કોરોના મહામારી સામે ગુજરાતનું વિકાસ મૉડલ 'શોભાના ગાંઠિયા સમાન' કેમ બન્યું?

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય રાજનેતા તરીકેની કારકિર્દી ઘડવામાં ગુજરાત મૉડલની પબ્લિસિટીએ મોટો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં સ્થિતિ એવી છે કે લગભગ દરેક માણસને મનમાં ફડકો છે કે મને જો કોરોના થાય તો ઓક્સિજન મળશે કે નહીં? મને રેમડેસિવિર ઇન્જેક્શન મળશે કે નહીં?

રાજ્યમાં કોરોનાના દરદીની સારવાર કરતી ભાગ્યે જ એવી કોઈ હૉસ્પિટલ મળશે, જ્યાં વૅન્ટિલેટરવાળો ખાટલો દરદીને સરળતાથી મળી જાય.

હૉસ્પિટલની અંદર અને બહાર દર્દીઓનાં મોતના સમાચાર મળી રહ્યા છે.

સુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલમાં દરદીઓને લોબીમાં ઓક્સિજન અપાઈ રહ્યો હતો.

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : પરેશ ધાનાણીએ અમરેલીમાં ઓક્સિજનની અછત વિશે શું કહ્યું?

તો રાજકોટમાં હૉસ્પિટલોની બહાર રિક્ષાની અંદર ઓક્સિજનનો બાટલો કાખમાં રાખીને દરદીઓ રાહ જોતા હતા કે તેમને હૉસ્પિટલમાં પ્રવેશ ક્યારે મળશે?

રાજ્યમાં છેલ્લા એક વર્ષથી અવિરત કામ કરતાં ડૉક્ટરો થાકી ગયા છે અને કોરોનાના દરદી ગયા વર્ષ કરતાં વધી રહ્યા છે.

નિષ્ણાતો કહે છે કે જે 'ગુજરાત મૉડલ'ને સતત ચગાવવામાં આવ્યું હતું તે કેટલું પોકળ છે, એ કોરોનાએ માત્ર એક વર્ષમાં સાબિત કરી દીધું છે.

ગુજરાત મૉડલને આગળ ધરીને જ નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના દાવેદાર બન્યા હતા અને પછી તેઓ દેશના વડા પ્રધાન બન્યા હતા.

line

કેરળ સરપ્લસ ઓક્સિજન ધરાવતું રાજ્ય, ગુજરાતે શું કર્યું?

ગુજરાતમાં ઓક્સિજનની અછત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 30 એપ્રિલ સુધીમાં વધુ જથ્થો નહીં ફાળવાય તો ગુજરાતની હૉસ્પિટલોમાં સર્જાઈ શકે છે ઓક્સિજનની કટોકટી

એક વર્ષ થયા પછી ઊભી થયેલી સ્થિતિ ગુજરાતમાં ઘણે અંશે નિવારી શકાઈ હોત એવું કહેવાઈ રહ્યું છે. વચ્ચે જ્યારે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા, ત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ યોજાઈ હતી.

જેમાં ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટીએ રેલીઓ કરીને લોકોને એકઠા કર્યા હતા. વિશ્વના સૌથી મોટા ગણાતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મૅચો યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા.

અમદાવાદમાં રહેતા સમાજશાસ્ત્રીય બાબતોના જાણકાર શારીક લાલીવાલા કહે છે, "જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા હતા, ત્યારે મેડિકલ વ્યવસ્થાઓ દુરસ્ત કરવાની જરૂર હતી."

"કેરળ અને તામિલનાડુ જેવાં રાજ્યોએ તેના પર ધ્યાન આપ્યું હતું. આપણે ત્યાં એ સમય દરમિયાન સ્ટેડિયમો ભરવામાં આવ્યાં અને ચૂંટણીઓની રેલીઓ યોજાઈ."

"અત્યારે સ્થિતિ એ છે કે કેરળમાં કોરોનાના કેસ હોવા છતાં ત્યાં ઓક્સિજનની સમસ્યા નથી, કારણ કે કોરોનાની પહેલી લહેર પછી ત્યાંનું તંત્ર ઓક્સિજન મામલે સાબદું થઈ ગયું હતું."

"કેરળ સરપ્લસ ઓક્સિજન ધરાવતું રાજ્ય છે. તેમણે એક વર્ષમાં કૉલેજોમાં મોટા-મોટા પ્લાન્ટ બનાવ્યા છે."

"ગુજરાતમાં રાજ્ય સરકારે જ્યારે કોરોનાની પહેલી લહેર પછી કેસ ઘટ્યા ત્યારે ઓક્સિજનની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર હતી. આટલી હૉસ્પિટલો છે, દરેકમાં પ્લાન્ટ ઊભો થઈ શકત. પરંતુ એવું ન થયું અને લોકો જીવ ગુમાવી રહ્યા છે."

ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ ડ્રગ્સ કંટ્રોલ જનરલ ડૉ. વી. જી. સોમાણીએ તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજનની જેમ દરદીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવાનું સૂચવ્યું હતું. કોરોના મહામારી સામે ઓક્સિજનના નવા પ્લાન્ટની મંજૂરી આપવા કહ્યું હતું.

ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ એ પત્રનો હવાલો આપીને કહ્યું હતું કે, "રાજ્ય સરકારની આ ગુનાઇત બેદરકારી કહેવાય."

line

'રાજ્ય સરકારે જીડીપીનો એક ટકો પણ આરોગ્ય પાછળ ખર્ચ કર્યો નથી'

ગુજરાતના આરોગ્ય ક્ષેત્રની કથળતી સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે જાહેર ખર્ચમાં કેમ પાછી પડે છે સરકાર? (પ્રતીકાત્મક તસવીર)

અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલમાં ઍમ્બ્યુલન્સ સેવા 108 વગર દરદીઓને પ્રવેશ મળતો ન હતો. એના લીધે કેટલાક દરદીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

માત્ર કોરોના માટે હંગામી ધોરણે ઊભી કરાયેલી હૉસ્પિટલનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું અને તેના બીજે દિવસે દરદીઓને પ્રવેશ મળ્યો ન હતો.

બે દરદીઓએ તો હંગામી હૉસ્પિટલના દરવાજે જ છેલ્લા શ્વાસ લીધા હતા. ત્યાં પણ ઍમ્બ્યુલન્સ સેવા 108 વગર દરદીને પ્રવેશ આપવામાં ઠાગાઠૈયા થતા હતા.

જોકે ગુજરાત હાઈકોર્ટે કરેલી સુઓ મોટો અરજીમાં અમદાવાદ કૉર્પોરેશનની 108માં જ દરદીઓને લાવવાના વલણની આકરી ટીકા કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે શું અમદાવાદ કૉર્પોરેશન રાજ્યનો ભાગ નથી? કઈ રીતે રાજ્યના નિયમોને અવગણીને પોતાના નિયમો લોકો પર લાદી શકે?

અમદાવાદસ્થિત સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ અલ્ટરનેટીવ્સમાં અર્થશાસ્ત્રનાં ડિરેક્ટર-પ્રોફેસર ઇન્દિરા હિરવે સાથે બીબીસીએ વાત કરી હતી.

કોરોના અને ગુજરાત મૉડલ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, "ગાજેલા મેઘ જેવા ગુજરાત મૉડલમાંથી એક ટીપું વરસાદ પડ્યો નથી. જે ગુજરાત મૉડલને ખૂબ ચગાવવામાં આવ્યું."

"જેને આગળ ધરીને નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા એ મૉડલ પોકળ છે એ તો કોરોનાએ ગયા વર્ષે જ સાબિત કરી દીધું હતું, જ્યારે લાખો શ્રમિકો ગુજરાતમાંથી લૉકડાઉન વખતે ચાલી નીકળ્યા હતા."

"હવે કોરોનાના બીજા વંટોળે એ વાત વધુ દૃઢ કરી છે. ગુજરાત મૉડલમાં આરોગ્ય અને શિક્ષણ પર કોઈ ખર્ચ જ જોવા મળતો નથી. એ વાત સૌથી દુખદ છે."

તેઓ કહે છે, "રાજ્ય સરકારે જીડીપી (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ)નો એક ટકો પણ આરોગ્યક્ષેત્ર પાછળ ખર્ચ કર્યો નથી."

"શહેરથી લઈને ગામડાં સુધી લોકો બધે હેરાન થઈ રહ્યા છે, એનું મુખ્ય કારણ એ છે કે સરકારે જાહેર આરોગ્ય પર ખર્ચ કર્યો નથી."

"તેઓ માત્ર ગ્લેમરમાં જ રચ્યાપચ્યા રહ્યા છે. રાજ્ય સરકારને સરદાર પટેલના સ્ટેચ્યૂ બનાવવા છે પણ ઓક્સિજનના ચાર પ્લાન્ટ બનાવવાનું સૂઝતું નથી."

"જો ચાર પ્લાન્ટ બનાવ્યા હોત તો રાજ્યમાં કેટલા બધા લોકો બચી ગયા હોત?"

ઇન્દિરા હિરવે વધુમાં કહે છે, "લોકો ખાટલા મેળવવા ભટકી રહ્યા છે. આ જ ગુજરાત મૉડલ છે. ખાનગીકરણને પ્રોત્સાહન આપીને ખાનગી હૉસ્પિટલો ખૂબ બને તેને કેવી રીતે વિકાસ કહી શકાય? ગુજરાતમાં જે ખાનગી હૉસ્પિટલો છે એમાં જવું કોને પરવડે એમ છે?"

"આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હોય છતાં આરોગ્ય અને શિક્ષણ પર સરકાર ધ્યાન નથી આપતી અને રિવરફ્રન્ટ, બુલેટ ટ્રેન અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નામે રૂપકડું ગ્લેમરવાળું ચિત્ર જ ઊભું કર્યા કરે છે. એમાં લોકોનું અકલ્યાણ થઈ રહ્યું છે."

line

કોરોના મહામારી છતાં રાજ્ય સરકારે આરોગ્ય માટે ઓછું બજેટ ફાળવ્યું?

ગુજરાત સરકારની આરોગ્ય ક્ષેત્રે નબળી રહી કામગીરી?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારની આરોગ્ય ક્ષેત્રે નબળી રહી કામગીરી?

ગુજરાતનું આ વખતનું બજેટ 2,27,029 કરોડનું છે. જેમાં આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય માટે રૂ. 11,323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આના કરતાં અન્ય જે વિભાગોને વધુ રકમ ફાળવવામાં આવી છે, એમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ 13,493 કરોડ, માર્ગ-મકાન વિભાગ માટે 11,185 કરોડ, ઊર્જા અને પેટ્રો કૅમિકલ્સ વિભાગ માટે 13,034 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બજેટમાં આરોગ્ય અને પરિવારકલ્યાણ માટે ફાળવેલાં નાણાં અંગે ઇન્દિરા હિરવે કહે છે, "ગુજરાતની જેટલી વસતી છે, એ જોતાં આ રકમ ખૂબ નાની કહેવાય."

ગયા વર્ષે આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય માટે રૂ. 11,243 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં આઈઆઈટી, દિલ્હીના ઇકૉનૉમિક્સના ઍસોસિયેટ પ્રોફેસર રીતિકા ખેડા કહે છે, "કોરોના મહામારીને લીધે ગયા વર્ષે પણ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તકલીફો વેઠી હતી. એને ધ્યાનમાં લઈને આ વર્ષે આરોગ્યનું બજેટ વધારવું જોઈતું હતું."

"ગયા વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં માત્ર 80 કરોડ વધારવામાં આવ્યા છે, જે ખૂબ નાની રકમ કહેવાય. એ દર્શાવે છે કે મહામારીના ઉકેલને પ્રાથમિકતા નથી આપવામાં આવી. ગુજરાતની જે હાલત અત્યારે ખરાબ થઈ છે તેમાં આ પણ એક કારણ ગણી શકાય."

line

વાઇબ્રન્ટ ગુજરાત અને ખાનગીકરણનો વાયરો

વાઇબ્રન્ટ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત મૉડલ શું માત્ર એક માર્કેટિંગ સ્ટન્ટ છે?

