લલિત મોદી વિરુદ્ધ મોદીની કરોડોના વારસાની લડાઈ શું છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
કે.કે. મોદી જૂથની માલિકી અંગે ચાલી રહેલી આંતરિક લડાઈએ કાયદાકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેની એક તરફ આઈ.પી.એલ. દ્વારા ચર્ચામાં આવેલા લલિત મોદી અને તેમના દીકરા રુચિર છે, તો બીજી તરફ તેમનાં માતા, ભાઈ તથા બહેન છે.
મોદી જૂથ સિગારેટ, પાન-મસાલા, મલ્ટિલેવલ માર્કેટિંગ, રિટેલ સ્ટોર્સ, ઉપરાંત કેમિકલ, હોટલ તથા કૉસ્મેટિક ક્ષેત્રમાં કાર્યરત છે.
કૃષ્ણ કુમારની વસિયતનામાએ વારસાની રૂપરેખા રજૂ કરી હતી, પરંતુ તેના અંગે પરિવાર એકમત નથી થઈ શક્યો, જેના કારણે ઔદ્યોગિક સામ્રાજ્યના ભાવિ ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
માર્ચ-2020માં દિલ્હી હાઈકોર્ટની એક જજની બેન્ચે સિંગાપુરમાં ચાલી રહેલી લવાદની પ્રક્રિયાને પડકારતી બીના મોદીની અરજીને કાઢી નાખી હતી.
આ પહેલાં અંબાણી, સિંઘાનિયા, બજાજ અને ગોદરેજ જેવા ઉદ્યોગગૃહોમાં પરિવારની આંતરિક લડાઈ જાહેરમાં આવી ગઈ છે અને કોર્ટના દ્વારે પણ પહોંચી છે.

વસિયત, વારસો અને વિવાદ

વિવાદની શરૂઆત નવેમ્બર 2019ના પ્રથમ અઠવાડિયાથી થઈ, જ્યારે ઉદ્યોગજૂથના કૃષ્ણકુમાર મોદીનું 79 વર્ષની ઉંમરે અવસાન થયું.
ન્યૂઝ એજન્સી પી. ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ પ્રમાણે, કે. કે. મોદીના વિલ પ્રમાણે, તેમના મૃત્યુ પછી પત્ની બીના, મોટા દીકરા લલિત, નાના દીકરા સમીર તથા પુત્રી ચારુ મોદી ભારતીયાને ટ્રસ્ટી બનાવવાં.
વસિયતની જોગવાઈ પ્રમાણે, મૃત્યુના એક મહિનાની અંદર તમામ ટ્રસ્ટીઓ/પરિવારજનોએ બેઠક કરવી અને કંપનીના સંચાલન અંગે નિર્ણય લેવો, જો આ અંગે તેઓ કોઈ નિર્ણય ન લઈ શકે તો કંપનીની તમામ સંપત્તિ તથા કે.કે. મોદી ટ્રસ્ટને એક વર્ષની અંદર વેચી દેવાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લલિત મોદી ભારત આવી શકે તેમ ન હોઈ વસિયતની જોગવાઈ મુજબ, 30મી નવેમ્બર, 2019ના દિવસે દુબઈ ખાતે એક બેઠક મળી હતી.
આ બેઠકમાં કોઈ નિર્ણય ન લઈ શકાયો, લલિત મોદી ફરી એક મિટિંગ માટે સહમત ન થયા અને કંપનીની સંપત્તિના વેચાણ માટે મૂલ્યાંકન કરવા માટે વાત કરી.
લલિતના આ આક્રોશ પાછળ કે. કે. મોદીના મૃત્યુના પખવાડિયા પહેલાં ઘટેલી એક ઘટનાને પણ કારણભૂત માનવામાં આવે છે.

મૃત્યુના 15 દિવસમાં...

ઇમેજ સ્રોત, PTI
મોદી પરિવારની દુબઈમાં મિટિંગ થઈ અને કે. કે. મોદીનું મૃત્યુ થયું, તે પહેલાં એક ઘટના ઘટી, જેના કારણે તિરાડ પહોળી બની.
રુચિર મોદીના આરોપ પ્રમાણે, તા. 14મી નવેમ્બરે કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સની એક બેઠક મળી, જેમાં લલિત મોદીનાં માતા બીનાને પાંચ વર્ષ માટે કંપનીના સી.ઈ.ઓ. (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર), એમ. ડી. (મૅનેજિંગ ડાયરેક્ટર) અને ચૅરપર્સન તરીકે નીમવામાં આવ્યાં.
રુચિરે આ ઘટનાક્રમ ઉપર સવાલ ઉઠાવ્યા છે તથા મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેયર્સ (MCA), સિરિયસ ફ્રૉડ્સ ઇન્વૅસ્ટિગેશન ઑફિસ (SFIO), સિક્યૉરિટી એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયાને પત્ર લખીને બીના મોદીની નિમણૂક અને કંપનીના સંચાલન અંગે સવાલ ઉઠાવ્યા છે.
લલિત મોદીના દીકરા રુચિર મોદી હાલ ભારતમાં છે. તેઓ ગોડફ્રે ફિલિપ્સમાં ડાયરેક્ટર છે.
લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકીને પોતાના પિતાના મૃત્યુના ગણતરીના દિવસોમાં જ કે. કે. મોદીના લાંબા સમયથી વિશ્વાસુ સાથી અને સચિવના મૃત્યુ વિશે પણ સવાલ ઉઠાવ્યા હતા.

મોદી વિ. મોદી

મોદી પરિવારનાં બે જૂથમાં એક તરફ બીના મોદી છે. નાના દીકરા સમીર તથા દીકરી ચારુ મોદી ભારતીયા છે.
લલિત મોદીનું કહેવું છે કે બીનાની ઉંમર 70 વર્ષની છે અને તેમને કંપનીના સંચાલનનો અનુભવ નથી.
જ્યારે માર્ચ-2020માં 'Forbes'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બીના મોદીએ દાવો કર્યો હતો કે તેઓ 2014થી કંપનીની કામગીરી સાથે સંકળાયેલાં છે અને ચાલીસીમાં પહેલું ઉદ્યમ બીના બ્યુટિક શરૂ કર્યાં બાદ ઇગો સ્પેશિયાલિટી રેસ્ટોરાં ચેઇન, દેસાંજ સલૂન તથા બૅકન ઇન્ડસ્ટ્રિઝની સ્થાપના કરી છે. બીના સાથે દીકરા સમીર તથા દીકરી ચારુ મોદી ભારતીયા છે.
બીજી તરફ, લલિત મોદી તથા તેમના દીકરા રુચિર મોદી છે. રુચિર કંપનીમાં ડાયરેક્ટર હોવા ઉપરાંત અલવર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડન્ટ પણ છે. ક્રિકેટજગત, બીસીસીઆઈ તથા કંપનીમાં તેઓ લલિતનો 'ચહેરો' છે.
રુચિરના આરોપો ઉપર બીના મોદી તથા ગોડફ્રે ફિલિપ્સ જૂથે ઔપચારિક રીતે મૌન સેવ્યું છે.

સખી બની પુત્રવધૂ
લલિત મોદીનાં પત્ની મીનલ તથા બીના વચ્ચેના સંબંધ પણ અલગ જ 'આયામ' ધરાવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પોતાના પુસ્તક 'ધ આઈ.પી.એલ. સ્ટોરી. ક્રિકેટ, ગ્લૅમર ઍન્ડ બિગ મની' (પૃષ્ઠક્રમાંક 142-144)માં અભિષેક દુબે લખે છે :
'નાઇજીરિયામાં પેસુ આસવાની નામના ભારતીય મૂળના વેપારીએ ખાસ્સું કાઠું કાઢ્યું હતું. તેઓ આફ્રિકામાં વસતાં ભારતીયોમાં જાણીતું નામ હતા. તેમનાં દીકરી મીનલનું લગ્ન જેક સાગરાની સાથે થયું હતું.'
'મીનલ ગર્ભવતી હતાં, ત્યારે સાઉદી અરેબિયામાં જેક કોઈ કૌભાંડમાં ફસાયા, જેના કારણે તેઓ દીકરી કરિમાના જન્મસમયે લંડનમાં મીનલની સાથે નહોતા. સમય જતાં બંને છૂટા પડ્યાં.'

ઇમેજ સ્રોત, PTI
'અમુક વર્ષ સુધી મીનલ ખાડી દેશોમાં રહ્યાં અને ભારત પરત ફર્યાં. ત્યારે બીના મોદીએ પોતાની સખીને સધિયારો આપ્યો અને દિલ્હીના એક ઘરમાં મીનલ રહેતાં. આ ગાળામાં લલિત અને તેમનાથી 10 વર્ષ મોટાં મીનલ મળતાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો. આગળ જતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય જાહેર કર્યો.'
'આને કારણે મોદી પરિવારમાં હાહાકાર મચી ગયો. સમગ્ર પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો, પરંતુ લલિતનાં દાદી દયાવંતીને કારણે બંનેનું લગ્ન શક્ય બન્યું, જોકે દિલ્હીના ઉચ્ચ પરિવારોના વર્તુળમાં મીનલ સ્વીકાર્ય ન બની શક્યાં. આથી, દંપતી કરિમા સાથે મુંબઈ આવી ગયું.'
'અહીં શરૂઆતના સમયમાં તેઓ જુહુ ખાતે કે. કે. મોદીના એક ફ્લેટમાં રહ્યાં. અહીં પરિવાર વિસ્તર્યો અને પુત્ર રુચિર તથા પુત્રી આલિયાનો જન્મ થયો. આથી તેઓ મીનલનાં પિતાના જુહુ ખાતેના ઘરમાં શિફ્ટ થઈ ગયાં, જેને બાદમાં તેઓએ ખરીદી લીધું.'
'આ ગાળામાં લલિત મોદીને તેમના પિતા તરફથી નિભાવખર્ચ મળતો. તેમની કિસ્મત રાજસ્થાનના પાટનગર ગયા બાદ પલટી, 2005માં તેઓ રાજસ્થાન ક્રિકેટ સંઘના અધ્યક્ષ બન્યા અને આઈ. પી. એલ. (ઇન્ડિયન પ્રીમિયર લિગ)ના પ્રથમ કમિશનર બન્યા.'
2018માં મીનલ મોદીનું નિધન થયું.

ક્રિકેટમાં 'લલિત'કલા

ઇમેજ સ્રોત, Reuters
અનેક પરંપરાગત ધંધામાં નિષ્ફળ રહેલા લલિત મોદી ક્રિકેટમાં સફળ રહ્યા. તેમણે 2008માં આઈ. પી. એલ.ની શરૂઆતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. જે ક્રિકેટ સાથે ગ્લેમર, બોલીવૂડ, ઉદ્યોગજગત અને નાણાંનું કોકટેલ હતું.
ચિયરલિડર્સે ગ્રાઉન્ડ ઉપર ગ્લૅમર ઉમેર્યું. મોડી રાત સુધી ચાલતી પાર્ટીમાં જે તે શહેરની હસ્તીઓ એકઠી થતી.
એપ્રિલ-2010માં મોદીએ આઈ.પી.એલ.ની નવી ટીમ 'કોચ્ચી ટસ્કર્સ'ના માલિકોની જાહેરાત કરી. અહીંથી તેમની પડતીની શરૂઆત થઈ.
ટીમના માલિકોના કહેવા પ્રમાણે, મોદીએ વિશ્વાસઘાત કર્યો હતો, બી.સી.સી.આઈ.એ પણ નારાજગી વ્યક્ત કરી.
આ વિવાદમાં યુ.પી.એ. (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ ઍલાયન્સ) સરકારના તત્કાલીન પ્રધાન શશિ થરૂરનું નામ આવ્યું અને તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આઈ.પી.એલ.માં એક પછી એક કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિના મામલા બહાર આવતા રહ્યા, જેમાં પ્રસારણના હક્ક આપવાનો વિવાદ પણ ઊઠ્યો.
લલિત મોદી ઉપર ગેરરીતિ આચરવાના આરોપ લાગ્યા અને તેઓ દેશ છોડી ગયા. ત્યારથી તેઓ લંડનમાં છે અને અલગ-અલગ સ્થળોએ રજા ગાળતા જોવા મળે છે.
અનેક ધંધામાં નિષ્ફળ રહેલા લલિત અચાનક જ પ્રાઇવેટ જેટ, બી.એમ. ડબલ્યુ તથા મર્સિડિઝની નવીનતમ ગાડીમાં ફરવા લાગ્યા. ઇન્કમટૅક્સ તથા ઍન્ફૉર્સમેન્ટ ડાયરેક્ટ્રેટ (ઈ.ડી.)એ લલિત સામે તપાસ હાથ ધરી.
લલિત મોદીએ હંમેશાં પોતાની ઉપરના આરોપોને નકાર્યા છે. તેમણે પારિવારિક સંપત્તિ જ પોતાની 'લક્ઝરી લાઇફસ્ટાઇલ' પોષતી હોવાની વાત કહી. હાલમાં પણ આ કેસમાં તપાસ ચાલુ છે.
2013માં બી.સી.સી.આઈ.એ લલિત મોદી ઉપર આજીવન પ્રતિબંધ લાદી દીધો. મૅચ ફિક્સિંગના આરોપોની વચ્ચે બે 'ચેન્નાઈ સુપરકિંગ્સ' અને 'રાજસ્થાન રોયલ્સ'ની ટીમ ઉપર બે-બે વર્ષ માટે પ્રતિબંધ લાદ્યો.

કે. કે. મોદી જૂથ

ગોડફ્રે ફિલિપ્સની વેબસાઇટ મુજબ, કે. કે. મોદી જૂથ વાર્ષિક દોઢ અબજ ડૉલરનું ટર્નઓવર ધરાવે છે. કંપનીના દાવા પ્રમાણે, લગભગ 22 હજાર કર્મચારી કામ કરે છે.
કંપની ભારતમાં 'માર્લબરો' સિગારેટ બનાવે છે અને તેનું વિતરણ કરે છે.
આ સિવાય 'ફૉર સ્ક્વેર', 'બ્લૅક ઍન્ડ ગોલ્ડ', 'સ્ટીલર', 'જેસલમેર' અને 'સહારા' જેવી સિગારેટ બનાવે છે. કંપની બદલાતા સમયની સાથે ઈ-સિગારેટ તથા ઈ-લિક્વિડ તથા 'પાન વિલાસ' અને 'રાગ'ના નેજા હેઠળ પાન-મસાલા-ગુટકાનું ઉત્પાદન અને વિતરણ કરે છે.
ચારુ મોદી ભારતીયા કે. કે. મોદી જૂથ તથા ટ્રસ્ટની અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. જ્યારે સમીર 'Amway'ની તર્જ ઉપર નિર્મિત મલ્ટિલેવલ માર્કેટિંગ યોજના 'મોદીકૅર', કૉસ્મેટિક બ્રાન્ડ 'કલરબાર' તથા રિટેલ સ્ટૉર '24*7' સાથે જોડાયેલા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












