અફઘાનિસ્તાન : તાલિબાનના વધતા પગપેસારાને પગલે સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી

ઇમેજ સ્રોત, AFP
સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે જ્યારે અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનથી પરત ફરી રહ્યાં છે ત્યારે તાલિબાની લડવૈયાઓએ અફઘાનિસ્તાનના ડઝનેક જિલ્લાઓ પર પોતાનો કબજો જમાવવાનું શરૂ કરી દીધું છે.
સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત ડેબોરા લ્યોંસે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કહ્યું કે તાલિબાની લડવૈયાઓએ અફઘાનિસ્તાનના 370 પૈકી 50 જિલ્લાઓ પર કબજો કરી લીધો છે. એમણે આ બદલાઈ રહેલા સમીકરણોને લઈને ચેતવણી પણ આપી છે.
એમણે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં વધી રહેલા સંઘર્ષનો એક અર્થ છે અસુરક્ષામા વધારો જે ન ફક્ત પડોશી દેશો માટે પરંતુ દૂરના દેશો માટે પણ ચિંતાનો વિષય છે.
જોકે, અમેરિકા અને હવે નાટો પણ 11 સપ્ટેમ્બર સુધી પોતાના તમામ સૈનિકોને અફઘાનિસ્તાનથી પરત બોલાવી લેવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યું છે.
પૅન્ટાગનના પ્રવક્તાએ કહ્યું કે, "અફઘાનિસ્તાનમાં ગતિશીલ સ્થિતિ બનેલી છે પરંતુ તાલિબાનની વધતી પકડના કારણે સૈનિકોની વાપસી પર હજી સુધી કોઈ અસર ઊભી નથી થઈ. વાપસીની ગતિ અને અને વ્યાપમાં હજી લવચિકતા છે."
જોકે, કટ્ટરપંથી ઇસ્લામી સમૂહ - તાલિબાને ગત કેટલાક સમયમાં જે રીતે પ્રગતિ કરી છે અને પોતાનો વ્યાપ વધાર્યો છે તેનાથી સંયુક્ત રાષ્ટ્ર પરેશાન છે.
ડેબોરા લ્યોંસે ન્યૂયૉર્કમાં 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કહ્યું કે, તાલિબાનની વધતી તાકાત પાછળ આક્રમક સૈન્ય અભિયાન મુખ્ય કારણ છે.
ડેબોરાએ કહ્યું, પ્રાંતિય રાજધાનીઓને અડેલા જિલ્લાઓને તાલિબાને પોતાના કબજામાં લીધા છે જે દર્શાવે છે કે તાલિબાનનું નિશાન આ રાજધાનીઓ જ છે. જોકે, હાલ તે વિદેશી સૈનિકો પરત ફરે તેની રાહ જુએ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે અધિકારીઓએ કહ્યું કે, તાલિબાને તાજિકિસ્તાન સાથે જોડાયેલી અફઘાનિસ્તાનની મુખ્ય સરહદ પર કબજો કરી લીધો છે. આ વિસ્તાર ઉત્તરના પ્રાંત કુંગુજમાં છે જ્યાં તાજેતરમાં સંઘર્ષ તેજ થયો છે.
તાલિબાની લડવૈયાઓનું કહેવું છે કે આ સમગ્ર પ્રાંત પર એમનું નિયંત્રણ છે. પ્રાંતીય રાજધાની જેને કુદુંજ કહેવામાં આવે છે ફક્ત તેના પર જ સરકારનું નિયંત્રણ છે.
જોકે, અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે અફઘાન સૈન્ય દળોએ અમુક જિલ્લાઓમાં ફરી પોતાનો કબજો જમાવવા માટે અભિયાન શરૂ કર્યું છે.
કુદુંજ શહેર વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું માનવામાં આવે છે. 2015 અગાઉ પણ આ વિસ્તાર પર તાલિબાનનો કબજો હતો જેને નાટો સમર્થિત અફઘાન દળોએ ફરી કબજામાં લીધું હતું.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ તાલિબાને આ દરમિયાન મોટી સંખ્યામાં સૈન્ય સાધનો પર કબજો કરી લીધો છે. સાથે જ ડઝનેક સૈનિકો કાં તો મારી નાખવામાં આવ્યા છે અથવા ઘાયલ કરવામાં આવ્યા છે. આ સંઘર્ષમાં કેટલા તાલિબાન લડવૈયા માર્યા ગયા છે તે હજી સ્પષ્ટ નથી.
અફઘાન સુરક્ષા દળોનું કહેવું છે કે તેઓ જલદીથી કબજે કરી લેવાયેલી ભૂમિને પરત મેળવવા માટે અભિયાન શરૂ કરશે.

અફઘાન સેનાના પ્રવક્તા જનરલ અજમલ શિનવારીએ કહ્યું કે, "તમે જલદીથી આખા અફઘાનિસ્તાનમાં સેનાનો પ્રભાવ વધતો જોઈ શકશો."
અમેરિકાનાના નેતૃત્ત્વવાળી ગઠબંધન સેનાઓએ ઑક્ટોબર 2001માં તાલિબાનને અફઘાનિસ્તાનમાં સત્તાથી બેદખલ કરી દીધું હતું.
અમેરિકાનું કહેવું હતું કે આ કટ્ટરપંથી ઇસ્લામી સમૂહ અમેરિકા પર 9/11ના રોજ હુમલો કરનાર ઓસામા બિન લાદેન જેવા ચરમપંથીઓને આશ્રય આપતું હતું. આ કારણે અમેરિકાએ પોતાની સેનાને અફઘાનિસ્તાનમાં કાર્યવાહી માટે ઊતારી હતી.
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે અમેરિકન સૈન્ય દળોએ એ સુનિશ્ચિત કર્યું કે અફઘાનિસ્તાન હવે આવા કોઈ વિદેશી ચરમપંથીને આશ્રય નહીં આપી શકે જે પશ્ચિમના દેશો માટે ખતરો હોય.
જોકે, ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક વરિષ્ઠ અધિકારીએ ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનના તાલિબાન લડવૈયામાં અલ-કાયદાના ઘણા લોકો સામેલ છે.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની માને છે કે અફઘાનિસ્તાનની સેના તાલિબાન પર નિયંત્રણ જાળવી રાખવા માટે સંપૂર્ણ સક્ષમ છે. જોકે, અનેક લોકોનું માનવું છે કે વિદેશી સૈનિકો પરત ફરશે એ પછી અફઘાનિસ્તાન તાલિબાનની પકડમાં આવી જશે.
જો બાઇડને એ ભરોસો અપાવ્યો છે પોતાની સેના પાછી ખેંચી લીધા પછી પણ અમેરિકા અફઘાનિસ્તાન સરકારને સહયોગ કરતું રહેશે. જોકે, આમાં સૈન્ય સહાયતા સામેલ નહીં હોય.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