2015માં જે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું હતું તે વખતે તેની એક સ્લાઇડ-રૂપરેખામાં દર્શાવાયું હતું કે, લાંબા ગાળાનો અનુભવ ધરાવતું ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ મથક છે. ફાર્મા સેક્ટરની 40% ટકા મશીનરીનું ગુજરાત ઉત્પાદન કરે છે.

દેશમાં હૃદયરોગના દરદીના શરીરમાં મુકાતાં સ્ટેન્ટનું 70% ઉત્પાદન ગુજરાત કરે છે. દેશના 58% ઑર્થોપેડિક ઇમ્પ્લાન્ટ્સનું ઉત્પાદન ગુજરાત કરે છે. દેશના ફાર્મા ક્ષેત્રનું 33% મૅન્યુફૅક્ચર અને દેશના ફાર્મા ઍક્સ્પૉર્ટમાં 28% હિસ્સો ગુજરાત ધરાવે છે.

મુદ્દો એ છે કે ગુજરાત આટલું આગળ હોવા છતાં પણ કોરોનાના બીજા વંટોળમાં લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવામાં ફાંફાં પડી ગયા છે. હૉસ્પિટલોમાં ઓક્સિજનની કમી છે.

શારીક લાલીવાલા કહે છે, "ગુજરાત ફાર્માસ્યુટિકલનું મથક છે પરંતુ એ મૂડીવાદ-કૅપિટલિઝમનું મૉડલ છે. તમે હૃદયમાં બેસાડવાનાં સ્ટેન્ટ બનાવી રહ્યા છો એ સારી વાત છે પણ કેટલામાં વેચી રહ્યા છો અને એ સ્ટેન્ટ કોને કેવી રીતે પહોંચી રહ્યા છે એ જોવું પડે."

"શું લોકો સ્ટેન્ટ મુકાવવા હોય તો સિવિલ હૉસ્પિટલમાં જાય છે કે કોઈ ખાનગી હૉસ્પિટલને પ્રાથમિકતા આપે છે?"

"આ સવાલો પણ ગુજરાત મૉડલની સાથે જોવા પડે. મૂળે ગુજરાત મૉડલ એ ખાનગીકરણને પ્રોત્સાહન આપતું મૉડલ છે. તેમણે પબ્લિક હેલ્થકેર સિસ્ટમ પર ધ્યાન નથી આપ્યું."

line

80ના દાયકામાં ગુજરાત હ્યુમન ડેવલપમૅન્ટમાં ટોચનાં પાંચ રાજ્યોમાં હતું

ગુજરાત મૉડલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતનું માનવવિકાસ ઇન્ડેક્સમાં સતત કથળતું જતું પ્રદર્શન

ગુજરાતમાં ખાનગી હૉસ્પિટલો વધી છે. એ પછી રાજ્ય સરકારે આરોગ્ય પ્રત્યેની પોતાની ઘણી જવાબદારીઓ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હોવાનું કહેવાય છે.

રીતિકા ખેડા કહે છે, "ગુજરાત હંમેશાં આવું નહોતું. માનવીય વિકાસ - હ્યુમન ડેવલપમૅન્ટની વાત કરીએ તો 80ના દાયકામાં ગુજરાત ટોચનાં પાંચ રાજ્યોમાં સામેલ હતું. હવે તે એમાં સામેલ નથી."

"90ના દાયકાથી ગુજરાતે એ ભૂલ કરી કે શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા નહીં આપીને માત્ર જીડીપી વિકાસ પર ભાર મૂક્યો. તેને લીધે આજે આ દુર્દશા થઈ છે."

"90ના દાયકામાં એવી એક ધારણા હતી કે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં જે ખામીઓ છે, તે ખાનગી ક્ષેત્ર દૂર કરશે, પણ એવું ન થયું."

"જો આરોગ્ય મામલે રાજ્ય ખાનગીક્ષેત્ર પર નિર્ભર રહે તો શું થાય એ કોરોના મહામારીમાં આપણે હાલ નિહાળી રહ્યા છીએ."

તેઓ વધુમાં કહે છે, "આરોગ્યની નિર્ભરતા સરકારીને બદલે ખાનગી ક્ષેત્રો પર વધી છે. તેને લીધે ઉકેલ તો ન આવ્યો અને નવા સવાલો ઊભા થયા છે."

"આજે થાય છે એવું કે ખાનગી હૉસ્પિટલ શરૂ થાય તો એના પર કોઈ સરકારી નિયંત્રણ જ નથી. એના પર નિયંત્રણ હોવું જોઈએ. એક દવા માટે જુદાજુદા ભાવ અને એ પણ મનમાનીથી નક્કી કરવામાં આવે છે."

કોરોનાની હાલની સ્થિતિ સાથે ગુજરાત અને કેરળને સરખાવતાં શારીક લાલીવાલા કહે છે, "કોરોનામાં જે કેસ ફર્ટિલિટી દર છે એ કેરળ જેવાં રાજ્યોમાં જળવાઈ રહ્યો છે, બગડ્યો નથી, કારણ એ કે દરદીદીઠ ડૉક્ટર્સની સંખ્યા તેમની પાસે સારી એવી છે. આ રાતોરાત ઊભું ન થાય."

"આના માટે જાહેર આરોગ્ય વ્યવસ્થા પર લાંબા ગાળાથી કામ થતું હોય છે, મેડિકલ કૉલેજો તૈયાર થતી હોય ત્યારે થાય. ગુજરાતને મૉડલ સ્ટેટ કહેવામાં આવે છે પણ આરોગ્યક્ષેત્રની ઘોર ઉપેક્ષા કરીને એના સરકારીકરણને બદલે ખાનગીકરણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે."

"પરિણામે જાહેર આરોગ્ય વ્યવસ્થા ગુજરાતમાં ભાંગી પડી છે. જે કેરળમાં નથી થયું."

line

ગુજરાતમાં સરકારી હૉસ્પિટલો કેટલી છે?

સિવિલ હૉસ્પિટલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આરોગ્ય સેવાઓની કથળતી સ્થિતિ માટે કોણ જવાબદાર?

નેશનલ હેલ્થ પ્રોફાઇલ 2019ના અહેવાલ અનુસાર ગુજરાતમાં કુલ સરકારી હૉસ્પિટલો 438 છે. જ્યારે ઝારખંડમાં 555, બિહારમાં 1147, મહારાષ્ટ્રમાં 711 કેરળમાં 1280, મધ્યપ્રદેશમાં 465 સરકારી હૉસ્પિટલો છે.

ગુજરાતની વસતી અંદાજે સાડા છ કરોડ છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલના રિપોર્ટને ટાંકીએ તો ગુજરાતમાં સરકારી હૉસ્પિટલોમાં કુલ ખાટલા 20,172 છે. જ્યારે મહારાષ્ટ્ર્માં 51,446, મધ્યપ્રદેશમાં 31,106, કેરળમાં 38,004 અને આંધ્રપ્રદેશમાં 23,138 જેટલા ખાટલા છે.

અલબત્ત, એ પણ નોંધવું રહ્યું કે બિહાર, ઝારખંડમાં ગુજરાત કરતાં વધુ સરકારી હૉસ્પિટલો હોવા છતાં ખાટલાની સંખ્યા ત્યાં ગુજરાત કરતાં ઓછી છે. બિહારમાં સરકારી હૉસ્પિટલોમાં ખાટલાની સંખ્યા 11,664 અને ઝારખંડમાં 10,784 છે.

સાથે એ પણ નોંધવું રહ્યું કે આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાં ગુજરાત કરતાં ઓછી હૉસ્પિટલો હોવા છતાં ખાટલાની સંખ્યા વધારે છે.

આંધ્રમાં 258 સરકારી હૉસ્પિટલોમાં 23,138 ખાટલા છે. દિલ્હી જેવા ક્ષેત્રમાં વર્ષ 2015માં નોંધાયા મુજબ 109 સરકારી હૉસ્પિટલોમાં 24,383 ખાટલા છે.

ગુજરાત પાસે દિલ્હી કરતાં બમણી હૉસ્પિટલો હોવા છતાં દિલ્હીથી ઓછા ખાટલા છે.

line

ગુજરાત અને અન્ય રાજ્યોની સ્થિતિ

ગુજરાતમાં કોરોનામાં સારવારના અભાવે ઘણાનાં મૃત્યુ થયાંના અહેવાલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં કોરોનાકાળમાં રાજ્યની આરોગ્ય સેવાની ગુણવત્તાની ખરી છબિ લોકો સામે મૂકી?

