કોરોના વાઇરસ : ટેસ્ટથી લઈ સારવાર સુધી ગુજરાતનાં ગામડાં બેહાલ કેમ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

55 વર્ષના દાનસિંગભાઈ બારડ ગીર સોમનાથના એક નાનકડા દેવલી ગામમાં રહેતા હતા. એપ્રિલ મહિનામાં તેમના પરિવારમાં એક સાથે આઠ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

અનેક જગ્યાએ ધક્કા ખાધા બાદ પણ આ પરિવારને કોઈ પણ પ્રકારની કોવિડની સારવાર કે સરકારી મદદ ન મળી.

આ પરિવારમાં પોતાની રીતે જ સંઘર્ષ કરીને છ લોકોને કોવિડથી બચાવી શક્યું છે અને દાનસિંગભાઈ સહિત બે લોકોનાં મૃત્યુ થયાં.

આ દાનસિંગભાઈના નાના ભાઈ અશ્વિનભાઈ બારડ પણ કોવિડ પૉઝિટિવ હતા, પરંતુ પોતાના ભાઈની લથડતી તબિયત જોતાં તેઓ પોતે તેમના માટે ઓક્સિજનના બાટલાનો બંદોબસ્ત કરવા માટે દોડી રહ્યા હતા.

અશ્વિનભાઈ તેમને આશરે 25 કિલોમીટર દૂર વેરાવળના કોવિડ સેન્ટરમાં લઈ ગયા હતા, જ્યાં તેમને ઓક્સિજન બેડ માટે 370 વેઇટિંગ નંબર મળ્યો હતો.

જોકે તેમનો નંબર આવે તે પહેલાં જ દાનસિંગભાઈએ કોઈ પણ પ્રકારની તબીબી સારવાર ન મળવાને કારણે પોતાના ઘરે જ 22મી એપ્રિલે છેલ્લા શ્વાસ લીધા હતા.

દાનસિંગભાઈના મૃત્યુ બાદ તેમના માતાને પણ ઓક્સિજન બેડની જરૂર પડી હતી, પરંતુ તેમને પણ કોઈ જ સગવડ ન મળતાં તેઓ પણ કોવિડને કારણે 30મી એપ્રિલે મૃત્યુ પામ્યાં હતાં. બાકીના લોકો હજી સુધી કોવિડથી સંઘર્ષ કરી રહ્યા છે.

અશ્વિનભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું, "આરોગ્યવિભાગ ગુજરાતમાં માત્ર નામનો છે, અમારા સુધી તો તેમની કોઈ મદદ પહોંચી નથી. અમે ઓક્સિજન ખાટલા માટે ભીખ માગતા રહ્યા પરંતુ સરકારી તંત્ર અમને કોઈ જ મદદ ન કરી શક્યું."

તેઓ કહે છે કે, "માગો તેટલા રૂપિયા આપવા છતાં પણ અમને બાઇપેપની સગવડ ન મળી શકી અને આખરે મારા પરિવારમાં બે લોકોનાં મૃત્યુ થયાં."

તેઓ વધુમાં કહે છે કે તેમને પોતાનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે પણ ખૂબ લાગવગ લગાડવી પડી હતી. જોકે આરોગ્યકેન્દ્ર પાસે ટેસ્ટિંગ કિટ જ ન હોવાથી લોકોના ટેસ્ટ જ થતા નથી, માટે જે તે ગામમાં કોવિડના કેસ રિપોર્ટ થવાનો સવાલ જ નથી.

line

ગુજરાતનાં ગામડાંમાં શું સ્થિતિ છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતનું વિકાસ મૉડલ કોરોના મહામારી સામે ઘૂંટણિયે કેવી રીતે પડ્યું?

ગુજરાતનાં ગામડાંના અનેક પરિવારોની ગીર સોમનાથના નાનકડા દેવલી ગામના આ બારડ પરિવારની જેવી જ દયનીય સ્થિતિ છે.

મોટા સરકારી દાવાઓ સામે આ ગામડાંની જમીની હકીકત એ છે કે અનેક ગામડાં હાલમાં ટેસ્ટિંગ અને સારવાર માટે કોઈ જ સગવડ નથી.

ઓક્સિજન બેડની બહુ જ કમી છે, તેવામાં બાઇપેપ મશીન કે વૅન્ટિલેટરની તો વાત જ ન થઈ શકે.

ગુજરાતનાં શહેરો બાદ હવે ગામડાંની પરિસ્થિતિ કોવિડને કારણે વધુ ને વધુ ખરાબ થતી જઈ રહી છે.

ઘણા લોકોનું કહેવું છે કે ગામડાંમાં લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. લોકોને યોગ્ય ટેસ્ટિંગ, સારવાર કે પછી ઓક્સિજન અને વૅન્ટિલેટર વગેરેની સગવડ મળતી નથી.

મોટાં ભાગનાં ગામડાંમાં લોકો કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્યની સુવિધા વગર ઘરે જ મૃત્યુ પામી રહ્યા છે.

line

સુવિધાના અભાવે ગામડાંમાં મૃત્યુ?

વીડિયો કૅપ્શન, 'તમારી માટે નહીં તો અમારી માટે વૅક્સિન લો' આ દીકરીઓ કેવી રીતે બની દાદા-દાદીની પ્રેરણા?

બીબીસી ગુજરાતીએ ઘણાં ગામડાંમાં કેટલાય લોકો સાથે વાત કરી અને તેમાં મુખ્યત્વે સરકારી તંત્રની નિષ્ફળતા સામે આવી હતી.

દાખલા તરીકે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડાસણ ગામની વાત કરીએ તો અહીં એપ્રિલ મહિનામાં 20થી વધુ લોકોનાં મૃત્યુ થયાં પરંતુ અહીં લોકોને કોઈ સારવાર મળતી નથી અને મોટા ભાગના લોકો 'ઘરે જ તાવથી મૃત્યુ થઈ ગયું છે', તેવું માને છે.

વીજાપુરના એક આગેવાન મુકેશસિંહ વિહોલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "તેમના ગામમાં આરોગ્યની કોઈ જ સુવિધા નથી. લોકો દવાખાના સુધી જાય છે, પરંતુ તેમને ત્યાં કોઈ જ સગવડ મળતી નથી, માટે તેઓ ઘરે જ મૃત્યુ પામી રહ્યા છે."

વીજાપુર તાલુકાના પીલવઈ ગામના 32 વર્ષના રઘુવીરસિંહ વિહોલને પોતાનો સિટી સ્કેન કરાવવા માટે ઘણા દિવસોની રાહ જોયા બાદ તેમના ઘરેથી આશરે 40 કિલોમીટર દૂર મહેસાણામાં સિટી સ્કેન થયો.

જોકે તે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેમનો પરિવાર તેમના માટે બાઇપેપ મશીનયુક્ત ખાટલો શોધવામાં લાગી ગયો.

તેમના કાકા જગતસિંહ વિહોલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "ગામમાં કે તેની આસપાસના વિસ્તારમાં કોઈ સરકારી કે ખાનગી દવાખાનામાં જ્યારે અમને કોઈ સગવડ ન મળી તો અમે 100 કિલોમીટર દૂર ગાંધીનગર સિવિલમાં તેમને લઈ ગયા."

"ત્યાં અમે આશરે 12 કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા પરંતુ અમારો નંબર ન લાગ્યો. છેવટે અમે તેને પાછા ઘરે લઈને આવ્યા, જ્યાં તેણે સારવાર વગર છેલ્લા શ્વાસ લીધા હતા."

હાલમાં તેમનાં પત્ની અને એક 11 વર્ષનો દીકરો છે.

line

સરકારી જાહેરાતોથી કોઈ ફરક નથી પડી રહ્યો?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્ય સરકારે 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ તો કર્યું છે, પરંતુ માળખાકીય સુવિધાઓના અભાવે આ અભિયાન ગ્રામ્યસ્તરે કેટલું સફળ થશે એના પર સવાલો ઊભા થયા છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ અભિયાનની જાહેરાત પહેલી મેના રોજ કરી હતી, પરંતુ તેવી કોઈ સ્પષ્ટતા નહોતી કરી કે તે માટે રાજ્ય સરકાર શું મદદ કરશે, કેટલો ઓક્સિજન આપશે, ખાટલા કે મેડિકલ સ્ટાફ કેવી રીતે પહોંચાડશે.

આવી અસ્પષ્ટ જાહેરાતને કારણે 'મારું ગામ કોરોનામુક્ત ગામ' જેવાં અભિયાન આ કોવિડના સમયમાં લોકોની તકલીફો ઓછી કરવાને બદલે વધારી દેશે, તેવું ઘણા લોકોનું માનવું છે.

'દિવ્ય ભાસ્કર' અખબારના અહેવાલ પ્રમાણે, અખબારે રાજકોટના આશરે 23 સરપંચો સાથે વાત કરી હતી, જે તમામ લોકોએ પોતાના ગામમાં કોવિડ સેન્ટર શરૂ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

સરપંચોને કોઈ પણ પ્રકારની સગવડ આપવાનો સરકારી જાહેરાતમાં કોઈ ઉલ્લેખ નથી.

જોકે બીબીસી આ વિશે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ગીર સોમનાથના કલેક્ટર તેમજ મહેસાણા જિલ્લાના કલેકટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ લખાય છે ત્યાં સુધી કલેક્ટર્સને મોકલેલા ઇમેલનો પણ બીબીસીને કોઈ જવાબ મળ્યો નથી.

line

સરપંચો સહાય માગે છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

હવે ગીર સોમનાથ જિલ્લાના ડોડાસા ગામની વાત કરીએ.

આ ગામમાં એપ્રિલ મહિનામાં આશરે 22 લોકોનાં મૃત્યુ થયાં. આ ગામના સરપંચના કહેવા પ્રમાણે, આશરે 14 લોકો કોવિડ કે કોવિડ જેવાં લક્ષણો બાદ મૃત્યુ પામ્યાં છે.

જે લોકો મૃત્યુ પામ્યાં છે તેમાંથી મોટા ભાગના લોકો ઘરે જ રહીને દવા કરી રહ્યા હતા, કારણ કે સારવાર માટે કોઈ જગ્યા જ નથી, જ્યાં તેઓ જઈ શકે.

ડોડાસા ગામના સરપંચ પ્રતાપ મોરીને જ્યારે બીબીસી ગુજરાતીએ પૂછ્યું કે શું તેમનું ગામ કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે, તો તેમણે કહ્યું કે, "મારા ગામમાં હજી ઘણી સુવિધા ઊભી કરવાની જરૂર છે. હાલમાં ઓક્સિજન બેડની ખૂબ કમી છે. અમારા સીએચસી પાસે મેડિકલ કે પૅરામેડિકલ સ્ટાફની કમી છે, વૅન્ટિલેટર વગેરેની વાત જ કરવા જેવી નથી. આ બધી સગવડોની તાત્કાલિક જરુર છે."

તેમણે વધુમાં કહ્યું કે હાલમાં સરકારી દવાખાનાં કે કોવિડ સેન્ટરમાં આશરે 8થી 10 જ વૅન્ટિલેટર ઉપલબ્ધ છે. એટલે કે મોટા ભાગના એવા લોકો, કે જેમને બાઇપેપ વૅન્ટિલેટરની જરૂર પડે, તેમની પાસે પણ કોઈ વિકલ્પ રહેતો નથી, અને પછી તેમને ઘરે જ રાખવા પડે છે."

મોરી ગીર સોમનાથના બાવન (52) ગામની ગ્રામ પંચાયતોના સરપંચ ઍસોસિયેશનના પ્રમુખ છે.

તેઓ કહે છે કે "સરકાર પ્રયાસો કરી રહી છે, પરંતુ હજી પણ આ તમામ ગામોમાં પાયાની સુવિધાઓની કમી છે. અમારે સારા મેકિકલ અને પેરામેડિકલ સ્ટાફની જરૂરિયાત છે, પંરતુ ઘણાં ગામડાંઓમાં તેવી કોઈ જ વ્યવસ્થા નથી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો