ઈરાન રાષ્ટ્રપતિ ચૂંટણી : કટ્ટરપંથી રઈસી બની શકે છે નવા રાષ્ટ્રપતિ

શુક્રવારે મત આપ્યા બાદ રાઈસીએ પોતાના પ્રશંસકોનું અભિવાદન કર્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શુક્રવારે મત આપ્યા બાદ રઈસીએ પોતાના સમર્થકોનું અભિવાદન કર્યું હતું
    • લેેખક, બીબીસી મૉનિટરિંગ
    • પદ, .

ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંટણીમાં કટ્ટરપંથી ઇબ્રાહિમ રઈસી ઈરાનના આગામી રાષ્ટ્રપતિ બની શકે છે. અત્યાર સુધી થયેલ મતગણતરીમાં તેમને મળેલી અજેય સરસાઈના કારણે તેઓ જ દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે તે લગભગ નક્કી થઈ ગયું છે.

તેમણે આ ચૂંટણીમાં તેમના ત્રણ પ્રતિસ્પર્ધીઓને માત આપી છે. નોંધનીય છે કે ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક 700 કરતાં વધુ ઉમેદવારોની ઉમેદવારી સ્વીકારાઈ નહોતી.

રઈસી એ ઈરાનના મુખ્ય ન્યાયાધીશ છે અને તેઓ અત્યંત રૂઢિવાદી વિચારો ધરાવે છે. તેઓ અમેરિકા દ્વારા પ્રતિબંધિત છે અને તેમના તાર ભૂતકાળમાં કેટલાક રાજકીય કેદીઓની હત્યા સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.

અહીં નોંધનીય છે કે ઈરાનમાં રાષ્ટ્રપતિનું પદ એ સુપ્રીમ નેતા પછીનું સૌથી ઊંચું પદ માનવામાં આવે છે.

રાષ્ટ્રપતિ સ્થાનિક નીતિ અને વિદેશનીતિ અંગેના નિર્ણયોમાં સારી એવી અસર ધરાવતા હોય છે.

જોકે, રાજ્યની તમામ બાબતોમાં આખરી નિર્ણય લેવાની સત્તા સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખમેનેઈ પાસે જ રહેલી છે.

line

ઇબ્રાહિમ રાઈસી કોણ છે?

રાષ્ટ્રપતિપદના સબળ ઉમેદવાર ઇબ્રાહિમ રાઈસી

ઇમેજ સ્રોત, EPA/ABEDIN TAHERKENAREH

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિપદના સબળ ઉમેદવાર ઇબ્રાહિમ રઈસી

60 વર્ષીય ઉલેમા રઈસીએ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન પ્રૉસિક્યૂટર તરીકે કામ કર્યું છે. વર્ષ 2019માં તેમને ન્યાયતંત્રના વડા બનાવવામાં આવ્યા હતા. જોકે, તેનાં બે વર્ષ પહેલાં તેઓ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઈરાનના હાલના રાષ્ટ્રપતિ રુહાની સામે હાર્યા હતા.

તેમણે પોતાની જાતને ઈરાનમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને આર્થિક તકલીફો સામે ઝઝૂમવા માટે સૌથી કુશળ વ્યક્તિ તરીકે રજૂ કરી છે.

જોકે, 1980માં રાજકીય કેદીઓની સામૂહિક હત્યામાં તેમની ભૂમિકા અંગે ઘણા ઈરાની નાગરિકો અને માનવાધિકાર માટે કામ કરતા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.

અહીં નોંધનીય છે કે ઈરાને ક્યારેય આ સામૂહિક હત્યાકાંડની વાતનો સ્વીકાર કર્યો નથી. તેમજ આ અંગે ક્યારેય રઈસીએ પોતાની ભૂમિકા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

18મી જૂને ઈરાનના આગામી રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ હતી. ઇસ્લામિક ક્રાંતિ બાદ ઈરાનીઓ તેમના આઠમા રાષ્ટ્રપતિની ચૂંટી રહ્યા છે.

નવા રાષ્ટ્રપતિ 'ઉદારમતવાદી' મનાતા વર્તમાન રાષ્ટ્રપતિ હસન રુહાનીનું સ્થાન લેશે. જેઓ વર્ષ 2013માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા હતા અને બે વખતથી આ પદ પર છે.

મીડિયાના અહેવાલો મુજબ, આ ચૂંટણીમાં મતદાન માટે નોંધણી કરાવનારાઓની સંખ્યામાં ઘટાડો યથાવત્ રહેવા પામ્યો છે અને કટ્ટરપંથી મનાતા ન્યાયપાલિકાના વડા ઇબ્રાહિમ રાઈસીનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો હતો.

એવું કહેવાય છે કે આ વખતે ગાર્ડિયન કાઉન્સિલે ચૂંટણીસંબંધિત નિયમોને વધુ પડતા કડક કરી દીધા હતા, જેના કારણે રાઈસીને મજબૂત પડકાર આપી શકે તેવો કોઈ ઉમેદવાર રહ્યો ન હતો. આ સિવાય કડક નિયમોને કારણે પણ મતદારોનો ઉત્સાહ ઘટ્યો છે.

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિની સામે ઘર-આંગણાના પડકારોને પહોંચી વળવા ઉપરાંત વિદેશનીતિ મુદ્દે પણ પડકાર હશે. આ સિવાય લોકશાહીવ્યવસ્થા તથા ઇસ્લામિક શાસનવ્યવસ્થાની હાઇબ્રીડ વ્યવસ્થાના ભવિષ્ય અંગે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

line

મતદાન સામેના પડકાર

દેશની ચૂંટણી માટે બહુ થોડી સંખ્યામાં મતદારોએ નોંધણી કરાવી છે, જે દેશની સરકાર હાલનો સૌથી મોટો પડકાર છે

ઇમેજ સ્રોત, YJC

ઇમેજ કૅપ્શન, દેશની ચૂંટણી માટે બહુ થોડી સંખ્યામાં મતદારોએ નોંધણી કરાવી છે, જે દેશની સરકાર હાલનો સૌથી મોટો પડકાર છે

દેશની ચૂંટણી માટે બહુ થોડી સંખ્યામાં મતદારોએ નોંધણી કરાવી છે, જે દેશની સરકાર હાલનો સૌથી મોટો પડકાર છે.

સત્તાવાર અનુમાન મુજબ, ચૂંટણીમાં લગભગ 42 ટકા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ગત ચૂંટણી દરમિયાન પણ મતદાનની ટકાવારી આની આસપાસ જ રહેવા પામી હતી.

ઈરાનમાં સત્તાવાર રીતે એવું માનવામાં આવે છે કે ત્યાંની ઇસ્લામિકવ્યવસ્થાને પ્રચંડ જનસમર્થન હાંસલ છે. આ સંજોગોમાં મોટી સંખ્યામાં મતદારો તેના અધિકારનો ઉપયોગ કરે તો તેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

પરંતુ આ વર્ષે નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખોમૈની તથા અન્ય ધાર્મિક નેતાઓએ નાગરિકોને રેકૉર્ડ સંખ્યામાં મતદાન કરવા આહ્વાન કર્યું હતું, છતાં અનેક રૂઢીવાદી નેતાઓ આ ચૂંટણીનું મહત્ત્વ ઓછું આંકે છે.

ગાર્ડિયન કાઉન્સિલના પ્રવક્તા અબ્બાસ અલી કાડખોદેએ આ ચિંતાઓને નકારી કાઢી છે અને કહ્યું છે કે, ચૂંટણીની કાયદેસરતા મુદ્દે "મતદારો દ્વારા ઓછા મતદાનથી કોઈ કાયદાકીય સમસ્યા ઊભી નહીં થાય."

line

મતદાતાઓનો મોહભંગ?

ટીકાકારોએ ગાર્ડિયન કાઉન્સિલ ઉપર 'ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનો પ્રયાસ' કરવાના આરોપ મૂક્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટીકાકારોએ ગાર્ડિયન કાઉન્સિલ ઉપર 'ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનો પ્રયાસ' કરવાના આરોપ મૂક્યા છે

તાજેતરમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, જેના કારણે ગાર્ડિયન કાઉન્સિલની ભારે ટીકા થઈ હતી. આને કારણે અબ્બાસ અલીએ ટિપ્પણી કરવી પડી હતી.

ટીકાકારોએ ગાર્ડિયન કાઉન્સિલ ઉપર 'ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનો પ્રયાસ' કરવાના આરોપ મુક્યા છે. સાથે જ કહ્યું છે કે કાઉન્સિલને કારણે જ મતદાનપ્રક્રિયા પરથી નાગરિકોનો મોહભંગ થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ઇસ્લામિક ગણરાજ્યના સંસ્થાપક આયતુલ્લાહ ખોમૈનીએ દેખાડેલા માર્ગ પરથી વિચલિત ન થવાની ચેતવણી આપી છે.

બીજી બાજુ, કાઉન્સિલના એક સભ્ય આયતુલ્લાહ સાદિક અમોલી-લારિજાનીએ કાઉન્સિલના નિર્ણયને "સમર્થન ન આપવા યોગ્ય" ગણાવ્યો છે.

અમોલી-લારિજાનીના ભાઈ અલી લારિજાની સંસદના પૂર્વ સ્પીકર છે. તેમને સબળ ઉમેદવાર માનવામાં આવતા હતા, પરંતુ કાઉન્સિલે તેમને ગેરકાયક ઠેરવ્યા છે.

ખોમૈની કાઉન્સિલની હિમાયત કરે છે, પરંતુ તાજેતરની ટીકા બાદ, ઈરાનની રાજકીય વ્યવસ્થામાં તેમની વધતી ભૂમિકા અંગે સવાલ ઉઠવા લાગ્યા છે.

line

પશ્ચિમી દેશો સાથે સંબંધ

ઉમેદવારી મંજૂર થતા હિમ્મતીને રિઝર્વ બૅન્કના વડાપદેથી હઠાવી દેવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઉમેદવારી મંજૂર થતા હિમ્મતીને રિઝર્વ બૅન્કના વડાપદેથી હઠાવી દેવામાં આવ્યા હતા

પોતાના અણુકાર્યક્રમ તથા પશ્ચિમી દેશો સાથે તણાવપૂર્ણ સંબંધોને કારણે ઈરાન આંતરરાષ્ટ્રીય કૂટનીતિના કેન્દ્રમાં છે. હસન રુહાની તેમની પ્રથમ ટર્મ દરમિયાન પશ્ચિમી દેશો સાથે સંબંધ સુધારવાનો વાયદો કર્યો હતો અને ચૂંટણી જિત્યા હતા.

2015માં તેમણે પશ્ચિમી દેશો સાથેની ઐતિહાસિક પરમાણુસંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જે હેઠળ ઈરાન ઉપર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા હતા, જેના બદલામાં ઈરાને સ્વૈચ્છાએ જ પરમાણુકાર્યક્રમ ઉપર કેટલાંક નિયંત્રણ લાદ્યાં હતાં.

line

ઈરાનની ઇચ્છા?

ઈરાનમાં પાંચ કરોડ 90 લાખ મતદાર હોવાનું અનુમાન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં પાંચ કરોડ 90 લાખ મતદાર હોવાનું અનુમાન

અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જૉ બાઇડને જૂના કરારને બહાલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હાલ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ નથી આવ્યો.

ઈરાન ઇચ્છે છે કે તેના ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધ હઠાવી લેવામાં આવે. જોકે અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને 8 જૂને કહ્યું હતું કે તેમને આશા છે કે ઈરાન ઉપરના અનેક પ્રતિબંધ યથાવત્ રહેશે.

તાજેતરમાં ઈરાનના સર્વોચ્ચ નેતાએ તમામ ઉમેદવારોને આંતરરાષ્ટ્રીય નહીં, પરંતુ સ્થાનિક મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહ્યું હતું.

આથી, ઈરાનના આગામી રાષ્ટ્રપતિ પરમાણુકરાર મુદ્દે વાટાઘાટોને કઈ દિશામાં લઈ જશે, તે અંગે કંઈ પણ કહેવું વહેલું ગણાશે.

તાજેતરમાં એક ટેલિવિઝન ચર્ચા દરમિયાન રાઈસીએ કહ્યું હતું કે ઈરાનના પરમાણુ કરારને ખોમૈનીએ મંજૂરી આપી હતી એટલે તેઓ તેનું સમર્થન કરે છે. રાઈસીએ કહ્યું કે તેનું પાલન કરવા માટે "મજબૂત સરકાર"ની જરૂર છે.

ઈરાનના કટ્ટરપંથી નેતા પરમાણુકાર્યક્રમ મુદ્દે પીછેહઠ કરવાના પક્ષધર નથી.

ગત વર્ષે રૂઢિવાદી નેતાઓના પ્રભુત્વવાળી સંસદે એક કાયદાને પસાર કરીને 2015ના પરમાણુ કરારમાં નક્કી થયેલી ટોચમર્યાદા કરતાં વધુ યુરેનિયમનું સંવર્ધન કરવાની મંજૂરી આપી હતી.

નવા કાયદા બાદ ઈરાનની સરકાર 20 ટકા સુધી યુરેનિયસંવર્ધન ફરી શરૂ કરી શકે છે, પરમાણુ કરારમાં આ ટકાવારીને 3.67 ઉપર મર્યાદિત કરી દેવામાં આવી હતી.

જોકે, એક વાત નક્કી છે કે પશ્ચિમી દેશો સાથે કરાર કોઈ નિશ્ચિત સ્વરૂપ ધારણ નહીં કરે તો પણ પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદના કાર્યકાળ (વર્ષ 2007થી 2013) દરમિયાન જે રીતે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર એકલું પડી ગયું હતું, તેમ અલગ-થલગ નહીં પડે એવી શક્યતા છે.

પરંપરાગત રીતે ઈરાને તેની વિદેશનીતિમાં 'ન પૂર્વ અને ન પશ્ચિમ'ની નીતિ અપનાવી છે, પરંતુ તાજેતરના એક નિવેદન દરમિયાન ખોમૈનીએ તેમના નિવેદનમાં 'પૂર્વને પ્રાથમિકતા' આપવાની વાત કહી હતી.

તાજેતરનાં વર્ષોમાં ઈરાને સીરિયાના મુદ્દે રશિયાને સાથ આપ્યો હતો, સાથે જ તેણે ચીન સાથે 25 વર્ષનો વ્યૂહાત્મક રોડમૅપ પણ તૈયાર કર્યો છે.

line

આર્થિક પડકાર

હિંસાચક્ર દરમિયાન એક પ્રદર્શનકારી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, હિંસાચક્ર દરમિયાન એક પ્રદર્શનકારી

જો ચૂંટણીપ્રચારની ઉપર નજર કરવામાં આવે તો સ્પષ્ટ છે કે દરેક ઉમેદવાર આર્થિક સ્થિતિ સુધારવા મુદ્દે વાયદા કરી રહ્યો છે.

દેશનું અર્થતંત્ર હાલમાં અનેક મોરચે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. દેશનું સત્તાવાર ચલણ કથળીને તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. શૅરબજારમાં સ્થિરતા નથી. જીવનજરૂરિયાતની ચીજોનો ભારે અભાવ વર્તાઈ રહ્યો છે અને વીજસમસ્યા સામાન્ય છે.

બીજી તરફ દેશ ઉપર કડક આર્થિક નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. કોવિડ-19 મહામારીને કારણે દેશના અર્થતંત્રને પણ ભારે ફટકો પડ્યો છે અને ભ્રષ્ટાચાર પણ વકરી રહ્યો છે.

આર્થિક સમસ્યાઓની વચ્ચે વર્ષ 2017માં ભારે મતોથી વિજયી થઈને ફરી એક વખત સત્તા હાંસલ કરનારા હસન રુહાનીની લોકપ્રિયતામાં તાજેતરમાં જંગી ઘટાડો થયો છે.

રાષ્ટ્રપતિપદના કટ્ટરવાદી મનાતા પાંચેય ઉમેદવારોએ આ મુદ્દે વર્તમાન સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. એટલે સુધી કે તાજેતરમાં રિઝર્વ બૅન્કના ગવર્નરપદે રહી ચૂકેલા બિનરૂઢિવાદી નેતા અબ્દુલ નાસિર હિમ્મતીએ પણ વહીવટી તંત્ર સાથેનો છેડો ફાડવાનો પ્રયાસ કર્યો હતો.

રુહાનીએ તેમના ટીકાકારોનો એમ કહીને વિરોધ કર્યો હતો કે આર્થિક સ્થિતિ માટે આર્થિક પ્રતિબંધો તથા કોવિડ-19 મહામારીની વ્યાપક અસરને અવગણવામાં આવી રહ્યાં છે. આગામી સરકારની સામે આ સૌથી મોટો પડકાર હશે. ઈરાનની ઇસ્લામિક ગણરાજ્યવ્યવસ્થાની સ્થિરતા તથા સુરક્ષા સામે પણ તે મોટો પડકાર છે.