ભારતમાં પ્રતિહજારની વસતીએ હૉસ્પિટલમાં જેટલા ખાટલા હોવા જોઈએ એના કરતાં ઓછા ખાટલા ધરાવતાં રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે.

માર્ચ 2020માં બ્રુકિંગ્સ નામના ઑર્ગેનાઇઝેશને બહાર પાડેલા એક અહેવાલમાં વર્ષ 2019માં રાજ્યોની સરકારી હૉસ્પિટલોમાં કેટલા ખાટલા હતા એનો એક તુલનાત્મક અભ્યાસ દર્શાવ્યો છે.

એના પર નજર કરીએ તો ગુજરાતમાં સરકારી હૉસ્પિટલોમાં 1000ની વસતીએ 0.30 ખાટલા છે.

જ્યારે રાજસ્થાનમાં 0.60, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ-ઓડિશામાં 0.40, તામિલનાડુમાં 1.1 છે. એટલે કે અહીં દર્શાવેલાં રાજ્યોમાં ગુજરાત કરતાં સરકારી હૉસ્પિટલોમાં સરેરાશ હજારની વસતીએ વધુ ખાટલા છે.

આ રિપોર્ટ નેશનલ હેલ્થ પ્રોફાઇલ-2019ના રિપોર્ટ સામે પણ સવાલ ઉઠાવે છે.

તે રિપોર્ટમાં જણાવાયું છે કે સમગ્ર દેશમાં સરકારી હૉસ્પિટલોમાં 7,13,986 ખાટલા છે. એટલે કે દેશમાં દર હજારની વસતીએ સરેરાશ 0.55 ખાટલા થયા. જ્યારે ગુજરાતમાં 0.30 છે.

line

ક્યાંક હૉસ્પિટલો ઉપયોગમાં ન લેવાઈ

ગુજરાતમાં આરોગ્ય સેવાઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રની સ્થિતિ સુધારવા માટે સરકારની ઇચ્છાશક્તિ સામે સવાલ

ગુજરાત મૉડલ સ્ટેટ કહેવાય છે, પરંતુ રાજ્યમાં તૈયાર થયેલી હૉસ્પિટલો કે અન્ય આરોગ્યસંબંધી ઇમારતોમાં આયોજનની કેટલીક ખામીઓ કૅગ (કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઈન્ડિયા) દ્વારા નોંધવામાં આવી છે.

જેમકે, અમદાવાદની સિવિલ હૉસ્પિટલના કોઈ પણ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે કટોકટી માર્ગ તરીકે ઝડપથી દોડીને ઊતરી શકાય એ માટેના જે રૅમ્પ-ઢાળિયા હોવા જોઈએ તે નથી.

ઇમારતો તૈયાર થઈ ગઈ હોવા છતાં તેના ઉદઘાટન-હસ્તાંતરણમાં મહિનાઓ કે વર્ષ નીકળી જાય છે.

ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાતી નથી અને ક્વૉલિટી કન્ટ્રોલ ટીમ યોગ્ય નિરીક્ષણ નથી કરતી, એવું કૅગના રિપોર્ટમાં નોંધાયું છે.

રાજ્યમાં આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ અંતર્ગત પ્રૉજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ (પીઆઈયુ) હોય છે, જે જાહેર આરોગ્યની બાંધકામ પ્રવૃત્તિઓની જવાબદારી જુએ છે.

બાંધકામ પૂર્ણ થયા બાદ પીઆઈયુ સંબંધિત વપરાશકર્તાઓને બિલ્ડિંગ હસ્તાંતરિત કરે છે.

માર્ચ 2019માં પૂરા થતાં વર્ષનો સામાન્ય અને સામાજિક ક્ષેત્રનો કૅગના વર્ષ 2020માં રજૂ થયેલા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે આરોગ્ય સંબંધી પૂર્ણ થયેલાં 80 બિલ્ડિંગમાંથી 26 બિલ્ડિંગમાં હસ્તાંતરણની પ્રક્રિયામાં 3થી 19 મહિના લાગ્યા હતા.

રિપોર્ટમાં આગળ નોંધવામાં આવ્યું છે કે જૂન 2020 સુધી 196.94 કરોડના ખર્ચે બાંધેલાં પાંચ બિલ્ડિંગ યા તો વપરાશમાં લેવાયાં નથી, યા તો આંશિક વપરાશમાં લેવાયાં છે.

જેમાં સ્ટેમ સેલ ઇન્સ્ટિટ્યૂટ, સુરત (ઑગસ્ટ 2015થી વપરાશમાં નથી), કિડની હૉસ્પિટલ, સુરત (ડિસેમ્બર 2015થી વપરાશમાં નહોતી), કૅન્સર હૉસ્પિટલ, રાજકોટ (એપ્રિલ 2016થી વપરાશમાં નહોતી), નર્સિંગ સ્કૂલ, વલસાડ (જૂન 2012થી વપરાશમાં નહોતી), જીએમઈઆરએસ હૉસ્પિટલ, વડનગર (ડિસેમ્બર 2015થી વપરાશમાં નહોતી)નો સમાવેશ થાય છે.

પછીથી જોકે રાજકોટની કૅન્સર હૉસ્પિટલ અને વલસાડની નર્સિંગ સ્કૂલને કોવિડ હૉસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી હતી.

કૅગના રિપોર્ટમાં એવી પણ નોંધ છે કે કાર્યોની ડિઝાઇન અને અંદાજો યોગ્ય કાળજી સાથે કરવામાં આવ્યા ન હતા. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ ઔચિત્યનો અભાવ હતો.

ખામીયુક્ત ડિઝાઇનને લીધે પીઆઈયુએ 37.86 કરોડનો વધારાનો ખર્ચ કર્યો હતો. ક્વૉલિટી કન્ટ્રોલ (ગુણવત્તા નિયંત્રણ) ટીમ દ્વારા 68 ટકા કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું નહોતું. નાણાકીય સંચાલન સુદૃઢ નહોતું.

line

આયુષ આરોગ્ય સેવાને ગુજરાતમાં મુખ્ય ધારામાં લાવી શકાઈ?

ગુજરાત મૉડલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ડૉક્ટરોની અછતના સમાચાર બન્યા છે સામાન્ય

ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં આયુષ આરોગ્ય સારસંભાળ સેવાઓને મુખ્ય પ્રવાહમાં સમાવવાનું ભારત સરકારની વિવિધ યોજનાઓમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે.

કૅગના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે આરોગ્ય કમિશનરે રાજ્યમાં આવેલાં 1474 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી 911માં લાયકાત ધરાવતા ડૉક્ટરોને કરાર આધારે નિયુક્ત કરીને આયુષની સુવિધા સ્થાપી હતી.

જ્યારે આઠ જિલ્લામાં ચકાસણી કરવામાં આવી ત્યારે ત્યાંનાં 324 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 125માં આયુષ ડૉક્ટરોની કોઈ જ નિયુક્તિ થઈ નહોતી.

કૅગની નોંધમાં લખ્યું છે કે આયુષને મુખ્ય પ્રવાહમાં સમાવવા માટે આરોગ્ય અને પરિવારકલ્યાણે પૂરતા પ્રયાસ કર્યા ન હતા.

અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન રહી ચુક્યા છે ગુજરાત મૉડલના ટીકાકાર

અમર્ત્ય સેને 2013માં ગુજરાત મૉડલ પર આ વાત કહી હતી.

2013માં એક ચર્ચા દરમિયાન અમર્ત્ય સેને ગુજરાત મૉડલની ટીકા કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં આધારભૂત માળખું ઠીક થઈ શકે એમ છે પણ તેમણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ નબળી છે. ગુજરાત સામાજિક ક્ષેત્રમાં પાછળ છે.

અમર્ત્ય સેને 2013માં ગુજરાત મૉડલની ચર્ચા વખતે આરોગ્યની સ્થિતિ નબળી આંકી હતી.

નિષ્ણાતો કહે છે કે આજે તે વાત દિવા જેવી સ્પષ્ટ વર્તાઈ રહી છે અને ગુજરાત મૉડલ કેટલું તકલાદી હતું એ કોરોનાના બીજા રાઉન્ડે સાબિત કરી દીધું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો