International Widows day : 'દીકરાને એમ છે કે પપ્પા હૉસ્પિટલે ગયા છે, હમણાં પાછા આવશે' - કોરોનામાં વિધવા થયેલી નારીની વીતકકથા

- લેેખક, ચિન્કી સિન્હા
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારો મહાસંકટમાં મુકાઈ ગયા હતા. બાળકો અનાથ થયાં, યુવતીઓ વિધવા થઈ. ઘણી મહિલાઓ જીવનની ત્રીસી કે ચાલીસમાં છે, જેમણે ગૃહિણી તરીકે જ જીવન વિતાવ્યું હતું અને ક્યારેક ઘર બહાર નીકળીને કમાવાનું વિચાર્યું નહોતું. પરંતુ હવે ભવિષ્ય અંધકાર બની ગયું છે અને પરિવારનું ગુજરાન કરવાનું માથે આવ્યું છે.
કોરોનાને કારણે વિધવા બનેલી નારીઓ પિતૃસત્તાક સમાજમાં મોટી થઈ છે અને તેમની પાસે કોઈ ડિગ્રી નથી કે નોકરી કરવાનો અનુભવ નથી. મોટા ભાગની નારીઓ માટે બીજાં લગ્ન કરવાનું વિચારવાનું પણ શક્ય નથી.
બીબીસી ન્યૂઝે આવી એક 32 વર્ષીય મહિલા સાથે વાતચીત કરી, જે હાલમાં જ વિધવા બની છે.
રેણુના પતિનું 25 એપ્રિલે કોવિડ-19ને કારણે મૃત્યુ થયું. રજૂ કરીએ છીએ રેણુની વીતકકથા:

'દીકરાને એમ છે કે પિતા હૉસ્પિટલ ગયા છે, હમણાં આવશે'

ક્યારેક તેમની બહુ યાદ આવી જાય ત્યારે તેમનું સફેદ ટી-શર્ટ પહેરી લઉં છું. એય જાણું છું કે ટી-શર્ટ પણ સદા ટકી જવાનું નથી. મતલબ કે કશું કાયમી હોતું નથી.
જીવનસાથી જીવનભર રહેવાના હતા, પણ તેય રહ્યા નહીં.
તેમના વિના ઊંઘવું અને તેમના વિના જાગવું બહુ આકરું લાગે છે અને રડી લેવા ખૂણો શોધતી રહું છું.
હું સૂઈ ના જાઉં ત્યાં સુધી મારી નવ વર્ષની દીકરી સૂતી નથી. નવ જ વર્ષની છે, પણ મૃત્યુ તમને જલદી મોટી કરી દે છે. એક દિવસ મેં તેને ઉપર રડતાં જોઈ હતી. તે તેના પિતાની તસવીરને વળગીને રડી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેં તેને કહ્યું કે બેટા તું રડતી રહીશ તો હું કેવી રીતે પરિવારને સંભાળી શકીશ. મારી દીકરીએ કહ્યું કે હવે પોતે ક્યારેય નહીં રડે.
મારો દીકરો ચાર વર્ષનો છે અને તેને હજીય એમ છે કે પિતા હૉસ્પિટલે ગયા છે અને ઘરે પાછા ફરશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મને આજેય તેમની વિદાયનો દિવસ યાદ છે. તેમનાં ફેફસાંને નુકસાન થયું હતું. અમને અંદાજ નહોતો કે તેમને કોરોના થયો છે. આગલી રાત્રે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી એટલે હૉસ્પિટલ લઈ ગયા ત્યારે ખબર પડી કે તેઓ પૉઝિટિવ છે. હૉસ્પિટલ પાસે પૂરતો ઓક્સિજન નહોતો એટલે તેમણે ઘરે લઈ જવા કહ્યું, પરંતુ અમે મિત્રોની મદદથી કેટલાક સિલિન્ડર મેળવ્યા.
તે બપોરે તેમને ઊંઘ આવી ગઈ. તે 25 એપ્રિલ હતી. તેમના મિત્રો તે દિવસે ખબર કાઢવા આવ્યા હતા. મેં મારાં સાસુ-સસરા અને બાળકોને દૂર રહેવા કહ્યું હતું. હું તેમની સાથે હતી. સાંજે તેમણે કહ્યું કે બાળકોને બોલાવ. બાળકોને અને હું દૂર ઊભા રહ્યાં અને તેમણે બાળકો સામે સ્માઇલ કર્યું. મેં કહ્યું કે કશું થવાનું નથી. તેમણેય કહ્યું કે તું છે એટલે હું આમાંથી બહાર આવી જઈશ.
રાતના 10.30 વાગ્યા હશે. અમે ઓક્સિજન સિલિન્ડર બદલી રહ્યા હતા ત્યારે તેમના મિત્રે અને પડોશીએ ઓક્સિમિટર ચેક કર્યું તો તેમાં SPO2 લેવલ ઝીરો હતું. તેમનો પલ્સ રેટ 15 જ દેખાડતો હતો.
તેમના મેડિકલ પ્રોફેશનલ મિત્ર સંદીપે CPR કર્યું અને ડૉક્ટરે લખી આપેલું ઇન્જેક્શન પણ આપ્યું.
પરંતુ મારા પતિનું હૃદય ધબકતું અટકી ગયું હતું. તેઓ જતા રહ્યા. બસ એમ જ.
તેમની ઉંમર માત્ર 37 વર્ષની જ હતી.
એક જ ક્ષણમાં જિંદગી બદલાઈ ગઈ. ખરેખર.
મને યાદ છે કે લૉકડાઉન વખતે અમે રસોડામાં સાથે મળીને રસોઈ બનાવતા. તેઓ ગૂગલમાંથી રેસિપી શોધી કાઢે. હું શાકભાજી સમારું અને તેઓ રાંધે. હવે તો કોઈ કહેનારું રહ્યું નથી કે શું જમવાનું બનાવવું.

'મને એમનું હસવું બહુ ગમતું'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સૌથી વધારે હવે મને ભવિષ્યની ચિંતા છે. મારાં બાળકોની ચિંતા છે.
હું મેકઅપ આર્ટિસ્ટ બનવા માગતી હતી. મેં ધોરણ 10 પછી ભણવાનું છોડી દીધું હતું. મને ભણવાનું બહુ ગમતું નહોતું.
હું જૂની દિલ્હીમાં ઉછરી છું અને મારી મા પણ ગૃહિણી હતી અને પિતા રેલવેમાં કામ કરતા હતા. હું અને જોડકાં ભાઈઓ જૂના મકાનમાં જ જન્મ્યાં હતાં. ઘરમાં હું મોટી હતી.
મને ડ્રેસ પહેરવાનું અને મેકઅપ કરવાનું બહુ ગમતું. હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે કાકીની લિપસ્ટિક લગાવી લેતી. તેઓ ગુસ્સે થતાં, પણ હું કંઈ પરવા ના કરતી. મારા ફોઈનું પાર્લર લક્ષ્મીનગરમાં હતું. હું ત્યાં જતી અને તેમને કામ કરતા જોતી.
નાની હતી ત્યારે મને કોઈ એવું મળ્યું નહોતું કે તેની સાથે પરણી જાઉં. હું 20 વર્ષની થઈ તે પછી મારા પતિને મળી હતી.
2009ની એ વાત છે.
તેમનાં માતાપિતા ઘરે જોવા આવ્યાં ત્યારે અમે પહેલી વાર મળ્યા. હું 20 વર્ષની જ હતી. મારા પિતાની તબિયત સારી રહેતી નહોતી અને મને જલદી પરણાવી દેવા માગતા હતા. જૂની ફિલ્મોમાં હોય તેવી રીતે હું નાસ્તો અને ચા ટ્રેમાં લઈને આવી ત્યારે પહેલી વાર તેમને જોયેલા.
અમને વાતચીત કરવા માટે બીજા રૂમમાં મોકલવામાં આવ્યાં હતાં. મેં તેમને કહેલું કે મને જાતભાતનાં વસ્રો પહેરવાનું અને મેકઅપ કરવાનું બહુ ગમે. તેમણે કહેલું કે એમાં અમારા પરિવારને કોઈ વાંધો નહીં હોય.
તેઓ હસવા લાગ્યા અને કહ્યું કે તું મને ગમવા લાગી છે. અમે લોકો જ્યાં ઘરના બધા બેઠા હતા ત્યાં ગયાં અને મેં કહ્યું કે મને છોકરો પસંદ છે. મને યાદ છે કે મને તેમનું હસવાનું બહુ ગમી ગયું હતું. મને થયું કે આવા હસમુખા સાથે પરણી જવાય.
એક વર્ષ પછી 19 નવેમ્બર 2010માં અમારાં લગ્ન થયાં.

'પતિ ખીજાતા કે જિંદગીનો કંઈ ભરોસો નહીં'

થોડા મહિનામાં જ મને દીકરી જન્મી. મને ત્યારે માતા બનવાની બહુ ઇચ્છા નહોતી, પણ મારા પતિએ કહેલું કે બાળકને જન્મવા દેવું જોઈએ.
એ રીતે દીકરી જન્મેલી અને તેમને તે બહુ જ વહાલી હતી.
2013માં મેં મેકઅપનો કોર્સ કરેલો અને મને નોકરી પણ મળી ગઈ હતી. પરંતુ ત્યારે દીકરી બહુ નાની હતી એટલે મેં ઘરે જ રહેવાનું નક્કી કર્યું. જોકે હું છૂટક કામ કરતી હતી અને તે રીતે મહિને 20,000-25,000 કમાઈ લેતી હતી. તે પછી 2016માં મને દીકરો થયો.
ગયા વર્ષે એપ્રિલમાં 20 કન્યાઓનાં બ્રાઇડલ મેકઅપનું બુકિંગ મારી પાસે હતું. મેં સારી કમાણી કરી હોત, પરંતુ લૉકડાઉન આવ્યું અને એક વર્ષ સુધી કામ ના મળ્યું. મેં કંઈ બચત પણ કરી નહોતી. મેં ઘરેણાં, ગિફ્ટ, શૂઝ, ગાઉન એવું ખરીદેલું.
મારા પતિ ઘણી વાર મારા પર ખીજાતા કે જિંદગીનો કંઈ ભરોસો નહીં. પણ તમે યુવાન હો અને કમાણી થતી હોય ત્યારે તમે મૃત્યુનું વિચારતા નથી.

'મારા માટે લાવેલો ગાઉન એમની છેલ્લી ગિફ્ટ'

ફેબ્રુઆરીમાં અમે રાજૌરી ગાર્ડનમાં મૉલમાં ગયાં હતાં. પરિવારમાં લગ્નપ્રસંગ હતો અને શૉપિંગ કરવા માટે ગયાં હતાં. મેં ત્યારે જ પિન્ક ગાઉન લગાવેલો જોયેલો. મને તે ગમી ગયેલો. મને હતું કે 4,000 રૂપિયામાં મળી જશે.
મારી પાસે એટલા જ પૈસા હતા, પણ દુકાનદારે કહ્યું કે ગાઉન 8,000નો છે. મેં મારા પતિને કહ્યું કે આટલા પૈસા ગાઉનમાં નથી બગાડવા, કેમ કે રોજરોજ તો કોઈ પહેરતું નથી. અમે બાળકો માટે ખરીદી કરી અને ઘરે આવી ગયાં.
બીજા દિવસે મારા પતિ ઘરે આવ્યા ત્યારે સાથે પૅકેટ હતું. મને કહે ખોલીને જો. મેં જોયું તો એ જ ગાઉન લઈને આવ્યા હતા.
મેં તેમની માટે વૉલેટ ખરીદેલું ત્યારે તેમણે કહેલું કે કેમ પૈસા વેડફે છે. મેં તેમને યાદ કરાવેલું કે કેમ તમે મારા માટે ગાઉન લઈ આવેલા. એ તેમની છેલ્લી ગિફ્ટ હતી. મેં આપેલું વૉલેટ મારી છેલ્લી ગિફ્ટ હતી.
થોડા દિવસ પછી હું મારા પતિની આ બધી વસ્તુઓ દાનમાં આપી દેવાની છું. એવો રિવાજ છે, પણ હું કેટલીક વસ્તુઓ રાખી લઈશ. માર્ચમાં હું તેમના માટે વૉલેટ લઈ આવી હતી તે હું રાખી લઈશ.
મારે તેમને કહેવું હતું કે ગોવા ફરવા જવા માટે હું પૈસા બચાવવાની છું. એપ્રિલમાં અમે જવા માગતાં હતાં. મને દરિયો જોવાની બહુ ઇચ્છા છે. બીજા કપલ લે તે રીતે મારે ફોટા લેવા હતા.
પણ હવે મને આવા ફરવાના સ્થળે કોણ લઈ જશે? સાવ એકલી થઈ ગઈ છું.

'મને એમનું નામ બહુ ગમતું'

એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે. મારા સસરાને થોડું પેન્શન મળે છે, 4000 રૂપિયા જેટલું થાય છે. મારી દીકરી ખાનગી શાળામાં જાય છે તેની ફી 2,100 રૂપિયા છે. બચત ના હોય ત્યારે આટલા ખર્ચ પરવડે તેમ નથી.
મારા દિયર પણ ખાનગી કંપનીમાં કામ કરે છે અને એટલું કમાતા નથી. એટલે તેમના પર પરિવાર નભે તેવી અપેક્ષા રાખી શકાય નહીં.
હું નોકરી શોધી રહું છું. મેં કેટલાંક ફૉર્મ ભર્યાં હતાં અને મને ચાઇલ્ડ સર્વાઇવલ ઇન્ડિયા તરફથી પૂછપરછ થઈ હતી. તેઓએ કહ્યું કે તેઓ નોકરી શોધવામાં મદદ કરશે. કોરોના વચ્ચે છૂટક કામ કરવાનું શક્ય નથી.
મને બાળકોની ચિંતા છે. બાળકો ભણીગણીને કામે લાગે તેવી મારી ઇચ્છા છે. હું તો ગમે તેમ કરીને મારી જિંદગી કાઢી નાખીશ. હા જિંદગીમાં એકાકીપણું હશે તે મને ખબર છે. પણ ગમે તેમ જીવવાનું છે.
સૌ પોતપોતાની જિંદગીમાં પડી જાય છે અને હું આ રૂમમાં એકલી રહી ગઈ છું. તેમની યાદ ગાઢ ધુમ્મસની જેમ છે. આમાં કઈ રીતે જીવવું?
હું જ્યારે પણ એકલી હોઉં, તેમના વિશે વિચાર્યા કરું છું. ફોનમાં અમારા વીડિયો છે તે જોતી રહું છું. તેમની બધી જ વસ્તુઓ મારી આસપાસ છે. ઘણી વાર મને થાય કે પાછા આવશે, પણ એ બધી ભ્રમણાઓ જ છે.
મારા, સંતાનોના અને તેમનાં માતાપિતાના ફોટા તેમણે વૉલેટમાં રાખેલા. એ જ અમારું જીવન હતું. અમારાં સપનાં હતાં. અમારી ચિંતાઓ પણ હતી. પણ હું હવે એકલી છું અને તેમને આપેલા વાયદાઓ છે જે મારે પાળવાના છે. એ બધી યાદો બહુ જીવંત હોય તેવું લાગે છે.
તેમનું નામ અમિત હતું. મને નામ બહુ જ ગમતું. ટૂંકું અને પ્યારું નામ હતું.

ઘણા કહે છે કે બીજા લગ્ન કરી લે પણ...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ઘણા મને ફરી લગ્ન કરવા કહે છે, પણ મને મારાં બાળકોની ચિંતા છે. મારાં સંતાનો નવા પિતાને ના સ્વીકારે તો? મારી દીકરી પિતાને બહુ વહાલી હતી. તે વહેલા જાગીને દીકરીને જગાડતા અને બંને ચાલવા જતા. હું દીકરી પર ખીજાઉં તો તેમને ના ગમે. દીકરીને બહુ વહાલ કરતા અને તેમને પાઇલટ બનાવવા માગતા હતા.
હજી ઉંમર નાની છે. સાસુસસરાને પણ વાંધો નહીં હોય જો હું બીજા લગ્ન કરું. પણ પછી તેમની સંભાળ કોણ રાખશે? મેં પતિને વચન આપેલું કે હું સૌને સંભાળી લઈશ.
મારા એક જૂના મિત્રે ફોન કરીને મને કહ્યું પણ ખરું કે તે લગ્ન કરવા તૈયાર છે. પણ મેં કહ્યું કે હું હજી તૈયાર નથી.
મારા પતિ તેમના વિશે જાણતા હતા. મને ખબર નથી કે તેમનો પરિવાર બે સંતાનો સાથેની વિધવાને સ્વીકારશે કે નહીં. મારા આ મિત્ર કહે છે કે તેમનો પરિવાર ઉદાર છે, પણ તે મારાં સંતાનોને લગ્ન પછી રાજી ના રાખે તો શું? મેં ના પાડી તે પછી તે પણ હવે બહુ વાત કરતા નથી.
મેં બધું ભગવાન પર છોડી દીધું છે.
ઇલેસ્ટ્રેશન- ગોપાલ શૂન્ય


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