સતત કથળતી જતી આર્થિક સ્થિતિને કારણે ડિસેમ્બર-2017 તથા જાન્યુઆરી-2018માં અચાનક જ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધ્યા બાદ નવેમ્બર-2019માં દેશમાં મોટાપાયે વિરોધપ્રદર્શન થયાં હતાં, જેમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હતાં તથા અનેક ઘાયલ થયા હતા.

આ વિરોધપ્રદર્શનોને કારણે માત્ર રુહાની સરકાર જ નહીં, પરંતુ ઇસ્લામિક ગણરાજ્યની પણ ભારે ટીકા થઈ હતી. આ વિરોધપ્રદર્શનોની સામે સરકારે ભારે કડક હાથે કામ લીધું, જેના કારણે દેશની વ્યવસ્થા ઉપરથી પણ લોકોનો વિશ્વાસ ઘટ્યો છે.

line

અનુગામીની ખોજમાં

અત્યાર સુધી માત્ર બે રાષ્ટ્રપતિને બાદ કરતા તમામ રાષ્ટ્રપતિઓએ બીજી વખત ચૂંટણી જીતીને તેમના બે કાર્યકાળ પૂર્ણ કર્યા છે

ઇમેજ સ્રોત, OFFICIAL KHAMENEI WEBSITE VIA REUTERS

ઇમેજ કૅપ્શન, અત્યાર સુધી માત્ર બે રાષ્ટ્રપતિને બાદ કરતા તમામ રાષ્ટ્રપતિઓએ બીજી વખત ચૂંટણી જીતીને તેમના બે કાર્યકાળ પૂર્ણ કર્યા છે

અત્યારસુધી માત્ર બે રાષ્ટ્રપતિને બાદ કરતા તમામ રાષ્ટ્રપતિઓએ બીજી વખત ચૂંટણી જીતીને તેમના બે કાર્યકાળ પૂર્ણ કર્યા છે. આ સંજોગોમાં એવું માનવામાં આવે છે કે આગામી રાષ્ટ્રપતિ લાંબો સમય સુધી પોતાના પદ ઉપર રહેશે.

પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ હસન બની સદ્રની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. મહમદ અલી રજઈની હત્યા રાષ્ટ્રપતિપદ સંભાળવાના એક મહિનાની અંદર કરી દેવામાં આવી હતી.

અત્રે એ વાત પણ વિચારણીય છે કે દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખોમૈનીની ઉંમર 82 વર્ષની છે અને દેશને તેમના ઉત્તરાધિકારીની જરૂર ઊભી થઈ શકે છે.

છેલ્લા કેટલાય સમયથી ઈરાનમાં એ વાતની ચર્ચા થઈ રહી છે કે ઈબ્રાહિમ રઈસી ખોમૈનીના ઉત્તરાધિકારી બની શકે છે. ખુદ ખોમૈની પણ આઠ વર્ષ સુધી દેશના રાષ્ટ્રપતિપદે રહ્યા હતા અને બાદમાં જ સર્વોચ્ચ નેતા બન્યા હતા.

રઈસીએ અત્યાર સુધી એક પણ ચૂંટણી જીતી નથી, અને તેમણે જે કોઈ પદ પર કામ કર્યું છે, તે નિમણૂકો હતી. આ સંજોગોમાં લોકોની વચ્ચે જઈને લોકપ્રિયતા હાંસલ કરવી તથા લાંબા સમય સુધી દેશ ઉપર શાસન કરવા માટે જનસમર્થન મેળવવાનો પડકાર તેમની સામે હશે.

2017ની ચૂંટણી દરમિયાન રઈસી વર્તમાન રાષ્ટ્રપતિ રુહાનીની સામે 19 ટકા મતના માર્જિનથી હારી ગયા હતા. શક્ય છે કે આ વર્ષે મતદારોની ઓછી સંખ્યા તથા ટક્કર આપી શકે તેવા ઉમેદવારના અભાવે તેમને લાભ થાય અને સરળ જીત મળે, જેવું હાલ થતું દેખાઈ પણ રહ્યું છે.

પરંતુ આવનારા સમયમાં પોતાની મહત્ત્વકાંક્ષાને પૂર્ણ કરવા માટે જરૂરી લોકપ્રિયતા અને કાયદાકીય માન્યતા મળશે કે કેમ, તે કહેવું મુશ્કેલ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો