૈશ્વિક ઓક્સિજન સંકટ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર સોમાલિયામાં 15 જૂન સુધીમાં 14,817 કોવિડ કેસ નોંધાયા હતા અને 774નાં મોત થયાં હતાં.
આરોગ્ય કર્મચારીઓ કહે છે કે આ આંકડો ઘણો મોટો હોઈ શકે છે, કેમ કે નોંધણી માટેની યોગ્ય વ્યવસ્થા નથી અને ઘણાં બધાં મોત ગામડાંમાં થાય છે.
"નાની હૉસ્પિટલમાં ઓક્સિજન ના હોય, તેથી સેંકડો કિલોમીટર દૂર મોટી હૉસ્પિટલમાં દર્દીઓને લઈ જવામાં આવે, ત્યારે રસ્તામાં જ તેમાંથી ઘણાનાં મોત થઈ જાય છે," એમ ડૉ. જૉસેફ સેરિકી કહે છે.
તેઓ મોગાડિશુમાં 'સેવ ધ ચિલ્ડ્રન' સાથે કામ કરે છે.
તેઓ કહે છે કે સોમાલિયામાં 750 જેટલી હૉસ્પિટલો અને પ્રાથમિક આરોગ્યકેન્દ્રો છે, જેમને તાકીદે 1,400 ઓક્સિજન કૉન્સન્ટ્રેટર્સની જરૂર છે. અત્યાર સુધીમાં માંડ 300 મળ્યા છે.
"સોમાલીલૅન્ડ અને પુન્ટલૅન્ડમાં લોકો મરી રહ્યાં છે, કેમ કે ઓક્સિજન મળતો નથી. જોકે ફેબ્રુઆરી અને માર્ચમાં બીજી લહેર હતી તે કરતાં હવે મોતનો આંકડો ઘટી રહ્યો છે," એમ ડૉ. ઉબા ફરાહ અહમદે જણાવ્યું. તેઓ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયમાં પરિવાર સ્વાસ્થ્યવિભાગના ડિરેક્ટર છે.
"એક પણ સરકારી હૉસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નથી. રાજધાની મોગાડિશુમાં માત્ર ત્રણ ખાનગી હૉસ્પિટલ્સ પાસે પ્લાન્ટ છે. જોકે કેટલીક દાતા સંસ્થાની મદદથી અમે સરકારી દવાખાનામાં 10 ઓક્સિજન પ્લાન્ટ્સ ઊભા કરી દઈશું."

'મારા ભાઈએ કહ્યું કે મોત આવવા દે'

ઇમેજ સ્રોત, DEEPAK CHAPAGAIN
પશ્ચિમ નેપાળના કૈલાલી જિલ્લામાં નિવૃત્ત આર્મી સાર્જન્ટ ટિકારામ ચપાગેન 16 મેના રોજ કોરોના પૉઝિટિવ થયા હતા.
તે વખતે નેપાળમાં બીજી લહેર ટોચ પર હતી. તેમનું ઓક્સિજન લેવલ ઝડપથી ઘટીને 60% થઈ ગયું હતું. સામાન્ય રીતે તેનું પ્રમાણ 95%થી 100% હોવું જોઈએ.
તેમના ભાઈ પ્રેમ ચપાગેન કહે છે, "અમે ત્રણ હૉસ્પિટલમાં તેમને લઈ ગયા, પણ ક્યાંય ઓક્સિજન નહોતો. તે પછી સરકારી દવાખાને ગયા, પણ ત્યાં પથારી ખાલી નહોતી એટલે કૉરિડોરમાં રાખવા પડ્યાં."
ઓક્સિજન મેળવવા માટે પરિવારના સભ્યો કે મિત્રોએ રિફિલિંગ સેન્ટર પર લાઇન લગાવવી પડતી હતી.
"લોકો સિલિન્ડર માટે રીતસરની પડાપડી કરી રહ્યાં હતાં. અમારે એક સિલિન્ડર માટે આખી રાત લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. નર્સે તેમાંથી ઓક્સિજન આપ્યો પણ તેનું પ્રમાણ ધીમું રાખ્યું, જેથી સિલિન્ડર જલદી ખાલી ન થાય," એમ ચપાગેન કહે છે.
"જોકે મારા ભાઈને વધારે ઓક્સિજનની જરૂર પડે તેમ હતી. અમને થયું કે ભાઈને કાઠમંડુ લઈ જઈએ, પણ ત્યાં પણ ઓક્સિજનની અછત છે તેની અમને જાણ હતી."
"મારા ભાઈએ કહેલું કે આવા સંકટમાં આપણે ક્યાંથી ઓક્સિજન મેળવીશું. મથામણ કરવાનો કોઈ અર્થ નથી, મને મરી જવા દે. એ ખડક જેવા મજબૂત હતા. વિશ્વાસ જ નથી આવતો તેઓ જતા રહ્યા."

વૈશ્વિક ઓક્સિજન સંકટ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
નેપાળમાં 15 જૂન સુધીમાં કોરોનાને કારણે 8,465નાં મોત થઈ ચુક્યાં છે. તેમાંના અડધાંથી વધુ મોત છેલ્લા એક જ મહિનામાં બીજી લહેર વખતે થયાં, એમ WHO જણાવે છે.
નેપાળને ડેલ્ટા પ્રકારનો વાઇરસ ભારે પડી ગયો હતો. ભારતમાં આ વૅરિએન્ટ પેદા થયો હતો અને બહુ ઝડપથી તે ફેલાયો છે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓક્સિજનની માગ હવે રોજની 30,000 સિલિન્ડરોની છે, પણ દેશમાં રોજના માત્ર 13,000 સિલિન્ડરોની જ ઉત્પાદનક્ષમતા છે.
"ઓક્સિજનની અછતના કારણે બીજી લહેર વખતે મોટાં પાયે મોત થયાં," એમ નેપાળના નેશનલ હેલ્થ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના વડા ડૉ. સમીર અધિકારી કહે છે.

'અમે ત્રણ હૉસ્પિટલોમાં ફર્યા પણ ભાઈનું મોત થયું'

ઇમેજ સ્રોત, ESTEFANIA REJALA
28 વર્ષના લિઓનાર્ડો રેજાલાનું ઓક્સિજન લેવલ 10 મેના રોજ ઘટવા લાગ્યું ત્યારે પરિવારે ઓક્સિજન શોધવા માટે દોડાદોડ કરી.
"અમને ક્યાંયથી ઓક્સિજન મળ્યો નહીં. અમે બે હૉસ્પિટલે ગયાં પણ તેને દાખલ જ ના કર્યો," એમ તેમનાં બહેન ઍસ્ટેફેનિયા રેજાલા કહે છે.
"તેનું ઓક્સિજન લેવલ 85થી 87% હતું, પણ તે બહુ બીમાર દેખાતો નહોતો. દરેક હૉસ્પિટલમાં લાઇનો લાગેલી હતી. મરવાની અણી પર હોય તેવા દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા હતા."
પરાગ્વેની રાજધાનીમાં એક હૉસ્પિટલમાં આખરે રેજાલાને દાખલ કરાયા હતા. ત્યાં બીજા દિવસે સવારો તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું અને તેમને અન્ય જગ્યાએ લઈ જવા પડ્યા.
"અમે ઓક્સિજન કૉન્સન્ટ્રેટર સાથે લૉબીમાં બેઠા રહ્યા હતા. તે કહેતો રહ્યો કે ઓક્સિજન ફ્લૉ વધારો, પણ કૉન્સન્ટ્રેટર મૅક્સિમ કક્ષાએ જ કામ કરી રહ્યું હતું.
"તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને બૂમો પાડી રહ્યો હતો. મેં ડૉક્ટરોને આજીજી કરી કે વધારે ઓક્સિજન મળે તેવું કરી આપો અને તેને આઈસીયુમાં લઈ લો, પણ તેઓએ કહ્યું કે શક્ય નથી."
થોડા વખત પછી રેજાલાનું મૃત્યુ થયું.
આવી હાલત અનેક દર્દીઓની થઈ હતી, છતાં પરાગ્વેની સરકાર કહે છે કે કોઈ સમસ્યા નથી.
"ઓક્સિજનની માગ [બીજી લહેર વખતે] 400% વધારે થઈ ગઈ હતી. અમારા દેશમાં ઉત્પાદન થાય છે તેમાંથી 70% માગ પૂરી થાય છે, જ્યારે બાકીની અમે આયાત કરી રહ્યા છે," એમ આરોગ્ય મંત્રાલયના પુરવઠાવિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. ડૅરલિસ લીઓને જણાવ્યું.
ઓક્સિજન વિના કોઈ દર્દીનું મોત થયાની વાતને સ્વીકારવા તેઓ તૈયાર નહોતા.
"ઓક્સિજનને કારણે કોઈ દર્દી મૃત્યુ પામ્યો હોય તેવું બન્યું નથી. પણ કમનસીબે કોવિડ કૉમ્પ્લિકેશનને કારણે દર્દીઓનાં મોત થયાં."

ઓક્સિજન માટેવૈશ્વિક ઉપેક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
15 જૂન સુધીમાં પરાગ્વેમાં 391,436 કોરોના કેસ નોંધાયા હતા, તેમાંથી 10,834નાં મોત થયાં છે. અડધાથી વધુ લોકોનાં મોત છેલ્લા બે મહિનામાં જ થયાં છે.
રોગચાળામાં સરકારોને સહાયરૂપ થઈ રહેલી એનજીઓ 'પાથ'ના જણાવ્યા અનુસાર કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે ઓક્સિજનની માગણી બમણી થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ગરીબ દેશોમાં કર્મશિયલ ધોરણે ઓક્સિજન ઉત્પાદનની સુવિધાઓ નથી કે જેને હૉસ્પિટલના ઉપયોગ માટે વાળી શકાય.
નિષ્ણાતો કહે છે કે ઓક્સિજનની જરૂરિયાત અગત્યની તબીબી જરૂરિયાત રહેશે તેવું એક વર્ષ પછી છેક WHOની ગ્લૉબલ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજીમાં નોંધાયું હતું.
"એક વર્ષ સુધી કેવું સંકટ આવી રહ્યું છે તેની વૈશ્વિક આરોગ્યવર્તુળોમાં ઉપેક્ષા જ થતી રહી," એમ 'એવરી બ્રેથ કાઉન્ટ્સ'ના લૅથ ગ્રિન્સડેલ કહે છે.
'ગ્લૉબલ ફંડ' જેવી આંતરરાષ્ટ્રીય નાણાસંસ્થાઓ જણાવે છે કે તેમણે તાકિદે ઓક્સિજન ઉપલબ્ધિ માટે ગરીબ દેશોને ધિરાણ થાય તેવી વ્યવસ્થા કરી છે.
જોકે ડૉ. અધિકારીને લાગે છે કે તે પૂરતું નહીં હોય.
"બીજી લહેરની આકરી સ્થિતિ પછીય ઓક્સિજન પુરવઠાની બાબતમાં ભાગ્યે જ સ્થિતિમાં કોઈ સુધારો થયો છે. બીજી ઊંચી લહેર આવશે તો ફરી એટલી જ ખરાબ સ્થિતિ થવાની છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












