IND W VS ENG W સ્નેહ રાણા : ભારતીય મહિલા ક્રિકેટનું ભવિષ્ય બચાવી લેનારાં ખેલાડી

સ્નેહ રાણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ક્રિકેટર સ્નેહ રાણાનું યાદગાર પ્રદર્શન

મહિલા ક્રિકેટમાં પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારવી કે પાંચ વિકેટ લેવાનું અગાઉ ઘણી વાર બન્યું છે. બેવડી સદી પણ જોવા મળી છે પરંતુ આ તો રેકૉર્ડની વાત થઈ.

ઘણી વાર રેકૉર્ડ માત્ર આંક દર્શાવે છે પણ કોઈ પ્રદર્શન પાછળ કેટલી ધીરજ કે એકાગ્રતાની જરૂર પડે છે કે કયા સંજોગોમાં પ્રદર્શન થયું છે તે રેકૉર્ડ દર્શાવતા નથી.

આમ છતાં રેકૉર્ડ તેની જગ્યાએ છે તે કબૂલ, પણ કમસે કમ સ્નેહ રાણાના કિસ્સામાં તો તેને થોડી વાર માટે નજરઅંદાજ કરીને જ આગળ વધવું પડે.

ભારતના મૅન્સ અને વિમૅન્સ ક્રિકેટ ઇતિહાસમાં એવી ઘણી ઇનિંગ્ઝ છે જે રેકૉર્ડબુકમાં જોવા નહીં મળે.

ઘણાં પ્રદર્શનો છે જે આંકડાથી મૂલવી શકાતાં નથી પણ તેનું મહત્ત્વ ઘણું વધારે હોય છે.

વધુ પાછળ નહીં જઈએ અને 2021ના પ્રારંભિક સપ્તાહની જ વાત કરીએ.

line

સ્નેહ રાણાના પ્રદર્શને બદલ્યું દેશમાં વિમૅન્સ ટેસ્ટ ક્રિકેટનું ભાગ્ય

સ્નેહ રાણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ટીમ માટે ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટના આયોજનનો માર્ગ મોકળો બનશે?

હનુમા વિહારીની એ ચાર કલાકની બૅટિંગ કોણ ભૂલી શકશે? સિડની ટેસ્ટમાં તેમણે 236 મિનિટ બૅટિંગ કરીને ભારતને ટેસ્ટ પરાજયમાંથી બચાવ્યું અને આ ડ્રૉ મૅચ જ અંતે ભારતને સિરીઝ વિજય હાંસલ કરવામાં કામ લાગી.

એ મૅચ ભારત હારી ગયું હોત તો બ્રિસબેનમાં જિત્યા બાદ પણ સિરીઝ તો ડ્રૉ જ રહી હોત.

આમ તો વિહારીએ એ દિવસે માત્ર 23 રન ફટકાર્યા હતા અને તેથી જ કોઈ રેકૉર્ડ બુકમાં તેમને સ્થાન નહીં મળે. બસ, આવી જ રીતે બે દિવસ અગાઉ ઇંગ્લૅન્ડ સામેની બ્રિસ્ટલ ખાતેની ટેસ્ટમાં ભારતનાં નવોદિત સ્નેહ રાણાની બૅટિંગ રહી.

વિમૅન્સ ટેસ્ટ ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ ખેલાડીએ પોતાની પ્રારંભિક ટેસ્ટમાં આવી બૅટિંગ કરી હશે. મિતાલી રાજની ટીમ ફૉલો-ઓન થઈ હતી અને તેની સામે પરાજયનું જોખમ હતું જ.

છેલ્લે દિવસે શેફાલી વર્મા અને દિપ્તી શર્માએ ભારે લડત આપી અને ટીમને ઉગારવા માટે પાયો નાખી દીધો હતો તેમ છતાં સાત વિકેટે 199 રનના સ્કોરે ભારત હાર ભણી હતું. બાકી રહેલાં ખેલાડીઓની એકાદ નાનકડી ભૂલ એટલે ભારતનો પરાજય.

સ્નેહ રાણાએ અણનમ 80 રન ફટકાર્યા તે અગાઉ બૉલિંગમાં ચાર વિકેટ પણ લીધી હતી. આમ કારકિર્દીની પ્રથમ જ ટેસ્ટમાં તેમણે આવી બેવડી સિદ્ધિ હાંસલ કરી.

line

ભારતીય મહિલા ટીમને શરમજનક હારથી બચાવી

માત્ર એક જ ખેલાડીએ લગભગ ત્રણ કલાકમાં તો રમતનું આખું ચિત્ર બદલી નાખ્યું, આ ખેલાડી એટલે સ્નેહ રાણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માત્ર એક જ ખેલાડીએ લગભગ ત્રણ કલાકમાં તો રમતનું આખું ચિત્ર બદલી નાખ્યું, આ ખેલાડી એટલે સ્નેહ રાણા

ક્રિકેટમાં હારજીત તો થતી રહે પરંતુ ભારતીય વિમૅન્સ ટીમને આ પરાજય પોષાય તેમ નહોતો. ભારતીય ટીમે પરાજય બચાવ્યો અને મૅચ ડ્રૉ કરી તેનાં પરિણામ ભવિષ્યમાં જોવા મળનારાં છે.

એક તો ભારત સાત વર્ષ બાદ ટેસ્ટ રમી રહ્યું હતું. તેમાં પણ પ્રથમ દાવમાં 167 રનની મજબૂત શરૂઆત છતાં ટીમને ફૉલો-ઓન થવું પડે અને બીજા દાવમાં ધબડકો અને પરાજય.

આમ થાય એટલે આગામી ટેસ્ટ માટે વધુ સાત વર્ષ રાહ જોવાની.

ભારતીય ક્રિકેટ બોર્ડ માટે પણ શરમજનક બાબત હતી કેમ કે ભવિષ્યમાં તે ફરીથી ટેસ્ટ યોજવા અંગે સાત વાર વિચાર કરે તેવી પરિસ્થિતિ હતી.

પણ, માત્ર એક જ ખેલાડીએ લગભગ ત્રણ કલાકમાં તો આખું ચિત્ર બદલી નાખ્યું. આ ખેલાડી એટલે સ્નેહ રાણા.

સ્નેહ મૂળ દહેરાદૂનનાં ઑલરાઉન્ડર છે. તેમની પ્રાથમિકતા ઑફ સ્પિન બૉલિંગ કરવાની છે પણ એ દિવસે તેમણે પોતાની બૅટિંગ વડે ભારતીય મહિલા ક્રિકેટના ભવિષ્યને નવો વળાંક આપી દીધો.

આજે મહિલા ક્રિકેટના ટીકાકારો પણ મિતાલી રાજની ટીમે જે રીતે મૅચ બચાવી તેની પ્રશંસા કરી રહ્યા છે તો સ્નેહ રાણા તો 'રાષ્ટ્રીય નાયિકા' બની ગયાં છે.

line

ટેસ્ટ કારકિર્દીની શરૂઆત

સ્નેહ રાણા પણ આ મૅચમાં અન્ય સાતેક ખેલાડીની માફક ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ કરી રહ્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્નેહ રાણા પણ આ મૅચમાં અન્ય સાતેક ખેલાડીની માફક ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ કરી રહ્યાં હતાં

સ્નેહ રાણા પણ આ મૅચમાં અન્ય સાતેક ખેલાડીની માફક ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ કરી રહ્યાં હતાં.

સ્વાભાવિક છે કે સાત વર્ષના લાંબા ગાળા બાદ કોઈ ટીમ ટેસ્ટ રમતી હોય તો તેમાં નવોદિતોની સંખ્યા તો વધારે જ રહેવાની. પણ, સ્નેહ રાણા માટે ક્રિકેટ નવી બાબત નહોતી.

લગભગ એક દાયકાથી તેઓ ભારતીય વિમૅન્સ સરકિટમાં રમે છે. રાણાએ કારકિર્દીનો પ્રારંભ પંજાબ માટે કર્યો.

વર્ષ 2010-11ની સિઝનમાં તેઓ પંજાબ વિમૅન્સ ટીમ માટે વન-ડે અને ટી-20 રમ્યાં.

આ જ અરસામાં શ્રીલંકન મહિલા ટીમ ભારતના પ્રવાસે આવી અને સ્નેહ રાણાને એક ઑફ સ્પિનર તરીકે ટીમમાં સ્થાન મળી ગયું.

line

કારકિર્દીને મળ્યો નવો વળાંક

ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી અને બૅંગ્લુરુમાં રાણાએ કમાલ કરીને ત્રણ વિકેટ ઝડપી લીધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી અને બૅંગ્લુરુમાં રાણાએ કમાલ કરીને ત્રણ વિકેટ ઝડપી લીધી

જોકે તેમને પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે છેક 2015ના જુલાઈ માસ સુધી રાહ જોવી પડી હતી.

એ વખતે ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી અને બૅંગ્લુરુમાં રાણાએ કમાલ કરીને ત્રણ વિકેટ ઝડપી લીધી.

ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતના 142 રનના સ્કોરની નજીક પહોંચી રહી હતી. એને રોકવા માટે આક્રમક બૅટિંગ કરનારાં પેટરસન અને ગ્રીન આઉટ થાય એ જરૂરી હતું.

એ વખતે કૅપ્ટન મિતાલી રાજે દહેરાદૂનનાં આ સ્પિનરને બૉલિંગ આપી અને રાણાએ કૅપ્ટનને નિરાશ ન કરતાં ટીમને વિજય અપાવી દીધો.

આ જ પ્રદર્શને સ્નેહ રાણાની કારકિર્દીને નવો વળાંક આપ્યો હતો.

line

મક્કમ મન અને અડગ નિર્ધારનું ઉદાહરણ પૂરું પાડ્યું

સફળતા માટે ધીરજ ધરવાની આપી સલાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સફળતા માટે ધીરજ ધરવાની આપી સલાહ

ભારતીય વિમેન્સ ડૉમેસ્ટિક ક્રિકેટમાં અત્યાર સુધી પંજાબ માટે રમતાં સ્નેહ રાણાને રેલવેએ નોકરી આપી દીધી. આમ હવે તેઓ રેલવેનાં કર્મચારી અને સાથોસાથ ખેલાડી પણ બની ગયાં.

કોઈ પણ રમતવીર અને ખાસ કરીને મહિલા રમતવીરને કારકિર્દી માટે એક જીવનનિર્વાહ માટે સલામતીની જરૂર હોય છે અને સ્નેહ રાણાને રેલવેની નોકરીએ આ સલામતી પ્રદાન કરી દીધી.

જોકે આ માટે ધીરજની જરૂર હોય છે. ઇંગ્લૅન્ડ સામેની મૅચ બાદ રાણાએ આ બાબત કબૂલી હતી.

તેમણે કહ્યું હતું કે તમારે ધીરજ ધરીને આગળ ધપવાનું હોય છે. રેડ બૉલ ક્રિકેટ હોય કે લિમિટેડ ઓવરની ક્રિકેટ હોય પણ તમારે એક ચોક્કસ માઇન્ડ સેટ સાથે જ રમવું પડે છે.

તમારું મન વિચલિત થવા માટે એકાદ-બે નાનાં કારણો પર્યાપ્ત છે પણ મન મક્કમ કરવા, અડગ રહેવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે તેવી ફિલસૂફીમાંથી સ્નેહ રાણા તરત જ વાસ્તવિકતા પર આવી જાય છે.

તેઓ ઉમેરે છે, "એ દિવસે ઇંગ્લૅન્ડની ટીમે મને અને શિખા-તાનિયા ભાટિયાને વિચલિત કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું."

"તેઓ સ્લૅજિંગ કરતાં રહ્યાં હતાં પણ અમે નક્કી કર્યું હતું કે આપણે તેમની વાત સાંભળવાની નથી. ખરેખર અમારું કામ અમારી ટીમને બચાવવાનું હતું અને અમે તેમ કરીને જ રહ્યાં હતાં."

સ્નેહ રાણા છેલ્લા એક દાયકાથી ક્રિકેટ રમે છે. તેને કારણે તેઓ બરાબરના માઇન્ડ સેટ સાથે ભારત માટે ટેસ્ટ રમી રહ્યાં હતાં.

તેઓ કહે છે, "કોઈ પણ બાબત તમારા દિમાગમાં ઘર ના કરી જાય તેનું ધ્યાન રાખવાનું હોય છે અને તેથી હું મારી જાતને બિઝી રાખું છું."

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ બચાવવા માટે સ્નેહ રાણાએ માત્ર બૅટિંગ પર ફોક્સ કર્યું અને 28 વર્ષનાં આ ખેલાડીએ સાડા 195 મિનિટ સુધી અંગ્રેજ ટીમને હંફાવી હતી.

સ્નેહ રાણાએ માત્ર બેઝિક્સ પર જ ફોક્સ કર્યું હતું અને તેને કારણે જ તેઓ જરાય વિચલિત થયાં નહોતાં.

line

સદીથી વંચિત રહેવાનો નથી અફસોસ

સદી ચૂક્યાં પરંતુ મૅચ બચાવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સદી ચૂક્યાં પરંતુ મૅચ બચાવી

આમ કરવામાં તેમણે અણનમ 80 રન ફટકારી દીધા. છેલ્લે મૅચ ડ્રૉ ભણી જઈ રહી હતી ત્યારે બંને ટીમ સહમત થઈ અને મૅચ અટકાવી દેવાઈ. આમ રાણા સંભવિત સદીથી વંચિત રહી ગયાં પણ તેમને આ બાબતનો અફસોસ નથી.

આમ જોવા જઈએ તો આ જ મૅચમાં શેફાલી વર્મા પણ સદીથી વંચિત રહ્યાં હતાં. એ રીતે તેમને વધુ અફસોસ થવો જોઈએ કેમ કે તેઓ તો માત્ર ચાર જ રન દૂર હતાં.

શેફાલીએ સદીની નજીક હોવાની નર્વસનેસ પોતાના દિમાગ પર સવાર થવા દીધી નહીં.

ભારતીય વિમૅન્સ ક્રિકેટમાં માટે આ સૌથી મોટી હકારાત્મક બાબત છે. શેફાલી હોય કે સ્નેહ રાણા, તેઓ અન્ય કોઈ બાબતને પોતાની ઉપર હાવી થવા દેતાં નથી.

આ વિચારધારા, આ માઇન્ડ સેટ ચાલુ રહેશે તો ભવિષ્યમાં ભારતીય વિમૅન્સ ટીમ ક્રિકેટજગતમાં અન્ય ટીમ પર હાવી શકે એમ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો