'ધૂપ કી દીવાર': હિંદુ યુવક અને મુસ્લિમ યુવતી વિશેની સિરીઝથી પાકિસ્તાનમાં લોકો નારાજ કેમ થયા?

ઇમેજ સ્રોત, ZEE5
"શું લેખિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેણા તણાવથી પરિચિત નથી? શું હીરો પાકિસ્તાની છોકરો ના હોઈ શકે?"
આવા અનેક સવાલો પાકિસ્તાન સોશિયલ મીડિયામાં પુછાઈ રહ્યા છે. ભારતીય સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર પાકિસ્તાનનાં જાણીતાં નાટ્યકાર ઉમેરા અહમદે લખેલી વેબ સિરીઝ 'ધૂપ કી દીવાર'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી આ વિવાદ સર્જાયો છે.
કેટલાક લોકોએ તો લેખિકા પર દેશદ્રોહી અને રાષ્ટ્રવિરોધી હોવાનું જાહેર પણ કરી દીધું. કારણ એ કે આ નાટક પાકિસ્તાનમાં નહીં, પરંતુ ભારતના સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ 'ઝી5' પર પ્રસારિત થવાનું છે.
સોશિયલ મીડિયા પર એટલી ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી કે નાટકનાં લેખિકાએ આ વિશે લાંબોલચક ખુલાસો કરવો પડ્યો છે.
તેમણે તેમની સિરીઝ સામે ઉઠાવવામાં આવેલા બધા સવાલોના જવાબો આપવાની કોશિશ કરી.

નાટકની કહાણી શું છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સોશિયલ મીડિયામાં લોકોએ આ નાટકની કહાણીનો વિરોધ કર્યો છે.
સિરીઝનું ટીઝર જાહેર થયું તેમાં એક ભારતીય હિંદુ છોકરાની વાત છે, જે પાકિસ્તાની મુસ્લિમ છોકરીને નફરત કરે છે અને પછી તેની સાથેનો સંબંધ પ્રેમમાં પરિણમે છે.
બંનેના પિતા ભારત અને પાકિસ્તાનની સેનામાં કામ કરે છે અને તેઓ બન્ને ભારત-પાકિસ્તાન સરહદ પર તંગદિલી અને અથડામણ વખતે મૃત્યુ પામે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરૂઆતમાં બંને પોતપોતાના પિતાની બહાદુરીની વાતો કરે છે અને એક બીજાની સામે મીડિયા અને સોશિયલ મીડિયામાં નિવેદનો પણ આપે છે.
તેના કારણે તેમના પ્રસંશકો ખુશ પણ થતા રહે છે. પણ ધીમેધીમે આ લડાઈ દોસ્તીમાં પરિવર્તન પામવા લાગે છે.
તેઓ બંનેને એવું લાગવા લાગે છે કે બંને દેશો વચ્ચે તણાવ છે તેનું કારણ લોકો વચ્ચેની દુશ્મનાવટ નથી.
બંને પિતા ગુમાવવાની પીડા અનુભવે છે, જેને 'યુનાઇટેડ ગ્રીફ' તરીકે વર્ણવાયું. જોકે તેઓ બંને સામે તેમના પરિવારોનો વિરોધ જાગ્યો હતો.
ટીઝરમાં છેલ્લે નાટકમાં મુખ્ય ભૂમિકા કરનાર અહદ રઝા મરી, પાકિસ્તાની છોકરી સારાની ભૂમિકા કરનારાં અભિનેત્રી સજ્જલ અલી એક અંગ્રેજી ગીત ગાય છે.
ગીતનો અર્થ એવો છે કે 'સારા ગુસ્સો ન કર, નહીં તો ભારત અને પાકિસ્તાન ઉદાસ થઈ જશે.'
આ એક સિરીઝની કથા છે એટલે ટીઝરના આધારે સમગ્ર સ્ટોરી શું હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેથી આ નાટક રીલિઝ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.

દેશદ્રોહનો આરોપ અને લેખિકાનું નિવેદન

ઉમેરા અહમદ વર્તમાન સમયના પાકિસ્તાનના સૌથી લોકપ્રિય નવલકથાકારો અને લેખકોમાં એક છે. તેમણે લખેલાં ઘણાં નાટકો હિટ થયાં છે.
ભારતીય સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ માટે તેમણે વેબ સિરીઝ લખી એટલે તેમને 'દેશદ્રોહી' અને 'દેશનાં દુશ્મન' ગણાવાયાં.
તેમની સામે લેખિકા ઉમેરા અહમદ સ્પષ્ટતા કરતાં કહે છે કે તેમણે જાન્યુઆરી 2019માં 'ધૂપ કી દીવાર' નામની વેબ સિરીઝ પર કામ શરૂ કર્યું હતું.
તેમના જણાવ્યા અનુસાર તેમણે પોતાની સ્ટોરી પાકિસ્તાનની સેનાના જનસંપર્ક વિભાગના આઈએસપીઆરને મોકલી હતી, જેથી તેમાં કોઈ વાંધાજનક સામગ્રી હોય તો તેને હઠાવી શકાય.
લેખિકાનો દાવો છે કે "આ વિષયને આઈએસપીઆરે ઓકે કરી દીધો હતો" અને સાથે જ તેમને રાવલપિંડી બોલાવીને એક મિટિંગ પણ કરવામાં આવી હતી.
તેમને જણાવાયું હતું કે "ભારત-પાકિસ્તાન સંબંધો વિશે સેનાનું વલણ પણ આવું જ છે."
આ કહાણીને મંજૂર કરી દેવામાં આવી તે વિશે સંબંધિત જાણકારી મેળવવા બીબીસીએ આઈએસપીઆરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી.

"નાટક કોઈ ભારતીય ચેનલ માટે લખવામાં આવ્યું નહોતું"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આ સિરિઝ સામે સોશિયલ મીડિયાના યુઝરોને એક વાંધો એ પડ્યો છે કે લેખિકા પાકિસ્તાની હોવા છતાં ભારત માટે સિરીઝ લખી રહી છે.
તેના જવાબમાં ઉમેરા અહમદ સ્પષ્ટ કહે છે કે ''આ નાટક કોઈ ભારતીય ચેનલ માટે લખવામાં આવ્યું નહોતું.''
તેમણે જણાવ્યું કે 'ધૂપ કી દીવાર' સહિત ત્રણ નાટકો માટે 'ગ્રૂપ એમ' નામની પાકિસ્તાનની કન્ટેન્ટ અને પ્રોડક્શન કંપની સાથે 2018માં કરાર કરવામાં આવ્યો હતો.
ઉમેરા અહમદના જણાવ્યા અનુસાર તેમાંથી બે નાટકો 'અલિફ' અને 'લાલ' ગ્રૂપ એમના સંચાલકોએ પાકિસ્તાનની ખાનગી ચેનલને વેચ્યાં હતાં. બે પ્રોજેક્ટો માટે આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ સાથે સંપર્ક કરીને વેચવાની કોશિશ થઈ હતી. તેમાં ઝી5, નેટફ્લિક્સ વગેરે પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.
ઉમેરાએ જણાવ્યું કે તેમની કેટલીક સિરીઝ થોડા સમયમાં પાકિસ્તાની ચેનલો પર પણ પ્રસારિત થવાની છે.
પાકિસ્તાની સર્જકના કામને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસંશા મળે તે ઊલટાની સારી વાત છે એમ તેઓ માને છે.
તેઓ કહે છે, "લેખક લખે તે ક્યાં ચાલશે તેનો નિર્ણય લેખક નહીં, પરંતુ નિર્માતા અને ચેનલ લેતાં હોય છે. આશા રાખું કે હવે આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ એક સ્થાનિક કંપની માટે લખવામાં આવ્યું હતું. કોઈ ભારતીય કંપની માટે લખવામાં આવ્યું નહોતું."
"આ પ્રોજેક્ટ ત્યારે લખવામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો આટલા ખરાબ નહોતા. કાશ્મીરમાં હાલમાં જે બંધારણીય ફેરફારો કરવામાં આવ્યા છે તે પણ ત્યારે થયા નહોતા."
બીબીસીએ આ બાબતમાં 'ધૂપ કી દીવાર' સિરીઝની પ્રોડક્શન કંપની ગ્રૂપ એમ સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ કંપની તરફથી કોઈ જવાબ આવ્યો નહોતો.

પાકિસ્તાની લેખક ભારત માટે ના લખી શકે?

પાકિસ્તાનમાં સ્ક્રીનપ્લે રાઇટરોના અધિકારો માટે બનાવાયેલા ઍસોસિયેશનના સભ્ય અને નાટ્યકાર ઇનામ હસને બીબીસી ઉર્દૂનાં તાબિંદા કોકબ સાથે વાતચીત કરતાં કહ્યું, "મને લાગે છે કે કોઈ લેખક પાસે કોઈ સારી સ્ટોરી હોય તો તેઓ જણાવી શકે છે. તે પ્રેમની કહાણી હોય તો શા માટે સંભળાવવામાં ના આવે. વાર્તામાં આપણે માત્ર નફરતનાં બીજ રોપવાંની જરૂર નથી."
તેઓ કહે છે, "કોઈને પણ દેશદ્રોહી કહેવામાં મને કોઈ દેશભક્તિ દેખાતી નથી."
ઇનામ હસને કહ્યું કે કોઈ લેખક ભારત વિશે વાત કરે તો વાર્તા જાણ્યા વિના જ આવી રીતે અભિપ્રાય બાંધી લેવો તે લેખકના અધિકારોનું ઉલ્લંઘન છે.
ઇનામ હસને કહ્યું કે એ વાત સાચી કે ભારત અને પાકિસ્તાન બંનેના કલાકારોએ એકબીજાની સરહદોમાં જવું કે નહીં તે રાજકીય મામલો બની જાય છે, પરંતુ ઉમેરા અહમદ માટે એવું કહી શકાય કે તેમણે પાકિસ્તાનના પ્રોડક્શન હાઉસ સાથે જ કામ કર્યું છે.
તેમનું કહેવું છે કે, "જો ભારતથી આવનારું દરેક કામ દેશદ્રોહનું સર્ટિફિકેટ લઈને આવનારું હોય, તો પછી સંપૂર્ણ પાકિસ્તાનમાં ભારતીય ગીતો અને મનોરંજનને બંધ કરી દેવાં જોઈએ."

સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા
ઉમેરા અહમદના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા યુઝરોમાં તેમણે ભારતીય સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ માટે કામ કર્યું તેને નાપસંદ કરવામાં આવ્યું છે. સામે બાજુ કેટલાક લોકોએ કહ્યું કે પાકિસ્તાની લેખક આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ પર કામ કરે તે સારી વાત છે.
ફેસબુકનાં એક યુઝર હાદિયા જવ્વાદે કહ્યું કે "આમ તો એ લોકો ભારતીય ફિલ્મો જુએ છે અને તેનાં ગીતો પર ડાન્સ કરે છે. તે વખતે તેમને યાદ નથી આવતું કે ભારત આપણું દુશ્મન છે."
ઘણા સોશિયલ મીડિયા યુઝરોએ એવું પણ લખ્યું કે નાટક વિશે અત્યારથી જ ધારણા બાંધી લેવી એ ઉતાવળ ગણાશે.
આવાં એક યુઝર જુવેરિયા કહે છે કે "હું લોકોને જણાવવા માગું છું કે થોડી ધીરજ તો રાખો અને આગાહીઓ પર વિશ્વાસ ના રાખો. આ સ્ક્રિપ્ટ ઉમેરા અહમદે લખી છે. તેમણે એક આધ્યાત્મિક નાટક 'અલિફ', નૌકાદળ માટે બનાવેલી ટેલીફિલ્મ, લાલ અને પીર-એ-કામિલ અને આબ-એ-હયાત જેવી નવલકથાઓ પણ લખી છે."
ઘણા યુઝરો એનો વિરોધ કર્યો કે નાટકમાં યુદ્ધ વખતે માર્યા ગયેલા પાકિસ્તાની અને ભારતીય બંને સૈનિકોને 'શહીદ' કહેવામાં આવ્યા છે, જે મુસ્લિમ ધાર્મિક માન્યતાઓ અનુસાર યોગ્ય નથી.
આ વિષયમાં ઇબ્લિસામ સમીર નામના ફેસબુક યુઝરે લખ્યું કે "આ સિરીઝને જોયા વિના પણ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે જેમણે પીર-એ-કામિલ અને આબ-એ-હયાત જેવા માસ્ટરપીસ લખ્યાં હોય તેઓ ક્યારેય દેશ કે ધર્મની વિરુદ્ધ ના લખે."
નાટકનાં લેખિકાએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું કે તેમની કહાણી લવસ્ટોરી નથી, પરંતુ તેમાં દોસ્તી દેખાડવામાં આવી છે.
આ જ રીતે વઝીહા આસિમ સુલતાનાએ લખ્યું છે કે "એ ગર્વની વાત છે કે આપણાં નાટકોને દુનિયાભરમાં સ્વીકારવામાં, જોવામાં અને પસંદ કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ ભારતમાં આપણાં 'ધૂપ કિનારે' અને 'તનહાઇયાં' જેવાં નાટકોનાં ઘણાં વખાણ થયાં હતાં. આ કહાણીઓની નકલ કરવાની પણ કોશિશ થઈ હતી. એટલે તમે લોકો એ લોકોને હેરાન ના કરો, જેઓ સારું કામ કરી રહ્યા છે."
કેટલાક એવા સોશિયલ મીડિયા યુઝરો પણ છે જેમણે આ મુદ્દા પર કંઈક અલગ વાત કરી.
આમના નામનાં એક યુઝરે લખ્યું કે "મને સારું લાગ્યું કે આ નાટકના ટ્રેલરે કેટલીક મૂળભૂત સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું છે. મને નફરત છે એ વાતથી કે લોકો પુસ્તક વિશે તેનું કવર જોઈને અભિપ્રાય બાંધી લે છે. વધારે સારું એ છે કે એ પરિબળોની પણ ચર્ચા કરવામાં આવે જેનાથી એક ખૂબસૂરત વિચાર અને પ્લૉટને ઉજાગર કરવામાં આવ્યો છે અને આખરે આ ઉમેરા અહમદે લખેલું છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












