IND Vs NZ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ :વિરાટ કોહલી કૅપ્ટન, અજિંક્ય રહાણે વાઇસ કૅપ્ટન, શિખર ધવનને ન મળ્યું ટીમમાં સ્થાન

ઇમેજ સ્રોત, Quinn Rooney/Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે અને ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટેસ્ટ મૅચની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે.
વિરાટ કોહલી ભારતીય ટીમના કૅપ્ટન રહેશે અને અજિંક્ય રહાણે વાઇસ કૅપ્ટન રહેશે. રોહિત શર્માને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે પણ શિખર ધવનને સમાવવામાં આવ્યા નથી.
ભારતની ફાઇનલની ટીમ આ મુજબ રહેશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શુભમ ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મહોમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને ઉમેશ યાદવ. આ ઉપરાંત કેએલ રાહુલ અને રિદ્ધિમાન સાહાને પણ ફિટનેસ ટેસ્ટની શરત સાથે વિકેટકિપર તરીકે સમાવવામાં આવ્યા છે.
ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ સુધી પહોંચવા માટે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ બંને ટીમોની સફર સરળ નહોતી. ભારતને વિરોધી ટીમો ઉપરાંત નિયમોએ પણ હંફાવ્યું હતું.
વન-ડે ક્રિકેટના ચૅમ્પિયન માટે દુનિયાનો સૌથી મોટો ક્રિકેટનો મુકાબલો વર્લ્ડ કપના રૂપમાં યોજાય છે. ક્રિકેટના સૌથી ટૂંકા સ્વરૂપ ટી20 ના ચૅમ્પિયન માટે પણ એક વર્લ્ડ કપ યોજાવા લાગ્યો, એશિયા કપ જેવા પ્રાંતીય ટાઇટલ તો ખરાં જ પરંતુ ખરેખર ટેસ્ટ ક્રિકેટનું ચૅમ્પિયન કોણ એ ખબર નહોતી પડતી.
જોકે, હવે જૂનમાં રમાનારી ફાઇનલ મૅચમાં સત્તાવાર રીતે નક્કી થશે કે દુનિયામાં ટેસ્ટ ક્રિકેટનું ચૅમ્પિયન કોણ છે?

ટેસ્ટ ક્રિકેટમાં કઈ ટીમ રહી છે બાદશાહ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Fairfax Media Archives/Getty
1970ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝને નિર્વિવાદપણે ચૅમ્પિયન માનવામાં આવતું હતું, કેમ કે ક્લાઇવ લૉઇડની ટીમે લગભગ ક્રિકેટ રમતા તમામ દેશોમાં જઈને હાહાકાર મચાવી દીધો હતો. આવી જ રીતે ત્યાર પછીના ગાળામાં સ્ટીવ વૉની ઑસ્ટ્રેલિયન ટીમને ચૅમ્પિયન માનવામાં આવતી હતી.
1930 અને 1940ના દાયકામાં ડૉન બ્રૅડમૅનની ટીમ અજેય ટીમ કહેવાતી. એ પછી ઑસ્ટ્રેલિયાના સ્ટીવ વૉની ટીમ પણ અજેય માનવામાં આવતી હતી. જોકે સૌરવ ગાંગુલીની આગેવાનીમાં વર્ષ 2000માં ભારતીય ટીમે ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાના વર્ચસ્વનો અંત લાવ્યો હતો. આ ગાળામાં ભારતને પણ વિશ્વની મોખરાની ટીમનો દરજ્જો મળ્યો હતો.
ત્યાર પછી મહેન્દ્રસિંહ ધોની અને કેટલાક અંશે વિરાટ કોહલીએ આ સિલસિલો આગળ ધપાવ્યો છે પરંતુ તેમ છતાં સત્તાવાર રીતે કોઈ ટીમને ક્યારેય વર્લ્ડ ચેમ્પિયન કહેવાઈ નથી.

ટેસ્ટ ક્રિકેટનું ચૅમ્પિયન નક્કી કરવા માટે મુકાબલો

ઇમેજ સ્રોત, Surjeet Yadav/Getty
આઈસીસીના ટેસ્ટ ક્રિકેટ ક્રમાંકમાં પહેલા નંબરે હોય તે ટીમને ટોચની ટીમ કહેવાય છે પણ આ દરજ્જો એકાદ મૅચ કે સિરીઝ બાદ છીનવાઈ જતો જોવા મળ્યો છે.
એક ટેસ્ટ મૅચ કે એક સિરીઝમાં ખરાબ દેખાવ કરે તો ટીમ પહેલા ક્રમેથી ફેંકાઈ જાય.
આ સંજોગોમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનું આયોજન કરવાનો નિર્ણય લીધો અને તેમાં પૉઇન્ટ સિસ્ટમ અમલી બનાવી.
સૌથી વધારે પૉઇન્ટ ધરાવનારી ટીમ ફાઇનલમાં રમે અને તેમાં જીતનારી ટીમ ચૅમ્પિયન બને આ પ્રકારનો હેતુ હતો પરંતુ કોરોનાને કારણે પરિસ્થિતિ બદલાઈ અને નિયમોમાં ફેરફાર કરવા પડ્યા.

કોરોના મહામારીને લીધે નિયોમોએ વધારી ભારતની મુશ્કેલી

ઇમેજ સ્રોત, Surjeet Yadav/Getty
ભારતીય ટીમ એક સમયે અન્ય તમામ કરતાં જોજનો આગળ હતી પરંતુ પૉઇન્ટ સિસ્ટમમાં ટકાવારીનું તત્વ ઉમેરાતા ભારત મુશ્કેલીમાં મૂકાઈ ગયું અને તેને પણ ફાઇનલમાં પ્રવેશતા અગાઉ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
આખરે ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી દીધો.
ભારત અને ન્યૂઝીલૅન્ડ 18મી જૂને ઇંગ્લેન્ડના સાઉથમ્પટનના હૅમ્પશાયર બાઉલ ખાતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયશિપની ફાઇનલમાં ટકરાશે.
અગાઉ ફાઇનલ મૅચ લૉર્ડ્ઝના ઐતિહાસિક મેદાન પર રમાનારી હતી પરંતુ છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વને કોરોના નડી ગયો છે અને તેને કારણે આ ફાઇનલ લંડનના લૉર્ડઝને બદલે હેમ્પશાયરમાં ખસેડવામાં આવી છે.

ટેસ્ટ ચૅમ્પિયનશિપનું પૉઇન્ટ સિસ્ટમ શું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કોરોનાએ ઘણી બધી બાબતોમાં પગપેસારો કર્યો છે અને તેમાં ક્રિકેટનો પણ સમાવેશ થઈ જાય છે. ચૅમ્પિયનશિપના પ્રારંભે દરેક ટેસ્ટ અને સિરીઝ માટે પૉઇન્ટ ટેબલ હતું.
એક મૅચ માટે 120 પૉઇન્ટની ફાળવણી રહેતી હતી જેમાં ટીમના પ્રદર્શનને આધારે તેને પૉઇન્ટ મળતા હતા પરંતુ ગયા વર્ષે કોરોનાના આગમન બાદ કેટલીક ટીમ તેની નિર્ધારિત સિરીઝ રમી શકી નહોતી.
કેટલાક દેશે તો ટેસ્ટ સિરીઝ યોજી દીધી પરંતુ દરેક માટે આ શક્ય ન હતું પ્રારંભમાં તો ભારત અન્ય તમામ ટીમો કરતાં જોજનો આગળ હતું પરંતુ અન્ય ટીમોએ મૅચો ગુમાવતાં અનીલ કુંબલેની આગેવાની હેઠળની આઈસીસીની ટેકનિકલ સમિતિએ સિસ્ટમ બદલી.
અગાઉની માફક સીધા પૉઇન્ટ આપી દેવાને બદલે ટીમની જીતની ટકાવારી મુજબ પૉઇન્ટ વહેંચાવા લાગ્યા અને તેમાં ભારતને માર પડી ગયો. આ સંજોગોમાં ન્યૂઝીલૅન્ડ આગળ વધી ગયું.
જોકે ફેબ્રુઆરી-માર્ચમાં ઇંગ્લૅન્ડ સામેની ચાર ટેસ્ટની સિરીઝ જીતીને વિરાટ કોહલીએ આખરે ફાઇનલમાં પ્રવેશ કરી જ લીધો.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો પ્રારંભ ક્યારે થયો?

ઇમેજ સ્રોત, Tom Jenkins/Getty
હકીકતમાં 2019માં ઑસ્ટ્રેલિયાની ટીમ પ્રતિષ્ઠિત એશિઝ રમવા ઇંગ્લૅન્ડ ગઈ તે સાથે ચૅમ્પિયનશિપનો પ્રારંભ થયો હતો.
એ વખતે જ નક્કી કરાયું હતું કે બરાબર બે વર્ષ બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાશે.
એ વખતે એમ પણ નિર્ણય લેવાયો હતો કે કોઈ ટીમ વારંવાર નબળા હરીફને (દાખલા તરીકે ભારતીય ટીમ શ્રીલંકાને) પોતાને ત્યાં બોલાવીને રમે અને વધારે પૉઇન્ટ હાંસલ કરી જાય નહીં તે માટે દરેક ટીમની સિરીઝને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો ભાગ ગણવો કે નહીં તે આઈસીસી નક્કી કરશે.
આમ સિરીઝ અગાઉથી જ ખબર રહેતી કે આ સિરીઝ ચૅમ્પિયનશિપમાં ગણાશે કે નહીં.
ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી જ સિરીઝ રોમાંચક રહી અને બંને ટીમે બે-બે ટેસ્ટ જીતી હતી તો એક મૅચ ડ્રૉ રહી હતી. આમ સિરીઝ ડ્રૉ રહી હતી.
છેલ્લા બે વર્ષમાં જેમાં કોરોના મહામારીનો પણ સમાવેશ થાય છે, વિશ્વભરમાં કુલ 21 ટેસ્ટ સિરીઝ રમાઈ હતી અને આ તમામ સિરીઝના પરિણામોને અંતે ભારત અને ન્યૂઝીલૅન્ડે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ઑસ્ટ્રેલિયા કમનસીબ રહ્યું કે જાતે જ ખસી ગયું

ઇમેજ સ્રોત, Tom Jenkins/Getty
ભારતીય ટીમ તો પહેલેથી જ મોખરે હતી પરંતુ ન્યૂઝીલૅન્ડ માટે આમ કહી શકાય નહીં. કેમ કે તેના કરતાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ પાસે સારી તક હતી પરંતુ ઑસ્ટ્રેલિયા આ મામલે કમનસીબ રહ્યું તેમ કહી શકાય.
મૅચ જીતવાની ટકાવારીની રીતે જોઈએ તો ભારત પછી ઑસ્ટ્રેલિયાનો બીજો ક્રમ આવે છે.
ભારતે પણ છેક છેલ્લે ઇંગ્લૅન્ડને હરાવીને મોખરાનો ક્રમ હાંસલ કર્યો પરંતુ એ અગાઉ કાંગારું ટીમનો ફાઇનલ પ્રવેશ લગભગ નિશ્ચિત હતો.
આ સંજોગોમાં તેને એક સિરીઝ રમવાની બાકી હતી.
ફેબ્રુઆરી 2021માં સાઉથ આફ્રિકાના પ્રવાસ માટેની ટીમ પણ જાહેર થઈ ગઈ હતી પરંતુ સાઉથ આફ્રિકામાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ ઑસ્ટ્રેલિયાએ સિરીઝમાં નહીં રમવાનો નિર્ણય લીધો.
તેને ખબર હતી કે આ નિર્ણય તેને ફાઇનલમાંથી બહાર કરી શકે છે પરંતુ કોરાના સામે કાંગારું ક્રિકેટ બોર્ડ લાચાર હતું અને તેમણે ફાઇનલની તકો જતી કરી દીધી.
ઑસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 1.392 હતી જ્યારે ભારતની ટકાવારી 1.577 છે, ન્યૂઝીલૅન્ડ પણ ઑસ્ટ્રેલિયા કરતાં પાછળ છે.

ભારતની ફાઇનલ સુધીની સફર

ઇમેજ સ્રોત, Kai Schwoerer/Getty
હવે ભારત અને ન્યૂઝીલૅન્ડની ચર્ચા કરીએ તો ભારતે આ બે વર્ષના ગાળામાં કુલ છ સિરીઝમાં ભાગ લીધો હતો અને તેમાંથી તેણે પાંચ સિરીઝ જીતી હતી.
આમ પરિણામની રીતે પણ તે ફાઇનલનું હકદાર હતું. ભારતે આ ગાળામાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની 17 ટેસ્ટ રમી હતી અને તેમાંથી 12 મેચમાં તેનો વિજય થયો હતો તો ચાર મૅચમાં તેનો પરાજય થયો હતો. આ ચાર મૅચમાંથી બે મૅચ ગયા વર્ષે ન્યૂઝીલૅન્ડમાં, એક ટેસ્ટ એડિલેડમાં અને ઇંગ્લૅન્ડ સામેની ચેપોક ખાતેની પહેલી ટેસ્ટમાં થયેલા પરાજયનો સમાવેશ થાય છે.
ખૂબીની વાત તો એ છે કે આ ગાળામાં ભારત માત્ર એક જ ડ્રૉ ટેસ્ટ રમ્યું છે જે સિડની ખાતે રમાઈ હતી. એડિલેડમાં માત્ર 36 રનમાં ઑલઆઉટ થયા બાદ તરત મેલબોર્નમાં વિજય હાંસલ કર્યા બાદ રહાણેની ટીમે સિડનીમાં મૅચ ડ્રૉ કરાવવામાં સફળતા હાંસલ કરી હતી.
આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પ્રારંભે ભારતે સળંગ સાત ટેસ્ટ જીતી હતી. તેણે વેસ્ટ ઇન્ડીઝ જઇને કૅરેબિયન ટીમને 2-0થી, ઘરઆંગણે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને એટલા જ માર્જીનથી હરાવ્યું હતું.
ન્યૂઝીલૅન્ડના પ્રવાસમાં પહેલી વાર વિરાટ કોહલીની ટીમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો પરંતુ ઑસ્ટ્રેલિયા જઈને તેણે સિરીઝ જીતી લીધી તો તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે પણ તેનો દેખાવ સારો રહ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ભારતીય બૅટિંગની વાત કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં અજિંક્ય રહાણે અને રોહિત શર્માએ આ ગાળામાં 1000થી વધારે રન કર્યા છે તો વિરાટ કોહલી (877), મયંક અગ્રવાલ (857) અને ચેતેશ્વર પૂજારા (818) ત્યાર બાદના ક્રમે આવે છે.
જોકે ઓવરૉલ વાત કરીએ તો જો રૂટ (1932), મેરનસ લબુશેન (1675), બેન સ્ટોક્સ (1479) અને સ્ટીવ સ્મિથ (1341) કરતાં ભારતીય બૅટ્સમૅન પાછળ છે.
આ ગાળામાં વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે અણનમ 254 રનની ઇનિંગ્સ રમી હતી તો મયંક અગ્રવાલ પણ બે બેવડી સદી ફટકારી ચૂક્યા છે.
સાઉથ આફ્રિકા સામે રોહિત શર્માને ઓપનર તરીકે ઉતારવામાં આવ્યા અને તેમણે પણ બેવડી સદી ફટકારી હતી.
બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન મોખરે છે. તેમણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં કુલ મળીને 13 મૅચમાં 67 વિકેટ ખેરવી છે તો જસપ્રિત બુમરાહની 34 વિકેટની સરખામણીએ આશ્ચર્યજનક રીતે મોહમ્મદ શમી અને ઇશાન્ત શર્મા 36-36 વિકેટ સાથે આગળ છે. નવોદિત ગુજરાતી ટેસ્ટ ક્રિકેટર અક્ષર પટેલ 27 વિકેટ ખેરવી ચૂક્યા છે.

ન્યૂઝીલૅન્ડની ફાઇનલ સુધીની સફર

ઇમેજ સ્રોત, Ryan Pierse/Getty
એમ કહેવામાં જરાય અતિશયોકિત નથી કે ઑસ્ટ્રેલિયન ટીમ ખસી જતાં કિવિ ટીમને લાભ થયો છે પરંતુ સાથે સાથે એ પણ કબૂલવું પડે કે કેન વિલિયમ્સનની ટીમ ફાઇનલની હકદાર પણ હતી કેમ કે તેણે પણ શાનદાર દેખાવ કર્યો છે.
ન્યૂઝીલૅન્ડને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની કુલ પાંચ સિરીઝ રમી હતી અને તેમાંથી ત્રણ સિરીઝમાં તેનો વિજય થયો હતો.
આમ ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતના 520ની સરખામણીએ 420 પૉઇન્ટ સાથે બીજા ક્રમે રહી હતી જ્યાં તેની જીતની ટકાવારી 1.281ની રહી હતી જે ઑસ્ટ્રેલિયા કરતાં પાછળ કહેવાય પરંતુ ચોથા ક્રમની ઇંગ્લેન્ડની ટીમ (1.12) કરતાં બહેતર હતી.
ન્યૂઝીલૅન્ડે આ ગાળામાં 11 ટેસ્ટ રમી હતી અને તેમાંથી સાત મૅચમાં તેનો વિજય થયો હતો તો ચાર ટેસ્ટ તેણે ગુમાવવી પડી હતી.
જોકે નવેમ્બર 2019માં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ રમાઈ હતી જેને ચૅમ્પિયનશિપનો ભાગ ગણવામાં આવી ન હતી. આ સિરીઝમાં કિવિ ટીમે એક મૅચ જીતી હતી પરંતુ તેને પરિણામની ગણતરીમાં લેવાઈ ન હતી.
ન્યૂઝીલૅન્ડની ખાસિયત એ રહી છે કે તેણે પોતાની છેલ્લી છ ટેસ્ટ જીતી છે.
ગયા વર્ષે ભારત સામેની બે ટેસ્ટની સિરીઝમાં કોહલીની ટીમનો વ્હાઇટવૉશ કર્યા બાદ ન્યૂઝીલૅન્ડે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન સામેની ચારેય ( બે બે મેચની સિરીઝ) ટેસ્ટ પણ જીતી લીધી હતી. આમ સળંગ છ ટેસ્ટ જીતીને તે ફાઇનલનું હકદાર બની ગયું હતું.
બૅટિંગમાં દર વખતની માફક કેન વિલિયમ્સન કિવિ ટીમનો મોખરાનો બેટ્સમેન રહ્યો છે. તેણે આ ગાળામાં નવ મેચમાં 817 રન ફટકાર્યા હતા જેમાં એક બેવડી સદીનો પણ સમાવેશ થતો હતો તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે હેમિલ્ટન ખાતે 251 રન ફટકાર્યા હતા.
આ ઉપરાંત તેણે પાકિસ્તાન સામે ક્રાઇસ્ટચર્ચ ખાતે 238 રનની વિશાળ ઇનિંગ્સ પણ રમી હતી.
બોલિંગમાં ટિમ સાઉથી મોખરે રહ્યા હતા. તેણે દસ ટેસ્ટમાં 51 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડના નવોદિત બોલર કાયલ જેમિસન ચૅમ્પિયનશિપમાં સારી કામગીરી બજાવી ચૂક્યા છે. તેમણે છ મેચમાં 36 વિકેટ ખેરવી હતી તો નીલ વેગનરે સાત મેચમાં 32 વિકેટ ઝડપી હતી.
18મી જૂને ફાઇનલ ટક્કર છે. ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેનો મુકાબલો કદાચ ભારત-ઑસ્ટ્રેલિયા જેવો રોમાંચક નહીં હોય પરંતુ બંને ટીમ વચ્ચે છેલ્લા ઘણા સમયથી રસપ્રદ મુકાબલા થઈ રહ્યા છે.
ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેના 59 ટેસ્ટ મુકાબલામાંથી ભારતે 21 ટેસ્ટ જીતી છે તો 12 મૅચમાં તેનો પરાજય થયો છે.
જોકે બંને વચ્ચેની 26 ટેસ્ટ ડ્રો રહી છે. જોકે છેલ્લા એક દાયકામાં રમાયેલી દસ ટેસ્ટમાંથી ભારતે છ મેચ જીતી છે તો કિવિ ટીમે ત્રણ ટેસ્ટ જીતી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













