WTC Final IND Vs NZ : ન્યૂઝીલૅન્ડનો ભવ્ય વિજય, ફાઇનલમાં ભારતને 8 વિકેટે હરાવ્યું

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ટેસ્ટ ક્રિકેટને પ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન મળી ગયો છે. એ છે આઈસીસી રૅન્કિંગમાં પ્રથમ ક્રમની ટીમ ન્યૂઝીલૅન્ડ.
ન્યૂઝીલૅન્ડે ભારત વિરુદ્ધ સાઉથૅમ્પટમાં છ દિવસ ચાલેલા ફાઇનલ મુકાબલામાં તમામ મોરચા પર દબદબો સાબિત કરી દીધો અને આઠ વિકેટે ભવ્ય વિજય હાંસલ કર્યો.
વરસાદથી પ્રભાવિત મૅચના છઠ્ઠા દિવસે બૉલરોની કમાલ બાદ કૅપ્ટન કૅન વિલિયમસન અને રૉસ ટૅલરે ઉમદા બૅટિંગ કરીને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ઇતિહાસ રચી દીધો. ભારતે સાઉથૅમ્પટનમાં રમાઈ રહેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડને જીતવા માટે 139 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ભારતીય બૉલર આર. અશ્વિને ન્યૂઝીલૅન્ડની ઓપનિંગ જોડીને તોડી હતી. અશ્વિને લૅથમ અને કૉનવેને આઉટ કર્યા હતા.
ડેવન કૉનવે અને ટૉમ લૅથમે પ્રથમ વિકેટ માટે 33 રન બનાવ્યા. લૅથમ નવ રન બનાવીને સ્પિનર રવિચંદ્રન અશ્વિનના બૉલ પર આઉટ થયા. ત્યારબાદ અશ્વિને કૉનવેને પેવેલિયન મોકલ્યા હતા. તેમણે 19 રન બનાવ્યા.
ન્યૂઝીલૅન્ડની બીજી વિકેટ 44 રન પર પડી હતી.

ભારતની ઈનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી 'વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ'ની ફાઇનલમાં ભારતની બીજી ઇનિંગ 170 રનમાં સમેટાઈ ગઈ.
ભારતે ન્યૂઝીલૅન્ડ સામે જીતવા માટે 139 રનનો પડકાર મૂક્યો. બીજી ઇનિંગમાં ભારતના ટૉપ સ્કોરર ઋષભ પંત રહ્યા, જેમણે 41 રન બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂઝીલૅન્ડના બૉલરોએ છઠ્ઠા દિવસે પહેલા સત્રમાં જ ત્રણ ઝટકા આપીને ભારતને દબાણમાં લાવી દીધું હતું.
ભારતે લંચ પહેલાં કપ્તાન વિરાટ કોહલી, ઉપકપ્તાન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાની વિકટ ગુમાવી હતી.
છઠા દિવસે રમતની શરૂઆત બે વિકેટ પર 64 રનના સ્કોર સાથે કરનારી ભારતીય ટીમના લંચ સુધી પાંચ વિકેટ પર 130 રન હતા.
મૅચમાં વરસાદની સંભાવનાને પગલે જ એક દિવસ વધારાનો રાખવામાં આવ્યો હતો.
આ અગાઉ મંગળવારે ન્યૂઝીલૅન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 249 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ભારતીય ઝડપી બૉલરો સામે કૅન વિલિયમસને મક્કમ રમત દાખવી અને 177 બૉલ પર 49 રન બનાવ્યા. એ પછી કાઇલી જૈમિસન અને સાઉધીએ પણ અનુક્રમે 21 અને 30 રન કરીને મહત્ત્વની લીડ અપાવી.
બીજી ઇનિંગમાં બૅટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલ ફક્ત 8 રને આઉટ થઈ ગયા અને એ પછી રોહિત શર્મા પણ 30 રને આઉટ થઈ ગયા. આ બેઉ વિકેટ સાઉધીએ લીધી.
2005 પછી પહેલી વાર મૅચ વધારાના દિવસે યાને કે છઠ્ઠા દિવસે રમાઈ હતી અને ઇંગ્લૅન્ડમાં આવું 1975 પછી કદી થયું નહોતું.
પાંચમા દિવસની રમત ઉતાર-ચઢાવની રહી અને બેઉ ટીમોને એમ લાગ્યું કે તેમની મૅચ પર પકડ છે.
સવારે ન્યૂઝીલૅન્ડની ધીમી શરૂઆત બાદ ભારતીય બૉલરોએ મૅચમાં જીવ ફૂંક્યો અને લંચ પહેલાં ત્રણ વિકેટ ઝડપી લીધી.
જોકે, એ પછી કૅન વિલિયમસને ન્યૂઝીલૅન્ડને જલદી આઉટ કરી દેવાના ભારતના પ્રયાસોનો મક્કમ પ્રતિકાર કર્યો.
એમણે શરૂઆતના 100 બૉલમાં ફક્ત 15 રન કર્યા હતા. એ પછી ટિમ સાઉધી અને કાઇલ જૈમિલને ઝડપથી રન કર્યા.

શમી અને સાઉધીની શાનદાર બૉલિંગ

ઇમેજ સ્રોત, ANI
આ મૅચમાં ભારત સામે ન્યૂઝીલૅન્ડના શાનદાર પ્રદર્શનના અનેક પ્રસંગો જોવા મળ્યા.
ભારત જેવી સુપરપાવર ટીમ સામે બીજી કોઈ ટીમ સવારના સત્ર પછી ભાગ્યે જ ટકી શકે. જોકે, ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓએ ખરાબ સત્ર પછી પણ હાર ન માની.
ભારત અને ન્યૂઝીલૅન્ડ બેઉ તરફથી આ મૅચમાં શાનદાર બૉલિંગ જોવા મળી.
શમીની લાઇન લૅન્થે ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓને પરેશાન કરી મૂક્યા તો સામે સાઉધીએ પણ શાનદાર બૉલિંગ કરી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












